પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, July 15, 2018

ગામની શાળાની વેદના


ગામની નિશાળની વેદના ...
હા, હું આપણાં ગામની, ગામને પાદરે ઉભેલી પણ આપથી તરછોડાયેલી આપની નિશાળ ! વીતેલા ભૂતકાળમાં એવું કહેવાતું કે  ઘર જોવુ હોય તો રસોડું જુઓ અને ગામ જોવું હોય તો નિશાળ જુઓ ગામની શાળાને ગામનાં ઘરેણાંનું સ્થાન આપવામાં આવતું હતું. ! સાચે ગામની નિશાળ એટલે ગામ આખાનું ગૌરવ ! ગામની નિશાળ એટલે હેતનો દરિયો અને વ્હાલપનો સમંદર ! પરદાદા, દાદા અને બાપુજી જયાં ભણ્યા હોય ત્યાં પૌત્ર કે પુત્ર પણ ભણે અને પછી હેત અને વ્હાલપનો થાય ગુણાકાર ! તેમ છતાં આજે આપણા ગામની હું સદાયે સંસ્કાર સિંચન કરતી, પોતાને ખોળે બેસાડી રમાડતી, નમેલી ડાળીએ ઝૂલા ઝુલાવતી ગુણિયલ શાળા સાવ ઝાંખી અને સૂની બની છું. આજે હું બહારથી તો મૌન લાગું છું, પણ અંદરથી રોજ ડૂસકાં ભરું છું. તમે મારો સાથ કેમ છોડયો એની મને ખબર નથી પરંતુ તમારી પાસે મારી અનેકો ફરિયાદો છે તેનું શું ? તમે મારો સાથ છોડી દીધો છે પણ હું આજે પણ તમારા સૌનો સાથ ઝંખું છું.
૧૮૮૩ માં એટલે કે ૧૩૫ વર્ષ પહેલાં ગામમાં મારો જન્મ થયો હતો. લાંબી મજલમાં મેં અનેકોને મારા ખોળામાં રમાડી નવજીવન આપ્યું છે. હાલનાં મકાનમાં પણ હું છેલ્લા ૬૭ વર્ષથી મારી સેવા આપી રહી છું. આજે પણ હું અડીખમ છું. ગામ સાથે મારો પણ પોતાનો ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ છે. જેને તમે કેમ ભૂલી ગયાં ? મારો ખોળો ખૂંદનારી કેટલીએ બહેનો પરગૃહે જઈ સંસ્કારની સુવાસ ફેલાવી રહી છે ત્યારે વધુ ભણેલી ગણેલી દીકરીઓ આજે પોતપોતાનાં ક્ષેત્રમાં અક્ષરનાં અજવાળાં પાથરી રહી છેમારે આંગણે હરદમ દોડાદોડી કરતાં, ધબધબાટી બોલાવતાં વિદ્યાર્થીઓ આજે પોતપોતાના જીવનમાં સારા મુકામ પર પહોંચી આદર્શપૂર્વક અને સન્માનપૂર્વક જીવી રહયાં છે તે ચમત્કાર મારા હેતનો  છે. તેમ છતાં કોણ જાણે કેમ તે સૌએ પણ કારણ આપ્યા વગર ધીમેધીમે મારો સાથ છોડી દીધો. આજે હું ફકત જન્મતારીખનાં દાખલા મેળવવાનું, ચૂંટણી ટાણે મતદાન કરવા જવાનું અને મતદારયાદીમાં નામ નોંધાવવા કે કમી કરવા જવાનું સ્થળ માત્ર બની રહી છું. કાળની અનેક થપાટો વેઠી ચૂકેલી હું બસ, નિસાસો નાંખવા સિવાય બીજું શું કરી શકું ? મારામાં કોઈ ખોટ કે ઉણપ હશે એવું તમે માનતા હો તો તમારી ભૂલ છે. હવે હું તમારા સમયની સાવ સીધી સાદી સગવડ વિનાની રહી નથી. હાલની મારી પ્રગતિ જાણવા મારી વિશિષ્ટતાઓથી માહિતગાર થવા તો તમારે મારી મુલાકાત લેવી પડે તેમ છતાં અહી હું મારી આછી રૂપરેખા આપવા પ્રયત્ન કરું છું.
હું સમય જતાં વધુને વધુ સમૃદ્ઘ બની છું. આજે હું નવા પહેરવેશ, નવા રંગરૂપથી સજજ બની રહી છું. હવે મારી પાસે ૧૧ કમ્પ્યુટર અને વિશાળ એલસીડી વાળી કમ્પ્યુટરલેબ છે. મારી પાસે ભણતાં બાળકો ગાંધીનગરથી સીધા પ્રસારિત થતાં કલાસનો અને લર્નિંગ પ્રોજેકટનો લાભ મારા ખોળામાં બેસીને લઈ રહ્યા છે. મારી જીવની જેમ દેખભાળ રાખનારાં મારા શિક્ષકો વિષયવાર અને ધોરણવાર ઓનલાઈન તાલીમ મેળવી વધુને વધુ સજજ બની રહ્યા છે. અરે ! ખાસ વાત તો ભૂલી  ગઈ ! હું મારી પોતાની અને મારા શિક્ષકની વેબસાઈટ પણ ધરાવું છું. 
ઉપરાંત બીજી પણ અનેક સુવિધાઓ હોવા છતાં આપ સૌએ મારો સાથ છોડી દીધો તેનું મને અનહદ દુઃખ છે. જેઓને અક્ષરજ્ઞાન રૂપી આંખ આપી, જેમનું ત્રીજું નેત્ર ખોલી અક્ષરની દુનિયાનાં મેં દર્શન કરાવ્યા સઘળાં સૌથી પહેલાં પરાયા બની માનો સાથ છોડી રહે તો કોને કહેવું ? પણ યાદ રહે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થાય ! હું તો મા છું. હું તમારી વાટ જોઈશ ! જંગલમાં રહેતી શબરીનો ઈંતજાર ભગવાન રામનાં આવવાથી પૂર્ણ થયો હતો તો કયારેક મારો ઈંતજાર પણ તમારા બાળકો મારે ખોળે આવવાથી પૂરો થશે !
અલવિદા... હું આપણા ગામની નિશાળ...!

  
શાળા પેમ્પલેટ
આપણી શાળા            શ્રી પ્રાથમિક શાળા, માટીએડ           અણમોલ શાળા
હવે આપણો સૌનો એક જ નિર્ધાર ગામનું બાળક ગામની જ શાળામાં...શું તમે તમારા બાળક માટે સારી શાળાની શોધમાં છો ? તમારા બાળકનાં એડમીશન અને પછીનાં ખર્ચથી ચિંતિત છો ?   તમારું બાળક વાંચવા - લખવામાં પારંગત હોવા છતાં તેના વર્તનથી ચિંતિત છો ? શું તમે જીવનલક્ષી કેળવણીને મહત્વ આપો છો ? તમે તમારા બાળકનાં અક્ષર મોતીનાં દાણા જેવા ઇચ્છો છો ? તમારું બાળક ટીવી જોવામાં વ્યસ્ત રહે છે ?  જો હા, તો આવી તમામ મૂંઝવણનો ઉકેલ એટલે તમારા ગામની, તમારા વિસ્તારની અને તમારા જ તાલુકાની એકમાત્ર સરકારી નિશાળ એટલે ... શ્રી પ્રાથમિક શાળા, માટીએડ
આવો અને રૂબરૂ મળો, વાતચીત કરો... અને જાણો બાળકનાં શિક્ષણ અને બાળ ઘડતર પાછળનાં રહસ્યો ! કોઈપણ બાળક નબળું હોતું જ નથી બલ્કે આપણી આકાંક્ષાઓ વધુ સક્ષમ હોય છે. બાળક રોબોટ નથી અને તેને રોબોટ બનાવવાની જરૂર પણ નથી. બાળપણ માણવા દો અને ભણવા દો. રમવા દો અને ભણવા દો. દોરવા દો અને ભણવા દો. ચડવા - ઉતરવા દો અને ભણવા દો. જીવનલક્ષી કેળવણી આપણી જ શાળામાં ! તો, આવો, આપણે સાથે મળી તમારા બાળકની પ્રગતિ માટે પ્રયાસો કરીએ...
શાળામાં મળતી સુવિધાઓ ….
·         શાળામાં શાંત અને નિરવ વાતાવરણ, મેદાનની સુવિધા
·         ધો. ૧ થી ૪માં બેસવા માટે શેતરંજી અને પાટલી
·         દરેક બાળક પર વ્યકિતગત ધ્યાન, વ્વકિતગત સમજણ
·         બાળકને ઝડપથી સમજાય તેવી સરળ શિક્ષણ પદ્ઘતિ
·         દરેક રૂમમાં બબ્બે લાઈટ પંખાની સુવિધા
·         ૧૧ કમ્પ્યુટર સાથેની અલાયદી લેબની સુવિધા
·         બાયસેગ પ્રસારણ થકી ઈ કલાસમાં ભણવાની સુવિધા
·         વાલી - બાળક અને શાળાનું જોડાણ થાય તે માટેનાં પ્રયાસો
·         વાલીસભા - વાલી વર્ગખંડ બેઠક અને પ્રજ્ઞા સાહિત્ય નિદર્શન
·         સત્રાંત - વાર્ષિક પરીક્ષા ઉત્તરવહીઓનું નિદર્શન
·         આદિજાતિની બાળાઓને મહિને ૧૦ કિલો અનાજ આપવાની યોજના
·         ફેબ્રુઆરી ૨૦૧૮ માં શાળા વિજ્ઞાન પ્રદર્શનમાં  રાજયકક્ષાએ જવામાં સફળ (શ્રી વિપુલ સાહેબ)
·         ફેબ્રુઆરી ૨૦૧૪ માં શાળા એજયુકેશનલ ઈનોવેશન ફેરમાં રાજયકક્ષાએ જવામાં સફળ (શ્રી રમેશ સાહેબ)
·         આઈ. આઈ. એમ. અમદાવાદ જેવી ગુજરાતની ખ્યાતનામ સંસ્થા અને જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા શાળાનાં આચાર્યશ્રી રમેશભાઈનું રાજયકક્ષાએ સન્માન
·         રોજ સાંજે ૪ઃ૩૦ થી ૫ઃ૦૦ રમત ધોરણવાર ક્રમ મુજબ
·         ડ્રેસની સુવિધા સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
·         પર્યટન, મુલાકાત, વનભોજન માટે દાતાશ્રીઓનો સહયોગ
·         શિસ્ત સહિત જીવન ઉપયોગી કેળવણી  
·         ભૌતિક સુવિધાઓ સાથે હવા ઉજાશવાળા વર્ગખંડો
·         અનુભવી, પ્રેમાળ અને વિષય નિષ્ણાંત તાલીમી શિક્ષકો
·         ધો. ૫ થી ૮ માં બેન્ચીસની સુવિધા (એક બેન્ચ બે વિદ્યાર્થી)
·         મૂલ્યશિક્ષણ ઉપર ભાર, બાળકેળવણી વડે બાળ ઘડતર
·         આધુનિક પ્રકારનાં કુમાર અને કન્યાનાં અલગ શૌચાલય
·         ઈ લર્નિંગ માટે અલગ સોફટવેર અને બાયસેગની સુવિધા
·         ચાલો પ્રયત્ન માત્ર કરીએ : બહુહેતુક પ્રાર્થનાસંમેલનનો અમલ
·         નવતર પ્રયોગ :  સ્વયં શિસ્ત પ્રાર્થનાસભા થકી બાળકોને શિસ્તબદ્ઘ કરવાની પહેલ (દર મહિનાની ૧લી અને ૧૬મી)
·         પહેલા ધોરણથી જ દરેક બાળકને માઈક સાથે સ્ટેજ પર બોલવાનો મહાવરો
·         દરેક બાળકને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય ઓનલાઈન
·         બપોરે મધ્યાહનભોજનમાં તાજુ અને ગરમ જમવાની સગવડ
·         ઈન્સપાયર એવોર્ડ માનાંક - વિજ્ઞાનનાં પ્રયોગનાં વિકાસ માટે વિજેતા વિદ્યાર્થીનાં ખાતામાં રૂ. ૧૦,૦૦૦/- નો પુરસ્કાર
·         દરેક રૂમમાં ગ્રીનબોર્ડની સુવિધા
·         મફત પાઠયપુસ્તકો માટે આગવી વ્યવસ્થા
·         શનિવારે માસ પીટી, રમત ગમત અને યોગાસનોનું આયોજન
·         દર શનિવારે સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન
·         શાળા બાગકામ પ્રવૃતિ દ્વારા પ્રકૃતિ સાથે લગાવ વધે તેવી કોશિષ.
·         બાળ સંસદનું અસરકારક અમલીકરણ તથા ટુકડી નેતા દ્વારા ટુકડી સભ્યોની મિટીંગનું આયોજન
શાળાની વેબસાઈટ  : www.pragnaabhigamsafar.blogspot.com  અને www.matiyedps.wordpress.com









મારે ખોળે બેસી ભણનારા બાળકો પુસ્તકો વિના ભાર વગરનું પ્રવૃતિસભર ભણતર  પ્રજ્ઞા ભણે છે. હું ફી ઉઘરાવતી નથી પણ મફત શિક્ષણ આપું છું કેમ કે મા કોઈ દિવસ બાળક પાસેથી કંઈ લે ખરી ? ના, મા તો જીવનભર આપતી જ રહે ! હું શિષ્યવૃત્તિ પણ આપું અને ગણવેશનાં પૈસા પણ આપું છું. હું સારી હાજરીવાળા આદિજાતિનાં બાળકોને દર ત્રણ મહિને ૩૦ કિલો અનાજ આપું છું અને બધાં જ બાળકોને રોજ ગરમાગરમ જમવાનું પણ આપું છું. હું મારા બાળકોનાં પુસ્તકોની વ્યવસ્થા બે મહિના પહેલાં એટલે કે કોઈપણ મા બાપ કરતાં વહેલી કરી દઉં છું. મારે ત્યાં ભણતાં ૧ થી ૪ નાં બાળકો પાટલી સાથે શેતરંજી ઉપર અને ૫ થી ૮ નાં બાળકો બેન્ચીસ પર બેસે છે. પ્રાર્થનાસભામાં તેઓ નિયમિત આસનપટા પર બેસે છે. પહેલા ધોરણથી જ બાળકો માઈક ઉપર અભિવ્યકત થાય છે. તેમનાં શૌચાલય આધુનિક પ્રકારનાં છે. સુંદર બાગ બગીચો અને વિશાળ કેમ્પસ હોવાથી રમત માટે મોટું મેદાન પણ છે. પીવાનું ચોખ્ખું પાણી ઉપલબધ છે. મારા ખોળે ભણનારાં બાળકો જીવનલક્ષી કેળવણી આધારિત શિક્ષણ મેળવે છે. મૂલ્યશિક્ષણ અમારું પસંદગીનું ક્ષેત્ર છે. મારે ત્યાં હવે ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગમાં પ્રજ્ઞા અને ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત - વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનનાં ડીગ્રી શિક્ષકો છે. મારે ત્યાં પિરીયડ પદ્ઘતિ, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વિજ્ઞાનપ્રદર્શનો, ઈનોવેશન ફેર, ધ્યાન યોગ - રમત ગમત સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે.

- રમેશ પટેલ
પ્રેરણા :  જલ્પા વટાણાવાલા ( મહે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અંકલેશ્વર)