પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Wednesday, October 12, 2016

સ્વચ્છતાનાં બીજ

સ્વચ્છતાનાં બીજ
       પ્રાથમિક શાળાનું શિક્ષણ એટલે જાણે નવા ખેતરમાં નવી સવી પહેલી વાવણી. આ કામ કેટલું પવિત્ર અને પાવન ગણાય ! તેથી મને લાગે છે કે પ્રાથમિક શિક્ષક સાચે જ ભાગ્યશાળી છે. નાનાં નાનાં બાળકોમાં નવા વિચારો – સ્વસ્થ વિચારો – પ્રગતિશીલ વિચારો – પરિવર્તનશીલ – વિચારો મૂકી તે ભવિષ્ય માટે નવા સમાજનું નિર્માણ કરે છે. કદાચ તેથી જ શિક્ષકને સમાજનો ઘડવૈયો ગણવામાં આવે છે.
નિર્દોષ બાળકો સાથે રોજ કામ કરવાનો સાત્વિક અનુભવ, એટલે પ્રાથમિક શિક્ષણ ! નિખાલસતાનાં વાતાવરણમાં કામ કરવાનો અનુભવ એટલે પ્રાથમિક શિક્ષણ ! સત્યની સૌથી નજીક જઈ કામ કરવાનો અવસર એટલે પ્રાથમિક શિક્ષણ ! જુદા જુદા વાતાવરણમાં પરવરિશ પામી શાળાનાં દરવાજે આવેલું બાળક એને ધીમે ધીમે યોગ્ય રસ્તે અથવા એમ કહો કે મુખ્યધારામાં લઈ જવાની કોશિષ અહીંથી જ થાય છે. આમ તો બાળક મૂળે નિર્દોષ છે પણ ઉમર વધવાની સાથે આસપાસના અને પોતાનાં કૌટુંબિક - સામાજિક વાતાવરણની સારી માઠી અસર તેના પર પડે છે. માઠી અસરો દૂર કરવી અને સારી અસરોને પોષણ આપવાનું કામ તે પ્રાથમિક શિક્ષણનું અને પ્રાથમિક શિક્ષકનું છે.
માનનીય વડાપ્રધાનશ્રી જેવી સર્વોચ્ચ વિભૂતિ દ્વારા સ્વચ્છતાનો મુદ્દો એક નવી પહેલ તરીકે ઉઠાવાયો છે. સરકાર સાથે હાલ સમાજનાં વિવિધ અંગો તેમાં પોતપોતાનું યોગદાન આપી રહ્યાં છે. સારી બાબત છે કે ગંદકીથી ટેવાયેલા ગામો અને શહેરોમાં આ નવી પહેલ થકી સ્વચ્છતાની બાબતમાં મોટા સ્તરે પ્રાથમિક જાગૃતિ તો જરૂર ઊભી થઈ છે. અલબત્ત આ કામ લાંબાગાળાનું અને તેથી જ પુષ્કળ ધીરજનું કામ છે. સીધું સફાઈ અભિયાન ચલાવી શેરીઓ કે જાહેર સ્થળોની સફાઈ કરવી – કરાવવી તેની સાથે ગંદકી ન થાય તે બાબતે લોકજાગૃત્તિ ઊભી કરવી અત્યંત જરૂરી છે. આ મામલે ઘણું બધું થઈ શકે છે ને આપણે સૌએ સાથે મળી કરવાનું  છે, સાથે કરાવવાનું પણ છે.
અલબત્ત, સરકારની મનિષા ઉચ્ચતમ હોવા છતાં આખરે આ કામ પ્રજાજનોને વધુ અને સીધી રીતે સ્પર્શે છે. દેશનાં નાગરિકોએ તેને હવે આંદોલનનાં સ્વરૂપમાં ઉપાડી લેવું જોઈએ અને અપનાવી પણ લેવું જોઈએ. આ કામ એક બે દિવસનું કે અમુક મહિનાઓ કે વર્ષોનું નથી, પરંતુ લાંબી ધીરજનું છે. રોગ થયા પછી સારવાર થાય તે તો ઠીક છે; પણ રોગ જ ન થાય તે માટે પણ સકારાત્મક પ્રયત્નો સ્વચ્છતાની બાબતમાં હવે થવા જોઈએ. અનુભવે જણાયું છે કે સમાજમાં આ બાબતે અપેક્ષિત જાગૃતિ જણાતી નથી. સર્વત્ર ‘સરકાર બધું કરશે’ અથવા તો આ કામ તો સરકારનું જ છે. એવી ધારણા પણ દ્રઢ થયેલી છે. તેથી સરકાર સાથે સમાજ – ધાર્મિક સંસ્થાઓ – એનજીઓ આ કાર્ય માટે પોતપોતાનું યોગદાન આપે તે ખૂબ જ જરૂરી છે.

સરકાર અને સમાજ આ બાબતે શિક્ષકો પાસે પુષ્કળ અપેક્ષા સેવે છે ત્યારે એ આશાઓની પૂર્તિ માટે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી એક ડગલું આગળ આવવું જોઈએ. સૌથી સારું અને લાંબાગાળાનું આયોજન શૈક્ષણિક સંસ્થાઓ જ કરી શકે ! તેથી આ કાર્ય શાળા – મહાશાળાઓનું સહિયારું છે. અહી દેખીતી સફાઈ તો થાય જ છે, પણ તેની સાથે હવે પ્રારંભિક શિક્ષણથી જ સ્વચ્છતાની સમજ કેળવાય તેવા પ્રયત્ન વધુ ને વધુ થવા જોઈએ. શાળાઓમાં બાળપણથી બાળઘડતરનાં બીજા અનેક ગુણોની સાથે સ્વચ્છતાનાં બીજ પણ રોપાવા જોઈએ. બીજ રોપવાનો મતલબ ભવિષ્યનાં નવા સમાજનાં નિર્માણ માટે પાયાથી શરૂઆત કરવી. પ્રાથમિક કક્ષાએ બાળકોનો સ્વભાવ બદલવો – સુટેવો પ્રસ્થાપિત કરવી અને કુટેવો બદલવી એ શિક્ષકોનાં પક્ષે પાયાનું કામ ગણાવું જોઈએ. શિક્ષકો શીખવવા કરતાં રોપણ કરવા પ્રવૃત બને તેમ થવું જોઈએ. આમ, થશે તો જે બીજ રોપાયું છે તેનો વિકાસ થશે અને ભવિષ્યમાં સ્વચ્છતાનાં ઉજ્જવળ પરિણામો મળશે. પ્રાથમિક કક્ષાએ પહેલા ધોરણથી જ કાળજીપૂર્વક આ કામ થઈ શકે તો પછી બીજા... ત્રીજા... ચોથા.... પાંચમાં ધોરણ સુધી એટલી જ કાળજીથી એનું સંવર્ધન થવું પણ આવશ્યક છે. બાળકોનાં ઘડતર માટે આ પ્રારંભિક પાંચ વર્ષો એ બાળકની નિકટ રહી તેનામાં વિવિધ પ્રકારનાં સદગુણોનું બીજારોપણ થાય તે માટે ખાસ કરીને નિમ્ન પ્રાથમિક શિક્ષકોએ અભ્યાસક્રમની સાથે સતત જાગૃત રહી પ્રયત્ન કરતા રહેવાની વિશેષ આવશ્યકતા છે. આ પ્રક્રિયાનાં અસરકારક પરિણામો માટે શિક્ષકોએ સંગઠિત રહેવાની પણ એટલી જ જરૂર છે.      

ફક્ત શાળાક્ક્ષાની જ વાત કરીએ તો એમ કહી શકાય કે આ કામ માત્ર એક બે શિક્ષકોનું જ નથી. તમામ શિક્ષકો એક જ લક્ષ્ય (ટારગેટ) નક્કી કરી તે દિશામાં મહેનત કરે તો ખચિત આશ્ચર્યજનક પરિણામો લાવી શકાય તેમ છે. આવો, સ્વચ્છતા એ સ્વભાવ બની જાય તે માટે આપણે સૌ આજથી જ સહિયારા અને સંનિષ્ઠ પ્રયત્નો કરીએ. 

Thursday, July 28, 2016

હાજરી સુધારણા માટે નવતર પ્રયોગ * મારી હાજરી - મારા હાથે *

મારી હાજરી મારા હાથે - હાજરી સુધારણા માટે વર્ગ કક્ષાનો નવતર પ્રયોગ 

પ્રાથમિક શાળાઓમાં બાળકોની ગેરહાજરી, અનિયમિતતા કે પછી સતત ગેરહાજરી આ મૂંઝવતા અને શિક્ષકની મહેનતને, ધગશને, નિષ્ઠાને સીધી અસર કરનારા પ્રશ્નો છે. શિક્ષક સમુદાય સંખ્યાની રીતે વિશાળ છે. આટલો મોટો વર્ગ કે જે ગુજરાતનાં ગામડે - ગામડે અને કસ્બે - કસ્બે ફેલાયેલો છે. લોકોની સૌથી નજીક જે કોઈ સરકારી કર્મચારી છે તે શિક્ષક છે. આ પરિસ્થિતિના લાભ કરતાં કયારેક ગેરલાભનું પલ્લું જ નમતું જણાય. શિક્ષકોની ટીકા સૌ કોઈ કરી શકે, તેની ભૂલ શોધી શકે ક્યારેક તેની અવગણના પણ થઈ શકે. શિક્ષણપ્રથામાં દોષ હોય પણ શિકાર બનવા તો શિક્ષકે જ માથું નમાવવું પડે ! બાળકોની ગેરહાજરી અને અનિયમિતતાને કારણે અથવા વર્ગનાં બાળકોની ૧૦૦ % હાજરી ન હોય ત્યાં વર્ગખંડનું મૂલ્યાંકન કાચું જણાય એ સ્વાભાવિક છે. આજે મફત અને ફરજિયાત કેળવણીના માહોલમાં વાલી પક્ષે કોઈ જવાબદારી નથી. ગામડાઓની શાળાઓમાં મોટેભાગે ગરીબ અને ખાસ કરીને મહેનતકશ સમાજનાં બાળકો વધુ આવે છે. આ વાલીઓને માટે પોતાનાં જ બાળકો - તેનો વિકાસ - પ્રગતિ  - સ્વાસ્થ્ય - પોષણ - રક્ષણ આ બધી જ બાબતો ગૌણ છે. રોજનું રોજ કમાવું - કેવી રીતે કમાવું, ક્યાંથી કમાવું ? આ તેમનાં સળગતા અને રોજીંદા પ્રશ્નો છે. તેમને મન ભણવાનું કે ભણાવવાનું કોઈ મહત્વ નથી. ભણીને શું મળવાનું ? મોટા થઈને તો મજૂરી જ કરવાની છે. આવી વિચારધારા ધરાવતાં માતાપિતાનાં બાળકોને શાળાએ આવતાં કરવા શિક્ષક માટે રોજની નવી કસોટીનું પહેલું પેપર છે. જેમાં શિક્ષક અનેક પ્રયત્ને પણ ૧૦૦ % ક્યારેય સફળ થતો નથી. પરંપરાગત વાલીસંપર્ક પ્રથા કારગર નીવડતી નથી. ત્યારે શિક્ષકે પણ નવા રસ્તાઓ શોધવાની જરૂર ઉભી થાય છે. વળી કયારેક એવી  પરિસ્થિતિ આવે છે : તાણી લાવીને બેસાડો !
 સ્થિતિ - પરિસ્થિતિ - હાલત ઠીક નથી. મા - બાપ તમાશો જુએ ને શિક્ષક એકલો બાળક પાછળ દોડે (મહેનત) કરે એવા દ્રશ્યો રોજ ગામમાં જોવા મળે. સાર્વત્રિક શિક્ષણનાં ધ્યેયને પહોંચી વળવા, ગામનું દરેક બાળક પાંચ વર્ષની ઉંમર પછી શાળામાં હોય એવા " બહુજન હિતાય - બહુજન સુખાય "   ના ઉદ્દેશને પામવા પ્રયત્નો તો કરવા જ રહ્યાં.
બીજી તરફ જે બાળકો શાળામાં આવે છે તેનો જોમ - જુસ્સો ટકાવી રાખવા, તેમને અન્યાય ન થાય,  તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા પણ શિક્ષકે સદા સચેતન થવું રહ્યું. નિયમિત બાળકોને ધ્યાનમાં રાખી મેં મારા વર્ગખંડમાં " મારી હાજરી - મારા હાથે " પ્રયોગ અમલમાં મૂકવા વિચાર્યું. બાળકો અલગ કાગળ (ફાઈલ) માં પોતાની હાજરી અને ગેરહાજરી પણ સ્વયં પૂરે એવી વૈકલ્પિક વ્યવસ્થા કરી. માસને અંતે વધુ હાજરી આપનાર બાળકોને સ્વખર્ચે ઈનામ આપી વર્ગમાં પ્રોત્સાહિત કરવા નક્કી કર્યું. 
હાજરી પ્રમાણપત્ર
આથી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આ શાળાની
વિદ્યાર્થીની કુ. દિવ્યાબેન મહેશભાઈ વસાવા ધોરણ ૪ માં
અભ્યાસ કરે છે. મારી હાજરી મારા હાથે ” નવતર પ્રયોગ અંતર્ગત તેમણે છેલ્લા ૬ માસ (ઓગષ્ટ – ૧૫, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ડીસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ૧૬) દરમ્યાન કુલ ૧૩૯ દિવસોમાંથી પૂરેપૂરા ૧૩૯ દિવસ (૧૦૦%) શાળામાં હાજર રહી વર્ગમાં પ્રથમ નંબર મેળવેલ છે.
તેઓશ્રી અભ્યાસમાં પણ સારી પ્રગતિ કરી રહ્યા છે.
 આ સિદ્ધિ બદલ આ પ્રમાણપત્ર આપી તેમને આજરોજ સન્માનિત કરવામાં આવે છે. આશા છે, આગળ પણ તેઓ નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રગતિ કરતા રહેશે એવી શુભેચ્છા સહ... 

તા. ૫ મી માર્ચ ૨૦૧૬ શુક્રવાર

  રમેશચંદ્ર બી. પટેલ               દક્ષાબેન સી. પટેલ        કાંતિલાલ બી. પટેલ
  વર્ગશિક્ષક                        અધ્યક્ષ               મુખ્યશિક્ષક
   પ્રા. શા. માટીએડ         એસ. એમ. સી. માટીએડ       પ્રા. શા. માટીએડ
તા. અંકલેશ્વર જિ. ભરૂચ    તા. અંકલેશ્વર જિ. ભરૂચ  તા. અંકલેશ્વર જિ. ભરૂચ


વાલીસભા : અંતર્ગત મારો નવતર પ્રયોગ - રાત્રિ વાલીસભા

વાલીસભા અંતર્ગત મારો નવતર પ્રયોગ  - રાત્રિ વાલીસભા

        જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ અંતરિયાળ ગામડાઓમાં રહેતા અને આજે પણ વિકાસથી વંચિત એવા પછાતવર્ગનાં બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ શાળાઓમાં ભણતા ઘણા બધાં બાળકોના વાલીઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે હજી પણ ખૂબ જ પાછળ છે. બાળકોના શિક્ષણ, કેળવણી અને આરોગ્ય માટે તેઓ ભારે ઉદાસીન છે. પરિણામે આવા જૂથનાં બાળકોનું શાળામાં ન આવવું એ શિક્ષકો માટે સતત મૂંઝવતો, રોજીંદો અને કેટલીક જગ્યાએ તો શાળા અને શિક્ષકોના અસ્તિત્વ માટે સળગતો પ્રશ્ન પણ છે. લાભ હોય, લાભ અપાવનાર હોય, લાભાર્થી માટે પુરતી ભૌતિક સુવિધા હોય પણ જયારે લાભાર્થી જ ન હોય અથવા તેનામાં જાગૃતિ ન હોય ત્યારે કેવી પરિસ્થિતિ થાય ? તે સમજી શકાય તેવી બાબત છે.

        બીજી તરફ જે લોકો થોડા ઘણા સક્ષમ છે અથવા સક્ષમ નથી તો પણ દેખાદેખી ખાનગી શાળાઓ તરફ પોતાનાં બાળકોને ધકેલી રહ્યાં છે. ક્યાંક સ્પર્ધાનું વાતાવરણ છે તો ક્યાંક ગાડરિયો પ્રવાહ પણ અનુભવાય છે. તો વળી ક્યાંક બાળકને નર્સરીથી એડમીશન અપાવી  ‘ ધોરણ – ૧૨ સુધી શાંતિ ’ એવો પોચટ વાલી - ભાવ પણ ઉપસતો જોવા મળે છે ! મોટી શાળાનાં મોટા વમળમાં વીંટળાયેલો વાલી આજે ગુણવત્તાની સ્હેજે દરકાર કરતો નથી. વાલીઓની આ એકતરફી ઘેલછામાં બાળકની દશા તો ઘાણીના બળદ જેવી દયાજનક બની છે. વહેલી સવારે મીઠી નીંદર છોડી ઊઠેલું એ બાળક મોડી સાંજે અનેક કોઠાઓ પસાર કરી ઘરભેગું થાય ત્યારે ત્યાં વાલીઓએ પોતે જ સજાવીને તૈયાર રાખેલાં નિજ કોઠામાં બાળક તરત ફસાય છે. કોઈ ફળમાંથી જેમ રસ કાઢવા તેને વારંવાર નિચોવવામાં આવે તેમ મેનેજમેન્ટ, આચાર્યો, શિક્ષકો, ટ્યુશન સંચાલકો, વાહનચાલકો, વાલીઓ (સબંધીઓ) સૌ તેને પોતપોતાની રીતે નિચોવતાં રહે છે. છેલ્લે ચવાયેલા શેરડીનાં સાંઠાની જેમ હાર્યું – થાક્યું બાળક ઘરમાંથી, ફળિયામાંથી, સમાજમાંથી મળતાં અવનવા પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ અનુભવોથી વંચિત પથારીવશ થઈ જાય છે. બીજા દિવસે.....ફરી એની એ જ રફતાર... ! બાળકને હુકમ કરનારા, સલાહ આપનારા ઘરમાં એક કરતાં વધુ છે.  મિત્રો, બાળક માટે તો આ રોજનો ક્રમ છે. બાળકનાં વિચારોને ઊગવા જ ન દેવા અને પછી હંમેશા સારા જ ફળની અપેક્ષા રાખવી એ એક પ્રકારની અલગ પ્રકારની હિંસા જ છે !
        ખેર! એનાથી સાવ વિપરીત છતાં ગૌરવ લઈ શકાય તેવી બાબતો ગામડાઓની શાળાઓમાં બાળકોમાં જોવા મળે છે. તે છે બાલ્યકાળમાં તેણે સહજ રીતે મેળવેલા વિશિષ્ટ  અનુભવો ! આ બાળકો  ૦ થી ૫ વર્ષનું બાળપણ ભરપૂર અને મુક્ત રીતે માણ્યાનાં અનુભવનું પ્રમાણપત્ર લઈને શાળામાં આવે છે. કિન્તુ – પરંતુ આજે વિડંબના એ છે કે આવા સર્ટીફિકેટને સાચવવાની કોઈ ફાઈલ આપણી પાસે કે આપણા કબાટમાં હાથવગી નથી. પરિણામે આપણે આવા અનુભવસિદ્ધ બાળકો મેળવીને પણ કઠણ ગરીબાઈ વેઠીએ છીએ. બાળકે બાળપણમાં સંયુક્ત કુટુંબમાં રહી મેળવેલા અનુભવોને તાલીમ પામેલા અને બાળ મનોવિજ્ઞાન ભણેલા શિક્ષકો પણ એક યા બીજી રીતે નજરઅંદાજ કરે છે. એ આજનાં સમયની કરુણતા છે. આ એવા બાળકો છે જે આસપાસનાં વાતાવરણમાંથી અને કૌટુંબિક, સામાજિક, બાહ્ય પર્યાવરણમાંથી પુષ્કળ અનુભવો લઈને શાળામાં આવે છે. ગાંઠ મારવી ને ગાંઠ ઉકેલવી એ કળા તેને હસ્તગત છે. અરધી સદીની વાચનયાત્રા (લે. ગિજુભાઈ બધેકા, સંપાદક - મહેન્દ્ર મેઘાણી) માંથી ટૂંકાવીને લખેલા લખાણો ‘મોતીની ઢગલી’ નામની ખીસાપોથીમાં મૂક્યાં છે. એમાં ‘ બે છોકરા ’ ટાઇટલ હેઠળ આવેલી નાની વાર્તા (પ્રસંગ) સાભાર અહીં ટાંકવી સાર્થક સમજુ છું. આપ સૌ વાચકોને પણ તે ગમશે.
પુનો અરધે ઉઘાડે ડીલે તડકામાં આથડે છે ને ટાઢ ઉડાડે છે... ઉષાકાન્ત શરીરને ગરમ કપડાંથી લપેટીને સગડી પાસે બેઠો છે.
        પુનો પાસે આવેલા કુતરાને ઝટ કરતો હાથમાં પથરો લઈને હાંકી કાઢે છે... ઉષાકાન્ત કૂતરો જોઈ રડતો રડતો પાછો ભાગી બાને બોલાવે છે.
        પુનો ખોબો વાળી ઉપરથી રેડાતું પાણી ઘટક ઘટક પી જાય છે... ઉષાકાન્ત પાણી પીતાં પીતાં પ્યાલું ઢોળે છે ને લૂગડાં પલાળે છે.
        પુનો સવારે અડધો રોટલો ને છાશ શિરાવે છે, ને બપોર પહેલાં ભૂખ્યો થાય છે... ઉષાકંતને દૂધ ભાવતું નથી, ને ચહાનો એક પ્યાલો લીધા પછી બપોર સુધી ભૂખ્યો થતો નથી.
        પુનો દોડાદોડ સાત ટાપલીઓ દાવ રમે છે ને કેમેય કરી હાથમાં આવતો નથી... ઉષાકાન્ત રમવાની જ ના પડે છે, કહે છે : “ હું તો પડી જાઉં. ”
        પુનો કરોળિયા જાળાં ક્યાં બાંધે છે તે શોધવા જાય છે, તે કાબરનાં ઈંડાને શોધી જાણે છે. આંબે ચડીને કેરી ઉતારતાં એને આવડે છે; ભેંશે ચડીને ઢોરને પાણી પાવા જતાં આવડે છે; અંધારામાં તારાને અજવાળે ચાલતાં આવડે છે... ઉષાકાન્ત ઘરમાં બેઠો બેઠો કરોળિયાની ને કાબરનાં ઈંડાની વાતો વાંચે છે; આંબાના ને તારાના પાઠોની નકલ કરતાં તેને સારી આવડે છે; તેના અક્ષર સારાં છે.
મિત્રો, આપ સૌ ઉપરોક્ત વાત અને તેનો મર્મ સારી રીતે સમજી શકો છો. આપણે બધાંજ  આવા દસ, વીસ, ત્રીસ કે ચાળીસ ( ‘ પુના ’ ) અનુભવસિદ્ધ, ઘડાયેલાં ને કસાયેલાં બાળકો સાથે કામ કરીએ છીએ. આમ, છતાં આપણી પીછેહઠ થતી હોય તો એનાં એક કરતાં વધુ કારણો જરૂર હોઈ શકે ! તેમ છતાં શિક્ષક બાળકનાં આ અનુભવો સામે આંખમીંચામણા કરે છે તે અને શિક્ષકોને સજ્જડ રીતે બાંધી રાખતી શિક્ષણપ્રથા હવે ચિંતાનો વિષય છે. જે શિક્ષક એ અનુભવોનો ઉપયોગ કરતાં શીખી જાય અથવા તેવી સ્વયં આવડત ધરાવે છે તે પોતાનાં વર્ગમાં નવા વિચારો ઉગાડવામાં સફળતા પામે છે.
ખેર ! આજનો આ લેખ લખવાનો મૂળ સંદર્ભ છે, વાલીઓની અજ્ઞાનતા, આળસ, નિષ્ક્રિયતા, જાગૃતિનો અભાવ વગેરે વગેરે... ! બાળક શાળા સુધી આવે અને નિયમિતપણે આવે તો તે જરૂર કંઈક પામી શકે. પામવું જોઈએ જ એ બાળકનો હક્ક અને શિક્ષકોની ફરજ બને છે. વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો બાળકોની અનિયમિતતા અને ગેરહાજરીને કારણે એક નિષ્ઠાવાન શિક્ષકનાં કાર્ય, મથામણ, મહેનત, લગનને ભારે ધક્કો પહોંચે છે. સતત ગેરહાજર બાળક તો શાળામાં હોતું નથી પણ સાવ અનિયમિત બાળક શાળામાં હોય અને મુલાકાતીની નજરે ચડે ત્યારે પેલા શિક્ષકની મહેનત જોખમાય છે. જોનારનાં ચશ્મામાં મોટેભાગે એક જ કાચ હોય છે. તેથી તેમાંથી નજીકનું જ દેખાય છે, દૂરનું દેખાતું નથી ! આમ છતાં, વર્ગખંડમાં પ્રશ્નનો જવાબ ન આપી શકનાર એ જ બાળક સુંદર રીતે મેંદી કાપી શકે, ઔષધિ બાગ કે કિચનગાર્ડનમાં સુંદર મઝાનાં કયારા બનાવી શકે છે, પાણી પીવડાવી હરિયાળી ઊભી કરી શકે છે. અલબત્ત, જોનારને તે સમયે તે ધ્યાનમાં નથી આવતું. આમ છતાં અંતે, બધાંનો આગ્રહ તો એજ હોય કે શાળામાં બાગબાની હોય, ઔષધિ બાગ કે કિચનગાર્ડન હોય, મેંદીની સરસ લાઈનો હોય ને હરિયાળી પણ હોય....! અલબત્ત, પ્રશ્ન અહી એ થવો જ જોઈએ કે તો પછી એ બધું કોણ કરતું હશે ? આપણે એ ન ભૂલી જવું જોઈએ કે આવું સુંદર કાર્ય કરનારા બાળકોમાં આવા બાળકોનો પણ હિસ્સો છે.... કદાચ વધુ પણ !!!
અહીં શિક્ષકનો બચાવ કરવાનો કોઈ જ હેતુ નથી. બાળક સુંદર ક્યારા બનાવી શકે કે કલાત્મક મેંદી કાપી શકે છે એટલે તેની ચેતનામાં તો કોઈ ખામી જ નથી તે સિદ્ધ થાય છે ત્યારે શિક્ષકે પણ બાળકનાં આ કૌશલ્યોનો ને ચેતનાનો ઉપયોગ વર્ગખંડ બહાર અને પછી ધીમે ધીમે વર્ગખંડમાં પણ કરતાં શીખવું જ રહ્યું.
બાળકનાં સર્વાંગી વિકાસ માટે તેનાં માતાપિતા, વાલી, સમુદાય (સમાજ) સૌને શાળા સાથે જોડવા અતિ આવશ્યક છે. વાલીસભાનો આજનો પ્રયોગ એ શાળા કેમ્પસનો નથી. ગામમાં ત્રણ આદિવાસી બિરાદરીના ફળિયાઓ કે જેમાંથી વિશેષત: બાળકો અનિયમિત પણ અને ગેરહાજર પણ હતાં. સૌ પ્રથમ આવા બાળકોની ફળિયાવાર માહિતી તૈયાર કરી ! બાળકો શાળાએ નથી આવતાં તો તેના કારણો પર ચિંતન કર્યું. જે મુદ્દા મળ્યા તે આ છે.
--------------------------------------------------------------------------------------------
રાત્રિવાલીસભા
પ્રતિ,
શ્રી                                                                * ફળિયાનું નામ - માંડવા ટેકરા ફળિયું
 * વિદ્યાર્થીનું નામ –
        આપનું બાળક ગામની શાળામાં ભણે છે. તેનો અભ્યાસ બરાબર થાય અને તેનું ભવિષ્ય ઊજળું બને તે માટે શાળાનાં શિક્ષકો સદા પ્રયત્નશીલ છે. આવા જ પ્રયત્નનાં ભાગરૂપે તા. ૦૪/૦૩/૨૦૧૬ ને શુક્રવારનાં રોજ સાંજે  ૬ – ૩૦ કલાકે રાત્રિવાલીસભાનું આયોજન કરવામાં આવેલું છે. આ વાલીસભામાં શાળાનાં બાળકો નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે. જે નિહાળવા જરૂરથી પધારવા આમંત્રણ પાઠવીએ છીએ.

સ્થળ: ઘંટીની બાજુમાં (માંડવાટેકરાફળિયું)                               શાળા પરિવાર 
માટીએડ તા. અંકલેશ્વર જિ. ભરૂચ                                    પ્રાથમિક શાળા, માટીએડ

-------------------------------------------------------------------------------------------
૧. વાલીઓ પોતે નિરક્ષર હોવાથી શિક્ષણનું મહત્વ અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ.
૨. નિશાળે જવાથી શું મળવાનું ? એવી ટૂંકી વિચારધારા હોવાથી રૂબરૂ મુલાકાતમાં પણ વાલીનો  પ્રતિભાવ – સહકાર મળતો નથી.
૩. રોજીરોટીનો પ્રશ્ન – ઘરનાં તમામ સભ્યો મજૂરીએ જતાં હોવાથી બાળક રખડતું થઈ જાય છે. કેટલાંક બાળકો પર નાનાં ભાઈબેન સાચવવા, ઘર સાચવવા, ઘરના કામો કરવા કે
   પશુ ચરાવવાની જવાબદારી હોય છે.
૪. ઘરથી શાળાનું અંતર પણ જવાબદાર હોવાનું અનુભવાય છે.
૫. પોતાના વ્યક્તિત્વ માટે હીન ભાવ પણ જવાબદાર છે. (ભણીને શું મળવાનું, અમારે તો મજૂરી જ કરવાની છે. ભણવાનો મતલબ નોકરી અને તે ન મળે ! એવું પણ પ્રસ્થાપિત થયેલું છે જે ભૂંસવાની પણ જરૂર છે.)
૬. કેટલાંક ખેતીકામો (દા.ત. શેરડી રોપવી) માં સમયના તકાજાને કારણે રોજીંદી મજૂરી કરતાં વધુ વળતર મળે છે જે સામૂહિક હોય છે. મજૂરોની અછતને કારણે  અને પોતાની જરૂરિયાત ને કારણે સ્થાપિત હિત ધરાવતાં જમીનદારો, ધંધાર્થીઓ વધુ પૈસા આપી કામ કરાવવા લલચાવે છે. બાળકો, વાલીઓ લલચાય છે યા તેમને પ્રલોભન મળે છે.
૭. ઘણા બધા પરિવારમાંથી વાલી માતાઓ ગામમાં (જમીનદાર અથવા સુખી પરિવારમાં) ઘરકામ કરે છે. ત્યાં આખો દિવસ રોકાય છે. બાળકોને ખાવાનું – કપડાં ત્યાંથી મળતું   હોવાથી મ. ભોજનની પણ પરવા હોતી નથી.
૮. વાલીઓને મજૂરી કે કામધંધે જવાનો સમય સવારે આઠ પહેલાનો છે, જયારે શાળાનો સમય ૧૦/૩૦ નો હોવાથી બાળકોને શાળાએ મોકલનાર કોઈ હોતું નથી.
૯. વાલીઓ પોતે અભણ હોવાથી અને શાળા દૂર હોવાથી તેમજ શાળાકીય પ્રવૃત્તિઓથી તેઓ પોતે પર હોવાથી શિક્ષણનું મહત્વ તેમને સમજાતું નથી.
૧૦. બની શકે કે શાળામાં કોઈ એવી પદ્ધતિ ભૂતકાળમાં ચલાવવામાં આવી હોય કે હાલ ચાલતી હોય કે જે વાલી કે બાળકોને પસંદ ન હોય ! (શિક્ષક સહિત)
ગામનો આ એવો વિસ્તાર છે કે ત્યાંના લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી, જીવનધોરણ સાવ નીચું. રોજીરોટીના અભાવને કારણે ખાવું પીવું કે કપડાં લત્તાની પણ મુશ્કેલી, શિક્ષણ પ્રત્યે તો સાવ ઉદાસીન વલણ. શાળામાં યોજાતી વાલીસભા કે જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રૂબરૂ આમંત્રણ આપવા છતાં તેમની ભાગીદારી ક્યારેય જોવા મળતી નથી. એવા આ વિસ્તારની વારંવારની મુલાકાત પછી મને એવું લાગ્યું કે સામાન્ય વાલીસંપર્ક પદ્ધતિનો પ્રયત્ન અહીં પર્યાપ્ત નથી. ઘણા મનોમંથન બાદ એક નવતર પ્રયોગ (પ્રયત્ન) કરવા વિચાર્યું. જે તે વિસ્તારનાં વાલીઓને નજીક પડે, વાલીઓને સમય અનુકૂળ હોય અને ખાસ કરીને તેમને શાળાકીય પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત પણ કરી શકાય ! તેવું કંઇક કરવા વિચાર્યું. આચાર્યશ્રી સહિત સૌને મારો આ વિચાર – પ્રસ્તાવ ગમ્યો.

આમ તો વાલીસભા મારો પોતાનો અનુભવેલો ને જુનો પુરાણો (ઈ.સ. ૧૯૮૨) વિચાર છે. તે અંતર્ગત બાલ સભાતથા બાળ સાહિત્ય નિદર્શન(ખાસ કરીને પ્રજ્ઞામાં સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયોનું નિદર્શન), ઉપરાંત વાલી વર્ગખંડ બેઠક ”  હું એક કરતાં વધુ વખત અને એક કરતાં વધુ શાળાઓમાં કરી ચુક્યો છું. હાલ તા. ૪ થી માર્ચ ૨૦૧૬ નાં રોજ જેનો અમલ કર્યો એ આ વિસ્તારનો પ્રથમ નવતર પ્રયોગ એટલે રાત્રિ વાલીસભા! ટૂંકમાં વિગત આપું તો વાલી માતાપિતાનાં નામ, ફળિયાનાં નામ, બાળકનાં નામ – ધોરણનાં ઉલ્લેખ સહિત આમંત્રણપત્રિકાઓ તૈયાર કરી, રૂબરૂ ઘરે ઘરે ફરી હાથો હાથ આપી. ગામનાં સરપંચ, એસ.એમ.સી અને અન્ય વડીલોને સાથે રાખી જ્યાં વધુ અસર છે તેવા વિસ્તારમાં જગ્યાની પસંદગી કરી. તા. ૪ થી માર્ચ ૨૦૧૬નો દિવસ અને સાંજના ૬ – ૩૦ નો સમય નક્કી થયો. પસંદગીનાં સ્થળે એકાદ કલાક પહેલા પહોંચી પૂર્વ તૈયારીઓ કરી. ૬ – ૩૦ બાદ વાલીઓ આવવા શરૂ થયાં. થોડીવાર બાદ સભા સ્થળે મેળા જેવું પણ ભારે ઉત્સુક્તાનું વાતાવરણ સર્જાયું. મનને ગમે તેવી લોકોની ચહલ પહલથી નવો જ માહોલ સર્જાયો. લગભગ ૭ કલાકે પ્રસ્તાવના અને પ્રાર્થનાથી સભાનો મંગલ પ્રારંભ કર્યો. આવકાર પ્રવચન અને વાલીસભાના હેતુઓ, શિક્ષકોની મુશ્કેલીઓ તથા શિક્ષણનાં મહત્વ, કન્યાકેળવણી, અક્ષરજ્ઞાન ત્રીજી આંખ જેવા વિષયો લઈ વાલીઓ સાથે ચર્ચા કરી. સીઆરસી કો.ઓ. શ્રી અને ગામનાં આગેવાન વડીલ તરફથી વાલીઓને સમજ આપવામાં આવી. જે તે કોમ્યુનીટીના બાળકો દ્વારા ત્રણ ચાર સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાવવામાં આવી. અંતે આભારવિધિ સાથે ૮ – ૩૦ કલાકે સભાની પૂર્ણાહુતિ કરી.

વણદીઠી ભોમકામાં આ અમારું પ્રથમ પગલું હતું. શાળા છોડી અસરગ્રસ્ત વિસ્તારમાં, સમજણ નથી તેવા લોકો વચ્ચે અને ખાસ કરીને શાળા સમય બાદ આવું કામ કરવાનો  પરમાત્માએ મને નવો વિચાર આપ્યો, શક્તિ આપી. આચાર્યશ્રી સહિત શાળા પરિવારે સહકાર આપ્યો એને હું અડધી સફળતા ગણું છું.

બીજા જ દિવસે માત્ર પરિણામમાં જ વધુ રસ ધરાવનાર મિત્રોએ પૂછી પણ નાંખ્યું. શું ફળ મળશે ? પ્રયોગ સફળ થશે કે અસફળ ? સુધારો થયો કે કેમ ?...... શું કહું ?..... ઠીક છે, હાલ તો બે ત્રણ દિવસની રજા છે. (મહાશિવરાત્રિ) તેમ છતાં આ પ્રયોગને હું જનજાગૃતિ માટેની એક પ્રારંભિક ચળવળ જ કહીશ. આ એક પહેલ માત્ર હતી. આવા જટિલ પ્રશ્નોમાં કદાચ ટકોરાબંધ ઈન્સટન્ટ સફળતા ન પણ મળે. (ન મળે !) છતાં હું (અમે) આશાવાદી છું. નવો ચીલો ચાતરનારે ધૈર્ય પણ રાખવું રહ્યું. નિષ્ફળતા મળશે તો નવા રસ્તાઓ શોધીશું પણ સફર ચાલુ રાખીશું. ભાથામાં હજી બીજા હથિયાર મોજુદ છે.......!  


તિખારો : “ માણસ હંમેશા તૈયાર રસ્તાઓ જ શોધે છે, નવા રસ્તાઓ બનાવવાની કોશિષ કરતો નથી. ” 

Thursday, March 17, 2016

જા નહીં આવું ! ( સ્વરચિત કાવ્ય )


 જા નહીં આવું !

એક ટીકડી આલ, બાકી નહીં આવું
લેવા દેજે દાવ બાકી નહીં આવું !
દૂર જાય ગિલ્લી તો શોધવા તું જ જાજે
પણ બાપુને નહીં કહેતો, બાકી નહીં આવું !
લેશન બાકી છે, જોવા દેજે, જરી - જરી લખીય દેજે
પેપર આખું ભરવા દેજે, બાકી નહીં આવું !
જો મા શોધવા આવે તો, તારા ખળે સંતાડજે
સાચે સાચું કહી ન દેતો, બાકી નહીં આવું !
મરવા - કેરી તોડવા દેજે, વાડીએ આવજે સાથે
ચાર મારા ને બે તારા, બાકી નહીં આવું !
છીંડે જઈ ઊભો રહેજે, બાપુ આવે તો ઝટ કહેજે
પકડાઈ જાઉં તો છોડવી લેજે, બાકી નહીં આવું !
- રમેશ પટેલ 


Tuesday, March 8, 2016

આવ્યા અતિથિ મમ આંગણે

એચ ટાટ આચાર્યોની પ્રજ્ઞા એક્સ્પ્લોઝર વિઝીટ


      આજે તા. ૪ થી માર્ચ ૨૦૧૬ શુક્રવારનો દિવસ છે. આજે રાત્રિ વાલીસભાનો નવતર પ્રયોગ અમલમાં મૂકવા અમે તત્પર હતાં. બાળકોની સાંસ્કૃતિક કૃતિઓના મહાવરાની તૈયારી ચાલતી હતી. તેવામાં ડાયટ લેક્ચરર્સ અને લાયઝન અધિકારી શ્રી માવાણી સાહેબનો ફોન આવ્યો. “ અમે ચાર ડાયટ લેક્ચરર્સ (શ્રી વાંસદિયા સાહેબ, શ્રી પી.બી.પટેલ સાહેબ, શ્રી બલદાણીયા સાહેબ અને શ્રી માવાણી સાહેબ) અને ૧૯ જેટલા HTAT આચાર્યો પ્રજ્ઞાવર્ગની મુલાકાત લેવા ઈચ્છીએ છીએ. ” મેં તરત આચાર્યશ્રી સાથે ચર્ચા કરી, તાત્કાલિક હા પાડી અને સહર્ષ આમંત્રણ પણ પાઠવ્યું. “ આપ જરૂર આવો ” ! ૨૫ જેટલા મહેમાનો એક સાથે આવતા હોય એકાદ કલાકમાં પ્રાથમિક તૈયારીઓ કરી લીધી.
       ૨-૪૫ કલાકે તેઓ પધાર્યા. શાળાના દરવાજે શાળા પરિવારે હાથ જોડી નમ્રભાવે સૌનું સ્વાગત કર્યું અને અતિથિઓને શાળા સુધી દોરી લાવ્યા. પરંપરાગત આગતા સ્વાગતા બાદ સીધા પ્રજ્ઞાવર્ગમાં દોરી જવાયાં. પ્રજ્ઞાના ત્રણે વર્ગમાં આચાર્યો વહેંચાયા. દીવાલ ફરતે બાળકોને અડચણ ન થાય તે રીતે તેઓ ગોઠવાયા. પ્રજ્ઞાવર્ગ મોટી વિશ્રાંતિ બાદ કાર્યરત જ હતો. મેં મારી પ્રજ્ઞા શિક્ષક તરીકેની ભૂમિકા લીધી. બાળકો પોતાની મસ્તીમાં કોઈ પણ જાતના ભય વગર સહજ રીતે કામ કરતાં રહ્યા. બાળકોનું આ પાસુ મારા પ્રજ્ઞાકાર્યની સાબિતી જેવું હતું. વર્ગની દરેક વસ્તુ યથાસ્થાને જોઈ, બાળકોને સહજ રીતે કામ કરતાં જોઈ, ઝંડીના મૌન સંકેતનો ઉપયોગ જોઈ, ચકાસણી સિમ્બોલનો ઉપયોગ કરતાં જોઈ, પ્રગતિમાપન રજીસ્ટરને અપડેટ જોઈ, બાળકોને કાર્ડ બદલતાં જોઈ, લેડર વાચન કરતાં જોઈ અને આગવું વર્ગ વ્યવસ્થાપન જોઈ આચાર્યો રાજી પણ થયાં અને કેટલાંક નવાઈ પણ પામ્યાં.


       પ્રજ્ઞા ડેમો જોયા બાદ તેમના મનમાં ઉદભવેલા પ્રશ્નોની ચર્ચા અને પ્રજ્ઞા વિશે વિસ્તૃત માહિતી મેળવવા લોબીમાં સભાનાં રૂપમાં બેઠાં. એક પછી એક પ્રશ્નો પૂછાતા ગયા અને જવાબ આપવાની જવાબદારી મારા પક્ષે હતી. મેં બધાને સમજાય તેવી શૈલીથી સંતોષકારક જવાબો આપવા કોશિષ કરી. અંતમાં શ્રી માવાણી સાહેબે આભારવિધિ કરતા  શાળા પરિવારનો આભાર વ્યક્ત કરી શાળામાંથી પ્રસન્નભાવે વિદાય લીધી.              

Wednesday, March 2, 2016

ખોટ પડી ?

આ જીવો બધાં  ચાલ્યાં કયાં, અહીંયા તે શું ખોટ પડી?
આ વિહંગ બધાં ચાલ્યાં કયાં, અહીયા તે શું ખોટ પડી?
માનવ જાણે સર્વોપરી
સઘળે કરી સિનાજોરી
તૂટી આહારકડી ને પોષણકડી, બસ પાણીની યે ખોટ પડી
આ ભૂચર બધાં  ચાલ્યાં કયાં,   અહીયા તે શું ખોટ પડી?
વૃક્ષોને જંગલો કપાયાં, ને થયાં મકાનો રસ્તાઓ
વર્તમાનને અવગણી  હવે,     તમે કાં પસ્તાઓ?
લીલી ધરા પર તો હવે ચોપાસ, સિમેન્ટને પત્થરની ઝડી
આ વનચર બધાં ચાલ્યાં કયાં,  અહીયા તે શું ખોટ પડી?
વન - ઉપવન  ને  જંગલમાં,
બધે માનવ તણી જ ભીંસ વધી
પૂલો, ચેકડેમ, ને મહાકાય બંધો, નદીઓ બધી નાથી દીધી
આ જળચર બધાં  ચાલ્યાં કયાં,  અહીયા તે શું ખોટ પડી?
સઘળાં જીવોનો તું છે,    એક જ સરજનહાર
કીડીને કણ હાથીને મણ, સૌનો તું પાલનહાર
ઊંચે નભમાં પણ હવે નથી શાંતિ, વિમાનોની દોડાદોડી
         આ ખેચર બધાં  ચાલ્યાં કયાં, અહીંયા તે શું ખોટ પડી?