શાળા શૈક્ષણિક વિકાસ પ્લાન
કોઈપણ શાળાનો વિકાસ એ મુખ્ય ત્રણ બાબતો પર આધારિત છે. એક શાળાનો
ભૌતિક વિકાસ, બીજો શાળાનો શૈક્ષણિક વિકાસ અને ત્રીજો તે સાંસ્કૃતિક વિકાસ. મોટેભાગે આચાર્યો, શિક્ષકો અથવા એથી ઉપરનાં મુલાકાતીઓ પણ ઘણીવાર માત્ર
રંગરોગાન અને ભૌતિક સુવિધાને જ શાળાનો
વિકાસ ગણવાની મોટી ભૂલ કરે છે. અથવા તો ભૌતિક વિકાસની ચકાચૌંધમાં તેઓ
બાકીનાં મહત્વનાં મુદ્દાને યેનકેન ટાળી દે છે યા ભૂલી જાય છે. બીજી તરફ સબંધિત
શાળાનાં આચાર્ય, શિક્ષકો આ બાબતને જ પોતાની સિદ્ઘિ ગણી પોરસાયા કરે છે. આવી શાળાઓની જાહેર નોંધ
લેવાય, જાહેર ઉદાહરણ અપાય ત્યારે ગ્રાઉન્ડ લેવલે જઈ કામ કરતી શાળાનાં શિક્ષકો પર તેની નકારાત્મક અસરો થાય છે. ભૌતિક વિકાસનું મહત્વ ઓછું આંકવાનો કે પછી એવી
શાળાઓની ટીકાનો ઈરાદો નથી. તેમ છતાં એ સ્વીકારવું જ રહયું કે ભૌતિક વિકાસની સાથે
મહત્વનો વિકાસ છે, શૈક્ષણિક વિકાસ. પોતાની શાળાનાં બાળકોનું શૈક્ષણિક કાઠું મજબૂત બને, ગુણવત્તાનો સ્પર્શ થાય અને ઉત્તરોત્તર એ સ્પર્શ ગાઢ
બનતો જાય તેને ખરો શાળાવિકાસ કહેવાય. ઉપચારાત્મક શિક્ષણની જરૂરિયાત એ એજ દર્શાવે
છે કે આપણે શાળાવિકાસની ખોટી વ્યાખ્યાઓ કરી મૂળભૂત બાબતોને એક યા બીજી રીતે
નજરઅંદાજ કરી રહયાં છીએ. કોઈ ઉદ્યોગની પાંચ લાખની સહાય થકી ઊભા કરવામાં આવેલા
પરિવર્તન કરતાં અંતરિયાળ ગામડાંની શાળાનાં શિક્ષકે પાંચ હજારની સહાયથી ઉજળી બનાવેલ
શાળાને વધારે મહત્વ મળવું જોઈએ, પણ હકીકતે તેમ થતું નથી.
આપણો જિલ્લો અને તાલુકો (ભરૂચ - અંકલેશ્વર) ઔદ્યોગિક
રીતે દેશ અને દુનિયામાં ખ્યાતનામ છે. ઔદ્યોગિક
વિસ્તારની નજીકની કેટલીક પ્રાથમિક શાળાઓને ઉદ્યોગો તરફથી, ઉદ્યોગકર્તા તરફથી, સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી, દાતાઓ તરફથી સમયાંતરે ઓછી મહેનતે પણ મદદ મળતી રહે છે.
બીજી તરફ આપણી કેટલીયે શાળાઓ દૂર દૂરનાં અંતરિયાળ વિસ્તારમાં કાર્યરત છે કે જયાં કોઈ વિકાસ ન હોવાને કારણે સરકારશ્રી
તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર રહેવાનું થાય છે. છતાં, આવા સુવિધા વગરનાં ગામોમાં પણ મૂઠી ઉંચેરા શિક્ષકોએ
પત્થરમાંથી પાણી કાઢી બતાવ્યું છે. આ બાબત ઉપર મેં ઘણું વિચાર્યું છે, ઘણું ચિંતન કર્યું છે, કેટલુંક લખ્યું છે, ઘણા વર્ષો એના પર કામ પણ કર્યું છે. આચાર્ય તરીકે, વર્ગશિક્ષક તરીકે તેના પર નવાચાર પણ કર્યાં છે. કરેલા
નવાચાર પછી અસરકારક પરિણામો પણ મેળવ્યા છે. કોઈ વાત જયારે પ્રત્યક્ષ અનુભવમાંથી જન્મ પામતી હોય છે
ત્યારે તે વાતમાં દમ હોઈ શકે, તથ્ય હોઈ શકે ! શૈક્ષણિક વિકાસનાં અભાવનાં ઘણાં બધાં કારણો
પૈકી પ્રથમ કારણ આચાર્ય પોતે પણ છે. એ કડવું સત્ય સ્વીકારવા કોણ તૈયાર થાય ? આચાર્યને એક પરિસર, અમુક બાળકો, થોડાં શિક્ષકો, જરૂરી ઈન્ફ્રાસ્ટકચર, આર્થિક લાભો, જવાબદારી, ફરજો આ બધું જ આપી દીધું હોય ત્યારે વહીવટી
પરિપત્રોની રાહ જોવાની જ ન હોય ! આચાર્ય પોતે શાળાનાં શેષ શિક્ષકો માટે ઉત્તમ
ઉદાહરણ, ઉત્તમ માર્ગદર્શક બને અને વખતોવખત કરવા ઘટતાં સુધારા પોતાની શાળામાં લાગુ
પાડવા પોતે આગળ આવે અને શિક્ષકોને પ્રોત્સાહન આપે ! શિક્ષણકાર્યને જ સર્વોપરી ગણી શાળામાં
સકારાત્મક વાતાવરણ સર્જે. પોતાના સ્ટાફનાં બધાં જ શિક્ષકો પાસેથી અભિપ્રાય લઈ
સર્વોપરી અને પ્રથમ જરૂરિયાતનાં સુધારાથી પરિવર્તનની શરૂઆત કરે, એવું ન બની શકે ?
પ્રાથમિક શાળાઓમાં સ્ટાફ મિટીંગ થાય છે ખરી પણ
મોટેભાગે તે વહીવટી બાબતો માટે જ હોય છે. પરિપત્ર આવે અને કોઈ બાબત સમજવાની હોય, કોઈ વહીવટી માહિતી તૈયાર કરી પત્રકો ભરવાનાં હોય અથવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવાનું હોય તો તેવા જ મુદ્દા તેની ચર્ચાનું કારણ
હોય છે! પરંતુ પોતાની શાળાની શૈક્ષણિક કચાશ દૂર કરવા સબંધી કોઈ મુદ્દા પર
સ્ટાફમિટીગ થતી હોય એવા ઉદાહરણ કેટલાં ? જો આ શંકા સાચી હોય તો ગુણવત્તાની અપેક્ષા રાખવી કેટલી
વ્યાજબી છે? અભ્યાસક્રમ માત્ર પૂર્ણ કરી દેવો અને જવાબદારી પૂરી કર્યાનો સંતોષ લેવો ઉચિત
નથી ! બાળકોને સર્વાંગ તૈયાર કરવા, તેમને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવા આચાર્યશ્રીએ પોતાની શાળા માટે પોતાનો યા
સ્ટાફની મદદથી બનાવેલો એકશન પ્લાન અમલમાં લાવવો જોઈએ. જો આમ થાય અને સઘળાં શિક્ષકો
આચાર્યશ્રીની દોરવણી નીચે ખંતથી મહેનત કરે તો શાળામાં નિશ્ચિત પરિવર્તન લાવી શકાય. તાલીમો જરૂરી છે પણ તાલીમમાં બતાવેલા નુસ્ખા, પદ્ઘતિને અમલમાં લાવવા શાળાકક્ષાનું આચાર્યશ્રીનું
પોતાનું આયોજન હોવું અને સાથે તેનું અમલીકરણ પણ ખૂબ જ જરૂરી છે. આ આખી બાબતને ઉપર જણાવેલા ત્રણે પાસા વિસ્તૃત રીતે સમજવા પડે. તેનું યથાર્થ મૂલ્યાંકન કરવું પડે.
શાળાનો ભૌતિક વિકાસ
શાળા પરિસર સુંદર હોય, રમણીય હોય, મનભાવન હોય એવું બધાંજ ઈચ્છે છતાં તેમ હોય જ તેવું દરેક કિસ્સામાં બનતું નથી. કારણો પણ એક કરતાં વધુ હોય શકે છે. તેમ છતાં શાળામાં બાળકોની સંખ્યાના પ્રમાણમાં પૂરતા ઓરડાઓ, પ્રાર્થનાહોલ, વિજ્ઞાનખંડ,
કમ્પ્યુટરલેબ, પ્રવૃત્તિખંડ,
આચાર્ય કાર્યાલય, મધ્યાહનભોજનશેડ (બાળકોને સામૂહિક
રીતે જમાડવા),
કુમાર – કન્યા (સંખ્યાના પ્રમાણમાં) અલગ અલગ ટોયલેટ – બાથરૂમની
સુવિધા અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા – આટલી પાયાની સુવિધા હોવી આવશ્યક ગણાય ! શાળામાં જગ્યા ઉપલબ્ધ હોય તો નાની સરખી બાગબાની, ઔષધિવન, કિચનગાર્ડન,
રમતની જગ્યા, પાર્કિગની સુવિધા, રાષ્ટ્રીય
તહેવારોની ઉજવણી માટેની જગ્યા, પાણીની ટાંકી,
શોષખાડા, સ્વ્સ્થજમીન પ્રોજેક્ટ, રમત – ગમતનાં સાધનો, ચબૂતરો,
વાચનકુટિર, ભૂમિનકશા.......વગેરે વગેરે
શક્ય હોય તો શાળાનું એક અલગ કાર્યાલય હોય તો તે સમયની માંગ
મુજબ આવકાર્ય ગણાશે. (ઓરડાની ઘટ હોય
તો બાળકોનાં હક્કનાં ભોગે નહીં ) નવાચાર કરનાર આચાર્ય એક ખૂણામાં પણ આ સુવિધા ઉભી કરી શકે ! અલબત્ત આવી પણ કેટલીયે શાળાઓ છે જ્યાં અપૂરતી જગ્યામાં પણ
અદ્યતન કહી શકાય તેવા કાર્યાલયો જોવા મળે છે. શાળા દફતર એ આચાર્ય સહિત સમગ્ર શાળાનું પ્રતિબિંબ છે. શાળાનું દફતર સુઘડ હોય, વ્યવસ્થિત હોય, અદ્યતન હોય,
વર્ગીકૃત હોય તે શાળાની એક આગવી ઓળખ બને છે. શાળા દફતર જેવું બીજું શાળાદર્પણ એટલે પ્રાર્થના સંમેલન (પ્રાર્થનાસભા) મધુર અવાજે ગવાતી પ્રાર્થના, શિસ્ત અને સંયમ, તરહ તરહની
વાનગીનાં રસથાળ સમું વિવિધતાસભર
અભ્યાસવર્તુળ,
ધોરણ – ૧ થી ૮ નાં તમામ બાળકોની ભાગીદારી, સંગીતનાં સાધનોનો અસરકારક ઉપયોગ અને ખાસ કરીને સમયની ચોકસાઈવાળી વ્યવસ્થા આ
બધી જ કળીઓથી બનતી કલગી એટલે શાળાનું રસિક પ્રાર્થના સંમેલન !
શાળાનો શૈક્ષણિક વિકાસ
શાળાનો ભૌતિક વિકાસ આખરે શા માટે ? કોના માટે ? એવો પ્રશ્ન થવો વ્યાજબી છે. કારણકે આખરે આ તમામ કવાયતનાં કેન્દ્રમાં તો બાળક જ છે. આ બધો જ પરિશ્રમ બાળકો માટે જ હોય તો તેનાં થકી શાળાનો
શૈક્ષણિક વિકાસ સાધી શકાય તે માટે આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ ટીમવર્ક
કરવું જ રહ્યું.
આપણી શાળાઓમાં ટીમવર્કનો અભાવ છે. આચાર્ય અનુભવી ન હોય ( તે પીટીસી છે કે ડીગ્રી તે મહત્વનું નથી.) તો શિક્ષકોને દોરવા તે અસમર્થ હશે. પરિણામે શાળાની પ્રગતિ જરૂર રૂંધાશે ! વહીવટી પકડ અને કોઠાસૂઝ વિનાનો આચાર્ય શાળા માટે ભારરૂપ
બનશે.
શિક્ષકોને સતત માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરનાર આચાર્ય
શાળાને ચેતનવંતી બનાવી શકે ! આચાર્ય શૈક્ષણિક કાર્યને જ પ્રાધાન્ય આપતો હોય તે શાળા ક્વોલીટી એજ્યુકેશન
માટે જરૂર પરિણામ લાવી શકે છે. આચાર્યનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય તે આવકાર્ય છે. પોતાની શાળાનાં બાળકોની વિવિધ વિષયો સબંધી કચાશને ઓળખી તેને
દૂર કરવા આચાર્ય પોતે કોઈ નવાચાર કરે ત્યારે શાળામાં ગુણવત્તાની શરૂઆત જરૂર થાય ! કામ વહીવટી હોય કે પછી શૈક્ષણિક .... શાળાનાં આચાર્ય બીજા
શિક્ષકો માટે દાખલારૂપ બનવા કોશિષ કરે. શક્ય છે બધાં વિષયોમાં પારંગતતા ન પણ હોય
તેમ છતાં બીજાને અનુસરવાનું કે સ્વીકારવાનું ઔદાર્ય પણ તેમનામાં હોવું જોઈએ.
શાળાનો સાંસ્કૃતિક વિકાસ
શાળાનો સાંસ્કૃતિક વિકાસ શૈક્ષણિક
વિકાસ સાથે ભરપૂર અનુબંધ ધરાવે છે. શાળાનાં વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક પાસાને સધ્ધર
કરવા ગીતો, વાર્તા, અભિનય, સંગીત બધું જ આવશ્યક છે. આ પ્રવૃત્તિ થકી જ વિદ્યાર્થી
લઘુતાગ્રંથીમાંથી બહાર આવે છે. તેનામાં નૈતિક હિંમતનો વિકાસ થાય છે. શાળામાં
પ્રાર્થનાસભા થકી બાળકોનાં શૈક્ષણિક વિકાસ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે.
ઈતરપ્રવૃત્તિ તેમાં મુખ્ય બાબત છે. વિદ્યાર્થીઓ મૌલિક રીતે નાચ - ગાન કરતાં, અભિનય
કરતાં શીખે તે તરફ શિક્ષકોએ રસ રુચિ દાખવવા જોઈએ. આ ઉપરાંત જાહેર કાર્યક્રમો,
રાષ્ટ્રીય કાર્યક્રમો, ઉજવણી કાર્યક્રમોમાં કુમાર કન્યા વિદ્યાર્થીઓની સરખી
ભાગીદારી આવકારદાયક ગણાય !
No comments:
Post a Comment