પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Wednesday, August 6, 2014

♣ પ્રજ્ઞા વર્ગનું ભૌતિક પર્યાવરણ, શૈક્ષણિક સામગ્રી અને વ્યવસ્થા

પ્રજ્ઞા વર્ગનું ભૌતિક પર્યાવરણ, શૈક્ષણિક સામગ્રી અને વ્યવસ્થા

સામાન્ય વર્ગખંડ કરતાં પ્રજ્ઞા વર્ગખંડમાં એવી નોંધપાત્ર બાબતો જોવા મળે છે  કે જેનાથી પ્રજ્ઞા વર્ગખંડનું ભૌતિક પર્યાવરણ જુદું પડે છે.

૧. વર્ગખંડની પસંદગી

પ્રજ્ઞા વર્ગખંડની દિવાલો ચિત્રાત્મક રંગરોગાન વગરની, સ્વચ્છ અને સુઘડ હોય છે. વર્ગખંડ પૂરતાં હવાઉજાસ અને પ્રકાશવાળો હોય છે. આ વર્ગમાં ચાર્ટ ચિત્રોને સ્થાન નથી. ટુકડી – ૧ અને ટુકડી – ૨ ના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા બે વર્ગખંડોની પસંદગી કરાય છે. શક્ય હોય ત્યાં સુધી બંને વર્ગખંડ બાજુ બાજુમાં હોય તેવા રખાય છે. જેથી બાળકોને અગવડ ન પડે.

૨. બેઠક વ્યવસ્થા

પ્રજ્ઞાનો મૂળ હેતુ ‘પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન’ આપવાનો છે. જેથી બેઠકવ્યવસ્થા જૂથમાં હોય છે. અહીં છ જૂથ માટે છ અલગ શેતરંજીની (અથવા આખો રૂમ કવર થાય તેવું પાથરણું) વ્યવસ્થા કરવામાં આવે છે. બાળકોને કોઇપણ સંજોગોમાં નીચે બેસાડવાનાં નથી. (આ વ્યવસ્થા શાળાએ કરવાની હોય બને ત્યાં સુધી પ્લાસ્ટીકની તાડપત્રી કે નેટ ટાઈપના પાથરણા કે જે બાળકને નુકશાન કરી શકે તેમ હોય તેવી કોઇપણ આઈટમનો ઉપયોગ ટાળવો.)

૩. વિષયખંડ


પ્રજ્ઞા અલગ વિષયખંડની સુવિધા આપે છે. જ્યાં પૂરતાં (મહેકમ મુજબ) શિક્ષકો છે ત્યાં ધોરણ – ૧ થી ૪ માં ગુજરાતી – પર્યાવરણ માટે એક વર્ગ અને ગણિત – રેઈનબો (* હિન્દી) માટે એક એમ બે અલાયદા વર્ગખંડની સુવિધા મળે છે.
* (ધોરણ – ૪ માં બીજા સત્રથી હિન્દી વિષયની શરૂઆત થાય છે.)

૪. વિષયશિક્ષક.

પ્રજ્ઞામાં  વિષયખંડની સાથે અલાયદા વિષયશિક્ષકની પણ જોગવાઈ છે. ધોરણ – ૧ થી ૪ માં ગુજરાતી – પર્યાવરણ માટે એક શિક્ષક અને ગણિત – રેઈનબો ( હિન્દી) માટે એક શિક્ષક એમ અલાયદા વિષયશિક્ષકનો લાભ મળે છે. ગુજરાતી – પર્યાવરણ વર્ગમાં પહેલી બેઠક દરમ્યાન ગુજરાતી વિષય અને બીજી બેઠક દરમ્યાન પર્યાવરણ વિષય શીખવવામાં આવે છે. તેવી રીતે ગણિત – રેઈનબોવર્ગમાં પહેલી બેઠક દરમ્યાન ગણિત વિષય અને બીજી બેઠક દરમ્યાન રેઈનબો અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
 
૫. ટુકડી વિભાજન.

પ્રજ્ઞાવર્ગનાં કોઇપણ એક વિષયખંડમાં (ધોરણ – ૧ અને ૨ કે ધોરણ – ૩ અને ૪) બંને ધોરણમાંથી ૫૦% લેખે સંયુક્ત બાળકો રાખવાનાં હોય છે. તેથી પ્રજ્ઞાવર્ગ વાસ્તવિક રીતે શરુ કરતા પહેલા ટુકડી વિભાજન કરવામાં આવે છે. ટુકડી વિભાજન કરતી વખતે કુમાર – કન્યા અને ધોરણ – ૨, ૩ અને ૪ માં બાળકોની ક્ષમતાનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. જેથી સમતોલ ટુકડી બને. પ્રજ્ઞા શરુ થવાનાં પ્રથમ દિવસે જે ટુકડી ગુજરાતી – પર્યાવરણ વર્ગમાં બેઠી હશે તે ટુકડી – ૧ ગણાશે અને જે ટુકડી ગણિત – રેઈનબો વર્ગમાં બેઠી હશે તે ટુકડી – ૨ ગણાશે.

૬. ટુકડી બદલાવ.

પ્રજ્ઞામાં રોજ દરેક ટુકડી પોતાનો વિષયખંડ બદલે છે. દા. ત. સોમવારે જે ટુકડી ગુજરાતી – પર્યાવરણ વર્ગખંડમાં બેઠી હશે તે ટુકડી મંગળવારે ગણિત – રેઈનબોના વર્ગખંડમાં બેસશે. જે ટુકડી ગણિત – રેઈનબોના વર્ગખંડમાં બેઠી હશે તે ટુકડી મંગળવારે ગુજરાતી – પર્યાવરણ વર્ગખંડમાં બેસશે.   આમ, રોજ ક્રમશઃ પરિવર્તન થતું રહેશે. 
    
૬. જૂથ વિભાજન.


જૂથ વિભાજન પ્રજ્ઞામાં ખુબ જ અગત્યનો મુદ્દો છે. પ્રજ્ઞાવર્ગ  શરૂ થવાનાં પ્રથમ દિવસથી લઈ ટુકડીની સંખ્યા મુજબ અમુક દિવસો કે સપ્તાહો બાદ જૂથ વિભાજન શક્ય બને છે. આ પ્રક્રિયા પૂરી થતાં ટુકડીના બધાંજ બાળકો છ જૂથમાં આપમેળે વિભાજીત થાય છે. આ જૂથ બાળકોની દ્રષ્ટિએ કે સંખ્યાની દ્રષ્ટિએ સતત પરિવર્તન પામતાં રહે છે.  

૭. શૈક્ષણિક સામગ્રી.

પ્રજ્ઞાવર્ગ માટે શૈક્ષણિક સામગ્રી ખરીદવા જરૂરિયાત મુજબ ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. આચાર્ય આ ગ્રાન્ટ જે તે પ્રજ્ઞાશિક્ષકને ખર્ચ માટે આપે છે. આ ગ્રાન્ટમાંથી પેન્સિલ, રબર, સંચો, કલરબોક્ષ જેવી અનેક પ્રકારની સામગ્રી ખરીદવા તથા ટી. એલ. એમ. નિર્માણ માટે ખર્ચ કરવાનો રહે છે.     

૮. પ્રજ્ઞાગીત.

પ્રજ્ઞાના પ્રચાર – પ્રસાર અને વાતાવરણ નિર્માણ અર્થે ‘ બનીએ પ્રજ્ઞાવાન ’ એ પ્રજ્ઞાગીત પસંદ કરવામાં આવ્યું છે. જેને પ્રજ્ઞા ટાઇટલ ગીત તરીકે આખા રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યું છે. આ ગીત પ્રજ્ઞા શાળામાં પ્રાર્થનાસંમેલનમાં ગાવામાં આવે છે.  જાહેર કાર્યક્રમો વખતે પણ તે ગાઈ શકાય છે. જેનાં રચયિતા શ્રી પ્રકાશભાઈ પરમાર છે.


૯. વાલીસભા.


સને – ૨૦૧૦ થી ક્રમશઃ શરુ થયેલ પ્રજ્ઞા અભિગમ એક નવતર ચીલો છે. જેમાં બાળક પાસે દફતર, પુસ્તક કે ઈતર શૈક્ષણિક સામગ્રી કે સાહિત્ય હોતાં નથી. બાળક ખાલી હાથે શાળાએ જાય એ પરિસ્થિતિમાં જાગૃત કે અજાગૃત, ભણેલા કે અભણ બધાંજ વાલીઓ મૂંઝવણ અનુભવતાં હોય છે. આ મૂંઝવણનાં ઉકેલ માટે દરેક શાળા વાલીસભા યોજી તેમને પ્રજ્ઞા વિષે પુરતી સમજ આપે એ સ્વયંભુ થાય તે જરૂરી છે. નવા સત્રનાં આરંભે, બીજા સત્રનાં આરંભે અને વર્ષનાં અંતે (ફેબ્રુઆરી કે માર્ચ માસમાં) એમ ઓછામાં ઓછી ત્રણ વાલીબેઠક બોલાવવી મારા મતે આવશ્યક છે. શિક્ષકો રસ દાખવે તો ‘ પ્રજ્ઞા વર્ગખંડ બેઠક ’ પણ યોજવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ.

૧૦. સ્વઅધ્યયનપોથી તથા પોર્ટફોલિયો નિદર્શન. 

મહિનાનાં કોઇપણ શનિવારે સારી વર્કબુકનું નિદર્શન યોજવું. વર્ગનાં બીજાં બાળકોને
આ કામ બતાવી પ્રોત્સાહિત કરવાં.
વાલીસભાના દિવસે દરેક બાળકને પોતપોતાની સ્વઅધ્યયનપોથી તથા પોર્ટફોલિયો સાથે ઊભા રાખી ખુલ્લી જગ્યામાં નિદર્શન ગોઠવવું. બાળકોને પ્રોત્સાહન મળશે અને વાલીઓ પોતાનાં, ફળિયાનાં કે અન્ય બાળકોનું કામ જોઈ શકશે. આમ, થવાથી પ્રજ્ઞાનો ફેલાવો થશે અને વાલીની મૂંઝવણનો નિકાલ થશે. પ્રજ્ઞાની કામગીરીથી તેઓ પ્રભાવિત પણ થશે. આ નિદર્શન શાળાનાં નોન પ્રજ્ઞાવર્ગનાં અન્ય (૩ થી ૮ કે ૫ થી ૮) બાળકોને પણ બતાવી શકાય તેવા પ્રયત્નો આચાર્યોએ પોતપોતાની શાળામાં કરવાં જોઈએ.   

૦-----------------------૦------------------------૦


પ્રજ્ઞા સાહિત્ય સામગ્રી પરિચય  


૧.ઘોડા (રેક)

પ્રજ્ઞા વર્ગખંડમાં ટ્રે મૂકવા નિશ્ચિત જગ્યાએ ઘોડા (રેક) બનાવવામાં આવે છે. ઠરાવેલ માપ અને ઠરાવેલ મટીરીયલ્સમાંથી આ ઘોડા શાળા કક્ષાએ બનાવવાનાં હોય છે. નવા ફેરફાર મુજબ ૨૦૧૪ થી હવે તૈયાર ઘોડા (રેક) આપવાની જોગવાઈ કરેલ છે. જેની મહત્તમ ઊંચાઈ ચાર ફૂટની મર્યાદામાં જ રાખવામાં આવે છે. ગણિત – સપ્તરંગી પ્રવૃત્તિઓના વર્ગખંડમાં એક ઘોડો જયારે ગુજરાતીપર્યાવરણના વર્ગખંડમાં બે ઘોડા હોય છે. ઘોડા શિક્ષક બેઠક એટલે કે છાબડી – ૧ ની સામેની દિવાલે ગોઠવવા જેથી ત્યાંની ગતિવિધિ પર  શિક્ષકની સતત નજર રહે.

૨. ટ્રે


પ્રજ્ઞાવર્ગમાં કાર્ડ મૂકવા માટે વિષયવાર નિશ્ચિત કલરકોડ મુજબની ટ્રે હોય છે. ગુજરાતી વિષયની ટ્રે પીળો (યલો) કલર, પર્યાવરણ વિષયની ટ્રે લીલો (ગ્રીન) કલર અને ગણિત વિષયની ટ્રે નો ભૂરો (બ્લ્યુ) કલર હોય છે. ટ્રે નો વપરાશ કરતાં પહેલાં તેના પર વિષયવાર નક્કી કરેલા સિમ્બોલ લગાવવામાં આવે છે.
૩. કાર્ડ

ઘોડામાં રાખેલ ટ્રે માં સિમ્બોલ મુજબનાં કાર્ડ મુકવામાં આવે છે. કાર્ડ પર જે સિમ્બોલ હોય તે જ સિમ્બોલ ટ્રે પર પણ હોય છે. (અભ્યાસક્રમને કાર્ડમાં વિભાજીત કરેલો હોવાથી અલગ પાઠ્યપુસ્તક નથી.) કાર્ડ પણ કલરકોડ મુજબનાં જ હોય છે.

૪. લેડર 


બાળકો સરળતાથી જોઈ શકે અને લેડર પરનાં સિમ્બોલને સ્પર્શી શકે તેટલી (ચાર ફૂટની મર્યાદા) ઊંચાઈએ ઘોડાની બાજુમાં લેડર લગાવેલ હોય છે. ગણિતનાં વર્ગખંડમાં ગણિતની એક લેડર હોય છે, જયારે ગુજરાતી – પર્યાવરણનાં વર્ગખંડમાં ગુજરાતીની એક અને પર્યાવરણની એક એમ બે લેડર લટકાવવામાં આવે છે. (લેડર એટલે નિસરણી)
લેડર સિમ્બોલના રૂપમાં અભ્યાસક્રમ સૂચિત કરે છે.  લેડર જે તે વિષયનાં ઘોડાની બાજુમાં જ રાખવાનું છે, જેથી તેનો ઉપયોગ કરવામાં બાળકને કોઈ મુશ્કેલી ન પડે.

૫. પ્રગતિમાપન રજીસ્ટર

પ્રજ્ઞા માટે વિષયવાર, ધોરણવાર  અને કલરકોડ મુજબનાં (ત્રણ) પ્રગતિમાપન રજીસ્ટર આપવામાં આવે છે. આ રજીસ્ટરમાં ટુકડીવાર નામ લખવાની સુવિધા છે. બાળક કાર્ડ પૂર્ણ કરે શિક્ષક ચકાસણી કરે પછી આ રજીસ્ટરમાં ટીક (ખરાની નિશાની) કરે છે. આ રજીસ્ટર શિક્ષકે પોતાની બેઠકની બાજુમાં હાથવગું રાખવાનું હોય છે.

૬. ડિસ્પ્લે બોર્ડ

પ્રજ્ઞા વર્ગખંડમાં બાળકોએ (ખાસ કરીને સપ્તરંગી અંતર્ગત) તૈયાર કરેલ પ્રવૃત્તિઓ બાળકો જાતે જ વર્ગખંડમાં પ્રદર્શિત કરી શકે તે માટે બન્ને વર્ગખંડમાં યોગ્ય ઊંચાઈએ ડિસ્પ્લેબોર્ડ (વર્ગદીઠ પાંચ) જગ્યાનો યોગ્ય અવકાશ રાખી લગાવવામાં આવે છે. (આ ડિસ્પ્લેબોર્ડ ભૂરો અને લીલો એમ બે કલરમાં આપવામાં આવે છે.)

૭. છાબડી


પ્રજ્ઞા વર્ગમાં છાબડી એ નક્કી કરેલાં સિમ્બોલને જૂથમાં પ્રદર્શિત કરે છે. તેના થકી બાળકને બેસવાની જગ્યા આપમેળે નિશ્ચિત થાય છે. આ છાબડી ભોંયતળિયાથી સાડાત્રણ ફૂટની ઊંચાઈ એ લગાવવામાં આવે છે. મોટેભાગે છાબડી – ૧ પ્રવેશદ્વારને ધ્યાનમાં રાખી દિવાલે યોગ્ય ઊંચાઈએ મધ્યમાં લગાવાય છે. છાબડી – ૧ ની જમણી બાજુ છાબડી – ૬ (મૂલ્યાંકન જૂથ) અને ડાબી બાજુ છાબડી – ૨ (શિક્ષક સહાય જૂથ) લગાડવામાં આવે છે. બે નંબરની છાબડી પછી કલોક વાઈઝ અનુક્રમે છાબડી – ૩ (ડાબી તરફની દિવાલે, છાબડી – ૪ સામેની દિવાલે અને છાબડી – ૫ જમણી બાજુની દિવાલે લટકાવવી. (શક્ય હોય તો છાબડી – ૩, ૪, અને ૫ ને રૂમની પહોળાઈને ધ્યાનમાં રાખી દિવાલની મધ્યમાં લગાવવી જેથી જૂથમાં બાળકોને બેસાડવામાં તકલીફ ન પડે)   
 
૮. શિક્ષક સ્લેટ

પ્રજ્ઞા વર્ગખંડમાં છાબડી – ૧ (શિક્ષક સમર્થિત જૂથ) ની નીચે લગાવવામાં આવે છે. ( આ સ્લેટનો ઉપયોગ એકી સાથે આખા વર્ગ માટે થતો નથી પરંતુ મહદઅંશે શિક્ષક સમર્થિત જૂથમાં બેઠેલાં છાબડી – ૧ નાં બાળકો માટે જ થાય છે.)
  
૯. વિદ્યાર્થી સ્લેટ

પ્રજ્ઞાવર્ગમાં બાળકોનાં ઉપયોગ માટે સારી ક્વોલિટીની વર્ગદીઠ દસ સ્લેટો આપવામાં આવે છે. આ સ્લેટ બાળકો સરળતાથી લઈ કે મૂકી શકે તેટલી ઊંચાઈએ લગાવવામાં આવે છે.

૧૦. સ્વઅધ્યયનપોથી (બાળકોની વર્કબુક)


કાર્ડ શીખવા દરમ્યાન જયારે ‘હાથમાં પેન્સીલનું ચિત્ર’ સાથેનો કાર્ડ આવે ત્યારે બાળકને સ્વઅધ્યયનપોથી (વર્કબુક) નો ઉપયોગ કરવાનો હોય છે. આ વર્કબુક ધોરણવાર, વિષયવાર અને કલરકોડ મુજબ હોય છે. તેનાં ફ્રન્ટ પેજ પર બાળકનું નામ લખવામાં આવે છે. (પહેલા ધોરણનાં બાળકોની અને શિક્ષકની સરળતા માટે બાળકનો ફોટો લગાવી શકાય.) આ વર્કબુક ઘોડાની ઉપર અથવા નીચે રાખી શકાય. 
૧૧. અર્લી રીડર

લેડરનાં ક્રમ પ્રમાણે બાળક આગળ વધતું જશે ત્યારે ‘ વાંચતા વાંદરા ’ નો કાર્ડ આવશે જેમાં બાળકે  કાર્ડમાં દર્શાવેલ નંબર મુજબની અર્લી રીડરની ચોપાનિયા ટાઈપની  બુક લઈ સ્વતંત્રપણે  વાચન કરવાનું આવશે. જેમાં મોટી પ્રિન્ટમાં ગાઢા અક્ષરે તેમજ રેગ્યુલર પ્રિન્ટમાં લખાણ હશે.

૧૨. સચિત્ર વાચનપોથી 

લેડરનાં ક્રમ પ્રમાણે બાળક આગળ વધતું જશે ત્યારે ‘ સસલું ’ નો કાર્ડ આવશે જેમાં બાળકે કાર્ડમાં આપેલા ચિહ્ન (સિમ્બોલ) મુજબ સ્વતંત્ર વાચન કરવાનું આવશે. 
દા.ત. કમળ, હાથી, કબૂતર.... વગેરે. અહીં આવા નાના વિષયો માટે નાના નાના વાક્યોમાં તેનો પરિચય, ઉપયોગ વગેરે  આપેલા હશે જે બાળકો હોંશે હોંશે વાંચવા પ્રેરાય છે.

૧૩. વાચનમાળા (ગુજરાતી)


ધોરણ – ૩ અને ૪ માં બાળકોને ગૃહ્કાર્યની શરૂઆત કરાવવાની છે. પ્રજ્ઞાના ચાઈલ્ડ
ફ્રેન્ડલી અભિગમ મુજબ અહીં ગૃહકાર્ય ખરેખર ચાઈલ્ડ ફ્રેન્ડલી છે. બાળક સામેથી
ગૃહકાર્ય માંગે તે પ્રકારે કાર્ડની રચના થયેલી છે. ગુજરાતી વિષયમાં વાચનમાળા
અંતર્ગત જે દિવસે તેને ‘ઘર’ ના ચિહ્નવાળો કાર્ડ આવે તે દિવસે સાંજે ઘરે જતી વખતે
તેને આ બુક ગૃહકાર્ય માટે આપવામાં આવે છે. બાળક ઘરેથી જે તે કાર્ડ પુરતી વિગત
લખી લાવી બીજા દિવસે વિષયશિક્ષકને તપાસવા આપે છે. વિષયશિક્ષક તપાસીને
વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન આપે છે.   

૧૪. જાતે કરીએ. (પર્યાવરણ)

પર્યાવરણ વિષયમાં  ‘ જાતે કરીએ ’ અંતર્ગત  જે દિવસે તેને ‘ઘર’ ના ચિહ્નવાળો કાર્ડ આવે તે દિવસે સાંજે ઘરે જતી વખતે તેને આ બુક ગૃહકાર્ય માટે આપવામાં આવે છે. જે બાળક ઘરેથી લખી લાવી બીજા દિવસે વિષયશિક્ષકને તપાસવા આપે છે. 


૧૫. પાકું કરીએ. (ગણિત)

ગણિત વિષયમાં  ‘ પાકું કરીએ ’ અંતર્ગત  જે દિવસે તેને ‘ઘર’ ના ચિહ્નવાળો કાર્ડ આવે તે દિવસે સાંજે ઘરે જતી વખતે તેને આ બુક ગૃહકાર્ય માટે આપવામાં આવે છે. આ બુકમાં બાળકે શાળામાં જે કાર્ડ પસાર કર્યો હોય તેને લગતું ગૃહકાર્ય હોય છે જે બાળક ઘરેથી લખી લાવી બીજા દિવસે વિષયશિક્ષકને તપાસવા આપે છે. 

૧૬. પોર્ટફોલિયો.

પ્રજ્ઞા વર્ગમાં દફતર સાથે રાખવાનું હોતું નથી. બધીજ શૈક્ષણિક સામગ્રી શાળામાંથી જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને શાળામાં જ રહે છે. બાળકે સપ્તરંગી પ્રવૃત્તિમાં તેમજ ગુજરાતી, પર્યાવરણ કે ગણિત વિષયમાં કરેલ કોઈપણ કામનાં નમૂનાઓ આ પોર્ટફોલીયોમાં જમા કરવામાં આવે છે. બાળકોનો પોર્ટફોલિયો વિવિધતાથી ભરપૂર હોય શકે છે. બાળકની ઓળખ માટે ધોરણ – ૧ અને ૨ માટે ફોટો ચિપકાવી શકાય, મૂળાક્ષર કે અંક લખી શકાય. ધોરણ – ૩ અને ૪ ના બાળકોના પોર્ટફોલિયો પર નામ લખી શકાય.

૧૭. પ્રોફાઈલ.
બાળકનાં બધા પાસાને આવરી લઇ તૈયાર કરેલ એક દસ્તાવેજ તે ‘પ્રોફાઈલ.’ બાળકની સામાન્ય ઓળખ અને તેની પ્રગતિની નોંધ અહીં કરવામાં આવે છે. તેને સમયાન્તરે
અપડેટ કરવામાં આવે છે. આ પ્રોફાઈલ ક્રમશઃ બાળક સાથે જ આગળનાં ધોરણમાં
મોકલવામાં આવે છે.

૧૮. વિદ્યાર્થી હાજરીપત્રક.

દૈનિક હાજરીપત્રક સામાન્ય ફેરફાર સાથે અન્ય ધોરણની જેમ પ્રજ્ઞા વર્ગમાં પણ તૈયાર કરવામાં આવે છે. વર્ગનાં કુલ બાળકોનાં બે ભાગ પડી તેને ટુકડી – ૧ અને ટુકડી – ૨ તરીકે ઓળખ આપવામાં આવે છે. આ ટુકડી પ્રમાણે બાળકોનાં નામ રજીસ્ટરમાં લખવામાં આવે છે અને હાજરી લેવામાં આવે છે. પ્રાર્થના સંમેલન બાદ તરત બંને વર્ગમાં હાજરી પૂરીને ક્રમશઃ આવતી એક ટુકડી જે તે વિષયખંડમાં મોકલવામાં આવે છે.

૧૯. સપ્તરંગી પ્રવૃત્તિ મોડ્યુલ.

જા, ની, વા, લી, પી, ના, રા (જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો) આમ સાત રંગોનો સમૂહ એટલે સપ્તરંગી. ધોરણ – ૧ અને ૨ માં ચોથા વિષય તરીકે સપ્તરંગી પ્રવૃત્તિઓ (રેઈન્બો) ને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ૩૫૦ જેટલી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાત વિભાગોનાં ૫ પેટાવિભાગો અને દરેક પેટાવિભાગ દીઠ ૧૦ પ્રવૃત્તિઓ. (આમ ૭ × ૫ = ૩૫ × ૧૦ = ૩૫૦) બાળક હોંશે હોંશે કરી શકે અને શિક્ષક નજીવા ખર્ચે કરાવી શકે એવી પ્રવૃત્તિઓનો અહીં સમાવેશ કર્યો છે.

૨૦. સપ્તરંગી પ્રવૃત્તિ રજીસ્ટર.

શિક્ષકે કરાવેલ અને બાળકોએ કરેલ પ્રવૃતિઓની નોંધ આ રજીસ્ટરમાં કરવામાં આવે છે. જે બાળક જે તે  વિભાગનાં જે પેટાવિભાગ પૈકી જે ક્રમની પ્રવૃત્તિ પૂર્ણ કરે તે પ્રવૃત્તિનાં અને બાળકનાં નામ સામે આપેલ તારીખનાં ખાનામાં તેની નોંધ કરવામાં આવે છે.

૨૧. ટી. એલ. એમ.

જે તે અભ્યાસકાર્ડમાં આવતી ચોક્કસ અને વધુ મહાવરાની જરૂર હોય તેવી બાબત (બિંદુઓ) નાં દ્રઢીકરણ માટે અથવા વર્ગનિયમન  હેતુ  શિક્ષક સ્વનિર્મિત કે કોઈ તૈયાર મટીરીયલ્સનો ઉપયોગ કરે તેને ટી. એલ. એમ. (ટીચીંગ લર્નિંગ મટીરીયલ્સ) કહે છે. પ્રજ્ઞાવર્ગનાં બાળકો તેનો મુક્ત રીતે પોતાની જાતે, પોતાનાં સમયે, પોતાની રીતે તેનો યથાર્થ ઉપયોગ કરે છે.  

૨૨. ટી. એલ. એમ. બોક્ષ. (વિદ્યાર્થી અને શિક્ષક) 
  
પ્રજ્ઞાવર્ગમાં  ટી. એલ. એમ. (ટીચીંગ લર્નિંગ મટીરીયલ્સ) મૂકવા માટે ટી. એલ. એમ. બોક્ષ રાખવામાં આવે છે. ટી. એલ. એમ. બોક્ષ એટલે એક મોટું સાદું પૂઠાનું ખોખું. વિદ્યાર્થી ટી. એલ. એમ. બોક્ષ ઘોડા (રેક) ની બાજુમાં અને શિક્ષક ટી. એલ. એમ. બોક્ષ શિક્ષકની નજીકમાં રાખવામાં આવે છે. જેથી બન્નેને તેનાં ઉપયોગમાં સરળતા રહે. (શાળા પોતાની આર્થિક સુવિધા અનુસાર પણ પ્રજ્ઞાના ચાઈલ્ડ ફ્રેન્ડલી અભિગમને ધ્યાનમાં રાખી જરૂરી ફેરફાર કરી શકે.)

૨૩. શિક્ષક આવૃત્તિ.

શિક્ષક આવૃત્તિ એ શિક્ષકનો હંમેશનો સાથી - માર્ગદર્શક છે. આવૃત્તિ વગર આગળ વધવું કઠીન અથવા અશક્ય છે. ચાલુ અભ્યાસ વખતે આ આવૃત્તિ શિક્ષકે પોતાની પાસે જ રાખવાની છે. આવૃત્તિમાં આપેલા નિર્દેશ મુજબ શિક્ષકે બાળકને માત્ર દિશા આપવાની છે.

૦-----------------------૦------------------------૦