પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Wednesday, July 2, 2014

♣ બાળકનો સર્વાંગી વિકાસ




બાળકનાં સર્વાંગી વિકાસ માટે શિક્ષક શું કરી શકે?


બાળકનો વિકાસ કોણ કરી શકે? બાળક જન્મથી યા જન્મ પહેલાંથી શારિરીક યા માનસિક રીતે વિકાસ પામતું જ હોય છે. એ પ્રકૃતિને આધીન છે. જન્મ બાદ તેનો વિકાસક્રમ તેનાં માતાપિતા અને પરિવાર દ્વારા એક યા બીજી રીતે થતો રહે છે. બાળકનાં શાળા પ્રવેશ બાદ તેનાં વિકાસમાં શાળાનું વાતાવરણ, નવાં નવાં મિત્રો અને શિક્ષકોનું યોગદાન ઉમેરાતું જાય છે. મહત્વનો પ્રશ્ન એ છે કે શિક્ષક બાળકનાં વિકાસ માટે શું કરી શકે? બાળકનાં સર્વાંગી વિકાસમાં એક શિક્ષકનું યોગદાન અધિકતમ મહત્વ ધરાવે છે. બાળકનાં શાળા પ્રવેશ બાદ તેનાં વિકાસ પર શિક્ષકનો રોલ અગત્યની ભૂમિકા ભજવે છે. અહીં શિક્ષક કેન્દ્રસ્થાને રહે છે. અભ્યાસક્રમની સાથે તેનાં જીવનમાં મૂલ્યલક્ષી વલણો (ગુણો) નો વિકાસ થાય છે, તે શિક્ષકે સતત નજર સમક્ષ રાખવાની જરૂર છે. આજે સમાજજીવનમાંથી દુર્ગુણોની જે બૂ આવે છે તેનું મુખ્ય કારણ મૂલ્યલક્ષી કેળવણીની અધૂરપ છે. આપણી હાલની શિક્ષણ વ્યવસ્થા શું તેને માટે જવાબદાર છે? છે તો તે કેટલે અંશેઆ અંગે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. બાળકનાં સર્વાંગી વિકાસનો ખ્યાલ ખૂબ જ મોટી બાબત છે! શિક્ષકની ભૂમિકા, શિક્ષકનાં પોતાનાં વલણો, શિક્ષકની પોતાની આંતરસૂઝ આ બધી બાબતો પર આપણે ગંભીરતાથી વિચાર કરવો પડે. શિક્ષક અભ્યાસક્રમની બહાર વધુને વધુ વિસ્તરે તો જ બાળકનો સર્વાંગી વિકાસ શકય બને! એવું ચોકકસ પણે કહી શકાય.

ચાલો, આપણે સાથે મળી બાળકનાં સર્વાંગી વિકાસને સ્પર્શે તેવા મુદ્દાની ચર્ચા કરીએ. આ વિચારો મારા પોતાનાં છે, આપ પણ આપનાં મંતવ્યો રજૂ કરશો તો આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે.

શિસ્ત :
શિક્ષણ આપવાની ને લેવાની પ્રક્રિયામાં શિસ્ત મહત્વનું બિંદુ છે. શિક્ષક સહજ રીતે શિસ્ત ને પોતાનાં શિક્ષકપણામાં ઓળવીને ચાલે તો તે બાળકનાં વિકાસ માટે ઉપયોગી બનશે. કડક શિસ્તની જેમ ટીકા થવી જોઈએ તેમ શિસ્ત વગરની શિક્ષણ પદ્બતિ પણ ઘાતક નીવડે! શિક્ષક શિસ્ત અને સંસ્કારનો સમન્વય કરી શકે તો તે બાળકનાં વિકાસનું મહત્વનું પરિબળ બની શકે.

રોલમોડેલ :
શિક્ષક પોતે રોલમોડેલ બની બાળક માટે એક સર્વોત્તમ ઉદાહરણ બને. શિક્ષક પોતે  નિર્વ્યસની અને નિર્વિકારી હોય તો બાળકનાં જીવનમાં તે અમિત છાપ છોડી શકે. બાળક પોતાની છબિ શિક્ષકમાં શોધતો હોય છે, એ બાલ્યાવસ્થામાં શિક્ષક જેવો થવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે. શિક્ષકે શીખવેલી બાબતો એને માટે બ્રહ્મવાકય સમાન હોય છે. અનુકરણ બળ સહજ સ્વભાવ છે. શિક્ષકમાં બાળકને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે.

બાહ્ય પ્રવૃત્તિઓ :
બાળક શિક્ષણની સાથે ઈતરપ્રવૃત્તિઓમાં પણ રસ દાખવે તો જ તેનો સર્વાંગી વિકાસ શકય બને. માટે શિક્ષકે સતત એને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં રસ લેતાં કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. રમત, કલા, સંગીત, ઉત્પાદકપ્રવૃત્તિઓ વગેરે ઉપરાંત હવે સમયની માંગ સાથે કમ્પ્યુટર તેમજ વિજ્ઞાન ક્ષેત્રે પણ વિશેષ તકો ઉપલબ્ધ થઈ છે, ત્યારે બાળકનાં કૌશલ્ય પ્રમાણે તેને તે ક્ષેત્ર તરફ લઈ જવા શિક્ષકે પ્રયત્ન કરવો જોઈએ.
ભાષા : 
બાળકનાં હસ્તાક્ષર, ભાષાશુદ્બિ, વ્યાકરણ વગેરે બાબતો પર પાયાનાં ધોરણોમાં વિશેષ લક્ષ આપવાની જરૂર છે. અહીં દરેક બાળક પર વ્યકિતગત ધ્યાન આપી તેને દોરવાની જરૂર છે. ભાષાની મજબૂતી બધાં વિષયો પર પ્રભાવ પાડવા સક્ષમ છે. બાળક કોઈપણ કક્ષાએ લઘુતાગ્રંથિથી ગ્રસિત ન બને તેની પૂરતી કાળજી શિક્ષકે લેવી જોઈએ.

પોઝીટીવ અભિગમ :

હકારાત્મક વલણ એ બાળકનાં મનોભાવ પર તેની સુદીર્ઘ છાપ છોડે તેવું તેનું વર્તન હોવું જોઈએ. પ્રયોગશાળામાં પ્રયોગ કરતાં તૂટી ગયેલું બીકર અને બાળકનાં હાથમાંથી પડી ગયેલો ચોક - બંને ઘટના વખતે શિક્ષકની પ્રતિક્રિયામાં ખાસ અંતર ન હોવું જોઈએ. અહીં શિક્ષકની માર્મિક ટકોર માત્ર બાળકમાં પરિવર્તન લાવી શકે. જે આ ઘટના નિહાળી રહેલા બીજા બાળકો પર પણ અસર કરશે.

પ્લેટફોર્મ :

પોતાનાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે નાનપણથી જ એને શાળામાં યોગ્ય સમયે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે શિક્ષકે સંન્નિષ્ઠ પ્રયત્નો કરવા જોઇએ. સ્ટેજ બાળકોમાં નૈતિક હિંમતનું ઘડતર કરે છે. શાળામાં સામૂહિક પ્રાર્થના સંમેલન દ્વારા આ કૌશલ્ય વિકસાવી શકાય. પ્રાર્થના સંમેલનમાં ધોરણ - ૧ થી માંડી ધોરણ - ૮ સુધીનાં તમામ બાળકોને વખતોવખત સ્ટેજ પર પોતાની કૃતિ રજૂ કરવાની તક મળે તેવું આયોજન આચાર્યશ્રી દ્વારા થાય તે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત સ્ટાફનાં તમામ શિક્ષકોની તેમાં સક્રિય ભાગીદારી હોવી જોઈએ તે પણ એટલું જ આવશ્યક છે. શાળામાં ઉજવાતાં અન્ય કાર્યક્રમો, ઉત્સવોની ઉજવણીમાં બાળકોને તક આપવી જોઈએ. કાર્યક્રમની ઉદ્‌ઘોષણા બાળક દ્વારા જ થાય તે હવે આવકાર્ય બન્યું છે. તેનો પણ શિક્ષકે લાભ લેવો જોઈએ.

સમજ :


બાળકમાં નીતિમત્તાનું ઘડતર થાય તે માટે શિક્ષક સહિત આચાર્યશ્રીએ ઉચ્ચ પ્રાથમિકનાં બાળકોમાં વિશેષ રસ લેવો જોઈએ. વખતોવખત અથવા મહિનામાં ઓછામાં ઓછું એક વખત આચાર્ય પોતે એક ધોરણનાં વિદ્યાર્થીને સામૂહિક રીતે મળી તેમની વચ્ચે નીતિગત વિચારો વહેતાં મૂકે. આ ઉંમરે બાળક ઘણાં વિચારો પચાવી શકતો હોય છે. તેનો શિક્ષકે મહત્તમ લાભ લેવો જોઈએ. શાળામાં કયારેક બનેલી એકાદી અપ્રિય ઘટનાને અવગણીને કે બાળક જે સમાજમાંથી આવે છે તે સમાજમાં ચાલતાં પ્રવાહોની દરકાર વગર શિક્ષકે તેને સાચી વાત સમજાવવામાં કયાંય કચાશ ન રાખવી જોઈએ. મારી વાત કોણ માનશેએવા પૂર્વગ્રહને ત્યજી શિક્ષકે બાળકનાં સર્વાંગી વિકાસ માટે સતત  સમજ  આપતાં રહેવું એ જ શિક્ષકધર્મ છે.

No comments:

Post a Comment