પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Monday, August 27, 2018

અપ્રિય... પ્રિય ... કે પછી અતિપ્રિય ..... ???

અપ્રિય... પ્રિય ... કે પછી અતિપ્રિય ..... ???

આજે ઉપચારાત્મક કાર્ય શરુ થયા પછી ૧૪ મો દિવસ છે. દિવસ દરમ્યાન ક્રમશ : વાચન - લેખન - ગણન કાર્ય થયું. ધોરણ - ૨ થી ૪ માં તમામ બાળકોને ઉપચારાત્મક કાર્યમાં પરોવું છું. આજે તા. ૨ / ૦૮ / ૨૦૧૮ ને ગુરુવાર બપોરે ૧૨ : ૦૦ કલાકે લેખન કાર્ય પૂર્ણ થયા બાદ ધોરણ - ૪ નાં બાળકોને અન્ય કામ સોંપી ધોરણ - ૩ નાં બાળકો સાથે ગણિત વિષયમાં કંઈક આગળ વધવાના ઈરાદે બેઠો. ધોરણ - ૩ ગણિતનાં પાન નં. ૯ પર ટપકાં દોરેલ આખું પેજ છે, જેમાં બાળકે છ ચિત્રો દોરવા તેવી સૂચના છે. મેં વિચાર કર્યો કે આખા પેજના છ ખાના પડાવી દઉં તો બાળકોને ચિત્રો દોરવામાં સરળતા રહે ! આજે  કુલ ૧૨ બાળકોમાંથી ૧૧ હાજર હતાં. પેજના ભાગ કેવી રીતે પાડી શકાય તે પ્રત્યક્ષ જોવા દરેકને ટેબલ ફરતે ઊભા રાખ્યા. સૌ પ્રથમ મેં આડી લાઈનમાં બાળકો પાસે ટપકાં ગણાવ્યાં. તો ૨૨ થયાં. સમયની કમી હોવાથી મેં સ્વયં ૭ - ૭  ટપકાં ગણી બે લીટી દોરી ત્રણ ભાગ પાડ્યા. બાળકોને બતાવી દીધાં. હવે ઊભા બે ભાગ કરું તો છ ખાના થાય. બાળકો પાસે આડી લાઈનના ટપકાં ગણાવતાં કુલ ૧૮ સામૂહિક જવાબ મળ્યો. બાળકોને કાર્યમાં પરોવવા મને સવાલ પૂછવાનો વિચાર આવ્યો. મેં પૂછ્યું બે ખાના બનાવવા ૧૮ નાં અડધા એટલે કે ૧૮ નાં બે ભાગ કરવા પડે તો બોલો અઢારના અડધા કેટલા થાય ? બધાં જ બાળકો પોતપોતાની રીતે ગણતરીમાં લાગી ગયાં. કોઈ આંગળી ગણે, કોઈ કાપા (વેઢા) ગણે કોઈ મનમાં જ વિચારે.... કોઈ ક હરખપદુડા બની આશરે જ જવાબો આપે... જવાબ ખોટો પડે ... ફરી ફરીને ગણે... જાતજાતની તરકીબ ચાલવા લાગી. પાંચેક મિનિટ પછી મેં થોડી મદદ કરી. ટેબલ પર બે કુંડાળા દોરી સમજ આપી કે ૧૮ ચોકલેટ - લખોટી વહેંચો ! કોઈ તેવો પ્રયત્ન કરવા લાગ્યા તો કોઈ પોતાની અસ્સલ રીતે જ જવાબો શોધવામાં મશગૂલ રહ્યાં. બીજી પાંચેક મિનિટ બાદ એકે કહ્યું - છ થાય. બીજા કોઈએ કહ્યું આઠ થાય. સાચો જવાબ ન મળ્યો પણ તેઓની નિર્દોષ કોશિષ અવિરત ચાલતી રહી. મને તેમનાં આ સાહજિક પ્રયત્નોમાં રસ હતો.
ટેબલનાં એક છેડે (બાજુએ) રેમીડીયલનું સાહિત્ય હતું. સૌથી ઉપર ગુણોત્સવ - ૮ ની ફ્રેમ ઊંધી મૂકેલી હતી.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
જેમાં

એવા ક્રમિક અંકો (ઉત્તરો) છપાયેલા હતાં. તે તરફ ધોરણ - ૩ નો પ્રિય બાળક દિવ્યાન્સુ વસાવા હતો. તેની નજર ફ્રેમ પરનાં ૧ થી ૨૦ અનુક્રમ પર પડી. તેણે સ્વયં ફ્રેમ પોતાની સામે ગોઠવી અને બે આંગળી ૧૮ અને ૧૭ પર અને બીજી બે આંગળી ૧ અને ૨ અંક પર ગોઠવી. ત્યાંથી તેણે બે આંગળી ૧૬ અને ૧૫ અને આ તરફ ૩ અને ૪ પર ખસેડી. મેં તેની આ અજબ પ્રકારની હરકત પકડી. આંગળી ખસેડતાં ખસેડતાં તેણે ૯ સાચો જવાબ આપ્યો. હું ઊભો થઈ ગયો, બાળકને ઊંચકી લીધો, સૌ બાળકોએ તેને તાળીથી વધાવી લીધો. હું આનંદથી ઝૂમી ઉઠ્યો. આવી અનોખી રીતે પ્રિય બાળક જવાબ શોધી કાઢે એ ઘટના માટે શું કહેવું ! મને આ કિસ્સો સ્પર્શી ગયો. મેં વિશ્રાંતિનાં સમયે સ્ટાફને બેસાડી તેઓ સમક્ષ આ કિસ્સાનું વર્ણન કર્યું.   
મને ઘડીભર લાગ્યું કે આપણે આવા બાળકોને આગળ લાવવાની મથામણમાં ‘ પ્રિય બાળક ’ નું લેબલ તો લગાવી દીધું પણ તેની આ કુશળતાને આંકવાનું ખાનું મિશન વિદ્યાના મૂલ્યાંકન પત્રકમાં પણ નહોતું !!