પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Monday, February 29, 2016

મારું પ્રજ્ઞા ચિંતન...

મારું પ્રજ્ઞા ચિંતન....

પ્રજ્ઞા શા માટે એવો પ્રશ્ન થાય છે ? હા, થવો પણ જોઈએ કેમકે હજી નવી શાળાઓ અને તેથી નવા શિક્ષકો જોડાતાં જાય છે. પ્રજ્ઞા ધોરણ – ૧ થી ૪ નો પાયો મજબૂત કરવા, વાચન, લેખન અને ગણનની ખામીઓને દૂર કરવા અને આર. ટી. ઈ મુજબ બાળકોની સહભાગિતા વધારવા અને બાળ અધિકારોનાં રક્ષણ માટે અમલી બનાવાયેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ગુજરાતનાં શિક્ષણ જગતનાં ઇતિહાસમાં સૌથી વધુ ખર્ચાળ અને તેથી જ બાળકોનાં પક્ષે સુવિધાપૂર્ણ અને ઉપયોગી પ્રોજેક્ટ છે.

તેથી એવું માની લઈએ કે પ્રજ્ઞા ઉતાવળે અમલમાં આવેલો કે પછી જેમ તેમ અમલ માં લાવવામાં આવ્યો હોય તેવો પ્રોજેક્ટ નથી. અનેક સંશોધનો, પ્રયોગો, ચર્ચાઓ, વિચાર – વિમર્શ, શિક્ષણવિદ્દોની  બીજા રાજ્યો – દેશોની મુલાકાત, બાળ મનોવિજ્ઞાન, પેડાગોજી, અનેક તથ્યો, પાયલોટ પ્રોજેક્ટસ, સુધારા – વધારા બાદ તેને અમલમાં લાવવામાં આવ્યો છે. રાજ્યની મોટાભાગની શાળાઓમાં તેનું અમલીકરણ થયું છે ને ૨૦૧૭ સુધીમાં તમામ શાળાઓમાં તેનો પૂર્ણરૂપે અમલ થવાનો છે ત્યારે તમારા – મારા સૂચનો થકી સુધારા – વધારા થયા છે ને હજી પણ થઈ રહ્યાં છે. હવે નજર આપણા તરફ – એટલે કે શિક્ષકો તરફ છે. વીતેલા પાંચ વર્ષોમાં આપણે શું હાંસલ કર્યું. એક, બે, ત્રણ, ચાર કે પાંચ વર્ષમાં એક પ્રજ્ઞા શિક્ષક તરીકે મારી પાસે યા આપની પાસે કયું નક્કર પરિણામ છે. તેની ચકાસણી થઈ શકે ! સાધનો મળ્યાં, સાહિત્ય મળ્યું, સામગ્રીઓ મળી, ભૌતિક સુવિધાઓ મળી, તાલીમો મળી, માર્ગદર્શન મળ્યું, મોટીવેશન મળ્યું, સમજ મળી.... અને છતાં હજી શેની જરૂર છે ? મુશ્કેલીઓ ક્યાં છે ? મૂંઝવણ શું છે ? મિત્રો, સમય હવે આવા જ પ્રશ્નોનાં  જવાબ માંગે છે. હવે જવાબ આપવાનો આપણો વારો છે. જો તમે અને હું હજી પણ જવાબ આપવા માટે સક્ષમ નથી તો માની લઈએ હવે સમય છે આત્મમંથનનો ! 

મિત્રો, આપની સામે વીસ, ત્રીસ કે ચાલીસનો વર્ગ બેઠો છે. એ ૮૦ આંખોમાંથી ડોકાતી વિસ્મયની દુનિયા આપે જોઈ છે ? માની લઈએ આપે એ જોઈ છે ! ઠીક છે જોઈ છે, ને તમે સાચા પણ છો ! અહીંથી ગયા બાદ બીજી તારીખે પ્રાર્થનાસભા બાદ બાળકોને વર્ગમાં બે મિનિટ માટે મૌન બેસાડી કંઈ પણ બોલ્યા વગર દરેક બાળકની નજરમાં નજર પરોવી આખા વર્ગને આવરી લો. બસ, થોભો. શું જોયું ? કુતુહલ, આશ્ચર્ય, આકાંક્ષા, સ્વપ્ના, અભય, શાંતિ, ટાઢક, પોતાપણું, માતૃત્વ ભાવ, પિતૃત્વ ભાવ, સખાભાવ, સખીભાવ, મૈત્રીભાવ, પ્રેમ, દયા, કરુણા, લાગણી, ઋજુતા, મર્મ, વાત્સલ્ય, અમી, આશા, આદર, માયા, દોસ્તી, ધેર્ય, ચમત્કાર, નિરાંત.... મિત્રો, ૮૦ આંખોમાં અનેકો પ્રકારનાં અવનવા ભાવ ! એ ભાવને દિવસભર, મહિનાઓભર, વર્ષ કે વર્ષોનાં વર્ષભર આપણે પોષવાના છે. એના સ્વપ્નોને આપણે ફળીભૂત કરવાનાં છે. એની ઉડાનને  સમજણની પાંખો ફૂટે એવું પરમકાર્ય આપણે કરવાનું છે.
જે બાળકો સામે બેઠા છે એના  હાથ ફેલાયેલા છે પણ તેઓ યાચક નથી પણ વિદ્યાનાં દ્યોતક છે. એમનાં હાથમાંનું  પાત્ર ખાલી નથી, પરંતુ સંપૂર્ણ તરબતર છે. દુનિયાની નજરે તે ખાલી હશે, પરંતુ પૂર્ણતા પામેલા શિક્ષક માટે તે અનેકવિધ રહસ્યોથી ઊભરાતું પાત્ર છે. શિક્ષકે એ પાત્રમાં પોતાનું કંઈજ ઉમેરવાનું નથી. શિક્ષકે એ રહસ્યો ઝીણવટભરી રીતે, ક્ષતિ ન પહોંચે તે રીતે એક પછી એક ખોલવાનાં છે. એ રહસ્યોમાં કેટલાંક પાનાં કુદરત તરફથી મળેલા છે, કેટલાંક માતાપિતા કે સમાજ તરફથી મળેલા તે છે, કેટલાંક મિત્રો તરફથી તો કેટલાંક સ્થાનિક પર્યાવરણમાંથી પ્રાપ્ત થયેલાં પાનાંઓ પણ છે. શિક્ષકે હવે વધુ નવા પૃષ્ઠો ઉમેરવાની જરૂર નથી એ સ્પષ્ટ થવું જોઈએ. એ પાત્ર એક અદભૂત ચરુ સમાન છે જેમાં અખૂટ ખજાનો ભરેલો છે. શિક્ષક એક પછી એક, ધોરણ દર ધોરણ એ ચરુમાંના સિક્કાઓને ઓળખે, ચકાસે, જરૂર જણાય તેટલાં ઘસીને ચકચકિત કરવાનું કામ કરે ! પણ સાવધાન ! મારા મતે તો જાગૃત શિક્ષકો નવા સિક્કાઓ બનાવવાની પળોજણમાં ક્યારેય ન પડે !  

મારા ૩૬ વર્ષનાં શૈક્ષણિક અનુભવો પૈકી ૧૮ વર્ષ મુખ્યશિક્ષક તરીકે સાથી શિક્ષકો સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો રહ્યો છું તે પરથી એમ લાગે છે કે ૮૦ % શિક્ષકો નવા સિક્કાઓ ઉમેરવાની જ મહેનત કર્યા કરે છે ને પછી થાક અનુભવે છે. શિક્ષક પોતાની જાતને બાળકથી સર્વોપરી જ ગણે છે. આ ભૂલને સુધારવા મેં મારા મુખ્યશિક્ષક કાળ દરમ્યાન હંમેશાં નવા નવા પ્રયોગો કર્યા. નવાઈની વાત તો એ જ કે મોટા સ્ટાફમાં પણ મને એમાં સફળતા મળી. ૧૦ પ્રાઈવેટ શાળાઓના ઝૂંડમાં ગરીબ બાળકોનું પ્રતિનિધિત્વ કરતી શાળા પોતાનાં બાળકોનું તેજ ઉજાગર કરવામાં સફળ નીવડી. મિત્રો, આ કામ એક બે વર્ષનું નથી. પૂરા વર્ષોનું છે. શાળાની એટલે કે શિક્ષકોની, બાળકોની  ઉણપો દૂર કરવા વાલીસભા અને શિક્ષક્સભા મારા રસનાં વિષયો રહ્યા છે. પરિપત્રનાં અમલીકરણ માટે શિક્ષકો ભેગા થાય કે ભેગા કરવામાં આવે એને તમે પરિપત્રસભા કહી શકો પણ સ્વયં પોતાની શાળા અને શાળાનાં બાળકોની ઉણપો દુર કરવા (Quality Education) માટે એક આચાર્ય જયારે પ્રયત્ન કરે, સભા કરે તેને  “ શૈક્ષણિક ચિંતન સભા ” જ કહેવાય ! મિત્રો, શિક્ષણની વિફળતાનું મોટું કારણ આચાર્ય અને શિક્ષકો વચ્ચેની આ    ‘ એરર ’ પણ છે. આવો, એને દૂર કરવા સહિયારા પ્રયત્નો કરીએ.   
પ્રજ્ઞા એટલે બાળકને સાવ નજીકથી ઓળખવાનો અવસર ! પ્રજ્ઞા એટલે બાળકને સંપૂર્ણ આઝાદી ! પ્રજ્ઞા એટલે વર્ગનાં તમામ બાળકોની સક્રિય ભાગીદારી ! પ્રજ્ઞા એટલે બાળ અધિકારોનું સન્માન ! પ્રજ્ઞા એટલે માનવીય મૂલ્યોને ઉગાડવાની તક ! અને હજી તો આગળ ઘણું ઘણું ..... !
પ્રજ્ઞાને ચકાસવું છે ? પ્રજ્ઞા વિષે જાણવું છે ? પ્રજ્ઞા વિષે બીજાને જણાવવું છે ? પ્રજ્ઞા વિશે કોઈ અભિપ્રાય આપવો છે ? હા, જરૂર આપીએ. જયારે જયારે કોઈ પ્રજ્ઞાની સાયકોલોજી (મનોવિજ્ઞાન), પ્રજ્ઞાની આઈડિયા, પ્રજ્ઞા શીખવવાનાં પગથિયાં વગેરે વગેરે પાયાની બાબતોમાં ઊંડા ન ઉતરે અને એકબીજા પાસેથી સાંભળેલી કથિત વ્યાખ્યાઓને આધારે (કે  જેનું કોઈ મજબૂત તથ્ય નથી હોતું) નકારાત્મક અભિપ્રાયો આપે ત્યારે તેની વિપરીત અસરો થાય છે. સાથે અભિપ્રાય આપનારનું અજ્ઞાન છતું થાય છે. મારા મતે તો પ્રજ્ઞા શિક્ષકોનાં પક્ષે, અતિ ગહન વિષય છે. એને વલોવવાથી નિત નવા નવનીત પ્રાપ્ત થાય છે. જે બાળકોનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રજ્ઞાને છાબડી, ટ્રે કે બે પાંચ કાર્ડ માત્રથી ઓળખીશું કે ઓળખવા યા ટીકા – ટિપ્પણ કરવા પ્રયત્ન કરતાં રહીશું તો તેનાં થકી મળતાં આશ્ચર્યજનક પરિણામોથી આપણે હંમેશાં પર જ રહીશું. પરિણામે પાયાનાં ધોરણોમાં બાળકો કાચા રહેશે. બસ, પછી તો એકબીજા પર દોષારોપણ અને આક્ષેપબાજી - પાણી કોણ લાવ્યું ને માટી કોણ લાવ્યું ? ....... !

અનુભવને આધારે જોયું છે કે આપણે મોટેભાગે પ્રજ્ઞાના પાણીમાં ઉતર્યા સિવાય કહેલી – સાંભળેલી તથા – કથિત વાતો પર વધારે ભરોસો કર્યો છે. સામૂહિક રીતે કાર્ડ સમજાવવા, સામૂહિક રીતે સ્વઅધ્યયનપોથી ભરાવવી, જૂથ રોટેશન ન કરવું, વ્યક્તિગત ધોરણ જ લેવાનો હઠાગ્રહ રાખવો, પ્રજ્ઞા પ્રેરિત વર્ગવ્યવસ્થા અને ભૌતિક સુવિધાઓ ન ઊભી કરવી, લેખનકાર્યની ચકાસણી ગંભીરતાથી ન કરવી વગેરે... જેવા પ્રજ્ઞા વિરોધી હથકંડા જ અપનાવ્યા હોય તો પ્રજ્ઞા અસફળ કેમ ગણાય ? ગાય (ગુજરાતી), બિલોરી કાચ (પર્યાવરણ) કે શાહમૃગ (ગણિત) નાં કાર્ડ વખતે ચીવટ – ચોકસાઈ નથી રાખી તો પ્રજ્ઞા વિશે આપેલો નેગેટીવ અભિપ્રાય એ બિલકુલ ન્યાયોચિત નથી. જે શિક્ષકોએ પ્રથમથી (પોતાની શાળામાં પ્રજ્ઞાના અમલ) આ બાબતે નિરસતા દાખવી છે તે પ્રજ્ઞામાં સફળ થયાં નથી. પ્રજ્ઞા નિષ્ફળ છે એવું ઠરાવવા કરતાં પ્રજ્ઞામાં હું (અમે) સફળ નથી એવું સ્વીકારવા કોઈ તૈયાર થશે ? ચોક્કસ નહિ થાય ! કારણ કે આપણી પાસે બીજી શ્રેણીનાં અનેક જવાબો (કે બહાનાં) હોઈ શકે અથવા છે ! આ બાબતનો કોઈ અંત કે નિવેડો નથી. ત્યારે જ કહેવું પડે કે પેલી ૮૦ આંખોને નજર સમક્ષ રાખીએ અને કંઈક કર્યાનો આનંદ જરૂર મેળવીએ.
મિત્રો, અહીં થોભીએ ! શિક્ષકોનાં કામ ન કરવા બાબતે આ લખનારને લેશમાત્ર શંકા નથી. હું તો તમારામાંનો છું. મેં આપ સૌને અવિરત કામ કરતાં, પોતાના બાળકો અને પોતાની શાળા માટે હરદમ ઝઝૂમતાં જોયા છે. નિયમિત રીતે સમય કરતાં વહેલાં શાળામાં પહોંચતાં પણ જોયા છે. છતાં પ્રજ્ઞામાં મુખ્ય બાબત છે સીસ્ટમ !  સીસ્ટમ છોડીને થયેલું કોઈપણ કામ તમને ક્યારેય યારી ન આપે. મારી ૩૬ વર્ષની કારકિર્દીમાં અનેક પદ્ધતિઓ – પ્રયુક્તિઓ – શૈલીઓ આવી અને ગઈ ! તમે પણ એનાં સાક્ષી છો જ. શું ત્યારે પ્રશ્નો ન હતાં ? મિત્રો, પ્રશ્નો ત્યારે પણ હતાં, આજે પણ છે, અને કદાચ આગળ પણ હશે ! પરંતુ ફરજમાં મીઠાશ એટલે ભળી છે કે એવું મન બનાવ્યું છે કે જે સમયે જે રોલ મળે ઉમદા રીતે જ ભજવવા પ્રયત્ન કરવો. અંગ્રેજી પુસ્તક ‘ આગળ ધસો ’ નું એક વાક્ય છે “ પહેલા નંબરનાં તગારા ઊંચકનાર થવું પણ કોઈપણ કામમાં બીજા ક્રમે ન આવવું ! ” મિત્રો, માણસ હવા, પાણી અને ખોરાક પછી જિજીવિષાથી જીવે છે ને જીતે પણ છે. આપણે જિજીવિષાથી કામ કરીએ અને જીતીએ. ૫૦ વર્ષની ઉંમર પછી પ્રજ્ઞાવર્ગમાં સતત નીચે બેસી વર્ગકાર્ય કરાવું છું. આ બધું જિજીવિષાનું પરિણામ છે.


આવો, આ બે દિવસ વધારાની તાલીમ મળી છે તેનો સમુચિત લાભ લઈએ. આપણે સૌ જ્યાંથી પણ અધૂરું હોય, જેટલું પણ અધૂરું હોય, જેવું પણ હોય ત્યાંથી આગળ જોડીએ અને નવી દિશા તરફ પ્રયાણ કરીએ. પ્રજ્ઞા અઘરું નથી, મારી વિચારધારા નબળી છે માટે તેને  હું તેને સુધારીશ અને મારી વ્યક્તિગત સંકીર્ણતાઓને હું દૂર કરવા આજથી જ પ્રયત્ન કરીશ. એવું આત્મિય આશ્વાસન લઈએ.
અસ્તુ.  જય જય પ્રજ્ઞા ! 


-     રમેશ પટેલ (માટીએડ)