પ્રાથમિક શિક્ષણ : પાયાનું શિક્ષણ.
પ્રાથમિક શિક્ષણને
પાયાનું શિક્ષણ ગણવામાં આવ્યું છે. પ્રાથમિક શાળા એ નૈતિક મૂલ્યોનાં વિકાસનું કેન્દ્રબિંદુ
છે. આ ઉંમરે બાળકોનો શારિરીક વિકાસ, માનસિક વિકાસ, નૈતિક વિકાસ
ખૂબ જ ઝડપથી થાય છે, તેવા આ મહત્વનાં
સમયગાળામાં પ્રાથમિક શિક્ષણ અસરકારક ભૂમિકા ભજવી શકે છે. બાળક શહેરનું હોય કે ગામડાનું
- તેના જીવન વિકાસનાં ઘડતરમાં આ પાયાની કેળવણીનો
ફાળો અતિ મહત્વનો છે. સમાજનો અશિક્ષિત અને
કયારેક કહેવાતો શિક્ષિતવર્ગ
પણ આ પ્રાથમિક સ્તરનાં શિક્ષણને એક સામાન્ય પ્રક્રિયા ગણી લગભગ તેની અવગણના કરે છે.
સામાજિક જાગૃતિ લાવવામાં ગ્રામ્યસ્તરે આપણે સૌ કયાંક ને કયાંક ઉણા ઉતર્યા છે ખરા ? ખેર ! એ ચર્ચાનો
વિષય છે. મફત અને ફરજીયાત
શિક્ષણની જોગવાઇ હોવા છતાં આઝાદી પછીનાં આટલા લાંબા સમયગાળા બાદ પણ આપણે નીતનવાં અભિયાનોનો
આશરો લેવો પડે છે.
શિક્ષણનો સાર્વત્રિક
વ્યાપ વધારવા અને ૧૦૦% સાક્ષરતા જેવા લક્ષ્યાંકો સિદ્ઘ કરવા સામાજિક જાગૃતિ લાવવી અને
રોજગારીનાં પ્રશ્નોનોનું નિરાકરણ (સ્થળાંતર
અટકાવવું) લાવવું, આ બંને બાબતો
પરત્વે આપણે શિક્ષકોએ, કેળવણીકારોએ, સ્વૈચ્છિક -
સામાજિક સંગઠનોએ અને સરકારોએ પોતાનું દૃષ્ટિબિંદુ
એકીસાથે કેન્દ્રિત કરવાની તાતી જરૂર છે. શું આપણો વિકાસ શહેરો લક્ષી છે કે પછી શહેરોનાં
પોશ વિસ્તારની ઝાકઝમાળને જ આપણે વિકાસ ગણીએ છીએ. અહીં સ્પષ્ટ થવું પડે ! શહેર અને
ગામડાનો સંતુલિત વિકાસ જ સ્થળાંતરને નાથી શકે અને શિક્ષણ જ સમાજને બેઠો કરી શકે એ નિર્વિવાદ
છે. બીજી તરફ શિક્ષણ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ જ હવે આર્થિક ઉર્પાજન હોવાનું શિક્ષિત સમાજ
દ્વારા પણ મહદ્અંશે પ્રતિપાદિત થતું જાય છે, આવો સમાજ પોતાનાં બાળકોને આર્થિક બળનાં જોરે આગળ
ધકેલતો થયો છે. આ સ્પર્ધામાં ગામડાનાં કે શહેરી મધ્યમ વર્ગનાં કુટુંબમાંથી આવતા બાળકનાં ભાવિ સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. ટેલેન્ટ
હોવા છતાં આકરી ફી કે ડોનેશનનાં અભાવે વિદ્યાર્થી આગળ જઇ શકતો નથી. તેનાં ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન
લાગી જાય છે. આ સ્થિતિ જોતાં શિક્ષણનું અમર્યાદિત ખાનગીકરણ અને વાલીઓનો મોહ જતે દિવસે
મોટી સામાજિક અસમાનતા ઉભી કરી શકે છે ! આવા
પરિબળોનાં સ્પર્ધાત્મક આક્રમણને કારણે અશિક્ષિત અને આર્થિક રીતે નબળાં પરિવારો હતાશ
બની શિક્ષણ તરફ ભારે દુર્લક્ષ સેવતા પણ થયાં છે. સમાજમાં હવે તો પૈસાવાળા જ બાળકો ભણાવી
શકે એવી એક માન્યતા પણ દૃઢ થતી જાય છે. આજના શિક્ષિત વાલીઓની અને દેખાદેખી કરનારા પ્રલોભિત
માતાપિતાની જાગરુકતા એ કોઇ તંદુરસ્ત જાગૃતિ નથી, પણ આંધળુકિયા માત્ર છે. નવી પેઢીનાં
કહેવાતાં ભણેલા ગણેલાં પેરેન્ટસ હવે પોતાનાં બાળકનાં જન્મ સાથે જ તેને અંગ્રેજી માધ્યમમાં
ભણાવવાનો મનોમન નિર્ધાર કરી લેતાં હોય છે. પોતાનાં ઘરમાં, સમાજમાં, આસપાસમાં કયાંય અંગ્રેજીનું વાતાવરણ કે માહોલ નથી ખુદ નિર્ણય
કરનારા આવા પેરેન્ટસ પણ પોતે સારું અંગ્રેજી નથી વાંચી - લખી શકતાં કે નથી બોલી શકતાં
ત્યાં બે ભાષા વચ્ચે પીસાતાં કુમળી વયનાં બાળકની માનસિક સ્થિતિની શી દશા થતી હશે ! સામાજિક મોભાનાં આવા એક
માત્ર કારણોસર આવા સ્પર્ધાત્મક વાતાવરણમાં બાળકોનો ભોગ લેવાય રહયો છે. કેળવણીનો મુખ્ય
ઉદ્દેશ જ બાળકોનાં સર્વાંગી વિકાસનો છે.
વિદ્યાર્થી પોતે
પોતાનાં જીવનમાં ભવિષ્યમાં આવનારા પડકારો સામે ઝઝૂમી શકે એવી કેળવણીની જ હવે જરૂર છે.
યુનિટ ટેસ્ટ અને સ્માર્ટ ઇન્ટરવ્યુ નાં રૂપાળા નામે પરીક્ષારૂપી બોજ બાળકનાં મનમાં
ડર સહિતની ખોખલી સ્પર્ધાને જન્મ આપે છે. વર્ગનાં અવ્વલ નંબરનાં બાળકને આંબવા શિક્ષક, શાળા, વાલી અને સમાજ
પોતાનાં બાળકની રસ - રુચિ, ગમા અણગમા, બુદ્ઘિઆંક વગેરે
બાબતોને ધ્યાનમાં લીધા વગર મિથ્યા પોરસ ચડાવતાં જ રહે છે. શું જુદી જુદી કોમ્પીટીશનનાં
નામે સંસ્થાપકો અને વાલીઓ બાળકો પર કોઈ વણજોઈતો અતિરેક તો નથી કરતાં ને ? બાળકેન્દ્રી
શિક્ષણનાં પ્રણેતા અને મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાનું બાળ મનોવિજ્ઞાન સમજવાની
અને અપનાવવાની સાચા અર્થમાં જરૂર છે. પ્રાથમિક શિક્ષણ સાચા અર્થમાં પાયાનું શિક્ષણ
છે. પ્રાથમિક શિક્ષણમાં કચાશ એ પાયા પરની ઈમારત માટે ખતરારૂપ છે. આવો, આપણે સૌ શિક્ષકો
પાયાનાં શિક્ષણનો વિચાર કરી આપણી રૂઢિગત શૈલી બદલી ચાઈલ્ડ ફ્રેન્ડલી કલાસરૂમ, ચાઈલ્ડ ફ્રેન્ડલી
સ્કૂલ અને ચાઈલ્ડ ફ્રેન્ડલી ટીચીંગ માટે નવી જ તરાહ અપનાવીએ. વાલીઓની, સમાજની ઈચ્છા
- આકાંક્ષાની પરિપૂર્તિ માટે અને આપણા હાથ નીચેના બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે
આપણું પુનિત યોગદાન આપીએ. આપણે પ્રજ્ઞાવાન બનીએ, પ્રજ્ઞામય બનીએ, પ્રજ્ઞારત બનીએ.
- રમેશ પટેલ
પ્રજ્ઞા : અજવાળું અજવાળું
“ તમે ગરીબ બાળકોનું પ્રતિનિધિત્વ કરો છો, તેમને કદી અન્યાય ન કરશો. ”
- આદ્રા અગ્રવાલ.
આઇ.એ.એસ. (મે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભરૂચ)
(પ્રજ્ઞાવર્ગની મુલાકાત વેળા)
No comments:
Post a Comment