પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, July 15, 2018

ગામની નિશાળ : જરા વિચારીએ


જરા વિચારીએ

          આજે ઈસુના નવા વર્ષનો નવમો દિવસ છે. એટલે કે તા. ૦૯ મી જાન્યુઆરી ૨૦૧૭ ને પોષ સુદ બારસ - સોમવાર ઘર - કુટુંબમાં કોઈનું અવસાન થાય ત્યારે દાન પુણ્ય કરવાનો એક સકારાત્મક ટ્રેન્ડ રહ્યો છે. ગામડાઓમાં સંપૂર્ણ આસ્થા સાથે સ્વજનના પરિવારના સભ્યો તેને અમલમાં મૂકતા હોય છે. ખાસ કરીને આવા પ્રસંગે અને દાન અર્પણ કરવાની ભાવનાથી જયારે ગામની શાળાને યાદ કરવામાં આવે છે ત્યારે એવો વિચાર કરનારા અને તેને અમલમાં લાવનારા સજ્જનો પ્રત્યે અહોભાવ પેદા થાય. સામાજિક સુધારાઓ માટે થતા મોટા મોટા સંમેલનો અને ભાષણબાજી કરતા મહાનુભાવો કરતાં આવા સ્વયંભુ ઊભા થતા પ્રસંગો વાસ્તવિક અસર ઊભી કરે છે. સમસ્ત સમાજને પણ નવી રાહ તરફ પ્રેરિત કરે છે.
        આજે જરૂર છે બદલાયેલા સંજોગો થકી ગરીબડી બનેલી ગામની શાળા તરફ જોવાની ! આજે ગામ બહાર રહેવાનો અને ગામ બહારની જ શાળામાં પોતાના બાળકોને ભણાવવાનો ક્રેઝ છે. ઠીક છે, સમયનો બદલાવ છે. તેથી સમય સાથે ચાલવું પણ એટલું જ જરૂરી છે. પસંદગીનો સૌને અધિકાર પણ છે. છતાં એટલું તો કહી જ શકાય કે બાળકને પ્રાથમિક શિક્ષણ તો વાલી જ્યાં રહેતા હોય ત્યાં જ અપાવવું વધુ ઉચિત અને વધુ સગવડભર્યું  છે. માટીએડ ગામનું કુટુંબ નજીકના શહેરમાં રહેવા જાય તો બાળક ત્યાં ભણે એ સ્વાભાવિક છે. પરંતુ રહેવાનું ગામમાં જ હોય તો બાળકને પ્રાઇવેટ વાહનમાં ઠાંસીને શહેરમાં  મોકલવામાં કોઈ જ શાણપણ નથી. પોતાનાં બાળકનાં ભવિષ્ય માટે ક્યા મા બાપ જાગરુક ન હોય ! હોવા જ જોઈએ ! તેમ છતાં ગામમાં ગુણવત્તાસભર શિક્ષણ મળતું હોય, સુવિધા સારી હોય, શિક્ષકો મહેનતુ હોય તો પછી બહાર લઈ જઈ વધારાનો નાણાંકીય બોજ વેઢાળવો ઉચિત નથી. સારું શિક્ષણ આપવાની ગામની શાળાની જવાબદારી છે તો સામે પક્ષે સારું શિક્ષણ મેળવવાનો ગ્રામજનોનો (બાળકોનો) હક્ક છે. નામદાર સરકારશ્રીએ RTE (Right to Education) જેવો કાયદો  2009 માં અમલમાં લાવી બાળકોને મફત, ફરજિયાત અને ગુણવત્તાલક્ષી શિક્ષણનો અધિકાર આપ્યો હોય ત્યારે ગામના નાગરિક એવા  વાલીઓએ વિચારવું રહ્યું. આ વાત એટલા માટે લખવી પડી કે આ ગાડરિયા પ્રવાહે ગામે ગામ ધબકતી ગામની પોતીકી શાળાઓ  કે જેની સાથે ગ્રામ્યજીવન ઓતપ્રોત હતું તે આજે ભૂતકાળ બની ગયો છે.  પહેલાનાં સમયમાં  ‘ ગામનું ઘરેણું ’ ગણાતી શાળાઓ  આજે સાવ અછૂત બની છે. શાળામાં ઉપલબ્ધ પ્રવર્તમાન સુવિધાઓ જોવા કે સ્વીકારવા કોઈની પાસે ટાઇમ નથી. હવે તો ગામલોકોને  જન્મતારીખ કે શાળા છોડ્યાના  પ્રમાણપત્રની જરૂર પડે છે ત્યારે અને ચુંટણી હોય ત્યારે મતદાન વખતે જ તેમને ગામની શાળા યાદ આવે છે. ગામની શાળાની આવી અવહેલના ચિંતા પણ ઉપજાવે છે ને દુઃખ પણ !
        બિચારી ગામની શાળા ! આ એ જ શાળા છે જેની નિશ્રામાં ગામનો આજનો વડીલવર્ગ ભણી ગણીને સફળતાની ટોચે હોવા છતાં આજે પોતાના પપૌત્રને બહારની શાળામાં ભણવા મૂકી રહ્યો છે. શહેરની ખાનગી શાળાઓમાં બિનતાલીમી શિક્ષકો, અપૂરતો અભ્યાસ, આવડત, પ્રભાવ અને પગાર વગેરે સાથે વિશેષ અનુભવની કમી છે. માતાપિતાની મથામણ, આર્થિક ઘસારો વેઠીને અપાતાં ટ્યુશન વડે બાળકોને આગળ ધકેલવાની હોડ જામી છે. બાકી ગામની શાળા એટલે સંસ્કારિતાનું ઝરણું ! ગામની શાળા એટલે માતાનો ખોળો ! ગામની શાળા એટલે પપ્પાનો પ્રેમ ! ગામની શાળા એટલે દાદીમાનું વ્હાલપ ! ગામની શાળા એટલે આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી પરંપરા, આપણો ભૂતકાળ અને આપણું ભવિષ્ય ! ગામનાં આપણા જ વડવાઓએ ઊભી કરેલી આ શાળા એટલે પ્રાથમિક શાળા માટીએડ ! અહીના વિદ્યાર્થી રહી ચૂકેલા કેટલાંય ગ્રામજનોના જીવનમાં અક્ષરનું અજવાળું પાથર્યું હશે આ શાળાએ ! કેટલાયે સજ્જનોની આજની પ્રગતિનાં  મૂળમાં આ શાળાનો ફાળો રહ્યો હશે ! ગામના ભાઇઓ અને ગામની બહેનોને કેટલી ઉપયોગી બની હશે આ શાળા ! નહોતી કોઈ ચળવળ કન્યાકેળવણીની, નહોતો સાક્ષરતાનો આટલો પ્રકાશ, નહોતા સાધનો અને નહોતી સગવડ ત્યારે પણ આ શાળા પોતાનું કામ કરતી રહી છે. નાત – જાત – ધર્મ – લિંગભેદ કે છૂત અછૂતના ભેદભાવ વગર અક્ષરનાં અજવાળા પાથરતી રહી છે આ શાળા ! મા પોતાના બાળકને ખોળે બેસાડે, વ્હાલ કરે તેમ આ શાળાએ કેટલાય વિદ્યાર્થીઓને પોતાની ગોદમાં લઈ અક્ષરજ્ઞાનની ત્રીજી આંખ ખોલી હશે. એથી જ આપણને સૌને આપણી  આ શાળા પર આજેય ગર્વ છે. આપણે  એક પુરુષ તરીકે  કે પછી એક મહિલા તરીકે આ ગામમાં રહીએ છીએ કે ગામ બહાર... પણ આપણે આ શાળાના ઋણી છીએ. ગામની શાળા પર આપણને ખરેખર ગર્વ છે અને હોવો પણ જોઈએ.
        આ ગામના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી અને દૂરંદેશી વિચારસરણીવાળા હશે કે શાળાની સ્થાપના  માટે  ૧૩૪ વર્ષ પહેલા તેમને ગામમાં શિક્ષણની જરૂરિયાત પૂર્ણ કરવા શાળા સ્થાપનાનો વિચાર કર્યો હશે ! એટલું જ નહી  શાળા માટે ગામની સૌથી સારી જગ્યા પસંદ કરી હશે ! બહુ ઓછા ગામમાં આપણી શાળા જેટલી વિશાળ જગ્યા હશે. સરકારી મદદ મળવાની શરુ થઇ તે પહેલા અહી શાળાની કમ્પાઉન્ડ દિવાલ બની ચૂકી હતી. જે આજે પણ તંદુરસ્ત હાલતમાં ઊભી છે.
        ૫ કે ૧૦ વર્ષમાં ક્ષતિગ્રસ્ત થઇ જતાં આર સી સી ના મકાનોની સામે હાલનું સંવત ૨૦૦૭માં બંધાયેલું મકાન ૬૬ વર્ષથી અડીખમ ઊભું છે. જેની દિવાલ કે લાકડામાં એક રતિભાર પણ ક્ષતિ જોવા મળી નથી.  

No comments:

Post a Comment