“ મારો નવતર પ્રયોગ
મારા વિદ્યાર્થીઓ માટે ”
♣ રાજયકક્ષાએ મારા પ્રજ્ઞા ઇનોવેશનની પસંદગી
રાજ્યનાં કેટલાંય પ્રાથમિક શિક્ષકો અંતરિયાળ
ગામડાઓ, દુર્ગમ કહી શકાય તેવા વિસ્તારો અને ગામડાઓમાં પોતાનું પાયાની કેળવણીનું
કામ ભારે અસુવિધાઓ વચ્ચે વર્ષોથી અને કદાચ
આજે પણ સુપેરે બજાવી રહ્યાં છે. ‘ પ્રાથમિક શિક્ષણ એટલે પાયાનું શિક્ષણ.’ જિલ્લા
પંચાયત હસ્તકની મોટાભાગની શાળાઓ ગામડાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં જે બાળકો આવે
છે, તે મોટેભાગે એવા કુટુંબોમાંથી આવે છે કે જેઓ પોતે શિક્ષણથી વંચિત છે, ગરીબાઇને
કારણે આજીવિકાનો પણ પ્રશ્ન છે અને તેથી રોજગારી માટે સ્થળાંતરનો ગૂંચવાડાભર્યો
કોયડો પણ છે. આ બાળકો ધોરણ – ૧ માં પ્રવેશ મેળવે છે ત્યારે કોઈ વિધિવત્ શિક્ષણ
મેળવીને નથી આવતા પણ તે પોતાનાં કુટુંબની રહેણીકરણી, સામાજિક આદાનપ્રદાન, રીતભાત,
કુટેવો બધુંજ સાથે લઈને આવે છે. આવા બાળકો – વાલીઓ અને સમવિષમ પર્યાવરણ વચ્ચે કેટલાંય શિક્ષકો વતનથી
દૂર રહી શિક્ષણકાર્ય કરાવી રહ્યાં છે.
ઉપરોક્ત
માહોલ વચ્ચે કામ કરતાં રાજયનાં પ્રાથમિક શિક્ષકો પોતાની શાળામાં, પોતાનાં
વર્ગખંડોમાં પરિસ્થિતિ અનુસાર બાળકો સાથે શીખવા – શીખવવાની બાબતમાં સતત મથામણ
કરતાં રહે છે. આ સંજોગોમાં સ્થાનિક બીજી કેટલીયે વિશિષ્ટ પરિસ્થિતિઓ છે કે જેથી
શાળામાં કોઈ એક પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય
ક્યારેય કરાવી શકાતું નથી. શિક્ષક સમય – સંજોગ અને તકાજો જોઈ પોતાની રીતે,
અનુભવોમાંથી શીખીને પોતાની કોઈ વિકસાવેલી પદ્ધતિ અજમાવી શિક્ષણકાર્ય કરાવે છે. દા.
ત. હું આજથી ૩૪ કરતાં વધારે વર્ષ પહેલાં સાગબારા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારનાં
ગામની પ્રાથમિક શાળામાં હતો ત્યારે ત્યાંના સમાજમાં મોટેભાગે સાંજના ન્હાવાની પ્રણાલિ
હતી. ખાસ કરીને ગરમીનાં દિવસોમાં આખો દિવસ બાળકો સાથે બેસી શિક્ષણકાર્ય કરવું
કપરું કામ હતું, ત્યારે હું એ પરિસ્થિતિના નિરાકરણ માટે એકાંતરે દિવસે બાળકોને
ખાડી (નાની નદી) એ ન્હાવા લઈ જતો અને આવ્યા પછી શૈક્ષણિક કાર્ય કરાવતો. આ એક
ઉદાહરણ માત્ર છે, આવા તો અનેક અનુભવો છે.
શાળામાં
ભૌતિક સુવિધા વધારવાની વાત હોય, શાળામાં બાળકોને તેડી લાવવાનું કામ હોય, ગામડાનાં
બાળકોને ટેકનોલોજીનો ટચ કરાવવાની વાત હોય કે પછી ગ્રામ સુધારણાનું કામ હોય,
શિક્ષણનાં અધિકારની વાત હોય કે વાલી અને એસ.એમ.સી.ને શાળા સાથે જોડવાની વાત હોય
અનેક મુશ્કેલીઓ વચ્ચે, અનેક પડકારો વચ્ચે અંતરિયાળ ગામડાઓમાં શિક્ષકનો આ સેવાયજ્ઞ
અવિરત ચાલુ જ રહે છે. કેટલાંયે શિક્ષકોએ સ્થાનિક પર્યાવરણનો ઉપયોગ કરી પોતાની
શાળાને નંદનવન સમી હરિયાળી બનાવી છે, તો બીજી તરફ શાળાનાં બાળકો સમયની સાથે કદમ
મિલાવી ચાલી શકે તે માટે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. શાળાઓને સરકારી
ગ્રાન્ટનાં ઉપયોગની સાથે દાતાઓના સહકારથી વધુ સુસજ્જ બનાવી છે. કર્મનિષ્ઠ શિક્ષકોએ
શિક્ષણ પદ્ધતિમાં નિત નવા અખતરાઓ અને પ્રયોગો કર્યા છે.
આવા સાચા અર્થમાં મુઠ્ઠી ઊંચેરા કહી શકાય એવા શિક્ષકોને
શોધી તેમણે કરેલા નવાચારને રાજ્ય અને દેશનાં બીજાં શિક્ષકો સુધી પહોંચાડવા
આઈ.આઈ.એમ. (IIM) અમદાવાદ જેવી ખ્યાતનામ સંસ્થાએ જી.ઈ.આઈ.સી. (GEIC) અને સૃષ્ટિ (SRISTI) સાથે મળી આ બીડું
ઝડપ્યું અને પાર પાડ્યું.
હા, મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત સમીટ – ૨૦૧૨માં
શિક્ષણની ગુણવત્તા સુધારવાના ભાગરૂપે
આઈ.આઈ.એમ. (IIM) અને જી.ઈ.આઈ.સી. (GEIC) એ જી.સી.ઈ.આર.ટી (GCERT) સાથે એટલે કે શિક્ષણ વિભાગ સાથે એમ.ઓ.યુ. (MOU) કર્યા હતાં. દરેક જિલ્લાના ડાયેટમાં ઇનોવેશન બેંક બનાવવામાં આવી. શિક્ષકો પોતાનાં
નાના નાનાં ઇનોવેશન સરળતાથી સબમિટ કરી શકે તે માટે ત્રણ ફોલ્ડનું પેમ્પલેટ દરેક
શાળાને માર્ચ – એપ્રિલ ૨૦૧૩માં પહોંચાડવામાં આવ્યું. જેમાં ઇનોવેશન એટલે શું ?
ઇનોવેશનના ઉદાહરણો, સબમિટ કરવાની રીત વગેરે સઘળી માહિતી આપવામાં આવી. ડાયેટ દ્વારા
બહોળા પ્રચાર – પ્રસારનું કામ થયું. પ્રત્યેક જિલ્લામાંથી વધુમાં વધુ એન્ટ્રી જમા
થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં.
રાજ્યભરમાંથી આવનાર પ્રયોગોમાંથી ૧૦૦ પ્રયોગો
(શિક્ષકો) ને પસંદ કરી તેઓનું રાજયકક્ષાએ સન્માન કરવાનું અને આ પ્રયોગો સુધારા
વધારા સાથે આગળ વધારવાનું આયોજન હતું. લગભગ ૬૩૯૩ પ્રયોગો રાજ્યભરમાંથી એકત્ર થયાં.
આ પ્રયોગોનો અભ્યાસ થયો, વારંવાર થયો. ઇનોવેશનનાં બધાંજ પાસાનાં અભ્યાસ બાદ
ગુણવત્તાની દ્રષ્ટિએ જે ઇનોવેશન તારવવામાં આવ્યાં તે ઇનોવેશન સબંધિત શાળાની
આઈ.આઈ.એમ. ના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી. નવતર પ્રયોગ કરનાર
શિક્ષક સાથે વિસ્તૃત ચર્ચા – પ્રશ્નોત્તરી સાથે પ્રયોગની થકી થયેલ અસરો ચકાસવામાં
આવી. આ આખી પ્રક્રિયા બાદ રાજ્યભરમાંથી ૧૦૦ ઇનોવેશન (એટલે કે ૧૦૦ શિક્ષકો) પસંદ
કરવામાં આવ્યાં. પસંદગી પામેલા શિક્ષકોનો રાજ્યકક્ષાએ બે દિવસનો વર્કશોપ,
પ્રેઝન્ટેશન, પ્રદર્શન અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો. ૧૦૦ શિક્ષકોને
મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં.
No comments:
Post a Comment