પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Thursday, September 24, 2015

ધોરણ - ૪ માં અંગ્રેજીનો નવતર પ્રયોગ

ધોરણ માં અંગ્રેજીનો નવતર પ્રયોગ

આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજીની શરૂઆત ધોરણ – ૫ થી એક રેગ્યુલર વિષયથી થાય છે. બીજી રીતે કહેવું હોય તો અંગ્રેજી વિષય પુરતું ધોરણ – ૫ એ આપણા બાળકો માટે ધોરણ – ૧ ગણી શકાય ! મારા ખ્યાલ મુજબ એક નવી ભાષા શીખવવાની વાત છે ત્યારે બાળકોને શીખવવા યોગ્ય જે તે ભાષાનું પ્રાથમિક જ્ઞાન વ્યવસ્થિત મળે, એનાં મૂળાક્ષરો, ઉચ્ચારો, મરોડ, લખવાની પદ્ધતિ આ બધાંથી બાળકો સારી રીતે માહિતગાર થાય તે માટે તેને પર્યાપ્ત સમય મળવો જોઈએ. મારા વ્યક્તિગત અનુભવ પ્રમાણે હાલની પરિસ્થિતિમાં કદાચ બાળકો અને શિક્ષકો એટલે કે શીખનાર અને શીખવનાર બંનેને ધોરણ – ૫ માં આ બાબતે તકલીફ પડતી હશે ! બીજી રીતે કહીએ તો અસરકારકતા લાવવા કંઈક ખૂટતું જણાતું હોય એવું બનતું હશે.
મારા આવા અનુભવ પછી અને પ્રવર્તમાન સમયને અનુલક્ષીને મેં પ્રજ્ઞામાંથી સમય કાઢી ધોરણ – ૪ ના બાળકોને અંગ્રેજીનું પ્રારંભિક શિક્ષણ આપવાનું આયોજન અથવા કહો એક નવતર પ્રયોગ કર્યો. મેં અપનાવેલા પ્રજ્ઞા સમયપત્રકમાં અંગ્રેજીને અઠવાડિયામાં એકવાર (દર બુધવાર) સપ્તરંગી સાથે શીખવવા શાળાકક્ષાનું આયોજન કર્યું છે. મારું આયોજન અને અપેક્ષા બાળકો ધોરણ – ૪ પર્યંત પહેલી – બીજી એબીસીડી ચાર લાઈનની નોટબુકમાં પદ્ધતિસર લખતાં ને વાંચતા શીખે, અંગ્રેજી બારાક્ષરી લખતાં ને વાંચતા શીખે, પોતાનું કે પોતાનાં પરિવારના સભ્યોના નામ લખતાં શીખે અને થોડા સ્પેલીંગોથી પણ માહિતગાર થાય તે છે. જો બાળકોની રુચિને ધ્યાનમાં લઈ વર્ષાન્તે આટલું થઈ શકે તો પણ ધોરણ - ૫ માં બાળકોને અને સાથે વર્ગશિક્ષકને મોટી મદદ મળી શકે. હું એ પણ માનું છું કે શિક્ષક કે માતાપિતાની અપેક્ષાઓ સામે બાળકોને આપવામાં આવતાં કામના ભારણનો પણ ખ્યાલ રાખવો જોઈએ.
પ્રજ્ઞામાં અવિરત કામમાં રચ્યા પચ્યા રહેતા બાળકોને સ્ફૂર્તિ મળે તે માટે મારા શાળા કક્ષાના આયોજનમાં મેં રમતનો પણ એક વધારાનો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ પણ વર્ગકાર્ય દરમ્યાન બાળકો સાથેના વર્ગવ્યવહાર વખતે અનુભવેલી જરૂરિયાત (એરર) ને ધ્યાનમાં રાખી મેં અજમાવેલ છે. અઠવાડિયામાં ત્રણ દિવસ સમુહકાર્યની અવેજીમાં રમતના તાસ ફાળવેલ છે. બીજી તરફ સમુહકાર્યના વિશેષ દ્રઢીકરણ માટે અડધા કલાકના નિયમિત ગૃહકાર્યની ટેવ પાડવા પ્રયત્ન કર્યો છે. મતલબ, ધોરણ – ૪ ના પ્રજ્ઞાના વિષયો – ગુજરાતી, ગણિત, પર્યાવરણ, સપ્તરંગી પ્રવૃત્તિઓ, હિન્દી અને મહાવરા તરીકે કરાવાતું સમુહકાર્ય. આ પૈકી કોઈપણ વિષયનું સહેજ પણ મહત્વ ન ઘટે તેનું ધ્યાન રાખી મેં મારા પૂરતાં શાળાક્ક્ષાના ફેરફારો કરી આ નવતર પ્રયોગ અમલમાં મુક્યો છે.
       આશા છે, જે હોંશથી બાળકો શીખી રહ્યાં છે તે જોતાં આ ફેરફારો થકી અપેક્ષિત પરિણામ મળશે.     
 દિવ્યા વસાવા  ધો. ૪ 
 ધરતી વસાવા  ધો. ૪ 
 નિશા ડોડીયા  ધો. ૪ 
હર્ષ પરમાર ધો. ૪ 
 ખુશ્બુ સોલંકી ધો. ૪ 
 ઉર્વશી રાઠોડ  ધો. ૪
તેજલ વસાવા  ધો. ૪  
દિપીકા વસાવા  ધો. ૪







No comments:

Post a Comment