પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Saturday, February 22, 2020

શિક્ષક જીવનનું સાફલ્ય


શિક્ષક જીવનનું સાફલ્ય...

     બીજા અનેક વ્યવસાયો સાથે શિક્ષકનાં વ્યવસાયને મૂલવીએ કે એની સરખામણી કરીએ ત્યારે શિક્ષકને મળેલ ‘ ગુરુ પદ’ નો સહેજે ખ્યાલ આવશે. શિક્ષકના વ્યવસાય આગળ જાણે - અજાણે  ' પવિત્ર ' શબ્દ જરૂર લાગી જાય છે ! જો તેને ફરજની રીતે મૂલવીએ તો ત્યાં પણ ' પવિત્ર ' શબ્દ લગાડવામાં આવે છે. આ વ્યવસાય... આ ફરજ પવિત્ર કેવી રીતે...? એવાં સવાલના જવાબમાં પણ અનેક વિકલ્પ આપી શકાય ! ખેર ! વાત અત્યારે પવિત્ર...અપવિત્ર કે પછી વ્યવસાય અથવા ફરજની નથી કરવી..! મારે મન તો ફરજ એ એક જીવન જીવવાની કળા અને જીવન જીવતાં શીખવવાની કળા છે. મેં માન્યું છે કે ઈશકૃપા થકી (બાળકનું પેદા થવું ૧૦૦% વિજ્ઞાન હોવા છતાં ગર્ભધારણ થી માંડી તેના જન્મ સુધીની પ્રક્રિયામાં ક્યાંક કોઈ ચમત્કાર પણ છે, તે માત્ર વિજ્ઞાન નથી !) માતા બાળકને જન્મ આપે... અનેક એકપક્ષી સંવાદો પછી માતા ધીમે ધીમે તેને ભાષા શીખવે... પછીની એટલે કે ત્રીજા નંબરે શિક્ષકની નૈતિક જવાબદારી શરૂ થાય છે ! આમ, શિક્ષક... બાળક નાં જીવન ઘડતર માટે ઈશ્વરનો માતા પછીનો બીજો દૂત છે જેણે ભાષા...અને આચરણના માધ્યમ થકી બાળકનું જીવન ઘડતર કરવાનું છે. આ રીતે વિચારીએ તો વ્યવસાય કે ફરજ નો છેદ જ ઊડી જાય ! આને ઈશ્વરે સોંપેલું કર્મ જ ગણવું રહ્યું !
            ૨૦૦૭ પહેલાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની શાળામાં આવી જ જીવન જીવતાં શીખવવાની કળા શીખતાં અને શીખવતાતે સમયને આજે તો ૧૨ કરતાં વધુ વર્ષો વીતી ગયાં છે. શિક્ષક તરીકે આપણા જીવનમાં નવા બાળકો આવતાં જાય અને જાણે - અજાણે જૂના વિસરાતા જાય એવું બને ! પણ ખરેખર પેલી ' કળા ' શીખેલા જ નહિ પણ બેશક જીવનમાં ઉતારી ચૂકેલા એવાં અમારા (હું અને મારા પત્ની લલિતા) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (બાળકો) મોબાઈલ ટેકનોલોજીના માધ્યમથી પહેલાં સ્વયં એકત્ર થયાં. એજ ટેકનોલોજીના માધ્યમથી તેઓએ અમને શોધ્યાં. આટલા વર્ષ બાદ કોણ ક્યાં રહે છે તેનાથી અજાણ આ બાળકોએ અમને શોધવાની કોશિશ કરી. તેમણે અમારા નાના પુત્ર ચિંતનનો સંપર્ક કર્યો. તેની સાથે અમારા વિશે ખરાઈ કરી અને બાદમાં રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી. આ બધું નક્કી થયાં બાદ તેમણે અમને (ખાસ કરીને લલિતાને જાણ ન કરવાની શરત કરી, કેમકે આવનાર તમામ બાળકો તેમનાં જ વર્ગનાં હતા.) સરપ્રાઈઝ આપવા પ્લાન કર્યો. ચિંતન સાથે સતત તેઓ સંપર્કમાં રહ્યાં. આખરે તા. ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ ને રવિવારના રોજ ૮ વિદ્યાર્થીઓ અચાનક અમને શોધતાં અમારા ઘરે આવ્યાં. અમને મળવાની લ્હાયમાં શોરબકોર થતાં સોસાયટીના અડોશી - પડોશી અને અમે બંને જણા પણ તેમને જોતાં જ રહી ગયા ! આટલા બધાં યુવાન - યુવતીઓ એકસાથે કોણ હશે ! મેડમ... સર..ની બૂમો પડી...! ત્વરિત એક બે ચહેરા ઓળખાયા. અમે ભાવવિભોર થયાં. એક પછી એક બધાંને ભેટી પડ્યાં. થોડીવાર તો જાણે કંઈ જ સમજાયું નહી. અમે પતિપત્ની ભાવાવેશમાં આવી ગયાં. ભાવપૂર્વક સજળ નેત્રે તમામને ઘરમાં દોરી ગયા. સૌને બેસાડી વારાફરતી ઓળખ કરી. ૧૨ વર્ષ પહેલાંની અમારી એ શાળા અને એ વર્ગખંડ હુબહુ દેખાયાં. પરિવર્તન કેટલું રોચક અને રોમાંચકારી હોય છે ! તમામ પૈકી ચાર વિદ્યાર્થીઓ અને ચાર વિદ્યાર્થીનીઓ હતી. આઠ પૈકી ત્રણ વિદ્યાર્થીનીઓ અને ત્રણ વિદ્યાર્થીઓ પરિણીત હતાં. ત્રણે વિદ્યાર્થીનીઓ પોતાનાં શ્વસુર ગૃહેથી અને નાનાં બાળકો સાથે આવી હતી ! આ દ્રશ્ય હજી પણ નજર સામેથી ખસતું નથી. એક તરફ આ જ વિદ્યાર્થીઓ નાનાં હતાં તે દ્રશ્યો પરોક્ષ રીતે નજર સમક્ષ તરતાં હતાં ત્યારે બીજી તરફ સાક્ષાત તેઓનાં ખોળામાં રમતાં, તોફાન કરતાં નાનાં બાળકો અમે જોતાં હતાં...અદભૂત દ્રશ્ય ! વારાફરતી તેઓનાં નામ જાણતા વર્ષો પહેલાનું વર્ગનું હાજરી રજીસ્ટર આંખો સમક્ષ આવી ગયું.
બાળકો સાથે કલાકો સુધી મન ભરીને વાતો કરી. આર્થિક નબળી પરિસ્થિતિને કારણે કોઈ નોંધપાત્ર અભ્યાસ કરી શક્યું નહોતું પણ તેમ છતાં તમામ પગભર છે અને જીવનલક્ષી કેળવણી પામી શક્યાં છે તેવું મહેસૂસ થયું. તેમનામાં રહેલી ગુરુ - શિષ્ય પરંપરાની આસ્થાનાં દર્શન સ્હેજે થયાં. તેઓ કૌટુંબિક ભાવનાથી સજ્જ હોય તેવું અનુભવાયું. વચ્ચે વચ્ચે આજની મોંઘી પળોની યાદગીરી કેમેરામાં કંડારતાં ગયા. આ સમયમાં સૌની પાસે સમયની પાબંદી છે. ઘણીવાર આજની પેઢી પાસે આવી આદર - સન્માનની અપેક્ષા રાખવી વધુ પડતી લાગતી હોય તેવા સમયમાં આજની ઘટના અમને સ્વર્ગીય સુખનો અનુભવ કરાવી ગઈ ! આજની પેઢીની નકરી ટીકા જ કરવી એ અહી ખોટું સાબિત થતું જણાયું. બીજી રીતે વિચારીએ તો જે તે સમયે બાળકોને આપેલી કેળવણી આજે સોળે કળાએ ખીલી ઊઠી હોય એવો અહેસાસ થયો. આટલા વર્ષો પછી ઔદ્યોગિક વિસ્તારમાંથી આ રીતે બાળકો ભેગા થાય અને પોતાનાં મેડમને મળવાનો પ્લાન કરે એ વિચાર અને વાત જ અદકેરી છે.
અમારા આશ્ચર્ય વચ્ચે તેઓએ અમને વસ્તુ સ્વરૂપે ઋણ દાન અર્પણ કર્યું ત્યારે અમારી આંખો જરૂર ભીની થઈ ગઈ ! ફરી એકવાર અમે તેઓને ભેટી પડ્યાં. આજે મળેલા એવોર્ડની તો કિંમત ન આંકી શકાય ! કદાચ શિક્ષક જીવનનું આવું સાફલ્ય તો અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું ! અમારું શિક્ષક જીવન આજે ધન્ય ધન્ય બની ગયું.

નોંધ : આ તમામ વિદ્યાર્થીઓ મારા પત્ની લલિતાના જ ધોરણનાં વિદ્યાર્થીઓ હતાં. હું તે સમયે તે શાળામાં મુખ્યશિક્ષક હતો.



ચાલ, એક ઘર બનાવીએ...



રેતી હોય કે હોય ભીના સાંઠા
કાગળ હોય કે હોય કચરો
હૈયે વળગાડી વ્હાલપથી લીંપી
ચાલ, એક ઘર બનાવીએ ....!
હોય સમંદર સામે ભલે અફાટ,
સુનામી હોય કે હોય વાવાઝોડું
ઝંઝાવાત સામે અડીખમ રહે
એવું એક ખોરડું બનાવીએ
ચાલ, એક ઘર બનાવીએ ....!
ક્યાં જઈશું મળે કોઈ આપણું,
કોણે પૂછીએ રસ્તો ભૂલ્યાં !
હવે અલગારી બની ભટકીએ
હૈયામાં ટાઢક વળે એવો છાંયડો શોધીએ,
ચાલ, એક ઘર બનાવીએ ....!
જ્યાં ન હોય કંટક ને કાંકરા
ના હોય શબ્દોના શર આકરા
હોય બધું નિર્મળ નિર્મલ
શીતળતાનો અનુભવ થાય એવું
ચાલ, એક ઘર બનાવીએ ....!
શું કરીશું આ ફડીયા બધાં ?
શું કરીશું આ આલીશાન તાબૂતને
યાદ શું કરીએ સ્વાર્થ સબંધને
અલગારી જિંદગી મળે એવું
ચાલ, એક ઘર બનાવીએ ....!