પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Saturday, August 1, 2015

ટ્રેક (અભિગમ) બદલો, ટ્રીક (પદ્ધતિ) બદલો

ટ્રેક (અભિગમ) બદલો,  ટ્રીક (પદ્ધતિ) બદલો


વહીવટી દ્રષ્ટિએ ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ ૩૧ જુલાઈએ પૂર્ણ થશે. અપગ્રેડ થયેલા આંકડા મોકલી દઈશું. આંકડાનું એકત્રીકરણ થશે. પૃથ્થકરણ થશે, નોંધ લેવાશે, આગામી ગુણોત્સવ વખતે આ બાબતને ધ્યાનમાં લેવાય તેમ થઈ શકે ! આમ, વહીવટી રીતે જે કંઈ થઈ શકે તે થશે અને થઈ પણ રહ્યું છે. પત્રોના માધ્યમથી, તાલીમનાં માધ્યમથી, બાયસેગના માધ્યમથી, અનુભવી શિક્ષણવિદો અને વિદ્વાનોના સાક્ષાત્કાર થકી... શું શું નથી થયું ? તાલીમ મળી, ભાડું મળ્યું – ભથ્થું મળ્યું, બેસવાની ને જમવાની સુવિધા મળી, સાહિત્ય મળ્યું, સારા વિચારો મળ્યા, અવનવા નુસખા મળ્યા. બસ, થાળી તૈયાર છે તમારે ને મારે સ્થાનિક મુશ્કેલીઓ રૂપી માખીઓ ઉડાડતાં જઈ સ્વસ્થતાપૂર્વક, એકચિત્તે જમવાનું છે.
ઉપચારાત્મક શિક્ષણ એ એક એવું કાર્ય છે જેની  પ્રક્રિયા સ્વૈચ્છિક રીતે નિરંતર ચાલતી રહે તે અપેક્ષિત છે. શિક્ષક પોતાના વર્ગકાર્ય દરમ્યાન આ બાબત નજર સમક્ષ રાખે તે જરૂરી છે. ઉપચારાત્મક કાર્યની જરૂરિયાત ઊભી થવાનું મૂળ કારણ બાળકોની અનિયમિતતા, વાલીનું સ્થળાંતર, રોજગારીના પ્રશ્નો, ઘર, બાળક કે પશુઓ સાચવવાની જવાબદારી .. વગેરે વગેરે ખાસ છે. આ બધા જ પ્રશ્નો ઉકેલવા સહેલા નથી છતાં શિક્ષકે પોતાની કક્ષાએ પ્રયત્નો તો કરવા જ રહ્યાં. રહી વાત હાજર બાળકોની. આ બાળકોમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે શિક્ષકે નૈતિક જવાબદારી સ્વીકારવી રહી. બાળકના શાળા પ્રવેશથી જ હવે કાળજી લેવાનો આ સમય છે. ધોરણ - ૧ થી ૪ માં જે કંઈ થઈ શકશે તે પછીથી થવું ઘણું અઘરું બનતું હોય છે તે ધ્યાનમાં રાખી બાળવિકાસના પ્રારંભિક વર્ષોનો શક્ય તેટલો લાભ શિક્ષકે લેવો જોઈએ. કાચા બાળકો  એ કોની જવાબદારી  ? એવું ટૂંકુ ને નકારાત્મક વિચારવા કરતા સામૂહિક પ્રયત્નો દ્વારા જે કઈંક પરિણામ મળશે તે હંમેશા  ઉમદા હશે. આચાર્યો જો ચાહે તો મારો અજમાવેલો અને અનુભવેલો વર્ગબઢતીનો પ્રયોગ પોતાની શાળામાં અજમાવી  જુએ !

                     

પ્રાથમિક વિભાગમાં બાળકને શીખવી દેવાની ઉતાવળ કે ભ્રમ રાખ્યા વગર સૌ પ્રથમ બાળકને સમજવો વધુ જરૂરી છે તે દરેક શિક્ષકે જોવું રહ્યું. બાળકના શાળાપ્રવેશ પછી તેના વર્તન, ટેવો, વલણ, રુચિ શેમાં છે તે પ્રથમ ત્રણ માસમાં શિક્ષક પારખે એ આવશ્યક બાબત છે. જરૂર છે શિક્ષક સાંગોપાંગ બાળકને ઓળખે ! બાળકની નિકટ જવાનો પ્રયાસ કરે ! દરેક શાળામાં ધૈર્યવાન, પ્રયોગશીલ, બાળમનોવિજ્ઞાનથી પરિચિત અને સંવેદનશીલ શિક્ષક પાયાના ધોરણોમાં કામ કરે એવી વ્યવસ્થા થવી જોઈએ. આચાર્યો પાયાના ધોરણોને મહત્વ આપતા થશે ત્યારે શાળાનાં શિક્ષણમાં ક્વોલિટી - પરિવર્તન જરૂર આવશે.  ઘણા કારણો પૈકી પાયાના ધોરણોની આપણી ઉપેક્ષા એ આજની કહેવાતી ‘ કચાશ ’ નું એક મહત્વનું  કારણ છે. પાયાના ધોરણોમાં બધા બાળકોને એકસાથે બધું જ શીખવી દેવાનો ભ્રમ પણ મારી દ્રષ્ટિએ અનુચિત અને અપરિપક્વ છે. અહીં પ્રજ્ઞાની થિયરી યોગ્ય રીતે બંધ બેસે છે. દરેક બાળકની શીખવાની ગતિ એકસરખી હોતી નથી. બાળક પોતાની ગતિએ શીખે છે. ધોરણ ૧માં બે મહિનામાં કે ત્રણ મહિનામાં આટલું તો થવું જ જોઈએ એવી અપેક્ષા ન શિક્ષક રાખે, ન આચાર્ય  કે ન મોનીટરીંગ કરનાર ! છતાં જ્યાં શૈક્ષણિક વિકાસ સારો હોય ત્યાં અપેક્ષા કરતા વધુ કામ થતું હોય તો તે આવકાર્ય છે, અને પ્રસંશનીય પણ છે જ ..... !        
શિક્ષકોએ ઉપચારાત્મક કાર્યક્રમ દરમ્યાન અવનવા પ્રયોગો કરી, વિશેષ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવવા માત્ર જ નહિ પરંતુ પોતાની શાળાનાં બાળકોના શિક્ષણમાં ગુણવત્તા લાવવા સઘન પ્રયાસો પણ કર્યા છે. જ્યાં જ્યાં તેમ થયું છે ત્યાં સફળતા પણ મળી જ છે. એટલે આપણે નિષ્ફળ તો નથી જ. હા,  કયાંક એવું બન્યું હોય કે મહેનત કરવા છતાં અપેક્ષિત પરિણામ ન પણ મળ્યું હોય ! ઘણીવાર આપણે આપણું મૂલ્યાંકન નોકરીના વર્ષોમાં કરતા હોઈએ છીએ. મારો આટલા વર્ષો નો અનુભવ છે એવું કોઈ કહે ત્યારે આપણે સ્વીકારીએ કે વર્ષોનો અનુભવ છે તેને કોણ નકારી શકે ! અહી જરૂર છે બાળકો સાથે કામ કરવાના વાસ્તવિક અનુભવોની ! નોકરીના વર્ષો અને વાસ્તવિક વર્ગ અનુભવોને જોડી ન શકાય. વર્ષોને ગુણવત્તા સાથે કેમ જોડી શકાય ? દરેક શિક્ષકના નોકરીના વર્ષો એ તેની યોગ્યતાનો માપદંડ ન હોય શકે ! દા. ત. મેં નોકરીના ૩૬  વર્ષ પુરા કર્યા છે, પરંતુ તે દરમ્યાન વર્ગખંડમાં, શાળામાં કે સમાજમાં મારી ઉપલબ્ધિઓ શું ?
·        હું મારા વર્ગનાં અથવા મારા હાથ નીચે આવેલા બાળકોને કેવી રીતે અભિમુખ કરું છું ?
·        જે તે સમયના મારા બાળકોને આગળ લઈ જવા (તેની પ્રગતિ માટે) મારા શું પ્રયત્નો હતાં ?
·        મારી ફરજ દરમ્યાન મારું સમયપાલન કેવું છે  ? મારા સમયપાલન થકી શાળાના બાળકો પર કોઈ વિશેષ છાપ છોડવામાં હું સફળ થયો છું ?
·        પાંચ મિનિટ શાળામાં મોડા પહોંચવા ટાણે મારામાં કોઈ સંવેદના ઊભરે છે ? કેવા પ્રકારની ?
·        જે તે શાળામાં મારી નિમણુક પછી કોઈ નવીન / નોંધપાત્ર ફેરફાર કરવા/કરાવવામાં હું સફળ થયો છું ?
·        મેં મારી ફરજ દરમ્યાન કેટલી નિષ્ઠા દાખવી છે ? (સમય, વર્ગકાર્ય, શાળા પ્રત્યે લગાવ, સાથી શિક્ષકોને માર્ગદર્શન,સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ વગેરે...)  અન્ય જવાબદારીઓ.  
·        મારા આચરણ થકી શાળાના બાળકોને, સાથી શિક્ષકોને કે સમાજને કોઈ સુધારાવાદી સંદેશ આપી શક્યો હોઉં એવો અહેસાસ થાય છે ?
·        ચાલુ શાળાએ બહાર જવાનું થતાં કે રજા પર જતા કોઈ અનુભૂતિ / સંવેદના પેદા થાય છે.

આ અને આવા બીજા અનેક તારણોનું મૂલ્યાંકન એ જ મારા કાર્ય, મારી ફરજ અને મારા શિક્ષકત્વની, મારા કામની ગુણવત્તાની ફલશ્રુતિ ! મિત્રો, આ સરવાળા – બાદબાકીમાં વર્ષોનો ઢગલો કામ ન લાગે. મારા થકી ૩૮ કે ૪૦ વર્ષમાં કેટલી માનવ જિંદગી બેઠી થઈ તે અગત્યનું છે.
શિક્ષકની પોતાના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા એ એના શિક્ષક્ધર્મ – કર્મનો પાયો છે. નિષ્ઠા વગર બધું નકામું. સમયપાલન એ શિક્ષક વ્યવસાયનું પહેલું પગથિયું છે. એમાં ક્યાંય બાંધછોડ કરવાપણું ન હોય શકે. શાળામાં મોડા આવી વધારે કામ કર્યાનો દાવો કરવો એ ઘર બાળીને તીરથ કરવા જેવું છે. જે શિક્ષકો પ્રાથમિક શાળામાં કામ કરે છે ત્યાં બાળકો જ શિક્ષકનો અરીસો છે. જે અરીસો શિક્ષકનું HD પ્રતિબિંબ આપે છે. ધોરણ ૮ થી જેમ ઉતરતા ક્રમે જતાં જઈએ તેમ આ  અરીસો વધુ  સારું અને નિર્મળ HD પ્રતિબિંબ આપે છે. એ શિક્ષકે શાન અને ભાનથી સમજવું રહ્યું. શિક્ષકના કાર્યનો, માયાનો, મમતાનો અને આંતરિક વ્યવહારનો જીવંત પુરાવો એટલે બાળકો ! પ્રાથમિક શિક્ષક અનેક જાણ્યા – અજાણ્યા નિયમોથી બંધાયેલો (ઘડાયેલો) છે. પ્રાથમિક શિક્ષકે જે કોઈ આચારસંહિતા પાળવી પડતી હોય તેનું મૂળ કારણ શાળાના બાળકો છે. શિક્ષકના દીઠા – અદીઠા વર્તનની બાળકો પર ઊંડી અને ન ભૂંસી શકાય તેવી અમિત છાપ પડતી હોય છે.
શિક્ષકે શાળાના ૧૦૦ કામ કરતા જઈને પણ અંતિમ પ્રાયોરિટી તો વર્ગકાર્યને જ આપવી જોઈએ. શાળાના કામના કારણ હેઠળ કોઈપણ શિક્ષક છૂટછાટ લે, તે પોતાના વર્ગના બાળકો સાથે તો સીધો અન્યાય જ છે. બીજી રીતે વિચારીએ કે જો આમ જ હોય તો પછી શાળાના કામ ન કરવા ? આચાર્યને મદદરૂપ ન થવું ? હા, ચોક્કસ મદદ કરવી. આચાર્યને શાળાના કામમાં સંપૂર્ણ સહકાર એ શિક્ષકની બીજા પ્રકારની ફરજ છે તેને અદા કરવી એ પણ શિક્ષક્ધર્મ જ છે. સવાલ છે નીતિમત્તાનો ! કામ ચીંધનાર અને કામને અનુસરનાર બંને જાગૃત હોય તો બંનેની જાગૃતિ થકી વર્ગમાં બાળકોને ન્યાય અવશ્ય આપી શકાય. શિક્ષકનું મૂળ કાર્ય, શિક્ષકની મૂળભૂત ફરજ બાળકોને તેની કક્ષા અનુસાર શિક્ષા અને દીક્ષા આપવાની છે. બાળકોને અસરકારક અક્ષરજ્ઞાન મળે તે માટે શિક્ષકે સતત મથતાં રહેવું જોઈએ.      
સાંપ્રત સમયમાં નવા નવા પ્રયોગો થકી બાળકોને શીખવવા કરતાં શીખવાની તક આપવાની જરૂર છે. વર્ષો સુધી આપણે ભણાવ્યું હશે અને ભણનારા ભણી ગયાં એની પણ ના નથી. પરંતુ મિત્રો, મારા ખ્યાલથી આજનાં બાળકો વધુ સ્માર્ટ, ચબરાક અને હોંશિયાર છે. પછી તે ગામડાનાં હોય કે શહેરના ! તેઓને ભણાવવા કરતાં ભણવાની તક પૂરી પાડવી એ હવે વધારે અગત્યનું અને આવશ્યક છે. શિક્ષકે હવે બાળકના ભણવા માટેના સંજોગો ઉભા કરતા શીખવું પડશે. વર્ગખંડમાં નવી તકો ઉભી કરતાં શીખવું પડશે. આ બધું કરવા શિક્ષકે વર્ષો જુના કોચલા (આવરણ) માંથી બહાર આવવું પડશે. ભૂતકાળ ને વર્તમાન સાથે સરખાવવા કરતાં વર્તમાનને જ વધુ સમજવાની આવશ્યકતા હવે વધતી જાય છે. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જે પરિવર્તન નથી સ્વીકારી શકતો તે વર્તમાન મુખ્ય પ્રવાહથી બહાર ફેંકાઈ જાય છે એ  પ્રકૃતિનો નિયમ છે. શિક્ષકનું કાર્ય એ જીવિત માનવ જિંદગી સાથે જોડાયેલું એક સેન્સીટીવ એવું પુનિતકાર્ય છે.
આજે મોટાભાગનાં શિક્ષકોએ ટ્રેક બદલવાની જરૂર છે. હાલનાં સંજોગોમાં શિક્ષકો ટ્રેક બદલી શકે તો ઇચ્છિત પરિણામ લાવી શકાય તેમ છે. ટ્રેક બદલવો મતલબ અભિગમ બદલવો. વાત બહુ નાની કે ક્ષુલ્લ્ક લાગે પણ મિત્રો હકીકતમાં તેમ નથી. શિક્ષક દિલથી પોતાનો અભિગમ બદલે ! પોતે હરદમ નવું શીખવા માટે તત્પર રહે. સામેવાળો શિક્ષક પોતાનાથી નાનો છે યા મોટો, જુનિયર છે કે સિનીયર એની પળોજણમાં પડ્યા વગર પોતાના બાળકો માટે, પોતાની શાળા માટે શું ઉત્તમ છે તે મેળવવાનો નિરંતર પ્રયાસ કરતાં રહેવું જોઈએ. આ વાત ભલે નાની લાગે પણ મિત્રો આત્મા જાગતો નથી ત્યારે આવી નાની લાગતી વાતોને અનુસરતાં પણ વર્ષોના વર્ષો નીકળી જાય છે. અભિગમ બદલવા શિક્ષકે પોતાના અહંકારને સૌ પ્રથમ ઓગાળવો પડે ! હું તો ત્યાં સુધી કહીશ કે શિક્ષકે અંદરથી ખાલી જ થવું પડે ! જે પોતાની ભૂલ કોઈપણ જાતના ક્ષોભ વગર કબૂલી શકે તે જ ખાલી થઈ શકે !
એક જ શાળામાં કામ કરતા શિક્ષકો વચ્ચેનો  નાનો મોટો અહમનો ટકરાવ જોવા મળે છે. અહમ નોકરીના વર્ષોનો હોય, અહમ પોતાના શિક્ષણનો હોય, અહમ પોતાના કોઈ લેબલનો હોય, અહમ પોતાની ઓળખાણનો હોય, અહમ પોતાના પગારનો પણ હોય... જે હોય તે... એ હિતકર નથી.  આ ટકરાવ  બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ખડા કરે છે.  શિક્ષકો મહેનત જરૂર કરે છે પણ જયારે અભિગમ બદલવાની વાત આવે છે ત્યારે એકબીજાની ચોક્કસ અવગણના થાય છે. નવી પેઢી જૂની પેઢીની અનદેખી કરે એ ઇચ્છનીય નથી તેમ જૂની પેઢી નવી પેઢીને હતોત્સાહ કરે તે પણ ઠીક નથી. મારું મંતવ્ય કહો, ચિંતન કહો તે એજ કે : “ ચાલો અભિગમ બદલીએ.”
શિક્ષક ટ્રેક બદલી શકે પછી ટ્રીક (પદ્ધતિ) બદલવી પણ એટલી જ જરૂરી છે. જે શિક્ષકો ટ્રેક (અભિગમ) નથી બદલી શકતા તે ટ્રીક (પદ્ધતિ) પણ નથી બદલી શકતા એ હકીકત છે. શિક્ષકને ગમતી, ફાવતી કે પછી વર્ષો જૂની – લખી નાંખો ને પછી ભૂંસી નાંખો એવી પદ્ધતિ જ શિક્ષક પકડી રાખે એ પણ હવે સ્વીકાર્ય નથી. સમયની માંગ છે. શિક્ષક સદા અપગ્રેડ થતો રહે. વાસી ખોરાક નુકશાન કરે તેમ વાસી શિક્ષક પણ નુકશાન જ કરે ! શિક્ષક હંમેશા તરોતાજા, ખુશનુમા અને ઉત્સાહી રહે. શાળામાં જવાનો દરેક દિવસ તેના માટે એક નવા આનંદનો - મઝાનો દિવસ હોવો જોઈએ. બાળકોને મળવાનો, તેમની વચ્ચે સમય ગાળવાનો તેને આંતરિક ઉમંગ હોવો જોઈએ. જીવંત વ્યવસાય સાથે જોડાયેલો શિક્ષક આવો ઉમંગી બને, ઉત્સાહી બને ત્યારે એની શાળામાં અને શાળાના બાળકોમાં પરિવર્તન પણ આવે જ આવે !         
શાળામાં ભૌતિક સુવિધા વધારવાની વાત હોય કે બાળકોને ગુણવત્તાલક્ષી  શિક્ષણ આપવાની વાત હોય શિક્ષક પોતાનો અભિગમ બદલે એ જરૂરી છે. અભિગમ બદલવાથી જ એકાત્મતા સાધી શકાય છે. જ્યાં એકાત્મતા નથી, ત્યાં ગતિ નથી જ્યાં ગતિ નથી ત્યાં વિકાસ નથી. વિચારોનું આદાનપ્રદાન નવા વિચારોને, નવા આઈડીયાઝને જન્મ આપે છે. આજે ઈન્ટરનેટના યુગમાં એકબીજા સાથે સંપર્કના અનેક નવા રસ્તાઓ ખૂલ્યાં છે. સોશ્યલ મીડિયા દ્વારા પોતાની વાત, પોતાના વિચારો ઘણી બધી વ્યક્તિઓ સુધી એકસાથે ખુબ જ ઝડપથી પહોચાડી શકાય છે. જૂની – નવી પેઢીના શિક્ષકો તેનો વત્તો ઓછો લાભ લઈ રહ્યાં છે. છતાં આ ટેકનોલોજીના  વિકસતા સમયમાં અને આપણું સંખ્યાબળ જોતા એ સંખ્યા જૂજ કહેવાય. પોતાની કે પોતાની શાળાની શૈક્ષણિક વેબસાઈટ કે બ્લોગ બનાવી નવો ચીલો ચાતરવા નવી પેઢીના શિક્ષકોએ પહેલ કરવી જોઈએ. બાકી વોટ્સએપ પર એકબીજા સાથે અર્થ વગરની કોમેન્ટ પાસ કરી ટેકનોલોજી સાથે જોડાયાનો અહમ રાખવો  એ તો સમયની બરબાદી છે.  આવા સાર્વજનિક માધ્યમોનો ઉપયોગ કરતી વખતે સંપૂર્ણ આચારસંહિતાનું પાલન થાય એનું  ધ્યાન કમ સે કમ શિક્ષકે તો રાખવું જોઈએ.
       આમ, પણ અનેક બીજા માધ્યમોને કારણે, સમયના અભાવે  કે સહજ રસ ઓછો થવાથી... જે હોય તે પણ પ્રવર્તમાન સમયમાં આપણું વાચન ઘટી ગયું છે એ હકીકત છે. પરિણામ સ્વરૂપ આજે આપણા વિચારોમાં ગતિ નથી. શાળાઓમાં તંદુરસ્ત અને બૌધિક ચર્ચાઓ તો થતી જ  નથી. બધું જ બંધિયાર પાણી જેવું, એમાં ઝરણાનો કિલકિલાટ નથી, પવિત્રતા નથી. વાંચવાનું તો જરૂર ઘટ્યું છે પરંતુ લખવાની બાબતમાં તો મોટેભાગે સર્વત્ર નિરસતા પ્રવર્તે છે. લખનારા શિક્ષકો ઝડપથી ઘટતા જાય છે. નવી પેઢીના શિક્ષકો  લખવા માટે આગળ આવે ! પ્રાથમિકમાં હવે સ્પેશિયલ ભાષા શિક્ષકો નિમાયા છે ત્યારે બાળકોના ભાષાના સ્તરમાં સુધારાની આશા રાખવી વ્યાજબી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભાષા શિક્ષક તરીકે પોતાની શાળામાં પોતાનું યોગદાન શું ? તે વિષે વિચારવાનો અને પોતાને અપડેટ કરવાનો આ સારો સમય છે. જે શિક્ષક મૌલિક રીતે થોડું ઘણું પણ લખી નથી શકતો તેના શિક્ષક્ત્વમાં કચાશ એમ માનવું રહ્યું. શિક્ષકે જો અપગ્રેડ થવું હોય તો દરરોજ થોડું વાંચવાની અને આઠ – દસ લીટી મૌલિક રીતે કોઇપણ વિષય કે મુદ્દા પર લખવાની ટેવ કેળવવી જોઈએ, નિયમ બનાવવો જોઈએ. નવી પેઢીના શિક્ષકો ગદ્ય અને પદ્ય બંનેમાં રસ લે. સાંભળેલા કે વાંચેલા વિચારોને મમળાવવાની (ચિંતન) ટેવ કેળવ્યા બાદ જ લખવા માટે વિચારોની સ્ફૂરણા જાગે છે. સારા વક્તા બનવા જેમ સારા શ્રોતા બનવું જરૂરી છે. તેમ સારું લખવા સારું ચિંતન કરવાની એટલી જ જરૂર છે. કોઇપણ વિષયનો શિક્ષક સૌ પ્રથમ ભાષાપ્રેમી હોવો જોઈએ. જો તેમ થશે તો જ તે પોતાના વિદ્યાર્થીઓને અસરકારક જ્ઞાન આપી શકશે.  
          શિક્ષણમાં આજની સાર્વત્રિક જરૂરિયાત છે : શિક્ષક બાળકોને પોતાના વર્ગકાર્ય  દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં વિષય કે મુદ્દાને અનુરૂપ વાસ્તવિક - પોતે અનુભવેલા અનુભવો પૂરા પાડે.  આજુબાજુનું પર્યાવરણ, લોકજીવન, રીતરીવાજો, ધાર્મિક પરમ્પરાઓ, સામાજિક તાણાવાણા, ભૌગોલિક બાબતો, ભાષાઓ – બોલીઓ, આરોગ્ય, ગ્રામ્યજીવન - શહેરીજીવન, પશુ -પક્ષી અને પ્રાણીઓની દિનચર્યા, ખેડૂત - મજુરની દિનચર્યા, માનવજીવન, ખગોળીય બાબતો, નદી - ઝરણા - ડુંગર - પર્વત - - ખીણ - તળેટી - રણ - જંગલ - સમુદ્ર - માછીમારોનું જીવન - અગરિયાઓ, રોડ - રસ્તા - મકાનો બનાવતા કારીગરો - પ્રાણી - પશુ  - જળચરોની વિસ્મયકારક દુનિયા, વનસ્પતિજગત, નિરંતર સ્થળાંતર કરતા પરિવારોનું જીવન... આવા તો અનેક વિષયો શીખવવાનાં મુદ્દા સાથે કલાત્મક રીતે જોડીને શિક્ષક બાળકોને શીખવે ત્યારે એ મુદ્દો બાળક માટે ચિરસ્થાયી બને જ બને ! પછી એ વિષય ગણિત કેમ ન હોય ?
                             

વર્ગ ઉપર ધાક જમાવનારો, બાળકોને ચોક્કસ મુદ્રામાં બાંધી રાખનારો, લશ્કરી શિસ્તમાં માનનારો, બાળકોને ભયભીત કરનારો, બાળકોને પોચટ વિચારો આપનારો, બાળકના વિચારોને દબાવી દેનારો, બાળ મનોવિજ્ઞાનથી અપરિચિત, સ્થાનિક પરિસ્થિતિની અવહેલના કરનાર, બાળકોના વ્યક્તિત્વને છેહ દેનારો, બાળકોની અવગણના કરનારો, બાળકોને સમજી ન શકનાર, નવા વિચારો અને વાચનથી પર રહેનારો અને અપૂર્ણ વક્તા... એવો  શિક્ષક અસરકારક શિક્ષણ ક્યારેય ન આપી શકે ! શિક્ષણની અસરકારકતા માટે, ગુણવત્તા માટે અને ઉપચારાત્મક કાર્યના નિર્મૂલન માટે શિક્ષકો પહેલા ટ્રેક (અભિગમ) બદલે, પછી ટ્રીક (પદ્ધતિ) બદલે ! 
આભાર મિત્રો, આપના લેખિત પ્રતિભાવની પ્રતિક્ષામાં.....                  
- રમેશ પટેલ તા. ૩૧  જુલાઈ ૨૦૧૫