પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, July 20, 2014

♣ શાળા વિશેષતા પેમ્પલેટ

શાળા વિશેષતા પેમ્પલેટ 

 ઝડપી સમય પરિવર્તનના આ યુગમાં માણસ માત્રની અપેક્ષા ને આકાંક્ષાઓ વધી છે. અહીં ગરીબ - તવંગર કે બીજો કોઈ જાતિભેદ નથી. દરેકને તાત્કાલિક પરિણામ જોઈએ છે. પરિણામે દરેક ક્ષેત્રમાં સ્પર્ધાઓ બેશક વધી છે. બધાંને પોતાની ક્ષમતાને પીંછાણ્યા  વિના ટોચ ઉપર પહોંચવું છે. ટોચ પર પહોંચવાની ઈચ્છા હોવી આવકાર્ય પણ છે. પરંતુ વગર મહેનતે કે અધૂરી મહેનતે અવ્વલ દરજ્જે પહોંચી જવાની તમન્નાઓનું શું
           શિક્ષણનાં ક્ષેત્રમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આવી સ્પર્ધાઓને કારણે શિક્ષણનું વ્યાપારીકરણ બેશક વધ્યું છે. માત્ર બાળકોનાં શિક્ષણને કારણે શહેરો તરફ સ્થળાંતર થનારો એક મોટો વર્ગ છે. આ સ્થળાંતરિત વર્ગમાંથી ચોક્કસ વર્ગ એવો પણ ખરો કે જેને શહેરી ખર્ચ ઉપરાંત બાળકોની સ્કુલ ફી કે ટ્યુશન ફી કે તેને લગતાં આનુસાંગિક ખર્ચાઓ પરવડે તેમ નથી. ઘણીવાર ગાડરિયા પ્રવાહ જેવું લાગે ! જે લોકો ગામડાઓમાં ખેતી, પશુપાલન કે બીજા વ્યવસાયોને કારણે સ્થળાંતર નથી કરી શકતાં તેવા વાલીઓ પોતાનાં નાનાં નાનાં બાળકોને સ્કુલનાં વાહનો કે પ્રાઇવેટ વાહનો દ્વારા શહેરો તરફ ધકેલે છે. બાળકનાં કામનાં કલાકોની ખુદ માતાપિતાને કે શાળા મેનેજમેન્ટ કોઈને પરવા નથી. કારણ છે : સ્પર્ધા.  અપેક્ષાઓ વધી છે. ગુણવત્તા કે પાયાની કેળવણીના ખ્યાલની કોઈને તમા નથી. કોરું શિક્ષણ, પોપટીયું જ્ઞાન, ગોખણપટ્ટી, લખાપટ્ટી... વધતાં જાય છે. બાળક સમયનાં અભાવે માતાપિતા, સગાસબંધી, અડોશી - પડોશી, ફળિયા કે મહોલ્લાનાં પરિજનોનાં સામાજિક વ્યવહાર અને લાડપ્યારથી વંચિત થતું જાય છે.  
               ગામડાઓમાં પાયાનું શિક્ષણ આપતી સરકારી શાળાઓ કાર્યરત છે. આ શાળાઓ પાયાની કેળવણી આપવાનું કામ કરે છે. સરકાર આ શાળાઓનાં નિભાવ અને ત્યાંથી  ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે  તે માટે નીતનવા પરિવર્તન લાગુ કરે છે. આજે આ શાળાઓમાં જે સુવિધાઓ કે નવા ફેરફારો આવ્યાં છે તેનાથી ગામલોકો સુપેરે પરિચિત નથી. એ શાળાઓમાં થતાં ખર્ચની સુવિધાઓની વાત હોય કે પછી ડીગ્રી શિક્ષકોની ભરતીની વાત હોય, કમ્પ્યુટર લેબની વાત હોય કે બાયસેગના લાઇવ પ્રસારણની વાત હોય, તાલીમોની વાત હોય કે મહત્વાકાંક્ષી અને વિવિધતાથી ભરપૂર પ્રજ્ઞા અમલીકરણની વાત હોય... વાલીઓ, ગ્રામજનો શાળામાંથી મળતી આ સેવાઓથી માહિતગાર હોવા જોઈએ. અહીં જે તે શાળાનાં આચાર્ય સહીત શિક્ષકોની ફરજ બને કે લોકજાગૃતિ માટે તેઓ નવતર પ્રયોગો કરે ! સમાજને જાગૃત રાખવાનું કામ શિક્ષકોનું જ હતું અને આજે પણ છે. સવાલ એ છે કે સરકારી શાળાઓમાં આવેલાં થોકબંધ ફેરફારોની સાથે જનજાગૃતિનું કામ કેટલી શાળાઓ કરે છે ! માર્કેટિંગનો જમાનો છે, સ્પર્ધાનો જમાનો છે ત્યારે હાથ પર હાથ ધરી બેસી રહેવાનો આ સમય નથી. માત્ર વાલીઓને નહીં, સમસ્ત સમાજને શાળા સાથે જોડવા મન ચાહે તેવા પરંતુ આત્મીય પ્રયત્નો કરીએ. 
           મારી આવી જ મૂંઝવણનાં ઉકેલ માટે મેં શાળા વિશેષતા પેમ્પલેટ બનાવી  મારી શાળામાં મળતી સુવિધાઓથી લોકોને માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો. પેમ્પલેટ ઘરે ઘરે પહોંચાડ્યા . લોકોમાં પ્રજ્ઞા બાબતે જાગૃતિ આણવા ભરપૂર પ્રયત્નો કર્યા. લોકોને શાળા સાથે જોડી સ્કૂલ કોમ્યુનિટીનું વાતાવરણ ઊભું કર્યું.  આ રહ્યો એ પેમ્પલેટનો નમૂનો......  

નવો પ્રવેશ ચાલુ છે....... જલ્દી કરો..........
આપણા ગામની પ્રાથમિક શાળા હવે બની છે : પ્રજ્ઞા શાળા
ગત વર્ષ – ૨૦૧૧થી આપણી શાળામાં ધોરણ – ૧ તથા ૨ માં સફળતાપૂર્વક પ્રજ્ઞા પ્રોજેક્ટનો અમલ




પ્રકૃતિની ગોદમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ
તદ્દન નવો જ અભિગમ, ગરીબ વાલીઓનાં બાળકો માટે ઉત્તમ શિક્ષણની સુંદર સુવિધા એટલે પ્રજ્ઞા
પુસ્તક વિના એટલે કાર્ડ દ્વારા શિક્ષણ, દફતર વિના એટલે ભાર વગરનું ભણતર



ધોરણ – ૧ / ૨ માં સફળતા બાદ હવે જૂન – ૨૦૧૨થી ધોરણ – ૩ અને ૪ માં પ્રજ્ઞાનો અમલ
મફત શિક્ષણ, અનુભવી અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ.
અલગ વિષયખંડ, અલગ વિષય શિક્ષક
ઉચ્ચ ક્વોલીટીનું સુંદર સાહિત્ય હવે તમારાં બાળકો માટે તદ્દન વિનામૂલ્યે !
પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટ હવે ધોરણ – ૧ થી ૪ માટે આપણા જ ગામમાં.....
પાયાનું શિક્ષણ, અસરકારક શિક્ષણ એટલે જ પ્રજ્ઞા.
મોંઘીદાટ ફી ભરતાં પણ ન મળે તેવું શિક્ષણ હવે આપણા ગામની શાળામાં સાવ મફતમાં !
સ્વઅધ્યયનપોથી, દફતર, પેન, પેન્સિલ, રબર, સંચો, કલર.... દરેક વસ્તુ શાળામાંથી જ ઉપલબ્ધ !
જલ્દી કરો, ગામની શાળામાં તમારા બાળકનાં પ્રવેશ માટે આજે જ વિચારો.
વાલીમિટિંગ અને બાળકોનાં કાર્યને પ્રત્યક્ષ નિહાળવાની અમૂલ્ય તક !
એસ.એસ.એ. મિશન, યુનિસેફ અને રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગનો એ સરાહનીય પ્રયત્ન !
આપણા ગામની પ્રાથમિક શાળામાં હવે આધુનિક શિક્ષણ પદ્ધતિ “ પ્રજ્ઞા ” નો અમલ
પ્રજ્ઞાવર્ગ નિહાળવા જરૂરથી પધારો.
·         પ્રજ્ઞા : અજવાળું અજવાળું *
પ્રાથમિક શાળા, નવાતરિયા તા. અંકલેશ્વર જી. ભરૂચ
સંપર્ક : શ્રી, રમેશચંદ્ર પટેલ પ્રજ્ઞા શિક્ષક, ૯૪૨૬૮ ૫૯૦૫૬
વાંચો, વંચાવો સાથે બીજાને જરૂર સમજાવો.

No comments:

Post a Comment