પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, July 15, 2018

ગામની નિશાળ : જરા વિચારીએ


જરા વિચારીએ

          આજે ઈસુના નવા વર્ષનો નવમો દિવસ છે. એટલે કે તા. ૦૯ મી જાન્યુઆરી ૨૦૧૭ ને પોષ સુદ બારસ - સોમવાર ઘર - કુટુંબમાં કોઈનું અવસાન થાય ત્યારે દાન પુણ્ય કરવાનો એક સકારાત્મક ટ્રેન્ડ રહ્યો છે. ગામડાઓમાં સંપૂર્ણ આસ્થા સાથે સ્વજનના પરિવારના સભ્યો તેને અમલમાં મૂકતા હોય છે. ખાસ કરીને આવા પ્રસંગે અને દાન અર્પણ કરવાની ભાવનાથી જયારે ગામની શાળાને યાદ કરવામાં આવે છે ત્યારે એવો વિચાર કરનારા અને તેને અમલમાં લાવનારા સજ્જનો પ્રત્યે અહોભાવ પેદા થાય. સામાજિક સુધારાઓ માટે થતા મોટા મોટા સંમેલનો અને ભાષણબાજી કરતા મહાનુભાવો કરતાં આવા સ્વયંભુ ઊભા થતા પ્રસંગો વાસ્તવિક અસર ઊભી કરે છે. સમસ્ત સમાજને પણ નવી રાહ તરફ પ્રેરિત કરે છે.
        આજે જરૂર છે બદલાયેલા સંજોગો થકી ગરીબડી બનેલી ગામની શાળા તરફ જોવાની ! આજે ગામ બહાર રહેવાનો અને ગામ બહારની જ શાળામાં પોતાના બાળકોને ભણાવવાનો ક્રેઝ છે. ઠીક છે, સમયનો બદલાવ છે. તેથી સમય સાથે ચાલવું પણ એટલું જ જરૂરી છે. પસંદગીનો સૌને અધિકાર પણ છે. છતાં એટલું તો કહી જ શકાય કે બાળકને પ્રાથમિક શિક્ષણ તો વાલી જ્યાં રહેતા હોય ત્યાં જ અપાવવું વધુ ઉચિત અને વધુ સગવડભર્યું  છે. માટીએડ ગામનું કુટુંબ નજીકના શહેરમાં રહેવા જાય તો બાળક ત્યાં ભણે એ સ્વાભાવિક છે. પરંતુ રહેવાનું ગામમાં જ હોય તો બાળકને પ્રાઇવેટ વાહનમાં ઠાંસીને શહેરમાં  મોકલવામાં કોઈ જ શાણપણ નથી. પોતાનાં બાળકનાં ભવિષ્ય માટે ક્યા મા બાપ જાગરુક ન હોય ! હોવા જ જોઈએ ! તેમ છતાં ગામમાં ગુણવત્તાસભર શિક્ષણ મળતું હોય, સુવિધા સારી હોય, શિક્ષકો મહેનતુ હોય તો પછી બહાર લઈ જઈ વધારાનો નાણાંકીય બોજ વેઢાળવો ઉચિત નથી. સારું શિક્ષણ આપવાની ગામની શાળાની જવાબદારી છે તો સામે પક્ષે સારું શિક્ષણ મેળવવાનો ગ્રામજનોનો (બાળકોનો) હક્ક છે. નામદાર સરકારશ્રીએ RTE (Right to Education) જેવો કાયદો  2009 માં અમલમાં લાવી બાળકોને મફત, ફરજિયાત અને ગુણવત્તાલક્ષી શિક્ષણનો અધિકાર આપ્યો હોય ત્યારે ગામના નાગરિક એવા  વાલીઓએ વિચારવું રહ્યું. આ વાત એટલા માટે લખવી પડી કે આ ગાડરિયા પ્રવાહે ગામે ગામ ધબકતી ગામની પોતીકી શાળાઓ  કે જેની સાથે ગ્રામ્યજીવન ઓતપ્રોત હતું તે આજે ભૂતકાળ બની ગયો છે.  પહેલાનાં સમયમાં  ‘ ગામનું ઘરેણું ’ ગણાતી શાળાઓ  આજે સાવ અછૂત બની છે. શાળામાં ઉપલબ્ધ પ્રવર્તમાન સુવિધાઓ જોવા કે સ્વીકારવા કોઈની પાસે ટાઇમ નથી. હવે તો ગામલોકોને  જન્મતારીખ કે શાળા છોડ્યાના  પ્રમાણપત્રની જરૂર પડે છે ત્યારે અને ચુંટણી હોય ત્યારે મતદાન વખતે જ તેમને ગામની શાળા યાદ આવે છે. ગામની શાળાની આવી અવહેલના ચિંતા પણ ઉપજાવે છે ને દુઃખ પણ !
        બિચારી ગામની શાળા ! આ એ જ શાળા છે જેની નિશ્રામાં ગામનો આજનો વડીલવર્ગ ભણી ગણીને સફળતાની ટોચે હોવા છતાં આજે પોતાના પપૌત્રને બહારની શાળામાં ભણવા મૂકી રહ્યો છે. શહેરની ખાનગી શાળાઓમાં બિનતાલીમી શિક્ષકો, અપૂરતો અભ્યાસ, આવડત, પ્રભાવ અને પગાર વગેરે સાથે વિશેષ અનુભવની કમી છે. માતાપિતાની મથામણ, આર્થિક ઘસારો વેઠીને અપાતાં ટ્યુશન વડે બાળકોને આગળ ધકેલવાની હોડ જામી છે. બાકી ગામની શાળા એટલે સંસ્કારિતાનું ઝરણું ! ગામની શાળા એટલે માતાનો ખોળો ! ગામની શાળા એટલે પપ્પાનો પ્રેમ ! ગામની શાળા એટલે દાદીમાનું વ્હાલપ ! ગામની શાળા એટલે આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી પરંપરા, આપણો ભૂતકાળ અને આપણું ભવિષ્ય ! ગામનાં આપણા જ વડવાઓએ ઊભી કરેલી આ શાળા એટલે પ્રાથમિક શાળા માટીએડ ! અહીના વિદ્યાર્થી રહી ચૂકેલા કેટલાંય ગ્રામજનોના જીવનમાં અક્ષરનું અજવાળું પાથર્યું હશે આ શાળાએ ! કેટલાયે સજ્જનોની આજની પ્રગતિનાં  મૂળમાં આ શાળાનો ફાળો રહ્યો હશે ! ગામના ભાઇઓ અને ગામની બહેનોને કેટલી ઉપયોગી બની હશે આ શાળા ! નહોતી કોઈ ચળવળ કન્યાકેળવણીની, નહોતો સાક્ષરતાનો આટલો પ્રકાશ, નહોતા સાધનો અને નહોતી સગવડ ત્યારે પણ આ શાળા પોતાનું કામ કરતી રહી છે. નાત – જાત – ધર્મ – લિંગભેદ કે છૂત અછૂતના ભેદભાવ વગર અક્ષરનાં અજવાળા પાથરતી રહી છે આ શાળા ! મા પોતાના બાળકને ખોળે બેસાડે, વ્હાલ કરે તેમ આ શાળાએ કેટલાય વિદ્યાર્થીઓને પોતાની ગોદમાં લઈ અક્ષરજ્ઞાનની ત્રીજી આંખ ખોલી હશે. એથી જ આપણને સૌને આપણી  આ શાળા પર આજેય ગર્વ છે. આપણે  એક પુરુષ તરીકે  કે પછી એક મહિલા તરીકે આ ગામમાં રહીએ છીએ કે ગામ બહાર... પણ આપણે આ શાળાના ઋણી છીએ. ગામની શાળા પર આપણને ખરેખર ગર્વ છે અને હોવો પણ જોઈએ.
        આ ગામના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી અને દૂરંદેશી વિચારસરણીવાળા હશે કે શાળાની સ્થાપના  માટે  ૧૩૪ વર્ષ પહેલા તેમને ગામમાં શિક્ષણની જરૂરિયાત પૂર્ણ કરવા શાળા સ્થાપનાનો વિચાર કર્યો હશે ! એટલું જ નહી  શાળા માટે ગામની સૌથી સારી જગ્યા પસંદ કરી હશે ! બહુ ઓછા ગામમાં આપણી શાળા જેટલી વિશાળ જગ્યા હશે. સરકારી મદદ મળવાની શરુ થઇ તે પહેલા અહી શાળાની કમ્પાઉન્ડ દિવાલ બની ચૂકી હતી. જે આજે પણ તંદુરસ્ત હાલતમાં ઊભી છે.
        ૫ કે ૧૦ વર્ષમાં ક્ષતિગ્રસ્ત થઇ જતાં આર સી સી ના મકાનોની સામે હાલનું સંવત ૨૦૦૭માં બંધાયેલું મકાન ૬૬ વર્ષથી અડીખમ ઊભું છે. જેની દિવાલ કે લાકડામાં એક રતિભાર પણ ક્ષતિ જોવા મળી નથી.  

Saturday, July 14, 2018

અમારી વ્યૂહરચના


શાળાને શૈક્ષણિક રીતે સજ્જ કરવા ...
ઉપચારાત્મક કાર્યની શરૂઆત કરતાં પહેલા અમે તેનાં કારણો વિશે વિચાર્યું.
શાળામાં અનિયમિત અને સતત ગેરહાજર રહેતા બાળકો થકી આ સમસ્યા ઉદ્ભવે છે તેવું તારણ શોધ્યું.
જે બાળકો નિયમિત છે તેઓમાં ક્ચાશનું પ્રમાણ નહિંવત જણાયું.
અમે છેલ્લા પાંચ વર્ષથી આ વિષય પર સંઘર્ષ કરીએ છીએ.
પરંપરાગત વાલીસંપર્ક પ્રથા કારગર ન નીવડી ત્યારે બીજા અનેક નવતર પ્રયોગો હાથ ધર્યા.
સૌ પ્રયોગોમાં અદકેરો રહ્યો
રાત્રિ વાલીસભાનો નવતર પ્રયોગ !

શાળાનો શૈક્ષણિક વિકાસ પ્લાન


શાળા શૈક્ષણિક વિકાસ પ્લાન

કોઈપણ શાળાનો વિકાસ એ  મુખ્ય ત્રણ બાબતો પર આધારિત છે. એક શાળાનો ભૌતિક વિકાસ, બીજો શાળાનો શૈક્ષણિક વિકાસ અને ત્રીજો તે સાંસ્કૃતિક વિકાસ. મોટેભાગે આચાર્યો, શિક્ષકો અથવા એથી ઉપરનાં મુલાકાતીઓ પણ ઘણીવાર માત્ર રંગરોગાન અને ભૌતિક સુવિધાને જ શાળાનો  વિકાસ ગણવાની મોટી ભૂલ કરે છે. અથવા તો ભૌતિક વિકાસની ચકાચૌંધમાં તેઓ બાકીનાં મહત્વનાં મુદ્દાને યેનકેન ટાળી દે છે યા ભૂલી જાય છે. બીજી તરફ સબંધિત શાળાનાં આચાર્ય, શિક્ષકો આ બાબતને જ પોતાની સિદ્ઘિ ગણી પોરસાયા કરે છે. આવી શાળાઓની જાહેર નોંધ લેવાય, જાહેર ઉદાહરણ અપાય ત્યારે ગ્રાઉન્ડ લેવલે જઈ કામ કરતી શાળાનાં શિક્ષકો પર તેની નકારાત્મક અસરો થાય છે. ભૌતિક વિકાસનું મહત્વ ઓછું આંકવાનો કે પછી એવી શાળાઓની ટીકાનો ઈરાદો નથી. તેમ છતાં એ સ્વીકારવું જ રહયું કે ભૌતિક વિકાસની સાથે મહત્વનો વિકાસ છે, શૈક્ષણિક વિકાસ. પોતાની શાળાનાં બાળકોનું શૈક્ષણિક કાઠું મજબૂત બને, ગુણવત્તાનો સ્પર્શ થાય અને ઉત્તરોત્તર એ સ્પર્શ ગાઢ બનતો જાય તેને ખરો શાળાવિકાસ કહેવાય. ઉપચારાત્મક શિક્ષણની જરૂરિયાત એ એજ દર્શાવે છે કે આપણે શાળાવિકાસની ખોટી વ્યાખ્યાઓ કરી મૂળભૂત બાબતોને એક યા બીજી રીતે નજરઅંદાજ કરી રહયાં છીએ. કોઈ ઉદ્યોગની પાંચ લાખની સહાય થકી ઊભા કરવામાં આવેલા પરિવર્તન કરતાં અંતરિયાળ ગામડાંની શાળાનાં શિક્ષકે પાંચ હજારની સહાયથી ઉજળી બનાવેલ શાળાને વધારે મહત્વ મળવું જોઈએ, પણ હકીકતે તેમ થતું નથી.
આપણો જિલ્લો અને તાલુકો (ભરૂચ - અંકલેશ્વર) ઔદ્યોગિક રીતે દેશ અને દુનિયામાં ખ્યાતનામ છે. ઔદ્યોગિક  વિસ્તારની નજીકની કેટલીક પ્રાથમિક શાળાઓને ઉદ્યોગો તરફથી, ઉદ્યોગકર્તા તરફથી, સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી, દાતાઓ તરફથી સમયાંતરે ઓછી મહેનતે પણ મદદ મળતી રહે છે. બીજી તરફ આપણી કેટલીયે શાળાઓ દૂર દૂરનાં અંતરિયાળ વિસ્તારમાં કાર્યરત  છે કે જયાં કોઈ વિકાસ ન હોવાને કારણે સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર રહેવાનું થાય છે. છતાં, આવા સુવિધા વગરનાં ગામોમાં પણ મૂઠી ઉંચેરા શિક્ષકોએ પત્થરમાંથી પાણી કાઢી બતાવ્યું છે. આ બાબત ઉપર મેં ઘણું વિચાર્યું છે, ઘણું ચિંતન કર્યું છે, કેટલુંક લખ્યું છે, ઘણા વર્ષો એના પર કામ પણ કર્યું છે. આચાર્ય તરીકે, વર્ગશિક્ષક તરીકે તેના પર નવાચાર પણ કર્યાં છે. કરેલા નવાચાર પછી અસરકારક પરિણામો પણ મેળવ્યા છે. કોઈ વાત જયારે પ્રત્યક્ષ અનુભવમાંથી જન્મ પામતી હોય છે ત્યારે તે વાતમાં દમ હોઈ શકે, તથ્ય હોઈ શકે ! શૈક્ષણિક વિકાસનાં અભાવનાં ઘણાં બધાં કારણો પૈકી પ્રથમ કારણ આચાર્ય પોતે પણ છે. એ કડવું સત્ય સ્વીકારવા કોણ તૈયાર થાય ? આચાર્યને એક પરિસર, અમુક બાળકો, થોડાં શિક્ષકો, જરૂરી ઈન્ફ્રાસ્ટકચર, આર્થિક લાભો, જવાબદારી, ફરજો આ બધું જ આપી દીધું હોય ત્યારે વહીવટી પરિપત્રોની રાહ જોવાની જ ન હોય ! આચાર્ય પોતે શાળાનાં શેષ શિક્ષકો માટે ઉત્તમ ઉદાહરણ, ઉત્તમ માર્ગદર્શક બને અને વખતોવખત કરવા ઘટતાં સુધારા પોતાની શાળામાં લાગુ પાડવા પોતે આગળ આવે અને શિક્ષકોને પ્રોત્સાહન આપે ! શિક્ષણકાર્યને જ સર્વોપરી ગણી શાળામાં સકારાત્મક વાતાવરણ સર્જે. પોતાના સ્ટાફનાં બધાં જ શિક્ષકો પાસેથી અભિપ્રાય લઈ સર્વોપરી અને પ્રથમ જરૂરિયાતનાં સુધારાથી પરિવર્તનની શરૂઆત કરે, એવું ન બની શકે ?
પ્રાથમિક શાળાઓમાં સ્ટાફ મિટીંગ થાય છે ખરી પણ મોટેભાગે તે વહીવટી બાબતો માટે જ હોય છે. પરિપત્ર આવે અને કોઈ બાબત સમજવાની હોય, કોઈ વહીવટી માહિતી તૈયાર કરી પત્રકો ભરવાનાં હોય અથવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવાનું હોય તો તેવા જ મુદ્દા તેની ચર્ચાનું કારણ હોય છે! પરંતુ પોતાની શાળાની શૈક્ષણિક કચાશ દૂર કરવા સબંધી કોઈ મુદ્દા પર સ્ટાફમિટીગ થતી હોય એવા ઉદાહરણ કેટલાં ? જો આ શંકા સાચી હોય તો ગુણવત્તાની અપેક્ષા રાખવી કેટલી વ્યાજબી છે? અભ્યાસક્રમ માત્ર પૂર્ણ કરી દેવો અને જવાબદારી પૂરી કર્યાનો સંતોષ લેવો ઉચિત નથી ! બાળકોને સર્વાંગ તૈયાર કરવા, તેમને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવા આચાર્યશ્રીએ પોતાની શાળા માટે પોતાનો યા સ્ટાફની મદદથી બનાવેલો એકશન પ્લાન અમલમાં લાવવો જોઈએ. જો આમ થાય અને સઘળાં શિક્ષકો આચાર્યશ્રીની દોરવણી નીચે ખંતથી મહેનત કરે તો શાળામાં નિશ્ચિત પરિવર્તન લાવી શકાય. તાલીમો જરૂરી છે પણ તાલીમમાં બતાવેલા નુસ્ખા, પદ્ઘતિને અમલમાં લાવવા શાળાકક્ષાનું આચાર્યશ્રીનું પોતાનું આયોજન હોવું અને સાથે તેનું અમલીકરણ પણ ખૂબ જ જરૂરી છે. આ આખી બાબતને ઉપર જણાવેલા ત્રણે પાસા વિસ્તૃત રીતે સમજવા પડે. તેનું યથાર્થ મૂલ્યાંકન કરવું પડે.
                   
શાળાનો ભૌતિક વિકાસ

શાળા પરિસર સુંદર હોય, રમણીય હોય, મનભાવન હોય એવું બધાંજ ઈચ્છે છતાં તેમ હોય જ તેવું દરેક કિસ્સામાં બનતું નથી. કારણો પણ એક કરતાં વધુ હોય શકે છે. તેમ છતાં શાળામાં બાળકોની સંખ્યાના પ્રમાણમાં પૂરતા ઓરડાઓ, પ્રાર્થનાહોલ, વિજ્ઞાનખંડ, કમ્પ્યુટરલેબ, પ્રવૃત્તિખંડ, આચાર્ય કાર્યાલય, મધ્યાહનભોજનશેડ (બાળકોને સામૂહિક રીતે જમાડવા), કુમાર કન્યા (સંખ્યાના પ્રમાણમાં) અલગ અલગ ટોયલેટ બાથરૂમની સુવિધા અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા આટલી પાયાની સુવિધા હોવી આવશ્યક ગણાય ! શાળામાં જગ્યા ઉપલબ્ધ હોય તો નાની સરખી બાગબાની, ઔષધિવન, કિચનગાર્ડન, રમતની જગ્યા, પાર્કિગની સુવિધા, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માટેની જગ્યા, પાણીની ટાંકી, શોષખાડા, સ્વ્સ્થજમીન પ્રોજેક્ટ, રમત ગમતનાં સાધનો, ચબૂતરો, વાચનકુટિર, ભૂમિનકશા.......વગેરે વગેરે
શક્ય હોય તો શાળાનું એક અલગ કાર્યાલય હોય તો તે સમયની માંગ મુજબ આવકાર્ય ગણાશે. (ઓરડાની ઘટ હોય તો બાળકોનાં હક્કનાં ભોગે નહીં ) નવાચાર કરનાર આચાર્ય એક ખૂણામાં પણ આ સુવિધા ઉભી કરી શકે ! અલબત્ત આવી પણ કેટલીયે શાળાઓ છે જ્યાં અપૂરતી જગ્યામાં પણ અદ્યતન કહી શકાય તેવા કાર્યાલયો જોવા મળે છે. શાળા દફતર એ આચાર્ય સહિત સમગ્ર શાળાનું પ્રતિબિંબ છે. શાળાનું દફતર સુઘડ હોય, વ્યવસ્થિત હોય, અદ્યતન હોય, વર્ગીકૃત હોય તે શાળાની એક આગવી ઓળખ બને છે. શાળા દફતર જેવું બીજું શાળાદર્પણ એટલે પ્રાર્થના સંમેલન (પ્રાર્થનાસભા) મધુર અવાજે ગવાતી પ્રાર્થના, શિસ્ત અને સંયમ, તરહ તરહની વાનગીનાં  રસથાળ સમું વિવિધતાસભર અભ્યાસવર્તુળ, ધોરણ ૧ થી ૮ નાં તમામ બાળકોની ભાગીદારી, સંગીતનાં સાધનોનો અસરકારક ઉપયોગ અને ખાસ કરીને સમયની ચોકસાઈવાળી વ્યવસ્થા આ બધી જ કળીઓથી બનતી કલગી એટલે શાળાનું રસિક પ્રાર્થના સંમેલન !  
                
શાળાનો શૈક્ષણિક વિકાસ

શાળાનો ભૌતિક વિકાસ આખરે શા માટે ? કોના માટે ? એવો પ્રશ્ન થવો વ્યાજબી છે. કારણકે આખરે આ તમામ કવાયતનાં કેન્દ્રમાં તો બાળક જ છે. આ બધો જ પરિશ્રમ બાળકો માટે જ હોય તો તેનાં થકી શાળાનો શૈક્ષણિક વિકાસ સાધી શકાય તે માટે આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ ટીમવર્ક કરવું જ રહ્યું. આપણી શાળાઓમાં ટીમવર્કનો અભાવ છે. આચાર્ય અનુભવી ન હોય ( તે પીટીસી છે કે ડીગ્રી તે મહત્વનું નથી.) તો શિક્ષકોને દોરવા તે અસમર્થ હશે. પરિણામે શાળાની પ્રગતિ જરૂર રૂંધાશે ! વહીવટી પકડ અને કોઠાસૂઝ વિનાનો આચાર્ય શાળા માટે ભારરૂપ બનશે. શિક્ષકોને સતત માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરનાર આચાર્ય શાળાને ચેતનવંતી બનાવી શકે ! આચાર્ય શૈક્ષણિક કાર્યને જ પ્રાધાન્ય આપતો હોય તે શાળા ક્વોલીટી એજ્યુકેશન માટે જરૂર પરિણામ લાવી શકે છે. આચાર્યનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય તે આવકાર્ય છે. પોતાની શાળાનાં બાળકોની વિવિધ વિષયો સબંધી કચાશને ઓળખી તેને દૂર કરવા આચાર્ય પોતે કોઈ નવાચાર કરે ત્યારે શાળામાં ગુણવત્તાની શરૂઆત જરૂર થાય ! કામ વહીવટી હોય કે પછી શૈક્ષણિક .... શાળાનાં આચાર્ય બીજા શિક્ષકો માટે દાખલારૂપ બનવા કોશિષ કરે. શક્ય છે બધાં વિષયોમાં પારંગતતા ન પણ હોય તેમ છતાં બીજાને અનુસરવાનું કે સ્વીકારવાનું ઔદાર્ય પણ તેમનામાં હોવું જોઈએ.
શાળાનો સાંસ્કૃતિક વિકાસ

શાળાનો સાંસ્કૃતિક વિકાસ શૈક્ષણિક વિકાસ સાથે ભરપૂર અનુબંધ ધરાવે છે. શાળાનાં વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક પાસાને સધ્ધર કરવા ગીતો, વાર્તા, અભિનય, સંગીત બધું જ આવશ્યક છે. આ પ્રવૃત્તિ થકી જ વિદ્યાર્થી લઘુતાગ્રંથીમાંથી બહાર આવે છે. તેનામાં નૈતિક હિંમતનો વિકાસ થાય છે. શાળામાં પ્રાર્થનાસભા થકી બાળકોનાં શૈક્ષણિક વિકાસ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. ઈતરપ્રવૃત્તિ તેમાં મુખ્ય બાબત છે. વિદ્યાર્થીઓ મૌલિક રીતે નાચ - ગાન કરતાં, અભિનય કરતાં શીખે તે તરફ શિક્ષકોએ રસ રુચિ દાખવવા જોઈએ. આ ઉપરાંત જાહેર કાર્યક્રમો, રાષ્ટ્રીય કાર્યક્રમો, ઉજવણી કાર્યક્રમોમાં કુમાર કન્યા વિદ્યાર્થીઓની સરખી ભાગીદારી આવકારદાયક ગણાય !      

ઉપચારાત્મક શિક્ષણ - કાર્યયોજના

શાળા શૈક્ષણિક સજ્જતા માટે અમારા પ્રયત્નો 

ઉપચારાત્મક કાર્ય માટે શાળા કક્ષાની કાર્ય યોજના ૨૦૧૮
પ્રથમ સોપાન : વિદ્યાર્થીઓને નિયમિત કરવા.
1.  શાળામાં ભણતા બાળકોમાંથી વર્ગ હાજરી રજીસ્ટર અને વર્ગશિક્ષકનાં સ્વાનુભવ મુજબ નિયમિત, અનિયમિત અને સતત ગેરહાજર રહેતા બાળકોને અલગ તારવવા.
2.   આવા બાળકોની અલગ અલગ અને ફળિયાવાર યાદી બનાવવી. તે મુજબ તારીજ બનાવવી.
3.   અનિયમિત અને સતત ગેરહાજર બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું.
4.   કયા ફળિયામાંથી કેટ કેટલા બાળકો અનિયમિત કે સતત ગેરહાજર છે તે જોવું.
5.   પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એમ અલગ નોંધ પણ રાખવી.
6. અનિયમિતતા કે ગેરહાજરી માટેનાં દરેક બાળકના વ્યક્તિગત કારણોની નોંધ બનાવવી.
7.   વાલીસંપર્ક કે ડોર ટુ ડોર મુલાકાત અને રાત્રિ વાલીસભા માટે એક્શન પ્લાન વિચારવો.
8.   શિક્ષકો અને આચાર્ય સાથે મળી સામૂહિક પગલાં વિચારવા.
9.   એસ. એમ. સી. સભ્યો, ગામ આગેવાનો, આંગણવાડી કાર્યકરો, ફળિયાનાં રસ ધરાવતાં વ્યક્તિઓનાં સહકાર માટે વિચારવું.
10.  જે તે ફળિયાનાં નિયમિત વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાની મદદ માટે વિચારવું.
11.    બાળસંસદમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવું.
12. બાળસંસદમાં તેમણે કરેલ પ્રવૃત્તિની તથા પ્રાર્થનાસભામાં તેમની હાજરીની નોંધ લેવી.
13.  વૃક્ષારોપણ કરી એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી સોંપવી.
14.   તેમની હાજરી માટે વાલીને શરૂઆતમાં દર પખવાડિયે આભાર સહ અભિનંદન પત્ર પાઠવવો.
15.  વર્ગમાં તેઓને સતત પ્રોત્સાહિત કરતાં રહેવું. જવાબદારીવાળું કામ તેમને સોંપવું.
16.   શાળામાં “ મારી હાજરી મારા હાથે ” નવતર પ્રયોગ હાથ ધરવો. નિયમિત બાળકોને નવાજવા.
17.   તેઓને ડર - બીક - ભયમુક્ત કરવા સાથે પ્રેમ - હુંફ આપવા.
18.   શક્ય હોય તે મુજબ સમયાંતરે તેવા વિદ્યાર્થીઓની અલગ બેઠક યોજવી.
19.    તેઓનું સ્વમાન ન ઘવાય, ટીકા ટીપ્પણી ન થાય તેની કાળજી લેવી.
20.   તેઓએ કરેલ કાર્ય, પ્રવૃત્તિની તેઓની હાજરીમાં, તેઓનાં વાલીઓને બની શકે તો રૂબરૂ જાણ કરી
   પ્રોત્સાહન આપવું.
21.  અનિયમિત, સતત ગેરહાજર બાળકો પૈકી નિયમિત થયેલાં બાળકોને એક એક વૃક્ષ ઉછેરની
   જવાબદારી સોંપવી.
22.  બાળકો કયા કારણોસર અનિયમિત કે સતત ગેરહાજર છે તે બારીકાઈથી ચકાસવું. કારણોનો અભ્યાસ કરવો.  

 બીજું સોપાન : વાચન - લેખન - ગણન કરાવવું.
૧. સૌ પ્રથમ વિદ્યાર્થીઓને કાર્ય માટે પ્રોત્સાહિત કરવાં.
૨. ખાસ બાળકોને પ્રાર્થનાસભામાં તેઓ ચાહે અથવા સ્વીકારે તો અગ્રિમતા આપવી.
૩. ત્રણ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયામાં વિદ્યાર્થી વધુ કચાશ ધરાવે છે તેની ચકાસણી કરવી.
૪. ચકાસેલ ક્રિયાઓમાં કયાં ક્યાં મુશ્કેલીઓ અનુભવે છે તેનો અભ્યાસ કરવો.
૫. ઉપચારાત્મક કાર્ય માટેનો સમયગાળો નક્કી કરવો.
૬. ઉપચારાત્મક પ્રેક્ટીસ વર્ક માટે અલગ નોટ તૈયાર કરાવવી.
૭.  શિક્ષકોનાં ટાસ્ક નક્કી કરવાં. શીખવવાની ક્રિયાઓ ફાળવવી.
૮. ખાસ વિદ્યાર્થીઓનાં ઉપયોગમાં લેવાનું સાહિત્ય હળવું પસંદ કરવું.
૯. વિદ્યાર્થીઓ થાક કે કંટાળો ન અનુભવે તેવું હળવું વાતાવરણ નિર્માણ કરવું.
૧૦. ઉપચારાત્મક કાર્ય દરમ્યાન બાળકોને સતત પ્રોત્સાહિત કરવાનો વ્યૂહ અપનાવવો.
૧૧. નાની - નાની પ્રવૃત્તિઓ અથવા રમત દ્વારા કાર્ય રસપ્રદ બનાવવું.
૧૨. હોંશિયાર બાળકોને શિક્ષકની હાજરીમાં બીજાને શીખવવા કે મદદરૂપ થવાની તક આપવી.
૧૩. નોટ્સ લખાવવી, તપાસવી અને ભૂલ સુધાર પ્રવૃત્તિ કરાવવી.
૧૪. તેઓએ કરેલા કાર્યને - પ્રયત્નોને પ્રાર્થનાસભામાં રજૂ કરવાં.
૧૫. ખાસ બાળકોનાં લખેલા નમૂના તેઓનાં પ્રોત્સાહન માટે નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા.

શાળા શૈક્ષણિક સજ્જતા પત્ર


જુલાઈ - ૨૦૧૮
પ્રતિ, શાળા પરિવાર
પ્રાથમિક શાળા માટીએડ તા. અંકલેશ્વર
વિષય : શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનાં શાળા કક્ષાનાં આયોજન બાબત
સંદર્ભ : માનનીય, શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, ભરૂચનાં પત્ર
          ક્રમાંક : જિ. પં. / શિક્ષણ / ઈ - ૨ / ૧૮ તા.     / ૦૭ / ૨૦૧૮
નમસ્કાર !
આપ સૌને જણાવવાનું કે - ૧૧ મી જૂનથી શાળાનાં નવા સત્રનો પ્રારંભ ત્રણ દિવસની સઘન શાળા સફાઈ પછી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮ની ઉજવણી સાથે થયો છે. શાળા કેમ્પસ વિશાળ હોવા સાથે બાળકોની સંખ્યા ઓછી હોવાથી અને ખાસ કરીને બે શિક્ષકોની ઘટ સાથે કામગીરી આટોપવાની હોય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આમ છતાં આપણા સૌની નિષ્ઠા, સતત જાગૃતિ અને બાળકો સાથેનાં ભાવાત્મક જોડાણને કારણે સ્કૂલ ખૂલ્યાનાં પ્રથમ દિવસે ૫૦ % ઉપરાંત બાળકો શાળામાં હાજર હતાં. આ ઉત્સવમાં પધારેલ મહેમાનશ્રીઓએ આપણી શાળાનાં બાળકોનાં “ શિસ્ત ” ની નોંધ લઈ જાહેર વખાણ કર્યા જે આપ સૌની નિરંતર જાગૃતિને આભારી છે. આ ઘટના અને કાર્યક્રમની સફળતા માટે આપ સૌને અભિનંદન પાઠવું છું.
૨૧ મી જૂન - દસ જ દિવસ બાદ આપણે યોગદિવસ હોય તેની ઉજવણીમાં પરોવાયા. પ્રારંભિક તૈયારી અને લોક સહકાર થકી આપણે યોગદિવસની ઉજવણી કરી પ્રોત્સાહન મેળવ્યું. આ દિવસે વડીલશ્રી મનસુખભાઈ પટેલ તરફથી બાળકોને યોગ બાદ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેની સાભાર નોંધ લઈએ છીએ.
ઉત્સવ - ઉજવણીની સાથે આપણે તા. ૯ જુલાઈથી ૧૨ જુલાઈ દરમ્યાન સાંજના ૪ કલાક પછી ૫૦ જેટલા નવા વૃક્ષો અને મેંદીનું વાવેતર કરી શાળા કેમ્પસમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારી અદા કરવાનું સુંદર કાર્ય થયું છે. આ કાર્યમાં શ્રી વિપુલભાઈ સાહેબની આગેવાનીમાં બાળકો સહીત આપ સૌનો વિશિષ્ટ સહયોગ મળ્યો છે. જેની નોંધ લઈએ છીએ.
મા. સાહેબશ્રીના ઉપરોક્ત સંદર્ભના પરિપત્રની સૂચના મુજબ અને આપણી શાળા સ્ટાફ મિટીંગમાં થયેલ ચર્ચા મુજબ શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધે તે માટે સંનિષ્ઠ પ્રયત્નો કરીએ. બાળકોની હાજરી વધે તે આપણું પ્રથમ લક્ષ હશે. ક્રમશ: બાળકોની શૈક્ષણિક ગુણવત્તા વધે, તેઓ પોતાની કક્ષા પ્રમાણેનું વાચન - લેખન અને ગણન કરી શકે તે માટે પ્રયત્ન કરીશું. ધોરણ દીઠ આવા બાળકો તારવી, તેઓનાં જૂથ બનાવી આપણે પણ અલગ - અલગ જૂથની જવાબદારી લઈ કામ કરીશું. જ્યાં કાગળકામ કરવાનું હોય, નોંધ રાખવાની જણાય ત્યાં નોંધ રાખીશું અને જરૂર જણાય મુલાકાતીને પણ અવગત કરાવીશું. કોઈપણ શાળામાં કે વર્ગમાં આવા કચાશ ધરાવતાં બાળકો હોય શકે છે તેથી નાશીપાસ કે હતાશ થયા વગર શ્રેષ્ઠ પ્રયત્નો કરતાં રહીશું. આ કામ કોઈ ચોક્કસ સમયગાળા માટેનું બંધિયાર નથી પણ શાળાની સ્ટ્રેન્થ મજબૂત કરવાનું આપણું પોતીકું કામ હોય શ્રદ્ધા સાથે નિરંતર તેને ચાલુ રાખીશું.
શાળા ગુણવત્તા સુધારણા શાળા કક્ષાનો જ મુદ્દો હોય તે સંદર્ભે આપણે નિયમિત ચર્ચાઓ કરી છે. આ કામ માટે અલગ ફાઈલ નિભાવેલ હોય આપનાં ધોરણની માહિતી તેમાં રાખીશું. આપનાં સૂચન અને સહકારની અપેક્ષા સહ....
(રમેશ પટેલ)
મુખ્યશિક્ષક
                                                                         પ્રાથમિક શાળા માટીએડ                   

Saturday, June 16, 2018

વર્ગખંડ અવલોકન - મા. શ્રી દક્ષાબેન ભાઉ

પ્રાથમિક શાળાઓમાં શાળા બહારનાં મુલાકતીઓ દ્વારા વર્ગખંડ અવલોકન પ્રક્રિયા સમયબદ્ધ રીતે થાય છે. એક સમય હતો, બહારથી કોઈ મુલાકાતી આવે ત્યારે બાળકો ડઘાઈ જતાં અને અવાચક બની જતાં. શિક્ષકની અપેક્ષા પ્રમાણે અપેક્ષિત બાળકો પણ જવાબ આપી નહોતા શકતાં. પરિણામ સ્વરૂપે શિક્ષકનું કાર્ય ઘણીવાર શંકાનાં દાયરામાં આવી જવાનો સંભવ રહેતો. સમય બદલાયો છે હવે ખાસ કરીને લોઅર પ્રાયમરીના બાળકો વધુ બોલકા અને નિર્ભીત જોવા અનુભવવા મળે છે. મુલાકાતીથી ગભરાતાં કે સંકોચાતાં નથી બલ્કે તેમની સાથે વાતે ચડી જાય છે.
દક્ષાબેન ભાઉ અમારી શાળાની મુલાકાતે હતાં. જે તે દિવસે ધોરણ - ૧ અને ૨ ના વર્ગશિક્ષક ચૂંટણી ફરજ પર હોવાથી શાળામાં  હાજર નહોતા. મેડમ વર્ગ અવલોકન માટે ગયા. બાળકો તેમની સામે ગોઠવાય ગયા, આપશ્રીએ પૂછેલા તમામ પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપ્યો. મેડમ રાજી થયાં. આ સુખદ અનુભવની બોલતી તસ્વીરો ......