પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Wednesday, July 16, 2014

♣ પ્રજ્ઞા પરિચય

પ્રજ્ઞા પરિચય 


પ્રજ્ઞા - અજવાળું અજવાળું
 પ્રજ્ઞા પરિચય
  રાજ્યભરમાં ૨૦૧૦ થી (પહેલો ફેઝ) શરુ થયેલી આ પ્રજ્ઞાયાત્રા ૨૦૧૪માં (પાંચમાં ફેઝ) સુધી પહોંચી છે. ધોરણ – ૧ અને ૨ પછી ધોરણ – ૩ અને ૪ અને ચાલુ વર્ષે તાલુકાદીઠ ૨ શાળાઓમાં પ્રજ્ઞાની શુભ શરૂઆત થઈ ચૂકી છે. પ્રજ્ઞા દ્વારા મળેલા ઉત્સાહજનક પરિણામો અને પરિવર્તનોની વાત સાંભળવા મળે છે, ત્યારે માત્ર એક પ્રજ્ઞા શિક્ષક તરીકે પણ આનંદ અનુભવું છું. બીજી તરફ પ્રજ્ઞા વિષે ઘસાતી કે અણસમજભરી કોઈ વાત થાય ત્યારે થોડું વસમું પણ લાગે છે. ખાસ કરીને પ્રજ્ઞાને જાણ્યા કે સમજ્યા વિના કોઈ અભિપ્રાય આપી દે છે ત્યારે તે વ્યક્તિની વૈચારિક દરિદ્રતા પ્રત્યે દયા ઉપજે છે. નવી તરાહ છે, સુધારા વધારા ચાલુ છે, પોઝીટીવ અભિપ્રાયો આવકાર્ય છે આ બધું હોવા છતાં કોઈ નબળી માનસિકતાને લઈ વણ વિચાર્યા અભિપ્રાયો આપવા ઠીક નથી. આર.ટી.ઈ. માં હવે બાળકો જ સર્વોપરી હોય, બાળકોનું હિત સર્વોપરિ હોય ત્યારે આપણે આપણી રૂઢિગત ટેવો, માન્યતાઓ, પ્રણાલીઓ... બધું ધીમે ધીમે ત્યજવું પડે અને પરિવર્તનના પ્રવાહને પણ પારખવો પડે ! હંમેશા કોઈ નવી વાત, નવી તરાહ આવે ત્યારે પ્રારંભમાં સ્વાભાવિક રીતે જ આપણે તેને સ્વીકારવા તત્પર નથી હોતાં. આ એક સાહજિક અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી બાબત છે. ઘણીવાર તો એવું પણ બને કે પરિવર્તનનું નક્કર પરિણામ જોયા પછી પણ તે ઘણીવાર સ્વીકારી શકાતું નથી, અથવા એમ કહું કે કેટલાંક લોકો આંખ આડા કાન કરી લે છે.
          મિત્રો, પ્રજ્ઞા માત્ર તરાહનો જ બદલાવ નથી, પણ તેથીએ વિશેષ છે. શિક્ષક સજાગ હોય તો પ્રજ્ઞા પાયાનાં ધોરણોમાં બાળકનાં મન, ચિત્ત ઉપર ઘણીબધી પોઝીટીવ મનોવૈજ્ઞાનિક અસરો કરી શકે છે કે જે બાળકની આ ઉંમરે અતિ આવશ્યક છે. મારા મતે પહેલા ધોરણથી લઈ ક્રમશઃ બીજા, ત્રીજા અને ચોથા સુધીમાં આ અસરોને શિક્ષકે અપગ્રેડ કરવાની જરૂર રહે છે. દા.ત. પ્રજ્ઞામાં દરેક નાની મોટી વસ્તુઓ કે શૈક્ષણિક સામગ્રીઓ બાળકોની પહોંચમાં રાખવામાં આવે છે. અહીં તેને પૂર્ણ સ્વતંત્રતા મળે છે. ધાકધમકી કે ડર – બીકનું વાતાવરણ નથી. પરિણામે બાળકોમાં પૂર્ણ આત્મવિશ્વાસ અને પોતાપણાની ભાવનાનો વિકાસ થયો છે. ચોરી કરવાની વૃત્તિનો આપમેળે છેદ ઊડી ગયો છે. આ મોટું પરિવર્તન છે. કિસીને કુછ ગલત કામ કિયા હૈ તો બાબુજી કહતે હૈ – યે ચિડીયાઘર કે સંસ્કાર નહીં હૈ ! (ચિડીયાઘર – સબ ટીવી) વૈસે કુછ ગલત કામ હો જાતા હૈ તો આજ મે ભી કહ શકતા હું – યે પ્રજ્ઞા કે સંસ્કાર નહીં હૈ ! પ્રજ્ઞાના બાળકોમાં મેં શિસ્તનો બદલાવ જોયો છે, અને અનુભવ્યો પણ છે. આ બાબતે બાળકોનાં માતાપિતા તરફથી જાહેર પ્રતિભાવો પણ મળેલાં છે. ઝંડીનો વાસ્તવિક ઉપયોગ ન થતો હોય તો તુરંત લાગુ કરવાની મારી ભલામણ છે. સિમ્બોલનો ઉપયોગ ન થતો હોય તો તુરંત લાગુ કરવાની મારી નમ્ર ભલામણ છે. ખોયા – પાયા બોક્ષ ન મૂક્યું હોય તો મૂકવાની અને સમુચિત ઉપયોગ માટે બાળકોને સમજ આપવાની પણ ભલામણ કરું છું. પ્રજ્ઞા વર્ગમાં અરીસો – કાંસકો – નેપકીન – નેઈલકટર.. ઈત્યાદિ ન મૂક્યાં હોય તો સત્વરે મૂકવાની મારી ભલામણ છે. પ્રારંભિક વાલીમિટિંગ ન થતી હોય તો અને વાલીમિટિંગ થતી હોય ને વાલીવર્ગખંડ બેઠક ન થતી હોય તો તેનો અમલ કરવા ભલામણ કરું છું. આ ઉપરાંત શેતરંજીની ચોક્કસ શેપમાં ગડી કરવી, પ્રજ્ઞા સામગ્રી યથાસ્થાને જ બાળકો પાસે મૂકાવવાનો આગ્રહ, શાળાનાં કમ્પાઉન્ડમાંથી નિયમિત રૂપે નાનાં બાળકોની  (ધોરણ – ૧ અને ૨) સાથે રહી કાગળ, પ્લાસ્ટિક જેવો સૂકો કચરો વીણાવવો, બાળક સાથે બાળક બની જવું... યે સબ કરકે તો દેખો...!
       પ્રજ્ઞા થકી પાયામાં મૂળાક્ષરો કે અંકલેખનથી શરુ થતી વાત ક્રમશઃ ભાષાકીય અને ગાણિતિક કૌશલ્યોને પરિપક્વ કરે છે. મારા મતે તો રેમીડીયલ હટાવવાનો એકમાત્ર સરળ ઉપાય એટલે પ્રજ્ઞાનો અસરકારક અમલ ! આવો, મિત્રો પ્રજ્ઞાને ઊંડાણપૂર્વક સમજીએ અને અપનાવીએ. પ્રજ્ઞાનો પ્રચાર – પ્રસાર કરી વાલીજાગૃતિ થકી ગામનાં બાળકો ગામની જ પોતીકી શાળામાં જ પ્રારંભિક શિક્ષણ મેળવે તે માટે સઘન પ્રયત્નો કરીએ.
પ્રાસ્તાવિક

વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ માટે શાળા શિક્ષણમાં કે વર્ગ શિક્ષણમાં અનેકવિધ અભિગમોનો શિક્ષક ઉપયોગ કરતો રહ્યો છે, જે ક્યારેક શિક્ષણકેન્દ્રી, બાલકેન્દ્રી, વર્ગખંડકેન્દ્રી કે પાઠ્યપુસ્તકકેન્દ્રી હોય છે. સમગ્રતયા વર્ગનાં તમામ બાળકોને કેન્દ્રમાં રાખીને, તેમની વૈયક્તિક ભિન્નતાને ધ્યાનમાં લઈને, તેમની ક્ષમતા – ગતિને આધારે શિક્ષણ આપવાનું હંમેશા મુશ્કેલ રહ્યું છે. શિક્ષણવિદ્દો અને શિક્ષકો એવા અભિગમની શોધમાં હોય છે, જેમાં વર્ગનાં તમામ બાળકોને શિક્ષણ પ્રક્રિયામાં જોડી શકાય, તેમની શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યક્તિગત માપન થઈ શકે. આ તમામ આવશ્યકતાને ઉપકારક બને એવો અભિગમ એટલે પ્રજ્ઞા.
       પ્રજ્ઞા એ જૂથ આધારિત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવવાનો એવો અભિગમ છે કે જેમાં સ્વનિર્મિત અધ્યયન સામગ્રીનાં નિર્માણ અને ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ સહપાઠી શિક્ષણ વડે પોતાની ગતિ – ક્ષમતા અનુસાર આનંદદાયી શિક્ષણ મેળવે છે અને મેળવેલ શિક્ષણનું વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મૂલ્યાંકન કરે છે. આ અભિગમની શૈક્ષણિક પ્રક્રિયા ભાર વગરનાં ભણતર સાથે સંકળાયેલી છે, જેથી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે.         
      
પ્રજ્ઞા જૂથોનો પરિચય

પ્રજ્ઞા એ ‘ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન ’ પ્રાપ્ત કરવાનો અભિગમ છે. જેમાં છ છાબડીઓ હેઠળ વિદ્યાર્થીઓનાં આપમેળે રચાતા છ જૂથ થકી શૈક્ષણિક કાર્ય થાય છે. આવા છ જૂથોનો આપણે વિગતવાર પરિચય મેળવીએ.
૧. છાબડી - ૧ શિક્ષક સમર્થિત જૂથ (શિક્ષક સહાય જૂથ) Teacher Support Group
૨. છાબડી - ૨ આંશિક શિક્ષક સમર્થિત જૂથ (આંશિક શિક્ષક સહાય જૂથ) Partial  Teacher 
                                                                                                    Support Group                
૩. છાબડી - ૩ સાથી સમર્થિત જૂથ (સાથી સહાય જૂથ) Pear Learning Group
૪. છાબડી - ૪ આંશિક સાથી સમર્થિત જૂથ (આંશિક સાથી સહાય જૂથ) Partial Pear
                                                                                                         Learning Group
૫. છાબડી - ૫ સ્વઅધ્યયન જૂથ Self Learning Group
૬. છાબડી - ૬ મૂલ્યાંકન જૂથ  Assessment Group

પ્રજ્ઞા અભિગમના હેતુઓ   

·        પ્રત્યેક બાળક પોતાની ગતિ મુજબ શિક્ષણ મેળવવાની તક મેળવે.
·        ભાર વગરનાં પ્રવૃત્તિલક્ષી, આનંદદાયી શિક્ષણની તક પ્રાપ્ત કરે.
·        પ્રત્યેક બાળક ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવે તેવી ક્ષમતા વિકસિત કરે.
·        બાળકો જરૂરી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા કે નહીં તેનું મૂલ્યાંકન કરે.
·        પોતાનાં કાર્ય અને સાધનસામગ્રી તથા પદ્ધતિઓનું સ્વમૂલ્યાંકન કરે અને તેમાં સુધારણા કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.
·        બહુસ્તરીય શિક્ષણ માટેની સામગ્રી નિર્માણ કરે તથા તેનો ઉપયોગ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે.
·        બાળકો એકબીજાનાં સહયોગથી શિક્ષણ મેળવે.
·        વિશેષ જરૂરીયાતવાળા બાળકોને પૂરતો સમય અને તક મળે.
·        વિવિધ સ્તરનાં બાળકોને શીખવા માટેની સમાન તક મળે.
·        બાળકની પ્રત્યેક તબક્કે થતી પ્રગતિથી વાલી, શિક્ષક અને બાળક પોતે પણ માહિતગાર રહે. 


No comments:

Post a Comment