પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Saturday, February 22, 2020

સરકારી શાળા : એક અદીઠું સત્ય !


સરકારી શાળા - એક અદીઠું સત્ય

          આપણો સમાજ સરકારી શાળા અને સરકારી શિક્ષકોને અછૂત અને અબૂધ ગણે છે ! આજે તો બેસુમાર ખાનગી શાળાઓ ખૂલી ચૂકી છે અને જનતાની અપેક્ષાએ હજી ખુલતી જ જાય છે. નવી ખૂલેલી શાળા સુવિધા કે અસુવિધા છતાં ઝડપથી ધમધમતી પણ થઈ જાય છે. જયારે બીજી તરફ સરકારી શાળાઓ સુવિધા વધવા છતાં સતત તૂટી રહી છે ને સરકાર તેને મર્જ કરવા પરિપત્રો કરી રહી છે. ૨૦૧૦ થી RTE ની જોગવાઈ મુજબ  સરકારી શાળાઓમાં ડીગ્રી શિક્ષકોની ભરતી કરવામાં આવી. ૨૦૧૦ પછી આજે લગભગ ૧૦ વર્ષ બાદ અનેકો શિક્ષકો નિવૃત્ત થયાં છે અને તેઓની જગ્યા ખાલી પડવા છતાં પણ શિક્ષક વધ (બાળકોની સંખ્યાનાં પ્રમાણમાં મળતા શિક્ષકોનું માળખું) ના પ્રશ્નો એવા ને એવા જ મોં ફાડી ઉભા છે. હાલમાં જ નવી નિમણુંક પામેલા HTAT આચાર્યોને પોતાની પસંદગીની શાળામાં બાળકોની સંખ્યા ઘટવાને કારણે તાલુકાની કે તાલુકા બહારની શાળામાં જવું પડ્યું છે ! આવું થવા પાછળનું મુખ્ય કારણ ઘટતો શાળા પ્રવેશ છે. SSA ની અમલવારી પછી નિયમિત રીતે શાળા પ્રવેશોત્સવ જેવાં કાર્યક્રમો ઉજવાતા હોવા છતાં શાળા પ્રવેશ દર ઘટતો હોય ત્યારે જે બાળકો ગામની શાળામાં આવવા જોઈએ તે બાળકો આખરે ક્યાં જાય છે અને કેમ જાય છે ? તે બાબતની સાર્વજનિક ચિંતા તથા તેનાં ઉપાયોની સાર્થક ચર્ચા પ્રબુદ્ધ નાગરિકો થકી થવી જોઈએ. સૌ જાણે છે, ગામનાં મોટા ભાગનાં બાળકો પ્રાઈવેટ શાળાઓમાં જાય છે ! જેમની પાસે કોઈ જ સગવડ, વ્યવસ્થા કે ત્રેવડ નથી તેવા જ કુટુંબના  બાળકો સરકારી શાળામાં ભણે છે. જો એમ હોય તો પછી સરકાર પ્રાથમિક શિક્ષણ પાછળ જે ખર્ચ કરે છે તેનું શું ? વર્ષો પહેલા સરકારે ગામડે - ગામડે શાળાઓ ખોલી ફરજીયાત અને મફત શિક્ષણ આપવાની કરેલી વ્યવસ્થા બર નથી આવી રહી તે સાર્વત્રિક ચિંતાનો વિષય છે. બાળકો વિનાના આલીશાન ‘ ભવનો ’ દિલમાં દર્દ પેદા કરે છે !  
શું સરકારી શાળાઓ ખરેખર સારી નથી ? શું સરકારી શિક્ષકો સારું ભણાવતા નથી ? શું સરકારી શાળાઓની ભૌતિક સુવિધાઓ યોગ્ય નથી ? જો એમ જ હોય તો ગામ આગેવાનોએ સરકારી શાળાની પ્રત્યક્ષ મુલાકાત લેવાની જરૂર છે. જો આમ જનતાને કોઈપણ જગ્યાએ કચાશ જણાતી હોય તો પ્રજાના પ્રતિનિધિઓએ સરકારનું ધ્યાન દોરવું જોઈએ. જો બધું જ બરાબર હોય તો તેઓએ પ્રતિકાત્મક લોકજાગૃતિ માટે પહેલ કરવી જોઈએ. ખરેખર મુશ્કેલીઓ ક્યાં છે તે શોધવી જોઈએ. ઉપભોક્તા વાલીઓ અને ગામનાં સમજું આગેવાનોએ પણ આગળ આવી આ મુદ્દામાં સકારાત્મક રસ લેવો જરૂરી છે. પોતાના ગામની શાળા કે જેમાં તેઓ પોતે જ ભણ્યા છે તેની મુલાકાત લઈ પોતાના અભ્યાસકાળના દિવસો અને આજની સ્થિતિની તુલના કરવી જોઈએ. મારા ખ્યાલથી આમ કરવાથી સરકારે શિક્ષણ પાછળ કરેલા ખર્ચ અને હાલનાં શિક્ષકોએ ફરજની સાથે કરેલ ‘ મથામણ ’ બંનેને ન્યાય મળશે !  શાળા ગામની છે તો ત્યાં ફરજ અદા કરતાં શિક્ષકો (ભલે ગમે ત્યાંથી આવતાં હોય) પણ ગામનાં જ છે. તેથી શાળાનાં આચાર્ય અને શિક્ષકોને રૂબરૂ મળી તેમની મુશ્કેલીઓ વિશે ગ્રામજનોએ પૂછવું જોઈએ. જો તેમ થશે તો સરકારી શાળાનું પેલું અદીઠું સત્ય બહાર આવશે !
          દર વર્ષે એપ્રિલ માસમાં ધોરણ ૧ માં નવા પ્રવેશની સર્વે ઝૂંબેશ શિક્ષકો સરકારી ફરમાનની રાહ જોયા વગર સ્વયં ઉપાડી લે છે અને પારદર્શિતા સાથે એ કામ પૂર્ણ કરે છે. પાંચ વર્ષની વય મર્યાદામાં આવતું એકપણ બાળક શાળા બહાર રહી ન જાય તેની કાળજી લેવામાં આવે છે. ગામનાં શિક્ષકો પોતાની મર્યાદામાં રહીને વાલીઓને સમજાવે છે. ઘણીવાર બાળકો સહિત વાલીઓને આકર્ષવા જાતજાતનાં અખતરાઓ પણ કરે છે, તેમ છતાં વાલીઓનો ખાનગી શિક્ષણનો ‘ મોહ’ ઊતરતો નથી. જે વાલીઓ આર્થિક બોજ ઉઠાવવા સક્ષમ છે તેવા વાલીઓ બેશક પોતાની ખર્ચ કરવાની ત્રેવડ પ્રમાણેની ખાનગી શાળા પસંદ કરે અને પોતાનાં બાળકોને રાજીખુશીથી ત્યાં ભણાવે ! પરંતુ જેમની આર્થિક સ્થિતિ એટલી સક્ષમ નથી, પોતે એટલું ભણેલા નથી કે બાળકોને ભણવામાં પોતે પણ કંઇક મદદ કરી શકે, તેવા વાલીઓએ એકવાર ગામની અથવા નજીકની કોઈપણ સરકારી શાળાની રૂબરૂ મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ગામની શાળામાં શિક્ષક પીટીસી હોય કે ડીગ્રી તે સંપૂર્ણપણે તાલીમબદ્ધ અને કુશળ છે. શિક્ષણના નવીન પ્રવાહો, રીતો, પદ્ધતિઓ, યોજનાઓથી તે સર્વથા માહિતગાર છે. તેમ છતાં તેને સરકારશ્રી દ્વારા વખતોવખત તાલીમ આપી અપડેટ કરવામાં આવે છે. સરકાર શિક્ષકને પોતાની મહેનતનું પૂરું વળતર અને નોકરીનું સંરક્ષણ આપે છે કે જેથી તે તણાવ કે ચિંતામુક્ત બની બાળકોનું ઘડતર કરી શકે છે ! કોઈપણ ધોરણનાં બાળકો સાથે મનોવૈજ્ઞાનિક રીતે કેવી રીતે વર્તવું ? કઈ પદ્ધતિ અપનાવવી ? કેટલું ગૃહકાર્ય આપવું અથવા ન આપવું ...આ બધાંથી તે ખૂબ જ જ્ઞાત અને અનુભવી છે. તેથી સમયનો સાદ છે : ઘરનાં, કુટુંબનાં, સમાજનાં અન્ય વ્યક્તિઓ પૈકી કોઈ સરકારી શાળા વિશે જાણતા હોય તો તેમણે પેલા ઘરનાં વડીલને પણ આ બાબતે યોગ્ય સમજ આપવી જોઈએ. ઈચ્છુક વાલીઓએ ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે ગામની શાળામાં જઈ શાળાનાં આચાર્ય તથા શિક્ષકોને મળી વાતચીત કરવી જોઈએ. ઠીક લાગે તો શાળાનાં વર્ગખંડો કે શાળા પરિસરની મુલાકાત લેવી જોઈએ. બની શકે તો શિક્ષક ભણાવતાં હોય તેવા વર્ગોમાં ડોકિયું કરવું જોઈએ. શાળામાં નિયમિત ઉજવાતા રાષ્ટ્રીયપર્વો કે બીજા જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી જે તે શાળાની પ્રવૃત્તિઓ અને સ્ટેજ પર પ્રસ્તુત થતાં બાળકોનાં કૌશલ્યથી વાકેફ થવું જોઈએ. બાળકોએ રજૂ કરેલ કૃતિઓ અને તેની પાછળ થયેલ મહેનતની કલ્પના કરવાની ગામલોકોએ તસ્દી લેવી જોઈએ. ઘડીભર વિચારો...આ બાળકોને તૈયાર કરવા ક્યારે અને કેટલાં રિહર્સલ થયાં હશે ? ડ્રેસથી માંડી બીજી સગવડો ક્યાંથી આવી હશે ? બાળકોને તાલીમ કોણે અને કેવા સંજોગોમાં આપી હશે ? આવી એક કૃતિ તૈયાર કરવા કેટલી મહેનત પડી હશે ? શું બાળકોને તૈયાર કરવામાં બાળકના માતાપિતાનો કોઈ સીધો હિસ્સો હોય છે ખરો ? મિત્રો, જવાબ હશે ના...! તો પછી આ કમાલ કોણે કરી અને કેવી રીતે કરી ? ગામમાંથી કોઈ ફી કે ફાળો ઉઘરાવ્યો છે ખરો ? જવાબ છે ના...! કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકો અને શ્રોતાઓએ એટલું તો ખચિત વિચારવું જ જોઈએ કે આ કરતબ કેવી રીતે થયાં હશે ?
જે લોકોને સરકારી શાળા અને શિક્ષકો પ્રત્યે સૂગ હોય તેમણે સરકારી (જિલ્લા / નગર પંચાયત સંચાલિત) શાળાઓમાં બાળકોને શું શું લાભો મળે છે ? એનો આર્થિક સ્ત્રોત ક્યાંથી આવે છે ? સ્પર્ધાઓમાં બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરાય છે ? પ્રવાસ - પર્યટનો કેવી રીતે કરાવાય છે ?  તે વિશે ઊંડાણપૂર્વક જાણવા - સમજવાની જરૂર છે. પ્રવાસ માટે બાળકો પાસેથી ઉઘરાવાતી ફી અને થયેલ ખર્ચ ખરેખર સમજવાલાયક અને આશ્ચર્ય પમાડનાર હશે ! શાળામાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમ કે સ્પર્ધાની તૈયારી માટે ત્યાં ભણતા બાળકના વાલીનું શું યોગદાન છે તે વાલીઓએ  ચકાસવું જોઈએ. વનભોજનમાં કેવી રીતે લઈ ગયા ? શું ખવડાવ્યું અને તેની સામે થયેલ ખર્ચનો સ્ત્રોત ક્યાંથી આવ્યો  તે શોધશો તો તમને સરકારી શાળા અને સરકારી શિક્ષકો પ્રત્યે આદરભાવ ઉપજશે. સરકારી શાળાનાં બાળકો શું શિક્ષણ મેળવે છે અને શું કેળવણી મેળવે છે તે ચકાસવાનો આ સમય છે. સરકારી શાળાનાં ટોયલેટ બ્લોક, પીવાના પાણીની સુવિધા, બાગ બગીચો વિકસાવવાનો ખર્ચ અને તેનાં મેન્ટેનન્સના ખર્ચ વિશે શાળાનાં આચાર્ય સાથે ગામનાં ભણેલા નાગરિકો અને યુવાનોએ વાત કરવી જોઈએ. કીચન ગાર્ડન, ઔષધિબાગ, રામહાટ અને બીજાં અનેક પ્રકલ્પો વિશે જાણી તેને નિભાવવા શિક્ષકો અને કેળવણી પામેલા બાળકો શું શું કરે છે ? તે પણ પૂછવું રહ્યું. આજે ઠેર ઠેર મહિલા શિક્ષિકાઓ દૂર દૂર અંતરિયાળ ગામોમાં ફરજ બજાવે છે. કદાચ એણે સ્વીકારેલ ફરજ એની પોતાની જરૂરિયાત હશે ! છતાં અનેક પારિવારિક જવાબદારીઓનું જતન કરતી જઈ તે પોતાની શાળાનાં માસુમ બાળકોને ખોળે બેસાડી શિક્ષણ આપે છે ને ખવડાવે છે તેની સમાજે માનવતાની દ્રષ્ટિએ પણ નોંધ લેવી જોઈએ. આજે શિક્ષક હોવા સાથે જયારે કોઈ મહિલા શિક્ષકને પોતાના વાહન પર ટીએલએમ, પુસ્તકો કે કલરનાં ડબ્બા બાંધીને સડસડાટ શાળાએ જતી જોઉં છું ત્યારે બેહદ ગૌરવ અનુભવું છું. સરકારી શિક્ષકોની બાળકો સાથેની આત્મીયતાને ચકાસવાની જરૂર છે. સરકારી શાળામાં આજે મજૂરી કરી રોજી મેળવતા માતાપિતાનાં જ સંતાનો ભણે છે ત્યારે આવા કુટુંબો પરિસ્થિતિને વશ બાળકો પાછળ પૂરતું ધ્યાન આપી શકતાં નથી. સરકારી શાળાનો શિક્ષક બાળકને પોપટીયું જ્ઞાન જ નથી આપતો પણ તે અનેક અનુભવો આપીને આવા અબૂધ અને ઓછી કેળવણી પામેલા બાળકોને કેળવે છે. આ બધું જોવા હવે સરકારી શાળામાં ડોકિયું કરવાનો આ ખરો સમય છે.   
          ગામનાં નાગરિકોએ લાયબ્રેરી, વિજ્ઞાનખંડ, કમ્પ્યુટર લેબ, બાયસેગ સુવિધા, ડીજીટલ ક્લાસરૂમ, ઈન્ટરનેટ - વાઈ ફાઈ સુવિધા, પ્રોજેક્ટર અને એવાં જ અન્ય ઉપકરણો અને તેના શાળામાં થતાં ઉપયોગથી માહિતગાર થવું જોઈએ. શાળાનાં આચાર્ય પાસેથી આ બધી જ સુવિધાઓ બદલ કોઈ ફી લેવાતી હોય તો તેનાં વિશે અવશ્ય પૂછવું જોઈએ. સરકારી શાળામાં બાળકો સાથેનાં શિક્ષકોનાં ભાવાવરણ - આદાનપ્રદાન વિશે પણ જાણવું જોઈએ. ગૃહકાર્ય, પુનરાવર્તન, એકમ કસોટી, મહાવરો, વધારાનાં કોચીંગ વર્ગો, બાહ્ય પરીક્ષાઓની તૈયારી માટે ગામની શાળાનાં શિક્ષકો શું શું કરે છે તે જાણવું જોઈએ. શાળામાં પાઠ્યપુસ્તકો, સપ્લીમેન્ટરી, વર્કબુક  ક્યારે આવ્યા ? કેવી રીતે આવ્યા ?  અને તેને માટે શું ફી લેવામાં આવી છે તે પણ ચકાસવું રહ્યું. શાળામાં અરીસા - કાંસકા, તેલ, સાબુ, નેપકીન, નેઈલકટર ઈત્યાદી સામાન ક્યાંથી આવ્યો તે શોધવું જોઈએ. ગામનાં શિક્ષકોને પોતાનાં વર્ગનાં કે શાળાનાં બાળકોનાં નામ, તેમના માતાપિતાનાં નામ પૂછવા જોઈએ. ગામની શાળાનો શિક્ષક વર્ગનાં ને શાળાનાં બાળકોને કેટલું વ્હાલ કરે છે, પ્રેમ કરે છે તે પણ પૂછો. કઈ શાળા બાળકોને નવડાવે છે ? કઈ શાળા બટન ટાંકી દે છે ? કઈ શાળા મફત કપડાંની વ્યવસ્થા કરી ગણવેશ સહાયની સરકારી રકમની બેંક બચત કરાવે છે તે જાણવું જરૂરી છે. સરકારી શાળાને બદ ઈરાદાપૂર્વક ચેનલો પર ચડાવતા પહેલા એ સત્ય શોધો કે ફોર્મ કોણે ભર્યા ને આધારકાર્ડ નીકળ્યા ? ફોર્મ કોણે ભર્યા ને બેંક ખાતા ખૂલ્યા ? ઓળખ માટે ફોટા કોણે કઢાવ્યા ? ઈન્ટરનેટ નથી તો શિષ્યવૃત્તિ ઓનલાઈન કોણે કરી ? NMMS પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, ચિત્રકામ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરાયા ? તેની ફી કોણે ભરી ? બાહ્ય પરીક્ષા આપવા રજાના દિવસે કોણ લઈ ગયું તે પૂછો. સ્કૂલ ખૂલતાં જ પ્રવેશોત્સવ આવે ત્યારે બાળકોને માટે ટોપી કોણે બનાવી અને સ્લેટ પેન, નોટબુક, દફતર વગેરે ક્યાંથી આવ્યાં તે જાણો. શાળા આરોગ્ય તપાસણી વખતે બાળકોને ખોળામાં બેસાડી રસી કોણ મુકાવડાવે છે તે ચકાસવાનો આ સમય છે. શાળા સમય દરમ્યાન બાળક આકસ્મિક માંદુ પડે, અકસ્માત થાય ત્યારે દવા - પાટાપીંડી કોણ કરે અને જરૂર જણાય ત્યાં ખર્ચ કોણ કરે છે તેની પણ જાણકારી મેળવવી જોઈએ. સરકારી શાળાનાં શિક્ષકની શાળા, બાળકો અને ગામ પ્રત્યેની સમર્પણની ભાવના કોઈ સમજી ન શકે તો જરૂર એવું કહી શકે કે આ બધું તો ફરજમાં આવે ! 
          કઠણાઈ તો એજ કે અહીં ભણતા બાળકોનાં કેટલા વાલીઓ જાણતા હશે કે મારા બાળકને મળેલો આ લાભ ક્યાંથી આવ્યો ? એ સગવડ કોના દ્વારા થઈ ! બાળકો તો ઘરે જઈને કહેશે મમ્મી, મને આ દફતર નિશાળમાંથી મળ્યું ! ત્યારે અભણ વાલીને મન તો... મળ્યું તો મળ્યું ! મળે કે ન પણ મળે એ વાલીને ઝાઝો ફરક પડતો નથી. એની પાસે શિક્ષણ અને સમજણનો અભાવ છે. આવા સંજોગોમાં શિક્ષકનાં પરસેવાની કે ભાવનાની કોણ નોંધ લે ? છતાં સરકારી શાળાનાં શિક્ષકો દર વર્ષે નવા જ જોમ અને જુસ્સા, પરોપકારની ભાવના સહીત ‘ લોક ભાગીદારી ‘ નું અવ્વલ નંબરનું કામ ટીકાઓ સહન કરીને અવિરત કરતાં જ જાય છે. એ જ શિક્ષકો ગામનાં સરપંચ, આગેવાનો, ભણેલી દીકરી, વયોવૃદ્ધ વડીલ, નવી જન્મેલી દીકરીઓ, દાતાઓ સૌનું ગમે તેવા અભાવમાં પણ સ્વાગત કરવાનું ચૂકતો નથી ! પ્રસંગોપાત સ્મૃતિ ચિહ્ન કે પ્રમાણપત્ર આપવાની પરમ્પરા ખર્ચનો વિચાર કર્યા વિના નિભાવે છે ! 
          ગ્રામ્યકક્ષાએ ઓછા શિક્ષણ અને વ્યસનોને કારણે બાળકોના વાલીઓના પારિવારિક ઝઘડાઓ શિક્ષકો માટે એક મોટી સમસ્યા છે. પતિ પત્નીનાં ઝઘડા કારણે મોટેભાગે પત્ની બાળકો સાથે આવેશમાં અથવા અસુરક્ષાનાં ડરથી ઘર છોડી જતી રહે છે. દિવસો અને મહિનાઓ સુધી ઝઘડાનું નિરાકરણ ન થવાથી પરિવારના બાળકો પણ મહિનાઓ સુધી શાળાથી દૂર રહે છે. આ એક એવી સ્થિતિ છે કે જેનાથી શિક્ષક સતત તાણ અનુભવે છે. શાળાની કે પોતાના વર્ગની ચિંતા એને માટે જાણે પરિવારની એવી ચિંતા બની જાય છે કે જેને શાળા સિવાય ક્યાંય અભિવ્યક્ત પણ કરી શકાતી નથી ! વાલી નશો, જુગાર કે વ્યભિચાર જેવી આદતોનો બંધાણી હોય ત્યારે વર્ષમાં બે ત્રણવાર આવા ટાળી ન શકાય તેવા પ્રસંગો સહજ બને છે, જેની સીધી અસર બાળકની હાજરી પર પડે છે. વર્ગમાં ઊભા થતાં આવા એક બે વખતના કિસ્સા બાળકનું આખું વર્ષ અને શિક્ષકની મહેનત રફેદફે કરે છે. આ એવા પ્રશ્નો છે કે જેમાં આચાર્ય કે શિક્ષક શું કરી શકે તે વિચારવા જેવું છે. તેમ છતાં ક્યારેક શિક્ષક પોતાની આબરૂ, હેસિયત કે સલામતીની પરવા કર્યા વિના બાળકની હાજરીની આશાએ ક્યારેક બે ડગલાં આગળ પણ વધી જાય છે ! પતિ પત્નીના ઝઘડાનું નિવારણ લાવવા કેટલાંય શિક્ષક ભાઈ બહેનો મધ્યસ્થી બનવાનાં અનુભવમાંથી ક્યારેક ને ક્યારેક  પસાર થાય છે એવો મારો જાત અનુભવ છે ! બાળકો તેડવા જવા, શોધવા જવા વખતે લગભગ મોટાભાગના શિક્ષકો જાહેરમાં મશ્કરી, તિરસ્કાર અને અપમાનનો ભોગ બને છે. છતાં શાળામાં હાજર બાળકોને છોડી ગેરહાજર બાળકને પ્રવાહમાં ટકાવી રાખવા પોતાની ફરજ સમજી પ્રયાસ કરે છે. રોજ પોતાના અંગત ફોન દ્વારા શાળાએથી, ઘરેથી વર્ગના અનિયમિત બાળકોના વાલીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરે છે.
આવો જ પ્રશ્ન રોજગારી માટે સ્થળાંતરિત થયેલા પરિવારોનો પણ છે. વાલી રોજગારી મેળવવા સંયુક્ત કુટુંબ ત્યજી વિભક્ત કુટુંબના રૂપમાં અન્યત્ર સ્થળાંતર કરે છે ત્યારે તેવા બાળકોને શાળામાં ટકાવી રાખવા શિક્ષકો માટે એક પડકાર હોય છે ! માતાપિતા બંને સવારે  કામધંધે જતાં રહે પછી વિભક્ત કુટુંબ હોવાથી ૧૦ વાગ્યે બાળકોને શાળાએ મોકલવા ઘરે કોઈ હોતું નથી. પરિણામે આવા પરિવારોના બાળકોની શાળામાં નિયમિતતા જળવાતી નથી. આવા સંજોગોમાં બાળકની શિક્ષણ સિવાયની બાકીની બધી જ જવાબદારી પણ એક યા બીજી રીતે શિક્ષક પર આવે છે. આવા કુટુંબો સામાજિક પ્રસંગે કે અન્ય કારણોસર વતનમાં જાય છે ત્યારે બાળકની લાંબી ગેરહાજરીને કારણે વર્ગમાં સર્જાતી ‘ એરર ’ શિક્ષકોની મોટી મૂંઝવણ સાથે નીજી કસોટી સમાન પીરીયડ હોય છે.
          ગામની શાળા જાણે અજાણે ગામની અપાર સેવા કરે છે. અનેક સરકારી કાર્યક્રમો શાળામાં જ યોજાય છે. એમાં  ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય, સરકારી કે સ્વૈચ્છિક આરોગ્ય કેમ્પ હોય, સેવાસેતુ કાર્યક્રમ હોય, BLO નો કેમ્પ હોય કે બીજાં સરકારી મેળાવડાઓ હોય શાળાનાં શિક્ષકોના સહયોગ વિના તે ફિક્કા પડે છે ! જાહેર રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એ સૌ નાગરિકોની રાષ્ટ્રીય ફરજ છે છતાં જે તે ગામ શહેરની શાળા તેને પોતાનો ઉત્સવ ગણી અપર્યાપ્ત સંસાધનો છતાં અથાગ મહેનતથી સફળ બનાવે છે ! શાળા જેવી ગામની જાહેર મિલ્કતની શાળાનાં આચાર્ય અને શિક્ષકો હંમેશા તેને પોતીકી મિલ્કત ગણી જીવની જેમ તેનું જતન કરે છે. સરકારી શાળાઓ સરકારશ્રીની ગ્રાન્ટ, જુદી જુદી યોજનાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના યોગદાન અને ફરજનિષ્ઠ શિક્ષકોનાં સમર્પણને કારણે જરૂર ઉન્નત બની છે. ભૂતકાળની જે તે ગામની શાળા અને આજની જે તે  ગામની શાળામાં ઘણું મોટું અંતર આપણે જોતાં હોઈએ તો એના મીઠાં ફળ સમાજને, ઉપભોક્તાને વધુને વધુ મળે તેની ચિંતા થવી જોઈએ. 
          આ સિવાય સરકારી શાળાઓ બીજી અનેક સુવિધાઓ સાવ મફતમાં પૂરી પાડે છે.
·        શાંત, નિરવ અને સુંદર વાતાવરણ, બાગબાની તથા મેદાનની સુવિધા
·        ધો. ૧ થી ૫ માં અનુભવી પી.ટી.સી. શિક્ષકો અને ધો. ૬ થી ૮ માં ભાષા, ગણિત, સા. વિજ્ઞાન માટે ડીગ્રી શિક્ષકો
·        ધો. ૧ થી ૪માં બેસવા માટે નાની - મોટી શેતરંજી અને  કલરફૂલ લો ફ્લોર રાઈટીંગ ડેસ્કની સગવડ
·        ધોરણ ૧ અને ૨ માં પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત દરેક બાળક પર વ્યકિતગત ધ્યાન, વ્વકિતગત સમજણ
·        ધોરણ ૩ થી ૮ માં બાળકને ઝડપથી સમજાય તેવી સરળ શિક્ષણ પદ્ઘતિ
·        દરેક રૂમમાં બબ્બે ટ્યુબલાઈટ તથા ઓછામાં ઓછા બબ્બે પંખાની સુવિધા
·        ૧૧ કમ્પ્યુટર + એલસીડી સાથેની અલાયદી લેબની સુવિધા
·        અલગ કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, પુસ્તકાલય, આચાર્ય કાર્યાલય, સ્ટાફરૂમ વગેરેની સુવિધા 
·        બાયસેગ પ્રસારણ થકી ઈ કલાસમાં ભણવાની સુવિધા
·        વાલીઓ માટે સત્રાંત - વાર્ષિક પરીક્ષા ઉત્તરવહીઓનું નિદર્શન
·        ડ્રેસની સુવિધા સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
·        ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક તહેવારની આંશિક ઉજવણી સાથે તહેવારનો મહિમા
·        વખતોવખત પર્યટન, મુલાકાત, વનભોજન તથા ઓછી ફી માં પ્રવાસમાં નું આયોજન  
·        શિસ્ત સહિત જીવન ઉપયોગી કેળવણી ઉપર વિશેષ ભાર 
·        દર બુધવારે આયર્નની ગોળીનું વિતરણ, આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રસીકરણ 
·        ધોરણ ૧ થી ૫ બાળમેળો અને ધોરણ ૬ થી ૮ લાઈફસ્કીલ મેળાઓ  (કાગળ, કલર, કાતર, રબર, પેન્સિલ આ ઉપરાંત તમામ સામગ્રી શાળા તરફથી)
·        શાળામાં ભણતાં ૧૦૦% બાળકોનાં આધારકાર્ડ તથા બેંક ખાતાની શાળા દ્વારા સગવડ
·        શિક્ષણની જાગૃતિ અને પારદર્શક વહીવટ માટે શાળા કક્ષાએ વાલી માતાપિતાની ભાગીદારીવાળી SMC ની રચના
·        ધોરણ ૩ થી ૮ ના બાળકો માટે ‘ હોલ ઇન ધ વોલ ’ થીમ અંતર્ગત ઓપન જગ્યામાં dekstok કમ્પ્યુટર શીખવાની તક
·        ધોરણ ૬ થી ૮ નાં બાળકો માટે  ટેબલેટની સુવિધા 
·        આધુનિક ભૌતિક સુવિધાઓ સાથે પૂરતી હવા ઉજાશવાળા વર્ગખંડો
·        ધોરણ ૫ થી ૮ માં બેન્ચીસની સુવિધા (એક બેન્ચ બે વિદ્યાર્થી)
·        મૂલ્યશિક્ષણ ઉપર ભાર, બાળકેળવણી વડે બાળ ઘડતર
·        આધુનિક પ્રકારનાં કુમાર અને કન્યાનાં અલગ અલગ શૌચાલય. ધોરણ ૬ થી ૮ ની કન્યાઓ માટે ‘ વેન્ડીંગ મશીન ’ ની સુવિધા
·        ઈ લર્નિંગ માટે અલગ સોફટવેર અને વિશાળ એલસીડી સહિત બાયસેગ પ્રસારણની સુવિધા
·        પહેલા ધોરણથી જ દરેક બાળકને માઈક સાથે સ્ટેજ પર બોલવાનો મહાવરો
·        દરેક બાળકને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય બેંક ખાતામાં ઓનલાઈન જમા
·        આધુનિક પ્રકારનું સ્ટોરરૂમ કમ કિચન. રોજ બપોરે મધ્યાહન ભોજનમાં તાજુ અને ગરમ જમવાની સગવડ
·        ઈન્સપાયર એવોર્ડ માનાંક યોજના હેઠળ શાળાને બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીનાં ખાતામાં રૂ. ૧૦,૦૦૦/- નો પુરસ્કાર
·        દરેક રૂમમાં dust free ચોક અને ગ્રીનબોર્ડની સુવિધ
·        સરકારશ્રી દ્વારા મફત પાઠયપુસ્તકો,સ્વાધ્યાયપોથી અને પરીક્ષા ઉત્તરવહીઓ પૂરતા પ્રમાણમાં
·        સ્વૈચ્છિક સંસ્થા કે દાતાશ્રીઓ તરફથી મફત નોટબુક, ડાયરા માટે આગવી વ્યવસ્થા
·        શાળામાં તમામ શિક્ષકો અને બાળકોની ઓનલાઈન હાજરી
·        શનિવારે માસ પીટી, રમત ગમત અને યોગાસનોનું આયોજન
·        શાળા બાગકામ પ્રવૃતિ દ્વારા પ્રકૃતિ સાથે લગાવ વધે તેવી કોશિષ.
·        બાળ સંસદનું અસરકારક અમલીકરણ તથા ટુકડી નેતા દ્વારા ટુકડી સભ્યોની મિટીંગનું આયોજન
·        શિક્ષકોનાં સહકારથી પ્રવાસ - વનભોજનનું આયોજન
·        રાજ્યકક્ષાએથી ગુણોત્સવ દ્વારા દરવર્ષે મૂલ્યાંકન અને શાળા પ્રવેશોત્સવ
·        બાળકોને મળતી સુવિધાઓ અને મૂલ્યાંકન ડેટા હવે ઓનલાઈન
·        ભવિષ્યમાં સરકારશ્રી તરફથી જ્ઞાન કુંજ પ્રોજેક્ટ, ઈ ક્લાસ અને સ્માર્ટ ક્લાસની સુવિધા  
·        શાળામાં ભણતાં તમામ બાળકો માટે અકસ્માતના કિસ્સામાં વિદ્યાદીપ યોજના હેઠળ અકસ્માત વીમાનું રક્ષણ   
·        રામહાટ, ચબૂતરો, ખોયા પાયા બોક્ષ, અક્ષયપાત્ર, આજનું ગુલાબ, આજનો દીપક, જેવી પ્રવૃત્તિઓ થકી મૂલ્ય શિક્ષણ 
·        પ્રાર્થનાસભા, પ્રશ્નબેંક, બાળસંસદ, કિચન ગાર્ડન, ઔષધિબાગ, ઈકોકલબ થકી કૌશલ્યોનો વિકાસ
·        શાળા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત અરીસા, કાંસકા, તેલ, નેઈલ કટર, હાથ ધોવા સાબુ, લીક્વીડ, નેપકીનની સુવિધા
·        શાળા સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ ફીનાઈલ, પોતું, બ્રશ, કચરાપેટી, સાવરણી, સાવરણા, ટમલર, ડોલ વગેરેની સુવિધા 
·        ઇકોક્લબ હેઠળ ખૂરપી, દાતરડા, કાતર, પંજેટી, તગારા, કોદાળી, પાવડો, ત્રિકમ, કોશ જેવા ઓજારોનો ઉપયોગ 

Monday, August 27, 2018

અપ્રિય... પ્રિય ... કે પછી અતિપ્રિય ..... ???

અપ્રિય... પ્રિય ... કે પછી અતિપ્રિય ..... ???

આજે ઉપચારાત્મક કાર્ય શરુ થયા પછી ૧૪ મો દિવસ છે. દિવસ દરમ્યાન ક્રમશ : વાચન - લેખન - ગણન કાર્ય થયું. ધોરણ - ૨ થી ૪ માં તમામ બાળકોને ઉપચારાત્મક કાર્યમાં પરોવું છું. આજે તા. ૨ / ૦૮ / ૨૦૧૮ ને ગુરુવાર બપોરે ૧૨ : ૦૦ કલાકે લેખન કાર્ય પૂર્ણ થયા બાદ ધોરણ - ૪ નાં બાળકોને અન્ય કામ સોંપી ધોરણ - ૩ નાં બાળકો સાથે ગણિત વિષયમાં કંઈક આગળ વધવાના ઈરાદે બેઠો. ધોરણ - ૩ ગણિતનાં પાન નં. ૯ પર ટપકાં દોરેલ આખું પેજ છે, જેમાં બાળકે છ ચિત્રો દોરવા તેવી સૂચના છે. મેં વિચાર કર્યો કે આખા પેજના છ ખાના પડાવી દઉં તો બાળકોને ચિત્રો દોરવામાં સરળતા રહે ! આજે  કુલ ૧૨ બાળકોમાંથી ૧૧ હાજર હતાં. પેજના ભાગ કેવી રીતે પાડી શકાય તે પ્રત્યક્ષ જોવા દરેકને ટેબલ ફરતે ઊભા રાખ્યા. સૌ પ્રથમ મેં આડી લાઈનમાં બાળકો પાસે ટપકાં ગણાવ્યાં. તો ૨૨ થયાં. સમયની કમી હોવાથી મેં સ્વયં ૭ - ૭  ટપકાં ગણી બે લીટી દોરી ત્રણ ભાગ પાડ્યા. બાળકોને બતાવી દીધાં. હવે ઊભા બે ભાગ કરું તો છ ખાના થાય. બાળકો પાસે આડી લાઈનના ટપકાં ગણાવતાં કુલ ૧૮ સામૂહિક જવાબ મળ્યો. બાળકોને કાર્યમાં પરોવવા મને સવાલ પૂછવાનો વિચાર આવ્યો. મેં પૂછ્યું બે ખાના બનાવવા ૧૮ નાં અડધા એટલે કે ૧૮ નાં બે ભાગ કરવા પડે તો બોલો અઢારના અડધા કેટલા થાય ? બધાં જ બાળકો પોતપોતાની રીતે ગણતરીમાં લાગી ગયાં. કોઈ આંગળી ગણે, કોઈ કાપા (વેઢા) ગણે કોઈ મનમાં જ વિચારે.... કોઈ ક હરખપદુડા બની આશરે જ જવાબો આપે... જવાબ ખોટો પડે ... ફરી ફરીને ગણે... જાતજાતની તરકીબ ચાલવા લાગી. પાંચેક મિનિટ પછી મેં થોડી મદદ કરી. ટેબલ પર બે કુંડાળા દોરી સમજ આપી કે ૧૮ ચોકલેટ - લખોટી વહેંચો ! કોઈ તેવો પ્રયત્ન કરવા લાગ્યા તો કોઈ પોતાની અસ્સલ રીતે જ જવાબો શોધવામાં મશગૂલ રહ્યાં. બીજી પાંચેક મિનિટ બાદ એકે કહ્યું - છ થાય. બીજા કોઈએ કહ્યું આઠ થાય. સાચો જવાબ ન મળ્યો પણ તેઓની નિર્દોષ કોશિષ અવિરત ચાલતી રહી. મને તેમનાં આ સાહજિક પ્રયત્નોમાં રસ હતો.
ટેબલનાં એક છેડે (બાજુએ) રેમીડીયલનું સાહિત્ય હતું. સૌથી ઉપર ગુણોત્સવ - ૮ ની ફ્રેમ ઊંધી મૂકેલી હતી.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
જેમાં

એવા ક્રમિક અંકો (ઉત્તરો) છપાયેલા હતાં. તે તરફ ધોરણ - ૩ નો પ્રિય બાળક દિવ્યાન્સુ વસાવા હતો. તેની નજર ફ્રેમ પરનાં ૧ થી ૨૦ અનુક્રમ પર પડી. તેણે સ્વયં ફ્રેમ પોતાની સામે ગોઠવી અને બે આંગળી ૧૮ અને ૧૭ પર અને બીજી બે આંગળી ૧ અને ૨ અંક પર ગોઠવી. ત્યાંથી તેણે બે આંગળી ૧૬ અને ૧૫ અને આ તરફ ૩ અને ૪ પર ખસેડી. મેં તેની આ અજબ પ્રકારની હરકત પકડી. આંગળી ખસેડતાં ખસેડતાં તેણે ૯ સાચો જવાબ આપ્યો. હું ઊભો થઈ ગયો, બાળકને ઊંચકી લીધો, સૌ બાળકોએ તેને તાળીથી વધાવી લીધો. હું આનંદથી ઝૂમી ઉઠ્યો. આવી અનોખી રીતે પ્રિય બાળક જવાબ શોધી કાઢે એ ઘટના માટે શું કહેવું ! મને આ કિસ્સો સ્પર્શી ગયો. મેં વિશ્રાંતિનાં સમયે સ્ટાફને બેસાડી તેઓ સમક્ષ આ કિસ્સાનું વર્ણન કર્યું.   
મને ઘડીભર લાગ્યું કે આપણે આવા બાળકોને આગળ લાવવાની મથામણમાં ‘ પ્રિય બાળક ’ નું લેબલ તો લગાવી દીધું પણ તેની આ કુશળતાને આંકવાનું ખાનું મિશન વિદ્યાના મૂલ્યાંકન પત્રકમાં પણ નહોતું !!   





Sunday, July 15, 2018

ગામની શાળાની વેદના


ગામની નિશાળની વેદના ...
હા, હું આપણાં ગામની, ગામને પાદરે ઉભેલી પણ આપથી તરછોડાયેલી આપની નિશાળ ! વીતેલા ભૂતકાળમાં એવું કહેવાતું કે  ઘર જોવુ હોય તો રસોડું જુઓ અને ગામ જોવું હોય તો નિશાળ જુઓ ગામની શાળાને ગામનાં ઘરેણાંનું સ્થાન આપવામાં આવતું હતું. ! સાચે ગામની નિશાળ એટલે ગામ આખાનું ગૌરવ ! ગામની નિશાળ એટલે હેતનો દરિયો અને વ્હાલપનો સમંદર ! પરદાદા, દાદા અને બાપુજી જયાં ભણ્યા હોય ત્યાં પૌત્ર કે પુત્ર પણ ભણે અને પછી હેત અને વ્હાલપનો થાય ગુણાકાર ! તેમ છતાં આજે આપણા ગામની હું સદાયે સંસ્કાર સિંચન કરતી, પોતાને ખોળે બેસાડી રમાડતી, નમેલી ડાળીએ ઝૂલા ઝુલાવતી ગુણિયલ શાળા સાવ ઝાંખી અને સૂની બની છું. આજે હું બહારથી તો મૌન લાગું છું, પણ અંદરથી રોજ ડૂસકાં ભરું છું. તમે મારો સાથ કેમ છોડયો એની મને ખબર નથી પરંતુ તમારી પાસે મારી અનેકો ફરિયાદો છે તેનું શું ? તમે મારો સાથ છોડી દીધો છે પણ હું આજે પણ તમારા સૌનો સાથ ઝંખું છું.
૧૮૮૩ માં એટલે કે ૧૩૫ વર્ષ પહેલાં ગામમાં મારો જન્મ થયો હતો. લાંબી મજલમાં મેં અનેકોને મારા ખોળામાં રમાડી નવજીવન આપ્યું છે. હાલનાં મકાનમાં પણ હું છેલ્લા ૬૭ વર્ષથી મારી સેવા આપી રહી છું. આજે પણ હું અડીખમ છું. ગામ સાથે મારો પણ પોતાનો ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ છે. જેને તમે કેમ ભૂલી ગયાં ? મારો ખોળો ખૂંદનારી કેટલીએ બહેનો પરગૃહે જઈ સંસ્કારની સુવાસ ફેલાવી રહી છે ત્યારે વધુ ભણેલી ગણેલી દીકરીઓ આજે પોતપોતાનાં ક્ષેત્રમાં અક્ષરનાં અજવાળાં પાથરી રહી છેમારે આંગણે હરદમ દોડાદોડી કરતાં, ધબધબાટી બોલાવતાં વિદ્યાર્થીઓ આજે પોતપોતાના જીવનમાં સારા મુકામ પર પહોંચી આદર્શપૂર્વક અને સન્માનપૂર્વક જીવી રહયાં છે તે ચમત્કાર મારા હેતનો  છે. તેમ છતાં કોણ જાણે કેમ તે સૌએ પણ કારણ આપ્યા વગર ધીમેધીમે મારો સાથ છોડી દીધો. આજે હું ફકત જન્મતારીખનાં દાખલા મેળવવાનું, ચૂંટણી ટાણે મતદાન કરવા જવાનું અને મતદારયાદીમાં નામ નોંધાવવા કે કમી કરવા જવાનું સ્થળ માત્ર બની રહી છું. કાળની અનેક થપાટો વેઠી ચૂકેલી હું બસ, નિસાસો નાંખવા સિવાય બીજું શું કરી શકું ? મારામાં કોઈ ખોટ કે ઉણપ હશે એવું તમે માનતા હો તો તમારી ભૂલ છે. હવે હું તમારા સમયની સાવ સીધી સાદી સગવડ વિનાની રહી નથી. હાલની મારી પ્રગતિ જાણવા મારી વિશિષ્ટતાઓથી માહિતગાર થવા તો તમારે મારી મુલાકાત લેવી પડે તેમ છતાં અહી હું મારી આછી રૂપરેખા આપવા પ્રયત્ન કરું છું.
હું સમય જતાં વધુને વધુ સમૃદ્ઘ બની છું. આજે હું નવા પહેરવેશ, નવા રંગરૂપથી સજજ બની રહી છું. હવે મારી પાસે ૧૧ કમ્પ્યુટર અને વિશાળ એલસીડી વાળી કમ્પ્યુટરલેબ છે. મારી પાસે ભણતાં બાળકો ગાંધીનગરથી સીધા પ્રસારિત થતાં કલાસનો અને લર્નિંગ પ્રોજેકટનો લાભ મારા ખોળામાં બેસીને લઈ રહ્યા છે. મારી જીવની જેમ દેખભાળ રાખનારાં મારા શિક્ષકો વિષયવાર અને ધોરણવાર ઓનલાઈન તાલીમ મેળવી વધુને વધુ સજજ બની રહ્યા છે. અરે ! ખાસ વાત તો ભૂલી  ગઈ ! હું મારી પોતાની અને મારા શિક્ષકની વેબસાઈટ પણ ધરાવું છું. 
ઉપરાંત બીજી પણ અનેક સુવિધાઓ હોવા છતાં આપ સૌએ મારો સાથ છોડી દીધો તેનું મને અનહદ દુઃખ છે. જેઓને અક્ષરજ્ઞાન રૂપી આંખ આપી, જેમનું ત્રીજું નેત્ર ખોલી અક્ષરની દુનિયાનાં મેં દર્શન કરાવ્યા સઘળાં સૌથી પહેલાં પરાયા બની માનો સાથ છોડી રહે તો કોને કહેવું ? પણ યાદ રહે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થાય ! હું તો મા છું. હું તમારી વાટ જોઈશ ! જંગલમાં રહેતી શબરીનો ઈંતજાર ભગવાન રામનાં આવવાથી પૂર્ણ થયો હતો તો કયારેક મારો ઈંતજાર પણ તમારા બાળકો મારે ખોળે આવવાથી પૂરો થશે !
અલવિદા... હું આપણા ગામની નિશાળ...!

  
શાળા પેમ્પલેટ
આપણી શાળા            શ્રી પ્રાથમિક શાળા, માટીએડ           અણમોલ શાળા
હવે આપણો સૌનો એક જ નિર્ધાર ગામનું બાળક ગામની જ શાળામાં...શું તમે તમારા બાળક માટે સારી શાળાની શોધમાં છો ? તમારા બાળકનાં એડમીશન અને પછીનાં ખર્ચથી ચિંતિત છો ?   તમારું બાળક વાંચવા - લખવામાં પારંગત હોવા છતાં તેના વર્તનથી ચિંતિત છો ? શું તમે જીવનલક્ષી કેળવણીને મહત્વ આપો છો ? તમે તમારા બાળકનાં અક્ષર મોતીનાં દાણા જેવા ઇચ્છો છો ? તમારું બાળક ટીવી જોવામાં વ્યસ્ત રહે છે ?  જો હા, તો આવી તમામ મૂંઝવણનો ઉકેલ એટલે તમારા ગામની, તમારા વિસ્તારની અને તમારા જ તાલુકાની એકમાત્ર સરકારી નિશાળ એટલે ... શ્રી પ્રાથમિક શાળા, માટીએડ
આવો અને રૂબરૂ મળો, વાતચીત કરો... અને જાણો બાળકનાં શિક્ષણ અને બાળ ઘડતર પાછળનાં રહસ્યો ! કોઈપણ બાળક નબળું હોતું જ નથી બલ્કે આપણી આકાંક્ષાઓ વધુ સક્ષમ હોય છે. બાળક રોબોટ નથી અને તેને રોબોટ બનાવવાની જરૂર પણ નથી. બાળપણ માણવા દો અને ભણવા દો. રમવા દો અને ભણવા દો. દોરવા દો અને ભણવા દો. ચડવા - ઉતરવા દો અને ભણવા દો. જીવનલક્ષી કેળવણી આપણી જ શાળામાં ! તો, આવો, આપણે સાથે મળી તમારા બાળકની પ્રગતિ માટે પ્રયાસો કરીએ...
શાળામાં મળતી સુવિધાઓ ….
·         શાળામાં શાંત અને નિરવ વાતાવરણ, મેદાનની સુવિધા
·         ધો. ૧ થી ૪માં બેસવા માટે શેતરંજી અને પાટલી
·         દરેક બાળક પર વ્યકિતગત ધ્યાન, વ્વકિતગત સમજણ
·         બાળકને ઝડપથી સમજાય તેવી સરળ શિક્ષણ પદ્ઘતિ
·         દરેક રૂમમાં બબ્બે લાઈટ પંખાની સુવિધા
·         ૧૧ કમ્પ્યુટર સાથેની અલાયદી લેબની સુવિધા
·         બાયસેગ પ્રસારણ થકી ઈ કલાસમાં ભણવાની સુવિધા
·         વાલી - બાળક અને શાળાનું જોડાણ થાય તે માટેનાં પ્રયાસો
·         વાલીસભા - વાલી વર્ગખંડ બેઠક અને પ્રજ્ઞા સાહિત્ય નિદર્શન
·         સત્રાંત - વાર્ષિક પરીક્ષા ઉત્તરવહીઓનું નિદર્શન
·         આદિજાતિની બાળાઓને મહિને ૧૦ કિલો અનાજ આપવાની યોજના
·         ફેબ્રુઆરી ૨૦૧૮ માં શાળા વિજ્ઞાન પ્રદર્શનમાં  રાજયકક્ષાએ જવામાં સફળ (શ્રી વિપુલ સાહેબ)
·         ફેબ્રુઆરી ૨૦૧૪ માં શાળા એજયુકેશનલ ઈનોવેશન ફેરમાં રાજયકક્ષાએ જવામાં સફળ (શ્રી રમેશ સાહેબ)
·         આઈ. આઈ. એમ. અમદાવાદ જેવી ગુજરાતની ખ્યાતનામ સંસ્થા અને જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા શાળાનાં આચાર્યશ્રી રમેશભાઈનું રાજયકક્ષાએ સન્માન
·         રોજ સાંજે ૪ઃ૩૦ થી ૫ઃ૦૦ રમત ધોરણવાર ક્રમ મુજબ
·         ડ્રેસની સુવિધા સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
·         પર્યટન, મુલાકાત, વનભોજન માટે દાતાશ્રીઓનો સહયોગ
·         શિસ્ત સહિત જીવન ઉપયોગી કેળવણી  
·         ભૌતિક સુવિધાઓ સાથે હવા ઉજાશવાળા વર્ગખંડો
·         અનુભવી, પ્રેમાળ અને વિષય નિષ્ણાંત તાલીમી શિક્ષકો
·         ધો. ૫ થી ૮ માં બેન્ચીસની સુવિધા (એક બેન્ચ બે વિદ્યાર્થી)
·         મૂલ્યશિક્ષણ ઉપર ભાર, બાળકેળવણી વડે બાળ ઘડતર
·         આધુનિક પ્રકારનાં કુમાર અને કન્યાનાં અલગ શૌચાલય
·         ઈ લર્નિંગ માટે અલગ સોફટવેર અને બાયસેગની સુવિધા
·         ચાલો પ્રયત્ન માત્ર કરીએ : બહુહેતુક પ્રાર્થનાસંમેલનનો અમલ
·         નવતર પ્રયોગ :  સ્વયં શિસ્ત પ્રાર્થનાસભા થકી બાળકોને શિસ્તબદ્ઘ કરવાની પહેલ (દર મહિનાની ૧લી અને ૧૬મી)
·         પહેલા ધોરણથી જ દરેક બાળકને માઈક સાથે સ્ટેજ પર બોલવાનો મહાવરો
·         દરેક બાળકને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય ઓનલાઈન
·         બપોરે મધ્યાહનભોજનમાં તાજુ અને ગરમ જમવાની સગવડ
·         ઈન્સપાયર એવોર્ડ માનાંક - વિજ્ઞાનનાં પ્રયોગનાં વિકાસ માટે વિજેતા વિદ્યાર્થીનાં ખાતામાં રૂ. ૧૦,૦૦૦/- નો પુરસ્કાર
·         દરેક રૂમમાં ગ્રીનબોર્ડની સુવિધા
·         મફત પાઠયપુસ્તકો માટે આગવી વ્યવસ્થા
·         શનિવારે માસ પીટી, રમત ગમત અને યોગાસનોનું આયોજન
·         દર શનિવારે સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન
·         શાળા બાગકામ પ્રવૃતિ દ્વારા પ્રકૃતિ સાથે લગાવ વધે તેવી કોશિષ.
·         બાળ સંસદનું અસરકારક અમલીકરણ તથા ટુકડી નેતા દ્વારા ટુકડી સભ્યોની મિટીંગનું આયોજન
શાળાની વેબસાઈટ  : www.pragnaabhigamsafar.blogspot.com  અને www.matiyedps.wordpress.com









મારે ખોળે બેસી ભણનારા બાળકો પુસ્તકો વિના ભાર વગરનું પ્રવૃતિસભર ભણતર  પ્રજ્ઞા ભણે છે. હું ફી ઉઘરાવતી નથી પણ મફત શિક્ષણ આપું છું કેમ કે મા કોઈ દિવસ બાળક પાસેથી કંઈ લે ખરી ? ના, મા તો જીવનભર આપતી જ રહે ! હું શિષ્યવૃત્તિ પણ આપું અને ગણવેશનાં પૈસા પણ આપું છું. હું સારી હાજરીવાળા આદિજાતિનાં બાળકોને દર ત્રણ મહિને ૩૦ કિલો અનાજ આપું છું અને બધાં જ બાળકોને રોજ ગરમાગરમ જમવાનું પણ આપું છું. હું મારા બાળકોનાં પુસ્તકોની વ્યવસ્થા બે મહિના પહેલાં એટલે કે કોઈપણ મા બાપ કરતાં વહેલી કરી દઉં છું. મારે ત્યાં ભણતાં ૧ થી ૪ નાં બાળકો પાટલી સાથે શેતરંજી ઉપર અને ૫ થી ૮ નાં બાળકો બેન્ચીસ પર બેસે છે. પ્રાર્થનાસભામાં તેઓ નિયમિત આસનપટા પર બેસે છે. પહેલા ધોરણથી જ બાળકો માઈક ઉપર અભિવ્યકત થાય છે. તેમનાં શૌચાલય આધુનિક પ્રકારનાં છે. સુંદર બાગ બગીચો અને વિશાળ કેમ્પસ હોવાથી રમત માટે મોટું મેદાન પણ છે. પીવાનું ચોખ્ખું પાણી ઉપલબધ છે. મારા ખોળે ભણનારાં બાળકો જીવનલક્ષી કેળવણી આધારિત શિક્ષણ મેળવે છે. મૂલ્યશિક્ષણ અમારું પસંદગીનું ક્ષેત્ર છે. મારે ત્યાં હવે ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગમાં પ્રજ્ઞા અને ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત - વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનનાં ડીગ્રી શિક્ષકો છે. મારે ત્યાં પિરીયડ પદ્ઘતિ, પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વિજ્ઞાનપ્રદર્શનો, ઈનોવેશન ફેર, ધ્યાન યોગ - રમત ગમત સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે.

- રમેશ પટેલ
પ્રેરણા :  જલ્પા વટાણાવાલા ( મહે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અંકલેશ્વર)