પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, July 20, 2014

♣ શાળા વિશેષતા પેમ્પલેટ

શાળા વિશેષતા પેમ્પલેટ 

 ઝડપી સમય પરિવર્તનના આ યુગમાં માણસ માત્રની અપેક્ષા ને આકાંક્ષાઓ વધી છે. અહીં ગરીબ - તવંગર કે બીજો કોઈ જાતિભેદ નથી. દરેકને તાત્કાલિક પરિણામ જોઈએ છે. પરિણામે દરેક ક્ષેત્રમાં સ્પર્ધાઓ બેશક વધી છે. બધાંને પોતાની ક્ષમતાને પીંછાણ્યા  વિના ટોચ ઉપર પહોંચવું છે. ટોચ પર પહોંચવાની ઈચ્છા હોવી આવકાર્ય પણ છે. પરંતુ વગર મહેનતે કે અધૂરી મહેનતે અવ્વલ દરજ્જે પહોંચી જવાની તમન્નાઓનું શું
           શિક્ષણનાં ક્ષેત્રમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આવી સ્પર્ધાઓને કારણે શિક્ષણનું વ્યાપારીકરણ બેશક વધ્યું છે. માત્ર બાળકોનાં શિક્ષણને કારણે શહેરો તરફ સ્થળાંતર થનારો એક મોટો વર્ગ છે. આ સ્થળાંતરિત વર્ગમાંથી ચોક્કસ વર્ગ એવો પણ ખરો કે જેને શહેરી ખર્ચ ઉપરાંત બાળકોની સ્કુલ ફી કે ટ્યુશન ફી કે તેને લગતાં આનુસાંગિક ખર્ચાઓ પરવડે તેમ નથી. ઘણીવાર ગાડરિયા પ્રવાહ જેવું લાગે ! જે લોકો ગામડાઓમાં ખેતી, પશુપાલન કે બીજા વ્યવસાયોને કારણે સ્થળાંતર નથી કરી શકતાં તેવા વાલીઓ પોતાનાં નાનાં નાનાં બાળકોને સ્કુલનાં વાહનો કે પ્રાઇવેટ વાહનો દ્વારા શહેરો તરફ ધકેલે છે. બાળકનાં કામનાં કલાકોની ખુદ માતાપિતાને કે શાળા મેનેજમેન્ટ કોઈને પરવા નથી. કારણ છે : સ્પર્ધા.  અપેક્ષાઓ વધી છે. ગુણવત્તા કે પાયાની કેળવણીના ખ્યાલની કોઈને તમા નથી. કોરું શિક્ષણ, પોપટીયું જ્ઞાન, ગોખણપટ્ટી, લખાપટ્ટી... વધતાં જાય છે. બાળક સમયનાં અભાવે માતાપિતા, સગાસબંધી, અડોશી - પડોશી, ફળિયા કે મહોલ્લાનાં પરિજનોનાં સામાજિક વ્યવહાર અને લાડપ્યારથી વંચિત થતું જાય છે.  
               ગામડાઓમાં પાયાનું શિક્ષણ આપતી સરકારી શાળાઓ કાર્યરત છે. આ શાળાઓ પાયાની કેળવણી આપવાનું કામ કરે છે. સરકાર આ શાળાઓનાં નિભાવ અને ત્યાંથી  ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે  તે માટે નીતનવા પરિવર્તન લાગુ કરે છે. આજે આ શાળાઓમાં જે સુવિધાઓ કે નવા ફેરફારો આવ્યાં છે તેનાથી ગામલોકો સુપેરે પરિચિત નથી. એ શાળાઓમાં થતાં ખર્ચની સુવિધાઓની વાત હોય કે પછી ડીગ્રી શિક્ષકોની ભરતીની વાત હોય, કમ્પ્યુટર લેબની વાત હોય કે બાયસેગના લાઇવ પ્રસારણની વાત હોય, તાલીમોની વાત હોય કે મહત્વાકાંક્ષી અને વિવિધતાથી ભરપૂર પ્રજ્ઞા અમલીકરણની વાત હોય... વાલીઓ, ગ્રામજનો શાળામાંથી મળતી આ સેવાઓથી માહિતગાર હોવા જોઈએ. અહીં જે તે શાળાનાં આચાર્ય સહીત શિક્ષકોની ફરજ બને કે લોકજાગૃતિ માટે તેઓ નવતર પ્રયોગો કરે ! સમાજને જાગૃત રાખવાનું કામ શિક્ષકોનું જ હતું અને આજે પણ છે. સવાલ એ છે કે સરકારી શાળાઓમાં આવેલાં થોકબંધ ફેરફારોની સાથે જનજાગૃતિનું કામ કેટલી શાળાઓ કરે છે ! માર્કેટિંગનો જમાનો છે, સ્પર્ધાનો જમાનો છે ત્યારે હાથ પર હાથ ધરી બેસી રહેવાનો આ સમય નથી. માત્ર વાલીઓને નહીં, સમસ્ત સમાજને શાળા સાથે જોડવા મન ચાહે તેવા પરંતુ આત્મીય પ્રયત્નો કરીએ. 
           મારી આવી જ મૂંઝવણનાં ઉકેલ માટે મેં શાળા વિશેષતા પેમ્પલેટ બનાવી  મારી શાળામાં મળતી સુવિધાઓથી લોકોને માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો. પેમ્પલેટ ઘરે ઘરે પહોંચાડ્યા . લોકોમાં પ્રજ્ઞા બાબતે જાગૃતિ આણવા ભરપૂર પ્રયત્નો કર્યા. લોકોને શાળા સાથે જોડી સ્કૂલ કોમ્યુનિટીનું વાતાવરણ ઊભું કર્યું.  આ રહ્યો એ પેમ્પલેટનો નમૂનો......  

નવો પ્રવેશ ચાલુ છે....... જલ્દી કરો..........
આપણા ગામની પ્રાથમિક શાળા હવે બની છે : પ્રજ્ઞા શાળા
ગત વર્ષ – ૨૦૧૧થી આપણી શાળામાં ધોરણ – ૧ તથા ૨ માં સફળતાપૂર્વક પ્રજ્ઞા પ્રોજેક્ટનો અમલ




પ્રકૃતિની ગોદમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ
તદ્દન નવો જ અભિગમ, ગરીબ વાલીઓનાં બાળકો માટે ઉત્તમ શિક્ષણની સુંદર સુવિધા એટલે પ્રજ્ઞા
પુસ્તક વિના એટલે કાર્ડ દ્વારા શિક્ષણ, દફતર વિના એટલે ભાર વગરનું ભણતર



ધોરણ – ૧ / ૨ માં સફળતા બાદ હવે જૂન – ૨૦૧૨થી ધોરણ – ૩ અને ૪ માં પ્રજ્ઞાનો અમલ
મફત શિક્ષણ, અનુભવી અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ.
અલગ વિષયખંડ, અલગ વિષય શિક્ષક
ઉચ્ચ ક્વોલીટીનું સુંદર સાહિત્ય હવે તમારાં બાળકો માટે તદ્દન વિનામૂલ્યે !
પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટ હવે ધોરણ – ૧ થી ૪ માટે આપણા જ ગામમાં.....
પાયાનું શિક્ષણ, અસરકારક શિક્ષણ એટલે જ પ્રજ્ઞા.
મોંઘીદાટ ફી ભરતાં પણ ન મળે તેવું શિક્ષણ હવે આપણા ગામની શાળામાં સાવ મફતમાં !
સ્વઅધ્યયનપોથી, દફતર, પેન, પેન્સિલ, રબર, સંચો, કલર.... દરેક વસ્તુ શાળામાંથી જ ઉપલબ્ધ !
જલ્દી કરો, ગામની શાળામાં તમારા બાળકનાં પ્રવેશ માટે આજે જ વિચારો.
વાલીમિટિંગ અને બાળકોનાં કાર્યને પ્રત્યક્ષ નિહાળવાની અમૂલ્ય તક !
એસ.એસ.એ. મિશન, યુનિસેફ અને રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગનો એ સરાહનીય પ્રયત્ન !
આપણા ગામની પ્રાથમિક શાળામાં હવે આધુનિક શિક્ષણ પદ્ધતિ “ પ્રજ્ઞા ” નો અમલ
પ્રજ્ઞાવર્ગ નિહાળવા જરૂરથી પધારો.
·         પ્રજ્ઞા : અજવાળું અજવાળું *
પ્રાથમિક શાળા, નવાતરિયા તા. અંકલેશ્વર જી. ભરૂચ
સંપર્ક : શ્રી, રમેશચંદ્ર પટેલ પ્રજ્ઞા શિક્ષક, ૯૪૨૬૮ ૫૯૦૫૬
વાંચો, વંચાવો સાથે બીજાને જરૂર સમજાવો.

Wednesday, July 16, 2014

♣ પ્રજ્ઞા પરિચય

પ્રજ્ઞા પરિચય 


પ્રજ્ઞા - અજવાળું અજવાળું
 પ્રજ્ઞા પરિચય
  રાજ્યભરમાં ૨૦૧૦ થી (પહેલો ફેઝ) શરુ થયેલી આ પ્રજ્ઞાયાત્રા ૨૦૧૪માં (પાંચમાં ફેઝ) સુધી પહોંચી છે. ધોરણ – ૧ અને ૨ પછી ધોરણ – ૩ અને ૪ અને ચાલુ વર્ષે તાલુકાદીઠ ૨ શાળાઓમાં પ્રજ્ઞાની શુભ શરૂઆત થઈ ચૂકી છે. પ્રજ્ઞા દ્વારા મળેલા ઉત્સાહજનક પરિણામો અને પરિવર્તનોની વાત સાંભળવા મળે છે, ત્યારે માત્ર એક પ્રજ્ઞા શિક્ષક તરીકે પણ આનંદ અનુભવું છું. બીજી તરફ પ્રજ્ઞા વિષે ઘસાતી કે અણસમજભરી કોઈ વાત થાય ત્યારે થોડું વસમું પણ લાગે છે. ખાસ કરીને પ્રજ્ઞાને જાણ્યા કે સમજ્યા વિના કોઈ અભિપ્રાય આપી દે છે ત્યારે તે વ્યક્તિની વૈચારિક દરિદ્રતા પ્રત્યે દયા ઉપજે છે. નવી તરાહ છે, સુધારા વધારા ચાલુ છે, પોઝીટીવ અભિપ્રાયો આવકાર્ય છે આ બધું હોવા છતાં કોઈ નબળી માનસિકતાને લઈ વણ વિચાર્યા અભિપ્રાયો આપવા ઠીક નથી. આર.ટી.ઈ. માં હવે બાળકો જ સર્વોપરી હોય, બાળકોનું હિત સર્વોપરિ હોય ત્યારે આપણે આપણી રૂઢિગત ટેવો, માન્યતાઓ, પ્રણાલીઓ... બધું ધીમે ધીમે ત્યજવું પડે અને પરિવર્તનના પ્રવાહને પણ પારખવો પડે ! હંમેશા કોઈ નવી વાત, નવી તરાહ આવે ત્યારે પ્રારંભમાં સ્વાભાવિક રીતે જ આપણે તેને સ્વીકારવા તત્પર નથી હોતાં. આ એક સાહજિક અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી બાબત છે. ઘણીવાર તો એવું પણ બને કે પરિવર્તનનું નક્કર પરિણામ જોયા પછી પણ તે ઘણીવાર સ્વીકારી શકાતું નથી, અથવા એમ કહું કે કેટલાંક લોકો આંખ આડા કાન કરી લે છે.
          મિત્રો, પ્રજ્ઞા માત્ર તરાહનો જ બદલાવ નથી, પણ તેથીએ વિશેષ છે. શિક્ષક સજાગ હોય તો પ્રજ્ઞા પાયાનાં ધોરણોમાં બાળકનાં મન, ચિત્ત ઉપર ઘણીબધી પોઝીટીવ મનોવૈજ્ઞાનિક અસરો કરી શકે છે કે જે બાળકની આ ઉંમરે અતિ આવશ્યક છે. મારા મતે પહેલા ધોરણથી લઈ ક્રમશઃ બીજા, ત્રીજા અને ચોથા સુધીમાં આ અસરોને શિક્ષકે અપગ્રેડ કરવાની જરૂર રહે છે. દા.ત. પ્રજ્ઞામાં દરેક નાની મોટી વસ્તુઓ કે શૈક્ષણિક સામગ્રીઓ બાળકોની પહોંચમાં રાખવામાં આવે છે. અહીં તેને પૂર્ણ સ્વતંત્રતા મળે છે. ધાકધમકી કે ડર – બીકનું વાતાવરણ નથી. પરિણામે બાળકોમાં પૂર્ણ આત્મવિશ્વાસ અને પોતાપણાની ભાવનાનો વિકાસ થયો છે. ચોરી કરવાની વૃત્તિનો આપમેળે છેદ ઊડી ગયો છે. આ મોટું પરિવર્તન છે. કિસીને કુછ ગલત કામ કિયા હૈ તો બાબુજી કહતે હૈ – યે ચિડીયાઘર કે સંસ્કાર નહીં હૈ ! (ચિડીયાઘર – સબ ટીવી) વૈસે કુછ ગલત કામ હો જાતા હૈ તો આજ મે ભી કહ શકતા હું – યે પ્રજ્ઞા કે સંસ્કાર નહીં હૈ ! પ્રજ્ઞાના બાળકોમાં મેં શિસ્તનો બદલાવ જોયો છે, અને અનુભવ્યો પણ છે. આ બાબતે બાળકોનાં માતાપિતા તરફથી જાહેર પ્રતિભાવો પણ મળેલાં છે. ઝંડીનો વાસ્તવિક ઉપયોગ ન થતો હોય તો તુરંત લાગુ કરવાની મારી ભલામણ છે. સિમ્બોલનો ઉપયોગ ન થતો હોય તો તુરંત લાગુ કરવાની મારી નમ્ર ભલામણ છે. ખોયા – પાયા બોક્ષ ન મૂક્યું હોય તો મૂકવાની અને સમુચિત ઉપયોગ માટે બાળકોને સમજ આપવાની પણ ભલામણ કરું છું. પ્રજ્ઞા વર્ગમાં અરીસો – કાંસકો – નેપકીન – નેઈલકટર.. ઈત્યાદિ ન મૂક્યાં હોય તો સત્વરે મૂકવાની મારી ભલામણ છે. પ્રારંભિક વાલીમિટિંગ ન થતી હોય તો અને વાલીમિટિંગ થતી હોય ને વાલીવર્ગખંડ બેઠક ન થતી હોય તો તેનો અમલ કરવા ભલામણ કરું છું. આ ઉપરાંત શેતરંજીની ચોક્કસ શેપમાં ગડી કરવી, પ્રજ્ઞા સામગ્રી યથાસ્થાને જ બાળકો પાસે મૂકાવવાનો આગ્રહ, શાળાનાં કમ્પાઉન્ડમાંથી નિયમિત રૂપે નાનાં બાળકોની  (ધોરણ – ૧ અને ૨) સાથે રહી કાગળ, પ્લાસ્ટિક જેવો સૂકો કચરો વીણાવવો, બાળક સાથે બાળક બની જવું... યે સબ કરકે તો દેખો...!
       પ્રજ્ઞા થકી પાયામાં મૂળાક્ષરો કે અંકલેખનથી શરુ થતી વાત ક્રમશઃ ભાષાકીય અને ગાણિતિક કૌશલ્યોને પરિપક્વ કરે છે. મારા મતે તો રેમીડીયલ હટાવવાનો એકમાત્ર સરળ ઉપાય એટલે પ્રજ્ઞાનો અસરકારક અમલ ! આવો, મિત્રો પ્રજ્ઞાને ઊંડાણપૂર્વક સમજીએ અને અપનાવીએ. પ્રજ્ઞાનો પ્રચાર – પ્રસાર કરી વાલીજાગૃતિ થકી ગામનાં બાળકો ગામની જ પોતીકી શાળામાં જ પ્રારંભિક શિક્ષણ મેળવે તે માટે સઘન પ્રયત્નો કરીએ.
પ્રાસ્તાવિક

વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ માટે શાળા શિક્ષણમાં કે વર્ગ શિક્ષણમાં અનેકવિધ અભિગમોનો શિક્ષક ઉપયોગ કરતો રહ્યો છે, જે ક્યારેક શિક્ષણકેન્દ્રી, બાલકેન્દ્રી, વર્ગખંડકેન્દ્રી કે પાઠ્યપુસ્તકકેન્દ્રી હોય છે. સમગ્રતયા વર્ગનાં તમામ બાળકોને કેન્દ્રમાં રાખીને, તેમની વૈયક્તિક ભિન્નતાને ધ્યાનમાં લઈને, તેમની ક્ષમતા – ગતિને આધારે શિક્ષણ આપવાનું હંમેશા મુશ્કેલ રહ્યું છે. શિક્ષણવિદ્દો અને શિક્ષકો એવા અભિગમની શોધમાં હોય છે, જેમાં વર્ગનાં તમામ બાળકોને શિક્ષણ પ્રક્રિયામાં જોડી શકાય, તેમની શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યક્તિગત માપન થઈ શકે. આ તમામ આવશ્યકતાને ઉપકારક બને એવો અભિગમ એટલે પ્રજ્ઞા.
       પ્રજ્ઞા એ જૂથ આધારિત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવવાનો એવો અભિગમ છે કે જેમાં સ્વનિર્મિત અધ્યયન સામગ્રીનાં નિર્માણ અને ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ સહપાઠી શિક્ષણ વડે પોતાની ગતિ – ક્ષમતા અનુસાર આનંદદાયી શિક્ષણ મેળવે છે અને મેળવેલ શિક્ષણનું વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મૂલ્યાંકન કરે છે. આ અભિગમની શૈક્ષણિક પ્રક્રિયા ભાર વગરનાં ભણતર સાથે સંકળાયેલી છે, જેથી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે.         
      
પ્રજ્ઞા જૂથોનો પરિચય

પ્રજ્ઞા એ ‘ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન ’ પ્રાપ્ત કરવાનો અભિગમ છે. જેમાં છ છાબડીઓ હેઠળ વિદ્યાર્થીઓનાં આપમેળે રચાતા છ જૂથ થકી શૈક્ષણિક કાર્ય થાય છે. આવા છ જૂથોનો આપણે વિગતવાર પરિચય મેળવીએ.
૧. છાબડી - ૧ શિક્ષક સમર્થિત જૂથ (શિક્ષક સહાય જૂથ) Teacher Support Group
૨. છાબડી - ૨ આંશિક શિક્ષક સમર્થિત જૂથ (આંશિક શિક્ષક સહાય જૂથ) Partial  Teacher 
                                                                                                    Support Group                
૩. છાબડી - ૩ સાથી સમર્થિત જૂથ (સાથી સહાય જૂથ) Pear Learning Group
૪. છાબડી - ૪ આંશિક સાથી સમર્થિત જૂથ (આંશિક સાથી સહાય જૂથ) Partial Pear
                                                                                                         Learning Group
૫. છાબડી - ૫ સ્વઅધ્યયન જૂથ Self Learning Group
૬. છાબડી - ૬ મૂલ્યાંકન જૂથ  Assessment Group

પ્રજ્ઞા અભિગમના હેતુઓ   

·        પ્રત્યેક બાળક પોતાની ગતિ મુજબ શિક્ષણ મેળવવાની તક મેળવે.
·        ભાર વગરનાં પ્રવૃત્તિલક્ષી, આનંદદાયી શિક્ષણની તક પ્રાપ્ત કરે.
·        પ્રત્યેક બાળક ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવે તેવી ક્ષમતા વિકસિત કરે.
·        બાળકો જરૂરી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા કે નહીં તેનું મૂલ્યાંકન કરે.
·        પોતાનાં કાર્ય અને સાધનસામગ્રી તથા પદ્ધતિઓનું સ્વમૂલ્યાંકન કરે અને તેમાં સુધારણા કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.
·        બહુસ્તરીય શિક્ષણ માટેની સામગ્રી નિર્માણ કરે તથા તેનો ઉપયોગ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.
·        બાળકો એકબીજાનાં સહયોગથી શિક્ષણ મેળવે.
·        વિશેષ જરૂરીયાતવાળા બાળકોને પૂરતો સમય અને તક મળે.
·        વિવિધ સ્તરનાં બાળકોને શીખવા માટેની સમાન તક મળે.
·        બાળકની પ્રત્યેક તબક્કે થતી પ્રગતિથી વાલી, શિક્ષક અને બાળક પોતે પણ માહિતગાર રહે. 


Tuesday, July 15, 2014

♣ પ્રાથમિક શિક્ષણ : પાયાનું શિક્ષણ.


પ્રાથમિક શિક્ષણ : પાયાનું શિક્ષણ.



        પ્રાથમિક શિક્ષણને પાયાનું શિક્ષણ ગણવામાં આવ્યું છે. પ્રાથમિક શાળા એ નૈતિક મૂલ્યોનાં વિકાસનું કેન્દ્રબિંદુ છે. આ ઉંમરે બાળકોનો શારિરીક વિકાસ, માનસિક વિકાસ, નૈતિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે, તેવા આ મહત્વનાં સમયગાળામાં પ્રાથમિક શિક્ષણ અસરકારક ભૂમિકા ભજવી શકે છે. બાળક શહેરનું હોય કે ગામડાનું - તેના જીવન વિકાસનાં  ઘડતરમાં આ પાયાની કેળવણીનો ફાળો  અતિ મહત્વનો છે. સમાજનો અશિક્ષિત અને કયારેક કહેવાતો શિક્ષિતવર્ગ પણ આ પ્રાથમિક સ્તરનાં શિક્ષણને એક સામાન્ય પ્રક્રિયા ગણી લગભગ તેની અવગણના કરે છે. સામાજિક જાગૃતિ લાવવામાં ગ્રામ્યસ્તરે આપણે સૌ કયાંક ને કયાંક ઉણા ઉતર્યા છે ખરા ? ખેર ! એ ચર્ચાનો વિષય છે. મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ હોવા છતાં આઝાદી પછીનાં આટલા લાંબા સમયગાળા બાદ પણ આપણે નીતનવાં અભિયાનોનો આશરો લેવો પડે છે.
શિક્ષણનો સાર્વત્રિક વ્યાપ વધારવા અને ૧૦૦% સાક્ષરતા જેવા લક્ષ્યાંકો સિદ્ઘ કરવા સામાજિક જાગૃતિ લાવવી અને રોજગારીનાં પ્રશ્નોનોનું  નિરાકરણ (સ્થળાંતર અટકાવવું) લાવવુંઆ બંને બાબતો પરત્વે આપણે શિક્ષકોએ, કેળવણીકારોએ, સ્વૈચ્છિક - સામાજિક સંગઠનોએ અને સરકારોએ પોતાનું  દૃષ્ટિબિંદુ એકીસાથે કેન્દ્રિત કરવાની તાતી જરૂર છે. શું આપણો વિકાસ શહેરો લક્ષી છે કે પછી શહેરોનાં પોશ વિસ્તારની ઝાકઝમાળને જ આપણે વિકાસ ગણીએ છીએ. અહીં સ્પષ્ટ થવું પડે ! શહેર અને ગામડાનો સંતુલિત વિકાસ જ સ્થળાંતરને નાથી શકે અને શિક્ષણ જ સમાજને બેઠો કરી શકે એ નિર્વિવાદ છે. બીજી તરફ શિક્ષણ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ જ હવે આર્થિક ઉર્પાજન હોવાનું શિક્ષિત સમાજ દ્વારા પણ મહદ્‌અંશે પ્રતિપાદિત થતું જાય છે,  આવો સમાજ પોતાનાં બાળકોને આર્થિક બળનાં જોરે આગળ ધકેલતો થયો છે. આ સ્પર્ધામાં ગામડાનાં  કે શહેરી મધ્યમ વર્ગનાં કુટુંબમાંથી આવતા બાળકનાં  ભાવિ સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. ટેલેન્ટ હોવા છતાં આકરી ફી કે ડોનેશનનાં અભાવે વિદ્યાર્થી આગળ જઇ  શકતો નથી. તેનાં ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે. આ સ્થિતિ જોતાં શિક્ષણનું અમર્યાદિત ખાનગીકરણ અને વાલીઓનો મોહ જતે દિવસે મોટી સામાજિક અસમાનતા ઉભી કરી શકે છે !  આવા પરિબળોનાં સ્પર્ધાત્મક આક્રમણને કારણે અશિક્ષિત અને આર્થિક રીતે નબળાં પરિવારો હતાશ બની શિક્ષણ તરફ ભારે દુર્લક્ષ સેવતા પણ થયાં છે. સમાજમાં હવે તો પૈસાવાળા જ બાળકો ભણાવી શકે એવી એક માન્યતા પણ દૃઢ થતી જાય છે. આજના શિક્ષિત વાલીઓની અને દેખાદેખી કરનારા પ્રલોભિત માતાપિતાની જાગરુકતા એ કોઇ તંદુરસ્ત જાગૃતિ નથી, પણ આંધળુકિયા માત્ર છે. નવી પેઢીનાં કહેવાતાં ભણેલા ગણેલાં પેરેન્ટસ હવે પોતાનાં બાળકનાં જન્મ સાથે જ તેને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મનોમન નિર્ધાર કરી લેતાં હોય છે. પોતાનાં ઘરમાં, સમાજમાં, આસપાસમાં  કયાંય અંગ્રેજીનું વાતાવરણ કે માહોલ નથી ખુદ નિર્ણય કરનારા આવા પેરેન્ટસ પણ પોતે સારું અંગ્રેજી નથી વાંચી - લખી શકતાં કે નથી બોલી શકતાં ત્યાં બે ભાષા વચ્ચે પીસાતાં કુમળી વયનાં બાળકની માનસિક સ્થિતિની શી દશા થતી હશે ! સામાજિક મોભાનાં આવા એક માત્ર કારણોસર આવા સ્પર્ધાત્મક વાતાવરણમાં બાળકોનો ભોગ લેવાય રહયો છે. કેળવણીનો મુખ્ય ઉદ્દેશ જ બાળકોનાં સર્વાંગી વિકાસનો  છે.
વિદ્યાર્થી પોતે પોતાનાં જીવનમાં ભવિષ્યમાં આવનારા પડકારો સામે ઝઝૂમી શકે એવી કેળવણીની જ હવે જરૂર છે. યુનિટ ટેસ્ટ અને સ્માર્ટ ઇન્ટરવ્યુ નાં રૂપાળા નામે પરીક્ષારૂપી બોજ બાળકનાં મનમાં ડર સહિતની ખોખલી સ્પર્ધાને જન્મ આપે છે. વર્ગનાં અવ્વલ નંબરનાં બાળકને આંબવા શિક્ષક, શાળા, વાલી અને સમાજ પોતાનાં બાળકની રસ - રુચિ, ગમા અણગમા, બુદ્ઘિઆંક વગેરે બાબતોને ધ્યાનમાં લીધા વગર મિથ્યા પોરસ ચડાવતાં જ રહે છે. શું જુદી જુદી કોમ્પીટીશનનાં નામે સંસ્થાપકો અને વાલીઓ બાળકો પર કોઈ વણજોઈતો અતિરેક તો નથી કરતાં ને ? બાળકેન્દ્રી શિક્ષણનાં પ્રણેતા અને મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાનું બાળ મનોવિજ્ઞાન સમજવાની અને અપનાવવાની સાચા અર્થમાં જરૂર છે. પ્રાથમિક શિક્ષણ સાચા અર્થમાં પાયાનું શિક્ષણ છે. પ્રાથમિક શિક્ષણમાં કચાશ એ પાયા પરની ઈમારત માટે ખતરારૂપ છે. આવો, આપણે સૌ શિક્ષકો પાયાનાં શિક્ષણનો વિચાર કરી આપણી રૂઢિગત શૈલી બદલી ચાઈલ્ડ ફ્રેન્ડલી કલાસરૂમ, ચાઈલ્ડ ફ્રેન્ડલી સ્કૂલ અને ચાઈલ્ડ ફ્રેન્ડલી ટીચીંગ માટે નવી જ તરાહ અપનાવીએ. વાલીઓની, સમાજની ઈચ્છા - આકાંક્ષાની પરિપૂર્તિ માટે અને આપણા હાથ નીચેના બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આપણું પુનિત યોગદાન આપીએ. આપણે પ્રજ્ઞાવાન બનીએ, પ્રજ્ઞામય બનીએ, પ્રજ્ઞારત બનીએ.  

                                                                     - રમેશ પટેલ
પ્રજ્ઞા : અજવાળું અજવાળું

તમે ગરીબ બાળકોનું પ્રતિનિધિત્વ કરો છો, તેમને કદી અન્યાય કરશો. ”

- આદ્રા અગ્રવાલ. આઇ..એસ. (મે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભરૂચ)
(પ્રજ્ઞાવર્ગની મુલાકાત વેળા)


Saturday, July 12, 2014

♣♣ ક્યાં રમે દીકરી ?


ક્યાં રમે દીકરી ?


નથી રહી હવે લાકડીને નથી રહી હવે કિંકરી, નથી ઘરમાં એકેય ઠીકરી,
નથી રહયું હવે આઝાદ આંગણું નથી આંબાવાડિયું, પછી કયાં રમે દીકરી ?
નથી રહયાં હવે પાંચિકા ને નથી આટા - પાટાનથી ઘરમાં પેલી ગિલ્લી !
નથી હવે  ઘેઘૂર વડલાનો છાંયો, નથી લાંબી વડવાઈ, પછી કયાં રમે દીકરી ?

નથી સોય ને દોરો  કે નથી પેલા કાપડનાં ડૂચાં, કેમ બને ગાભાની ઢીંગલી ?
સ્કૂલકલાસ ને ટયૂશનની રોજેરોજ ભારે દોડાડોડી, પછી કયાં રમે દીકરી ?
નથી સહિયર  ને નથી હવે પનઘટની વાટ, નથી પેલાં વાવ, કૂવા ને તળાવ
નથી સમજણ જુઓ ઊંઢણની હવે કે નથી સમજણ બેડાની, કયાં રમે દીકરી ?

માથે બેડું ને પગમાં ઝાંઝર કમર લચકે, નથી સખી સંગ અલકમલકની વાતો
તે પનઘટ નથી, ગરગડી નથીનથી ગાગર ને ઘડો, પછી કયાં રમે દીકરી ?
મમ્મી કહે : ભણતાં જઈ  ઘરકામ  બધાં શીખવાનાં : સમાજમાં રહેવાનું છે !
વિનય વિવેક આદર સત્કાર, ને કચરાપોતું શીખવાનું પછી કયાં રમે દીકરી ?

મમ્મી - પપ્પાસર ને મેડમ,   મામી - માસી ને ફોઈ બધાં જ મૂકે પાબંદી !
કહે, ભાઈની જેમ ઘરની બહાર - નહીં નીકળવાનું ! કહો, કયાં રમે દીકરી ?
ઘર અને પોળનાં બધાં કહે વાતાવરણ બહું બગડી ગયું સૌ ચર્ચા કરે દિલ્લીની
ટીવીમાં તો રોજ બ્રેકીંગ ન્યૂઝ : છેડતી ને બળાત્કારનાં, તો કયાં રમે દીકરી ?

માર્ચ - ૨૦૧૩

----------------------------------

અલી, તું જલ્દી આવજે ને ઠીકરી બે લેતી આવજે,
આંબાવાડિયે મારીશું ઠેકડા, દોરી પણ શોધી લાવજે !

Friday, July 11, 2014

♣ રાજયકક્ષાએ નવાતરિયા પ્રાથમિક શાળા

નવાતરિયા શાળાનાં બે ફોટોગ્રાફ્સની રાજયકક્ષાએ પસંદગી

રાજયકક્ષાએ જે ૧૦૦ ઇનોવેશન્સ પસંદ થયાં છે તેને આવરી લઈ પુસ્તક તથા ‘ઈ પુસ્તક’ બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પસંદગી પામેલા ઇનોવેશન્સને વિષયવાર વર્ગીકૃત કરવામાં આવ્યાં છે, જેમ કે... ભાષા, ગણિત, વિજ્ઞાન, નામાંકન અને પ્રવેશ, કન્યાકેળવણી.... વગેરે. દરેક વિષયનાં પ્રારંભમાં ટાઈટલને અનુરૂપ એક ફોટો મૂકવામાં આવ્યો છે.      રાજયકક્ષાએ મારું ઇનોવેશન પ્રાથમિક શાળા, નવાતરિયા તા. અંકલેશ્વર પસંદગી પામ્યું હતું. મારા નવતર પ્રયોગ સાથે મેં મૂકેલા ફોટોગ્રાફ્સમાંથી બે ટાઈટલ ૧. ચાઈલ્ડ ફ્રેન્ડલી સ્કૂલ અને ૨. સ્કૂલ કોમ્યુનીટી માટે મારી શાળાનાં બે ફોટોગ્રાફ્સની પસંદગી થઈ છે.  


" ચાઈલ્ડ ફ્રેન્ડલી સ્કૂલ " ટાઈટલ માટે આ ફોટોગ્રાફ્સની પસંદગી થઈ છે.   


" સ્કૂલ કોમ્યુનિટી " ટાઈટલ માટે આ ફોટોગ્રાફ્સની પસંદગી થઈ છે.   

♣ રાજયકક્ષાએ મારા ઇનોવેશનની પસંદગી.

“ મારો નવતર પ્રયોગ મારા વિદ્યાર્થીઓ માટે ”
રાજયકક્ષાએ મારા પ્રજ્ઞા ઇનોવેશનની પસંદગી
      રાજ્યનાં કેટલાંય પ્રાથમિક શિક્ષકો અંતરિયાળ ગામડાઓ, દુર્ગમ કહી શકાય તેવા વિસ્તારો અને ગામડાઓમાં પોતાનું પાયાની કેળવણીનું કામ  ભારે અસુવિધાઓ વચ્ચે વર્ષોથી અને કદાચ આજે પણ સુપેરે બજાવી રહ્યાં છે. ‘ પ્રાથમિક શિક્ષણ એટલે પાયાનું શિક્ષણ.’ જિલ્લા પંચાયત હસ્તકની મોટાભાગની શાળાઓ ગામડાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં જે બાળકો આવે છે, તે મોટેભાગે એવા કુટુંબોમાંથી આવે છે કે જેઓ પોતે શિક્ષણથી વંચિત છે, ગરીબાઇને કારણે આજીવિકાનો પણ પ્રશ્ન છે અને તેથી રોજગારી માટે સ્થળાંતરનો ગૂંચવાડાભર્યો કોયડો પણ છે. આ બાળકો ધોરણ – ૧ માં પ્રવેશ મેળવે છે ત્યારે કોઈ વિધિવત્ શિક્ષણ મેળવીને નથી આવતા પણ તે પોતાનાં કુટુંબની રહેણીકરણી, સામાજિક આદાનપ્રદાન, રીતભાત, કુટેવો બધુંજ સાથે લઈને આવે છે. આવા બાળકો – વાલીઓ અને  સમવિષમ પર્યાવરણ વચ્ચે કેટલાંય શિક્ષકો વતનથી દૂર રહી શિક્ષણકાર્ય કરાવી રહ્યાં છે.
       ઉપરોક્ત માહોલ વચ્ચે કામ કરતાં રાજયનાં પ્રાથમિક શિક્ષકો પોતાની શાળામાં, પોતાનાં વર્ગખંડોમાં પરિસ્થિતિ અનુસાર બાળકો સાથે શીખવા – શીખવવાની બાબતમાં સતત મથામણ કરતાં રહે છે. આ સંજોગોમાં સ્થાનિક બીજી કેટલીયે વિશિષ્ટ પરિસ્થિતિઓ છે કે જેથી શાળામાં  કોઈ એક પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય ક્યારેય કરાવી શકાતું નથી. શિક્ષક સમય – સંજોગ અને તકાજો જોઈ પોતાની રીતે, અનુભવોમાંથી શીખીને પોતાની કોઈ વિકસાવેલી પદ્ધતિ અજમાવી શિક્ષણકાર્ય કરાવે છે. દા. ત. હું આજથી ૩૪ કરતાં વધારે વર્ષ પહેલાં સાગબારા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારનાં ગામની પ્રાથમિક શાળામાં હતો ત્યારે ત્યાંના સમાજમાં મોટેભાગે સાંજના ન્હાવાની પ્રણાલિ હતી. ખાસ કરીને ગરમીનાં દિવસોમાં આખો દિવસ બાળકો સાથે બેસી શિક્ષણકાર્ય કરવું કપરું કામ હતું, ત્યારે હું એ પરિસ્થિતિના નિરાકરણ માટે એકાંતરે દિવસે બાળકોને ખાડી (નાની નદી) એ ન્હાવા લઈ જતો અને આવ્યા પછી શૈક્ષણિક કાર્ય કરાવતો. આ એક ઉદાહરણ માત્ર છે, આવા તો અનેક અનુભવો છે.
       શાળામાં ભૌતિક સુવિધા વધારવાની વાત હોય, શાળામાં બાળકોને તેડી લાવવાનું કામ હોય, ગામડાનાં બાળકોને ટેકનોલોજીનો ટચ કરાવવાની વાત હોય કે પછી ગ્રામ સુધારણાનું કામ હોય, શિક્ષણનાં અધિકારની વાત હોય કે વાલી અને એસ.એમ.સી.ને શાળા સાથે જોડવાની વાત હોય અનેક મુશ્કેલીઓ વચ્ચે, અનેક પડકારો વચ્ચે અંતરિયાળ ગામડાઓમાં શિક્ષકનો આ સેવાયજ્ઞ અવિરત ચાલુ જ રહે છે. કેટલાંયે શિક્ષકોએ સ્થાનિક પર્યાવરણનો ઉપયોગ કરી પોતાની શાળાને નંદનવન સમી હરિયાળી બનાવી છે, તો બીજી તરફ શાળાનાં બાળકો સમયની સાથે કદમ મિલાવી ચાલી શકે તે માટે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. શાળાઓને સરકારી ગ્રાન્ટનાં ઉપયોગની સાથે દાતાઓના સહકારથી વધુ સુસજ્જ બનાવી છે. કર્મનિષ્ઠ શિક્ષકોએ શિક્ષણ પદ્ધતિમાં નિત નવા અખતરાઓ અને પ્રયોગો કર્યા છે.  
આવા સાચા અર્થમાં મુઠ્ઠી ઊંચેરા કહી શકાય એવા શિક્ષકોને શોધી તેમણે કરેલા નવાચારને રાજ્ય અને દેશનાં બીજાં શિક્ષકો સુધી પહોંચાડવા આઈ.આઈ.એમ. (IIM) અમદાવાદ જેવી ખ્યાતનામ સંસ્થાએ જી.ઈ.આઈ.સી. (GEIC) અને સૃષ્ટિ (SRISTI) સાથે મળી આ બીડું ઝડપ્યું અને પાર પાડ્યું.
હા, મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત સમીટ – ૨૦૧૨માં શિક્ષણની ગુણવત્તા સુધારવાના ભાગરૂપે  આઈ.આઈ.એમ. (IIM) અને જી.ઈ.આઈ.સી. (GEIC) એ જી.સી.ઈ.આર.ટી (GCERT) સાથે એટલે કે શિક્ષણ વિભાગ સાથે એમ.ઓ.યુ. (MOU) કર્યા હતાં. દરેક જિલ્લાના ડાયેટમાં  ઇનોવેશન બેંક બનાવવામાં આવી. શિક્ષકો પોતાનાં નાના નાનાં ઇનોવેશન સરળતાથી સબમિટ કરી શકે તે માટે ત્રણ ફોલ્ડનું પેમ્પલેટ દરેક શાળાને માર્ચ – એપ્રિલ ૨૦૧૩માં પહોંચાડવામાં આવ્યું. જેમાં ઇનોવેશન એટલે શું ? ઇનોવેશનના ઉદાહરણો, સબમિટ કરવાની રીત વગેરે સઘળી માહિતી આપવામાં આવી. ડાયેટ દ્વારા બહોળા પ્રચાર – પ્રસારનું કામ થયું. પ્રત્યેક જિલ્લામાંથી વધુમાં વધુ એન્ટ્રી જમા થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં.
રાજ્યભરમાંથી આવનાર પ્રયોગોમાંથી ૧૦૦ પ્રયોગો (શિક્ષકો) ને પસંદ કરી તેઓનું રાજયકક્ષાએ સન્માન કરવાનું અને આ પ્રયોગો સુધારા વધારા સાથે આગળ વધારવાનું આયોજન હતું. લગભગ ૬૩૯૩ પ્રયોગો રાજ્યભરમાંથી એકત્ર થયાં. આ પ્રયોગોનો અભ્યાસ થયો, વારંવાર થયો. ઇનોવેશનનાં બધાંજ પાસાનાં અભ્યાસ બાદ ગુણવત્તાની દ્રષ્ટિએ જે ઇનોવેશન તારવવામાં આવ્યાં તે ઇનોવેશન સબંધિત શાળાની આઈ.આઈ.એમ. ના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી. નવતર પ્રયોગ કરનાર શિક્ષક સાથે વિસ્તૃત ચર્ચા – પ્રશ્નોત્તરી સાથે પ્રયોગની થકી થયેલ અસરો ચકાસવામાં આવી. આ આખી પ્રક્રિયા બાદ રાજ્યભરમાંથી ૧૦૦ ઇનોવેશન (એટલે કે ૧૦૦ શિક્ષકો) પસંદ કરવામાં આવ્યાં. પસંદગી પામેલા શિક્ષકોનો રાજ્યકક્ષાએ બે દિવસનો વર્કશોપ, પ્રેઝન્ટેશન, પ્રદર્શન અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો. ૧૦૦ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં.

ભરૂચ જિલ્લાના આઠ તાલુકામાંથી સબમિટ થયેલ ૩૬૩ જેટલા ઇનોવેશન પૈકી ૬ ઇનોવેશન મારા હતાં. ભરૂચ જિલ્લામાંથી સૌથી પહેલી અને સૌથી વધુ એન્ટ્રી નોંધાવી શકવાનું  સદભાગ્ય મને મળ્યું હતું. જિલ્લામાંથી છ ઇનોવેશન પસંદગી પામ્યા તેમાં મારો પ્રજ્ઞા આધારિત નવતર પ્રયોગ : પ્રજ્ઞા અજવાળું અજવાળું અંતર્ગત “ વાલીસભા – આવો એક ડગલું આગળ... ”  પસંદગી પામ્યો હતો. રાજ્યકક્ષાએ જી.સી.ઈ.આર.ટી ખાતે સૃષ્ટિ સંસ્થાનાં વિદ્વાન પ્રોફેસર, તત્વચિંતક શ્રી અનિલ ગુપ્તા સાહેબનાં વરદ હસ્તે મારું જાહેર સન્માન થયું હતું.  મેં રજૂ કરેલા તમામ છ પ્રયોગો મારા નવાતરિયા તા. અંકલેશ્વર જી. ભરૂચ શાળાનાં મારા બે વર્ષનાં કાર્યકાળ દરમ્યાનના હતાં.