પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Showing posts with label કાવ્યમંજરી. Show all posts
Showing posts with label કાવ્યમંજરી. Show all posts

Saturday, February 22, 2020

ચાલ, એક ઘર બનાવીએ...



રેતી હોય કે હોય ભીના સાંઠા
કાગળ હોય કે હોય કચરો
હૈયે વળગાડી વ્હાલપથી લીંપી
ચાલ, એક ઘર બનાવીએ ....!
હોય સમંદર સામે ભલે અફાટ,
સુનામી હોય કે હોય વાવાઝોડું
ઝંઝાવાત સામે અડીખમ રહે
એવું એક ખોરડું બનાવીએ
ચાલ, એક ઘર બનાવીએ ....!
ક્યાં જઈશું મળે કોઈ આપણું,
કોણે પૂછીએ રસ્તો ભૂલ્યાં !
હવે અલગારી બની ભટકીએ
હૈયામાં ટાઢક વળે એવો છાંયડો શોધીએ,
ચાલ, એક ઘર બનાવીએ ....!
જ્યાં ન હોય કંટક ને કાંકરા
ના હોય શબ્દોના શર આકરા
હોય બધું નિર્મળ નિર્મલ
શીતળતાનો અનુભવ થાય એવું
ચાલ, એક ઘર બનાવીએ ....!
શું કરીશું આ ફડીયા બધાં ?
શું કરીશું આ આલીશાન તાબૂતને
યાદ શું કરીએ સ્વાર્થ સબંધને
અલગારી જિંદગી મળે એવું
ચાલ, એક ઘર બનાવીએ ....!


Thursday, March 17, 2016

જા નહીં આવું ! ( સ્વરચિત કાવ્ય )


 જા નહીં આવું !

એક ટીકડી આલ, બાકી નહીં આવું
લેવા દેજે દાવ બાકી નહીં આવું !
દૂર જાય ગિલ્લી તો શોધવા તું જ જાજે
પણ બાપુને નહીં કહેતો, બાકી નહીં આવું !
લેશન બાકી છે, જોવા દેજે, જરી - જરી લખીય દેજે
પેપર આખું ભરવા દેજે, બાકી નહીં આવું !
જો મા શોધવા આવે તો, તારા ખળે સંતાડજે
સાચે સાચું કહી ન દેતો, બાકી નહીં આવું !
મરવા - કેરી તોડવા દેજે, વાડીએ આવજે સાથે
ચાર મારા ને બે તારા, બાકી નહીં આવું !
છીંડે જઈ ઊભો રહેજે, બાપુ આવે તો ઝટ કહેજે
પકડાઈ જાઉં તો છોડવી લેજે, બાકી નહીં આવું !
- રમેશ પટેલ 


Wednesday, March 2, 2016

ખોટ પડી ?

આ જીવો બધાં  ચાલ્યાં કયાં, અહીંયા તે શું ખોટ પડી?
આ વિહંગ બધાં ચાલ્યાં કયાં, અહીયા તે શું ખોટ પડી?
માનવ જાણે સર્વોપરી
સઘળે કરી સિનાજોરી
તૂટી આહારકડી ને પોષણકડી, બસ પાણીની યે ખોટ પડી
આ ભૂચર બધાં  ચાલ્યાં કયાં,   અહીયા તે શું ખોટ પડી?
વૃક્ષોને જંગલો કપાયાં, ને થયાં મકાનો રસ્તાઓ
વર્તમાનને અવગણી  હવે,     તમે કાં પસ્તાઓ?
લીલી ધરા પર તો હવે ચોપાસ, સિમેન્ટને પત્થરની ઝડી
આ વનચર બધાં ચાલ્યાં કયાં,  અહીયા તે શું ખોટ પડી?
વન - ઉપવન  ને  જંગલમાં,
બધે માનવ તણી જ ભીંસ વધી
પૂલો, ચેકડેમ, ને મહાકાય બંધો, નદીઓ બધી નાથી દીધી
આ જળચર બધાં  ચાલ્યાં કયાં,  અહીયા તે શું ખોટ પડી?
સઘળાં જીવોનો તું છે,    એક જ સરજનહાર
કીડીને કણ હાથીને મણ, સૌનો તું પાલનહાર
ઊંચે નભમાં પણ હવે નથી શાંતિ, વિમાનોની દોડાદોડી
         આ ખેચર બધાં  ચાલ્યાં કયાં, અહીંયા તે શું ખોટ પડી?       

Monday, January 18, 2016

બસ, જોયા જ કરું !

બસ, જોયા જ કરું !

સાગર તટે ઊભી હું અફાટ જળને ને ઘૂઘવતાં દરિયાને જોયા કરું !
મળે જો સાંન્નિધ્ય તારું બસ રેતીમાં આંગળી ફેરવ્યા જ કરું !
ડૂબતો સૂરજ ને ઢળતી સાંજ જેમ શરમનાં શેરડા લાલમલાલ
ક્ષિતિજે હોય અજવાળું કે અંધારું કુદરતને હું નિહાળ્યા જ કરું !
દરિયાનાં ખારાં જળને વીંટળાઇને આવતો આ મીઠો વાયુ
પાલવ મારો વીંખાઇ જાય ને માથાનાં વાળને હું પંપાળ્યા જ કરું !
ઉપર આકાશ મહીં ચમકે આ ચંદ્રમા શીતળ એની ચાંદની
મળે જો સાંન્નિધ્ય તારું બસ હાથમાં હાથ ઝાલી ઘૂમ્યા જ કરું !
આ નથી કંઇ માનવ તણો કોઇ ખેલ કરિશ્મા છે કુદરતનો
નભમંડળ મઢયું છે તારલાઓથી બસ, વિસ્મયથી નિહાળ્યા જ કરું !
 ખારા જળ પર જો આ તારાનો પ્રકાશ કેવો સુંદર રેલાયા કરે
મળે જો સાન્નિધ્ય તારું બસ અસ્તિત્વ મારું હું  જોયા જ કરું !

                                                             - રમેશ પટેલ 

Monday, January 11, 2016

સરનામું તારું મોકલાવ મને !

સરનામું તારું મોકલાવ મને!

તું કયાં વસે હું નથી જાણતો, નથી તારું ઠામ ઠેકાણું
હું આવું તારી પાસે, સરનામું તારું મોકલાવ મને !
કહે છે હરિ તારા હજાર નામ, તેથી હું મુંઝાઉ છું
નક્કી નામ એક જ રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે મંદિરમાં ને કોઇ કહે મસ્જિદમાં ?
તારું ઠેકાણું ચોકકસ રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે સ્થળમાં, કોઇ કહે પવન - પાણીમાં
રસ્તો લખીને રાખ, સરનામું તારું મોકલાવ મને!
કોઇ કહે વેદ - ઉપનિષદમાં, ને કોઇ કહે કુરાન
હું અલ્પ મતિ મુંઝાયો છું, સરનામું તારું મોકલાવ મને!
હું નથી સુદામા કે નગર તારું શોધી શકું !
તું તો જીવમાત્રનો નાથ, સરનામું તારું મોકલાવ મને!
નથી તાંદુલ નથી ભાજી, તને કેમ કરી શકું રાજી?
કહેવાય તું ભાવનો ભૂખ્યો, સરનામું તારું મોકલાવ મને!
હું ડૂબ્યો સંસાર સાગરે, મારી નૈયા ભવપાર લગાવ
તું તારણહારો નાથ, સરનામું તારું મોકલાવ મને!
આ તો ભવભવની માયા, અહીં માનવ હું છું ભરમાયો
શોધે બધાં પત્થરમાં તને, સરનામું તારું મોકલાવ મને!

- રમેશ પટેલ

Monday, December 28, 2015

હું શિક્ષક છું !


શિક્ષક છું !

હણી તિમિરને ફેલાવું અજવાસને, અક્ષરનો આરધક શિક્ષક છું.
પ્રેમ, હૂંફ ને  લાગણીનો અવતાર, નીતિ ન્યાયનો હું પર્યાય છુ.

દર્પણ છું,   દર્શક છું,   દૃષ્ટિ છું   ને   દિવાકર છું   કેળવણીનો
શાને  કરો  છો  પરવા    સમાજની, ખબરદાર હું શિક્ષક છું.

નથી કોઇ એષણા નથી કોઇ તૃષ્ણા નથી જિજીવિષા બીજી કોઈ
બનવું છે પથદર્શક, માર્ગદર્શક ભાવિ પેઢીનો માટે હું શિક્ષક છું.

લાવી  શકું  હું  ક્રાંતિ, આદર્શો, વિચારો  ને  વિચારધારાની પણ
ઉન્નતિનાં માર્ગે ખોડાયો છું ઝંડી રાતી લઈને, જુઓ હું શિક્ષક છું.

થાય  છે  અત્યાચાર બધે,  ને   ભ્રષ્ટાચાર તો વળી સચરાચર!
મિટાવવા   સમાજની   અફરાતફરી,  હા,  જુઓ  હું  શિક્ષક છું.

ઊઠ જાગ હવે તું નિદ્રામાંથી જવાબદારી સ્વીકારી લે પળપળની
શાંત   જળમાં      ખળભળાટ    શાને ? :  જો  હું  શિક્ષક  છું.

નથી  આપતો  એકલું  અક્ષરજ્ઞાન,  શીખવું  છું જીવન કૌશલ્યો
નાગરિક   તણું   ઘડતર   કરવા,    આજીવન   હું  શિક્ષક   છું.


                                          - રમેશ પટેલ 

Saturday, July 12, 2014

♣♣ ક્યાં રમે દીકરી ?


ક્યાં રમે દીકરી ?


નથી રહી હવે લાકડીને નથી રહી હવે કિંકરી, નથી ઘરમાં એકેય ઠીકરી,
નથી રહયું હવે આઝાદ આંગણું નથી આંબાવાડિયું, પછી કયાં રમે દીકરી ?
નથી રહયાં હવે પાંચિકા ને નથી આટા - પાટાનથી ઘરમાં પેલી ગિલ્લી !
નથી હવે  ઘેઘૂર વડલાનો છાંયો, નથી લાંબી વડવાઈ, પછી કયાં રમે દીકરી ?

નથી સોય ને દોરો  કે નથી પેલા કાપડનાં ડૂચાં, કેમ બને ગાભાની ઢીંગલી ?
સ્કૂલકલાસ ને ટયૂશનની રોજેરોજ ભારે દોડાડોડી, પછી કયાં રમે દીકરી ?
નથી સહિયર  ને નથી હવે પનઘટની વાટ, નથી પેલાં વાવ, કૂવા ને તળાવ
નથી સમજણ જુઓ ઊંઢણની હવે કે નથી સમજણ બેડાની, કયાં રમે દીકરી ?

માથે બેડું ને પગમાં ઝાંઝર કમર લચકે, નથી સખી સંગ અલકમલકની વાતો
તે પનઘટ નથી, ગરગડી નથીનથી ગાગર ને ઘડો, પછી કયાં રમે દીકરી ?
મમ્મી કહે : ભણતાં જઈ  ઘરકામ  બધાં શીખવાનાં : સમાજમાં રહેવાનું છે !
વિનય વિવેક આદર સત્કાર, ને કચરાપોતું શીખવાનું પછી કયાં રમે દીકરી ?

મમ્મી - પપ્પાસર ને મેડમ,   મામી - માસી ને ફોઈ બધાં જ મૂકે પાબંદી !
કહે, ભાઈની જેમ ઘરની બહાર - નહીં નીકળવાનું ! કહો, કયાં રમે દીકરી ?
ઘર અને પોળનાં બધાં કહે વાતાવરણ બહું બગડી ગયું સૌ ચર્ચા કરે દિલ્લીની
ટીવીમાં તો રોજ બ્રેકીંગ ન્યૂઝ : છેડતી ને બળાત્કારનાં, તો કયાં રમે દીકરી ?

માર્ચ - ૨૦૧૩

----------------------------------

અલી, તું જલ્દી આવજે ને ઠીકરી બે લેતી આવજે,
આંબાવાડિયે મારીશું ઠેકડા, દોરી પણ શોધી લાવજે !