શાળા સમુદાય
પ્રજ્ઞા અંતર્ગત્ વર્ગમાં બાળકોએ દફતર વગર
શાળાએ આવવાનું છે એવું મેં પ્રથમવાર જાયું ત્યારે એક શિક્ષક તરીકે મને પણ આશ્ચર્ય
થયું હતું કે - આ તે કેવી રીતે શકય છે? મેં સ્વયં આ બાબતે ઘણું વિચાર્યું : મને જે મૂંઝવણ થઈ તેવી બલ્કે તેથી કંઈક
વધુ મૂંઝવણ મારા વાલીઓ અનુભવશે અને કયાંક નકારાત્મક છાપ પડશે. તાલીમ લઈને શાળામાં
આવ્યા બાદ મારા મનમાં રોજ સતત આ બાબતે મનોમંથન ચાલતું હતું કે હું આ મૂંઝવણનાં
ઉકેલ માટે શું કરી શકું ? મારી પાસે મે મહિનામાં સત્ર પૂરું થવાનાં માત્ર પાંચ જ દિવસ
બાકી હતાં. મને વિચાર આવ્યો : મારે કોઈપણ સંજોગોમાં તાત્કાલિક વાલીમિટીંગ કરવી
જોઈએ. મારા આ વિચારને શાળામાં સમર્થન ન હતું, તેમ દેખીતો વિરોધ
પણ ન હતો. મેં પરિણામનો વિચાર કર્યા વગર ત્વરિત નિર્ણય લીધો. પ્રજ્ઞાનાં પ્રચાર
માટે વાલીસભા યોજવી અને સામૂહિક રીતે સૌને પ્રજ્ઞાથી અવગત્ કરવા. હું માત્ર મારા
આત્માને અવાજે ઊભો થયો. તાત્કાલિક
પ્રજ્ઞાની ખૂબીઓને ઉજાગર કરતું એક પેમ્પલેટ કમ્પ્યુટર પર તૈયાર કરી તેની ૧૦૦ કરતાં
વધુ ઝેરોક્ષ કઢાવી. વાલીસભાનાં આમંત્રણ માટે આમંત્રણપત્રિકા તૈયાર કરી. પેમ્પલેટ
અને આમંત્રણપત્રિકા આપવા ગામમાં ઘરેઘરે
ફરવાનું નક્કી કર્યું. બે થી ત્રણ દિવસ હું મારા સાથી મિત્ર સાથે ઘરેઘરે ફર્યો.
વર્ગનાં તમામ બાળકોનાં વાલી માતા અને પિતા બંનેને રૂબરૂ મળવા કોશિષ કરી. પ્રથમ
મુલાકાતમાં જે ન મળ્યા તેમને બીજી અને ત્રીજી મુલાકાતે મળ્યો. માતાપિતા બંનેને પોતાનાં
બાળકનાં વિકાસ માટે આ વાલીસભા માટે સમય આપવા વિનંતી કરી. સ્વયંભૂ વાલીમિટીંગનો આ
શાળામાં આ પ્રથમ પ્રયોગ હતો. મારી ફેરણી દરમ્યાન પ્રજ્ઞાની વિવિધ જોગવાઈઓ વિશે મારો
સઘન પ્રચાર સતત ચાલુ રાખ્યો. મારી વાતથી ઘણાં વાલીઓ રાજી તો થયાં પણ દફતરવાળી વાત
માટે કેટલાંક મૂંઝાયા પણ ખરા ! કોઈક વાલીઓ આશ્ચર્ય વ્યકત કરતાં જોવા મળ્યાં ત્યારે
કેટલીક બહેનો પોતાનાં બાળકો શું ભણશે ? ને શું લખશે? નો છાનો ડર અનુભવતી પણ જોવા મળી. મારા આ ડોર ટુ ડોર ફરવાનાં અભિયાનથી
સકારાત્મક કે નકારાત્મક પણ પ્રજ્ઞા ગામમાં ચર્ચાનો વિષય જરૂર બન્યું.
સકારાત્મકતાનો લાભ તો બધાં લે, મેં નકારાત્મકતાનો પણ પૂરતો લાભ લીધો. વાલીસભા પહેલાં મારો પહેલો મકસદ બર આવ્યો એવું
મને લાગ્યું, કેમ કે આ રીતે હું વાલીઓમાં જિજ્ઞાસાની ભૂખ
જગાડવામાં સફળ થયો હતો. મેં જિજ્ઞાસુ વાલીઓને સૂચિત વાલીસભા સુધીની ધીરજ રાખવા
સમજાવ્યાં. સત્રનાં છેલ્લા દિવસે બોલાવેલ વાલીસભામાં મારી અપેક્ષા કરતાં ઘણાં
વધારે વાલીઓ આવ્યાં. તેમની સંખ્યા જોઈ મારો ઉત્સાહ બેવડાયો. વાલીસભામાં પ્રજ્ઞા
અભિગમ વિશે વાલીને સ્પર્શતા અને વાલીઓની
જિજ્ઞાસાને સંતોષે તેવા બધાં જ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરી. વાલીઓને રૂબરૂ
વર્ગખંડમાં લઈ જઈ ઉપલબ્ધ પ્રજ્ઞાસામગ્રીનું અને તેનાં ઉપયોગનું નિદર્શન કરાવ્યું.
મારા આ પ્રયત્ન અને પોતાનાં બાળક માટે મેં આપેલાં કમિટમેન્ટ
પછી વાલીઓની ઘણી બધી મૂંઝવણનું નિરાકરણ આવ્યાનું મેં તત્કાળ અનુભવ્યું. મેં મારા
પ્રજ્ઞાવર્ગનાં બધાં બાળકોનાં ખાનગી ટયુશન બંધ કરાવવા વાલીને સહમત કરી ૧૦૦ રૂ. દર
મહિને બેંકમાં બાળકનાં ખાતામાં જમા કરાવવા આહ્વાન
કર્યું. વાલીઓને મારા કામમાં સંપૂર્ણ ભરોસો રાખવા અને આઠ - નવ મહિના બાદ પ્રજ્ઞા
અંતર્ગત્ પોતાનાં બાળકે કરેલું કામ અને પ્રગતિ જોવા સમૂહમાં ફરીવાર બોલાવવાની
ખાતરી આપી. વાલીઓ મારા ભરોસાને હૈયે રાખી નવા પરિવર્તનની આશા સાથે ઘરે જવા વિદાય
થયાં. વાલીસભા ઉપરાંત, શાળા પ્રવેશોત્સવ, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાકદિન, એસ.એમ.સી બેઠક
વગેરે જાહેર પ્રસંગોનો લાભ લઈ મેં પ્રજ્ઞા વિશે નિરંતર વાતો કરતાં રહી લોકોમાં
ઉત્સુકતા જગાડવાનો અવિરત પ્રયત્ન કર્યો છે.
ફેબ્રુઆરી -૨૦૧૨માં એક શનિવારે
ધોરણ - ૩ થી ૮ નાં બાળકો માટે પ્રજ્ઞાવર્ગનાં બાળકોની ત્રણે વિષયની સ્વઅધ્યયનપોથી ઉપરાંત
પોર્ટફોલિયોનું નિદર્શન ગોઠવ્યું. આ દિવસનું દૃશ્ય તો હું કદી ભૂલીશ નહિં. આ દિવસે
મારા બાળકો એટલાં ઉત્સાહિત હતાં કે સતત બે કલાકથી વધુ સમય તેઓ બેન્ચીસની સામે પોતાનાં કાર્યની પ્રસ્તુતિ માટે ઊભા
રહયાં. મારી સતત અપીલ અને બેસવાની સુવિધા છતાં બેસવાનું નામ ન લીધું. આ દિવસે
તેમનાં મોઢા પરનું હાસ્ય અને ખુમારી જોવા જેવાં હતાં. ધોરણવાર અને કતારબંધ એન્ટ્રી
ગેટથી મોટાં બાળકો આવતાં જાય, સ્વઅધ્યયનપોથી ને પોર્ટફોલિયો જોતાં જાય, પ્રસંશા કરતાં જાય અને પ્રજ્ઞા બાળકને હાથ
મિલાવી, પીઠ થાબડી શુભેચ્છા પણ આપતાં જાય ! બીજી
તરફ એકઝીટ ગેટથી બહાર નીકળતાં જાય. વાહ
ભાઈ વાહ ! નાનાનું કામ આજે મોટાએ કુતૂહલપૂર્વક જોયું : આ તો પ્રજ્ઞાની જ કમાલ ! પ્રજ્ઞા
બાળકોનાં ઉત્સાહને વધારવા અને જોનારા બાળકોને પ્રેરિત થવાનો આ સરસ મોકો હતો.
ગામમાં એક સુંદર મેસેજ આપોઆપ ઘર - ઘર સુધી પહોંચી ગયો. આચાર્યશ્રી સહિત શિક્ષકોએ
પણ ઊંડો રસ દાખવ્યો. એપ્રિલનાં અંતમાં
આવું જ સ્વઅધ્યયનપોથી નિદર્શન અને વાલીસભાનું આયોજન વાલીઓને આપેલા મારા કોલ મુજબ કર્યું.
એપ્રિલ મહિનો લગ્ન સિઝનનો મહિનો હતો. આમંત્રણપત્રિકા બનાવી ઘરેઘરે ફરીને પત્રિકા
વહેંચી. પ્રજ્ઞા માટે ખાસ અપગ્રેડ કરી તૈયાર કરેલાં
પેમ્પલેટ વહેંચ્યાં. પ્રજ્ઞાનાં પ્રચાર - પ્રસાર માટે લગ્નનો ફાયદો ઉઠાવ્યો. કોઈપણ
જાતનાં છોછ વગર આ કામ ઉત્સાહપૂર્વક કર્યું. વાલીઓ, મહેમાનો સૌ તરફથી
સર્મથન મળ્યુંં. શુભ દિવસે પ્રાર્થના, પ્રજ્ઞા ટાઈટલ
ગીત અને અભિનયગીતની રજૂઆત બાદ ઉપસ્થિત વાલીઓને આવકારી પ્રજ્ઞાશિક્ષક તરીકે મારા
ઉદ્બોધનમાં મેં વાલીઓને આ વર્ષની વીતેલી પ્રથમ વાલીસભા અને મારા કમિટમેન્ટની યાદ
અપાવી. આજે અવસર હતો : વાલીઓને આપેલા ભરોસામાં પાર ઉતરવાનો ! વર્ષ દરમ્યાન બાળકો
ઉપર મેં જે જે પ્રયોગો અજમાવ્યાં અને તે દરમ્યાન મને જે જે અનુભવો થયાં તેને લોકો
સમક્ષ મૂકવાનો ! શિક્ષક તરીકે હું મારા બાળકોને કેટલા ઓળખું છું, કેટલો પ્રેમ કરું છું તેની પ્રતીતિરૂપી ભાવવાહી અને મારા વર્ગનાં ૪૦ બાળકોનાં
સ્વભાવનું વર્ણન કરતું મારું સ્વરચિત ગીત
મારા ચાળીસ રતન વાંચી સંભળાવ્યું. આ ગીતની વાલીઓ - ખાસ કરીને માતાઓ પર ઘેરી
અસર પડી.
સૌ પ્રથમ હું વાલીઓને સ્વાધ્યાયપોથી અને પોર્ટફોલિયોનાં નિર્દશન માટે નિર્દશન
સ્થળે દોરી ગયો. વાલી માતાપિતાઓએ ખૂબ જ રસ પૂર્વક પોતાનાં અને પછી બીજાનાં
બાળકોનું કામ જોયું. અરસપરસ પોતપોતાનાં
બાળકનું કામ જોયું અને બતાવ્યું પણ ખરું ! કેટલાંક વાલીઓએ અલગથી નીચે બેસી શાંતિથી
પોતાનાં બાળકનું કામ જોયું. બહેનોની હાજરી નોંધપાત્ર હોવાથી વિચારોની આપ - લે નાં
સુંદર દૃશ્યો સર્જાયાં. મમ્મી - પપ્પાની હાજરીમાં આજે બાળકોનો ઉત્સાહ અનેરો હતો.
આજનું દૃશ્ય કોઈ ખાનગી શાળાનાં પરિસર અને ગતિવિધિ કરતાં કયાંય ઉતરતું ન્હોતું
બલ્કે ઘણુંય ચડિયાતું હતું. બાળકોનું કામ જોયા પછી વાલીઓનાં મુખ પર સંતોષનો ભાવ
મેં જોયો. આ નિદર્શન બાદ વાલીને વર્ગમાં લઈ જવામાં આવ્યાં. પોતાનાં બાળકની
હાજરીમાં તેમને પ્રજ્ઞા - ડેમો બતાવવામાં આવ્યો. પોતાનાં બાળકને કોઈ વિશિષ્ટ
પદ્બતિમાં સ્ફૂર્તિથી કામ કરતાં જોઈ શિક્ષિત - અશિક્ષિત બધાં જ વાલીઓ હરખાયાં. પોતાનાં બાળકો
દફતર વગર શાળામાં આવતાં હતાં ત્યારે સ્હેજે એક માતાપિતાને થાય તે સંશયનું આજે
આપોઆપ નિરાકરણ થઈ ગયું. બંન્ને વર્ગોનાં ક્રમશઃ નિરીક્ષણ બાદ ફરીવાર વાલી પ્રતિભાવ અર્થે વાલીબેઠક યોજવામાં આવી.
મેં મારા વર્ષની શરૂઆતમાં તેમને આપેલા મારા કમિટમેન્ટની તેઓને યાદ અપાવી સાથે
તેઓેએ મારી વાત પર મૂકેલા ભરોસાની પણ યાદ અપાવી. આ પ્રોજેકટની ખાસિયતોથી, બાળક બાળકોને મળતી સુવિધાઓથી
તેમને સુપેરે માહિતગાર કર્યાં. પોતાનાં બાળકને નિયમિતરૂપે શાળામાં મોકલવા સલાહ
આપી. અંતે હવે તક હતી વાલીઓનાં અભિપ્રાય સાંભળવાનો અને સમજવાનો ! બહુધા અભણ
માતાપિતા શરમ – સંકોચ અનુભવતાં હતાં
કોઈ ઉભું નહોતું થતું ત્યારે એક આહિર જ્ઞાતિનાં બહેન લજવાતાં ઉભા થયાં ને બોલ્યાં
: સાહેબ, ભણતરમાં ઘણો સુધારો આવ્યો છે અને અક્ષર તો
મોતીનાં દાણા જેવાં થઇ ગયાં છે. વધારામાં સાહેબ એવું કે એનાં સ્વભાવમાં ઘણો જ ફેર પડી ગયો છે. આમ, વાલીનાં પ્રતિભાવ મળતાં ગયાં તે સાથે બેઠેલામાંથી બીજા પણ સૂર પૂરાવતાં ગયાં.
સભાનાં વિસર્જન બાદ સભામાં પોતાની વાત નહીં રજૂ કરી શકયાં હોય એવાં માતાપિતાએ વ્યકિતગત
પોતાનો અભિપ્રાય શાળા કેમ્પસમાં આપ્યો. આ પ્રતિભાવો મારા માટે એક એકથી ચડિયાતાં
એવોર્ડ સમાન હતાં. મારા આખા વર્ષની મહેનતનું આ કદી ન ભૂલાય તેવું સાફલ્ય હતું.
વાલીસભા દ્રશ્ય - ૧
વાલીસભા દ્રશ્ય - ૨
વાલી પ્રતિભાવ
પ્રજ્ઞા વર્ગખંડમાં વાલીબેઠક - દ્રશ્ય - ૧
પ્રજ્ઞા વર્ગખંડમાં વાલીબેઠક - દ્રશ્ય - ૨
પ્રજ્ઞા વર્ગખંડમાં વાલીબેઠક - મહિલા ભાગીદારી
પોતાનાં બાળકને ભણતાં જોવાનો લ્હાવો
પ્રજ્ઞા સિમ્બોલ પરિચય - મમ્મી પપ્પા સમક્ષ
No comments:
Post a Comment