સરકારી શાળા - એક અદીઠું સત્ય
આપણો સમાજ સરકારી શાળા અને સરકારી શિક્ષકોને અછૂત અને અબૂધ
ગણે છે ! આજે તો બેસુમાર ખાનગી શાળાઓ ખૂલી ચૂકી છે અને જનતાની અપેક્ષાએ હજી ખુલતી
જ જાય છે. નવી ખૂલેલી શાળા સુવિધા કે અસુવિધા છતાં ઝડપથી ધમધમતી પણ થઈ જાય છે.
જયારે બીજી તરફ સરકારી શાળાઓ સુવિધા વધવા છતાં સતત તૂટી રહી છે ને સરકાર તેને મર્જ
કરવા પરિપત્રો કરી રહી છે. ૨૦૧૦ થી RTE ની જોગવાઈ મુજબ
સરકારી શાળાઓમાં ડીગ્રી શિક્ષકોની ભરતી કરવામાં આવી. ૨૦૧૦ પછી આજે લગભગ ૧૦
વર્ષ બાદ અનેકો શિક્ષકો નિવૃત્ત થયાં છે અને તેઓની જગ્યા ખાલી પડવા છતાં પણ શિક્ષક
વધ (બાળકોની સંખ્યાનાં પ્રમાણમાં મળતા શિક્ષકોનું માળખું) ના પ્રશ્નો એવા ને એવા જ
મોં ફાડી ઉભા છે. હાલમાં જ નવી નિમણુંક પામેલા HTAT આચાર્યોને પોતાની પસંદગીની શાળામાં બાળકોની સંખ્યા ઘટવાને
કારણે તાલુકાની કે તાલુકા બહારની શાળામાં જવું પડ્યું છે ! આવું થવા પાછળનું મુખ્ય
કારણ ઘટતો શાળા પ્રવેશ છે. SSA ની અમલવારી પછી નિયમિત રીતે શાળા પ્રવેશોત્સવ જેવાં
કાર્યક્રમો ઉજવાતા હોવા છતાં શાળા પ્રવેશ દર ઘટતો હોય ત્યારે જે બાળકો ગામની
શાળામાં આવવા જોઈએ તે બાળકો આખરે ક્યાં જાય છે અને કેમ જાય છે ? તે બાબતની
સાર્વજનિક ચિંતા તથા તેનાં ઉપાયોની સાર્થક ચર્ચા પ્રબુદ્ધ નાગરિકો થકી થવી જોઈએ. સૌ
જાણે છે, ગામનાં મોટા ભાગનાં બાળકો પ્રાઈવેટ શાળાઓમાં જાય છે ! જેમની પાસે કોઈ જ
સગવડ, વ્યવસ્થા કે ત્રેવડ નથી તેવા જ કુટુંબના
બાળકો સરકારી શાળામાં ભણે છે. જો એમ હોય તો પછી સરકાર પ્રાથમિક શિક્ષણ પાછળ
જે ખર્ચ કરે છે તેનું શું ? વર્ષો પહેલા સરકારે ગામડે - ગામડે શાળાઓ ખોલી ફરજીયાત
અને મફત શિક્ષણ આપવાની કરેલી વ્યવસ્થા બર નથી આવી રહી તે સાર્વત્રિક ચિંતાનો વિષય
છે. બાળકો વિનાના આલીશાન ‘ ભવનો ’ દિલમાં દર્દ પેદા કરે છે !
શું સરકારી શાળાઓ ખરેખર સારી નથી ? શું સરકારી શિક્ષકો
સારું ભણાવતા નથી ? શું સરકારી શાળાઓની ભૌતિક સુવિધાઓ યોગ્ય નથી ? જો એમ જ હોય તો
ગામ આગેવાનોએ સરકારી શાળાની પ્રત્યક્ષ મુલાકાત લેવાની જરૂર છે. જો આમ જનતાને કોઈપણ
જગ્યાએ કચાશ જણાતી હોય તો પ્રજાના પ્રતિનિધિઓએ સરકારનું ધ્યાન દોરવું જોઈએ. જો
બધું જ બરાબર હોય તો તેઓએ પ્રતિકાત્મક લોકજાગૃતિ માટે પહેલ કરવી જોઈએ. ખરેખર
મુશ્કેલીઓ ક્યાં છે તે શોધવી જોઈએ. ઉપભોક્તા વાલીઓ અને ગામનાં સમજું આગેવાનોએ પણ
આગળ આવી આ મુદ્દામાં સકારાત્મક રસ લેવો જરૂરી છે. પોતાના ગામની શાળા કે જેમાં તેઓ
પોતે જ ભણ્યા છે તેની મુલાકાત લઈ પોતાના અભ્યાસકાળના દિવસો અને આજની સ્થિતિની
તુલના કરવી જોઈએ. મારા ખ્યાલથી આમ કરવાથી સરકારે શિક્ષણ પાછળ કરેલા ખર્ચ અને
હાલનાં શિક્ષકોએ ફરજની સાથે કરેલ ‘ મથામણ ’ બંનેને ન્યાય મળશે ! શાળા ગામની છે તો ત્યાં ફરજ અદા કરતાં શિક્ષકો
(ભલે ગમે ત્યાંથી આવતાં હોય) પણ ગામનાં જ છે. તેથી શાળાનાં આચાર્ય અને શિક્ષકોને
રૂબરૂ મળી તેમની મુશ્કેલીઓ વિશે ગ્રામજનોએ પૂછવું જોઈએ. જો તેમ થશે તો સરકારી
શાળાનું પેલું અદીઠું સત્ય બહાર આવશે !
દર વર્ષે એપ્રિલ માસમાં ધોરણ
૧ માં નવા પ્રવેશની સર્વે ઝૂંબેશ શિક્ષકો સરકારી ફરમાનની રાહ જોયા વગર સ્વયં ઉપાડી
લે છે અને પારદર્શિતા સાથે એ કામ પૂર્ણ કરે છે. પાંચ વર્ષની વય મર્યાદામાં આવતું
એકપણ બાળક શાળા બહાર રહી ન જાય તેની કાળજી લેવામાં આવે છે. ગામનાં શિક્ષકો પોતાની
મર્યાદામાં રહીને વાલીઓને સમજાવે છે. ઘણીવાર બાળકો સહિત વાલીઓને આકર્ષવા જાતજાતનાં
અખતરાઓ પણ કરે છે, તેમ છતાં વાલીઓનો ખાનગી શિક્ષણનો ‘ મોહ’ ઊતરતો નથી. જે વાલીઓ
આર્થિક બોજ ઉઠાવવા સક્ષમ છે તેવા વાલીઓ બેશક પોતાની ખર્ચ કરવાની ત્રેવડ પ્રમાણેની
ખાનગી શાળા પસંદ કરે અને પોતાનાં બાળકોને રાજીખુશીથી ત્યાં ભણાવે ! પરંતુ જેમની
આર્થિક સ્થિતિ એટલી સક્ષમ નથી, પોતે એટલું ભણેલા નથી કે બાળકોને ભણવામાં પોતે પણ
કંઇક મદદ કરી શકે, તેવા વાલીઓએ એકવાર ગામની અથવા નજીકની કોઈપણ સરકારી શાળાની રૂબરૂ
મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ગામની શાળામાં શિક્ષક પીટીસી હોય કે ડીગ્રી તે
સંપૂર્ણપણે તાલીમબદ્ધ અને કુશળ છે. શિક્ષણના નવીન પ્રવાહો, રીતો, પદ્ધતિઓ,
યોજનાઓથી તે સર્વથા માહિતગાર છે. તેમ છતાં તેને સરકારશ્રી દ્વારા વખતોવખત તાલીમ
આપી અપડેટ કરવામાં આવે છે. સરકાર શિક્ષકને પોતાની મહેનતનું પૂરું વળતર અને
નોકરીનું સંરક્ષણ આપે છે કે જેથી તે તણાવ કે ચિંતામુક્ત બની બાળકોનું ઘડતર કરી શકે
છે ! કોઈપણ ધોરણનાં બાળકો સાથે મનોવૈજ્ઞાનિક રીતે કેવી રીતે વર્તવું ? કઈ પદ્ધતિ
અપનાવવી ? કેટલું ગૃહકાર્ય આપવું અથવા ન આપવું ...આ બધાંથી તે ખૂબ જ જ્ઞાત અને
અનુભવી છે. તેથી સમયનો સાદ છે : ઘરનાં, કુટુંબનાં, સમાજનાં અન્ય વ્યક્તિઓ પૈકી કોઈ
સરકારી શાળા વિશે જાણતા હોય તો તેમણે પેલા ઘરનાં વડીલને પણ આ બાબતે યોગ્ય સમજ આપવી
જોઈએ. ઈચ્છુક વાલીઓએ ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે ગામની શાળામાં જઈ શાળાનાં
આચાર્ય તથા શિક્ષકોને મળી વાતચીત કરવી જોઈએ. ઠીક લાગે તો શાળાનાં વર્ગખંડો કે શાળા
પરિસરની મુલાકાત લેવી જોઈએ. બની શકે તો શિક્ષક ભણાવતાં હોય તેવા વર્ગોમાં ડોકિયું
કરવું જોઈએ. શાળામાં નિયમિત ઉજવાતા રાષ્ટ્રીયપર્વો કે બીજા જાહેર કાર્યક્રમોમાં
હાજરી આપી જે તે શાળાની પ્રવૃત્તિઓ અને સ્ટેજ પર પ્રસ્તુત થતાં બાળકોનાં કૌશલ્યથી
વાકેફ થવું જોઈએ. બાળકોએ રજૂ કરેલ કૃતિઓ અને તેની પાછળ થયેલ મહેનતની કલ્પના કરવાની
ગામલોકોએ તસ્દી લેવી જોઈએ. ઘડીભર વિચારો...આ બાળકોને તૈયાર કરવા ક્યારે અને કેટલાં
રિહર્સલ થયાં હશે ? ડ્રેસથી માંડી બીજી સગવડો ક્યાંથી આવી હશે ? બાળકોને તાલીમ
કોણે અને કેવા સંજોગોમાં આપી હશે ? આવી એક કૃતિ તૈયાર કરવા કેટલી મહેનત પડી હશે ?
શું બાળકોને તૈયાર કરવામાં બાળકના માતાપિતાનો કોઈ સીધો હિસ્સો હોય છે ખરો ?
મિત્રો, જવાબ હશે ના...! તો પછી આ કમાલ કોણે કરી અને કેવી રીતે કરી ? ગામમાંથી કોઈ
ફી કે ફાળો ઉઘરાવ્યો છે ખરો ? જવાબ છે ના...! કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકો અને
શ્રોતાઓએ એટલું તો ખચિત વિચારવું જ જોઈએ કે આ કરતબ કેવી રીતે થયાં હશે ?
જે લોકોને સરકારી શાળા અને શિક્ષકો પ્રત્યે સૂગ હોય તેમણે
સરકારી (જિલ્લા / નગર પંચાયત
સંચાલિત) શાળાઓમાં બાળકોને શું શું લાભો મળે છે ? એનો આર્થિક સ્ત્રોત ક્યાંથી આવે
છે ? સ્પર્ધાઓમાં બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરાય છે ? પ્રવાસ - પર્યટનો કેવી
રીતે કરાવાય છે ? તે વિશે ઊંડાણપૂર્વક
જાણવા - સમજવાની જરૂર છે. પ્રવાસ માટે બાળકો પાસેથી ઉઘરાવાતી ફી અને થયેલ ખર્ચ
ખરેખર સમજવાલાયક અને આશ્ચર્ય પમાડનાર હશે ! શાળામાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમ કે
સ્પર્ધાની તૈયારી માટે ત્યાં ભણતા બાળકના વાલીનું શું યોગદાન છે તે વાલીઓએ ચકાસવું જોઈએ. વનભોજનમાં કેવી રીતે લઈ ગયા ?
શું ખવડાવ્યું અને તેની સામે થયેલ ખર્ચનો સ્ત્રોત ક્યાંથી આવ્યો તે શોધશો તો તમને સરકારી શાળા અને સરકારી
શિક્ષકો પ્રત્યે આદરભાવ ઉપજશે. સરકારી શાળાનાં બાળકો શું શિક્ષણ મેળવે છે અને શું
કેળવણી મેળવે છે તે ચકાસવાનો આ સમય છે. સરકારી શાળાનાં ટોયલેટ બ્લોક, પીવાના
પાણીની સુવિધા, બાગ બગીચો વિકસાવવાનો ખર્ચ અને તેનાં મેન્ટેનન્સના ખર્ચ વિશે
શાળાનાં આચાર્ય સાથે ગામનાં ભણેલા નાગરિકો અને યુવાનોએ વાત કરવી જોઈએ. કીચન
ગાર્ડન, ઔષધિબાગ, રામહાટ અને બીજાં અનેક પ્રકલ્પો વિશે જાણી તેને નિભાવવા શિક્ષકો
અને કેળવણી પામેલા બાળકો શું શું કરે છે ? તે પણ પૂછવું રહ્યું. આજે ઠેર ઠેર મહિલા
શિક્ષિકાઓ દૂર દૂર અંતરિયાળ ગામોમાં ફરજ બજાવે છે. કદાચ એણે સ્વીકારેલ ફરજ એની
પોતાની જરૂરિયાત હશે ! છતાં અનેક પારિવારિક જવાબદારીઓનું જતન કરતી જઈ તે પોતાની
શાળાનાં માસુમ બાળકોને ખોળે બેસાડી શિક્ષણ આપે છે ને ખવડાવે છે તેની સમાજે
માનવતાની દ્રષ્ટિએ પણ નોંધ લેવી જોઈએ. આજે શિક્ષક હોવા સાથે જયારે કોઈ મહિલા
શિક્ષકને પોતાના વાહન પર ટીએલએમ, પુસ્તકો કે કલરનાં ડબ્બા બાંધીને સડસડાટ શાળાએ
જતી જોઉં છું ત્યારે બેહદ ગૌરવ અનુભવું છું. સરકારી શિક્ષકોની બાળકો સાથેની
આત્મીયતાને ચકાસવાની જરૂર છે. સરકારી શાળામાં આજે મજૂરી કરી રોજી મેળવતા
માતાપિતાનાં જ સંતાનો ભણે છે ત્યારે આવા કુટુંબો પરિસ્થિતિને વશ બાળકો પાછળ પૂરતું
ધ્યાન આપી શકતાં નથી. સરકારી શાળાનો શિક્ષક બાળકને પોપટીયું જ્ઞાન જ નથી આપતો પણ
તે અનેક અનુભવો આપીને આવા અબૂધ અને ઓછી કેળવણી પામેલા બાળકોને કેળવે છે. આ બધું
જોવા હવે સરકારી શાળામાં ડોકિયું કરવાનો આ ખરો સમય છે.
ગામનાં નાગરિકોએ લાયબ્રેરી,
વિજ્ઞાનખંડ, કમ્પ્યુટર લેબ, બાયસેગ સુવિધા, ડીજીટલ ક્લાસરૂમ, ઈન્ટરનેટ - વાઈ ફાઈ
સુવિધા, પ્રોજેક્ટર અને એવાં જ અન્ય ઉપકરણો અને તેના શાળામાં થતાં ઉપયોગથી માહિતગાર
થવું જોઈએ. શાળાનાં આચાર્ય પાસેથી આ બધી જ સુવિધાઓ બદલ કોઈ ફી લેવાતી હોય તો તેનાં
વિશે અવશ્ય પૂછવું જોઈએ. સરકારી શાળામાં બાળકો સાથેનાં શિક્ષકોનાં ભાવાવરણ -
આદાનપ્રદાન વિશે પણ જાણવું જોઈએ. ગૃહકાર્ય, પુનરાવર્તન, એકમ કસોટી, મહાવરો,
વધારાનાં કોચીંગ વર્ગો, બાહ્ય પરીક્ષાઓની તૈયારી માટે ગામની શાળાનાં શિક્ષકો શું
શું કરે છે તે જાણવું જોઈએ. શાળામાં પાઠ્યપુસ્તકો, સપ્લીમેન્ટરી, વર્કબુક ક્યારે આવ્યા ? કેવી રીતે આવ્યા ? અને તેને માટે શું ફી લેવામાં આવી છે તે પણ
ચકાસવું રહ્યું. શાળામાં અરીસા - કાંસકા, તેલ, સાબુ, નેપકીન, નેઈલકટર ઈત્યાદી
સામાન ક્યાંથી આવ્યો તે શોધવું જોઈએ. ગામનાં શિક્ષકોને પોતાનાં વર્ગનાં કે શાળાનાં
બાળકોનાં નામ, તેમના માતાપિતાનાં નામ પૂછવા જોઈએ. ગામની શાળાનો શિક્ષક વર્ગનાં ને
શાળાનાં બાળકોને કેટલું વ્હાલ કરે છે, પ્રેમ કરે છે તે પણ પૂછો. કઈ શાળા બાળકોને
નવડાવે છે ? કઈ શાળા બટન ટાંકી દે છે ? કઈ શાળા મફત કપડાંની વ્યવસ્થા કરી ગણવેશ
સહાયની સરકારી રકમની બેંક બચત કરાવે છે તે જાણવું જરૂરી છે. સરકારી શાળાને બદ
ઈરાદાપૂર્વક ચેનલો પર ચડાવતા પહેલા એ સત્ય શોધો કે ફોર્મ કોણે ભર્યા ને આધારકાર્ડ નીકળ્યા
? ફોર્મ કોણે ભર્યા ને બેંક ખાતા ખૂલ્યા ? ઓળખ માટે ફોટા કોણે કઢાવ્યા ? ઈન્ટરનેટ
નથી તો શિષ્યવૃત્તિ ઓનલાઈન કોણે કરી ? NMMS પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા, પ્રાથમિક શિષ્યવૃત્તિ
પરીક્ષા, ચિત્રકામ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરાયા ? તેની ફી કોણે ભરી ?
બાહ્ય પરીક્ષા આપવા રજાના દિવસે કોણ લઈ ગયું તે પૂછો. સ્કૂલ ખૂલતાં જ પ્રવેશોત્સવ
આવે ત્યારે બાળકોને માટે ટોપી કોણે બનાવી અને સ્લેટ પેન, નોટબુક, દફતર વગેરે
ક્યાંથી આવ્યાં તે જાણો. શાળા આરોગ્ય તપાસણી વખતે બાળકોને ખોળામાં બેસાડી રસી કોણ
મુકાવડાવે છે તે ચકાસવાનો આ સમય છે. શાળા સમય દરમ્યાન બાળક આકસ્મિક માંદુ પડે,
અકસ્માત થાય ત્યારે દવા - પાટાપીંડી કોણ કરે અને જરૂર જણાય ત્યાં ખર્ચ કોણ કરે છે
તેની પણ જાણકારી મેળવવી જોઈએ. સરકારી શાળાનાં શિક્ષકની શાળા, બાળકો અને ગામ
પ્રત્યેની સમર્પણની ભાવના કોઈ સમજી ન શકે તો જરૂર એવું કહી શકે કે આ બધું તો
ફરજમાં આવે !
કઠણાઈ તો એજ કે અહીં ભણતા
બાળકોનાં કેટલા વાલીઓ જાણતા હશે કે મારા બાળકને મળેલો આ લાભ ક્યાંથી આવ્યો ? એ
સગવડ કોના દ્વારા થઈ ! બાળકો તો ઘરે જઈને કહેશે મમ્મી, મને આ દફતર નિશાળમાંથી
મળ્યું ! ત્યારે અભણ વાલીને મન તો... મળ્યું તો મળ્યું ! મળે કે ન પણ મળે એ વાલીને
ઝાઝો ફરક પડતો નથી. એની પાસે શિક્ષણ અને સમજણનો અભાવ છે. આવા સંજોગોમાં શિક્ષકનાં
પરસેવાની કે ભાવનાની કોણ નોંધ લે ? છતાં સરકારી શાળાનાં શિક્ષકો દર વર્ષે નવા જ
જોમ અને જુસ્સા, પરોપકારની ભાવના સહીત ‘ લોક ભાગીદારી ‘ નું અવ્વલ નંબરનું કામ
ટીકાઓ સહન કરીને અવિરત કરતાં જ જાય છે. એ જ શિક્ષકો ગામનાં સરપંચ, આગેવાનો, ભણેલી
દીકરી, વયોવૃદ્ધ વડીલ, નવી જન્મેલી દીકરીઓ, દાતાઓ સૌનું ગમે તેવા અભાવમાં પણ
સ્વાગત કરવાનું ચૂકતો નથી ! પ્રસંગોપાત સ્મૃતિ ચિહ્ન કે પ્રમાણપત્ર આપવાની પરમ્પરા
ખર્ચનો વિચાર કર્યા વિના નિભાવે છે !
ગ્રામ્યકક્ષાએ ઓછા શિક્ષણ અને
વ્યસનોને કારણે બાળકોના વાલીઓના પારિવારિક ઝઘડાઓ શિક્ષકો માટે એક મોટી સમસ્યા છે.
પતિ પત્નીનાં ઝઘડા કારણે મોટેભાગે પત્ની બાળકો સાથે આવેશમાં અથવા અસુરક્ષાનાં ડરથી
ઘર છોડી જતી રહે છે. દિવસો અને મહિનાઓ સુધી ઝઘડાનું નિરાકરણ ન થવાથી પરિવારના
બાળકો પણ મહિનાઓ સુધી શાળાથી દૂર રહે છે. આ એક એવી સ્થિતિ છે કે જેનાથી શિક્ષક સતત
તાણ અનુભવે છે. શાળાની કે પોતાના વર્ગની ચિંતા એને માટે જાણે પરિવારની એવી ચિંતા
બની જાય છે કે જેને શાળા સિવાય ક્યાંય અભિવ્યક્ત પણ કરી શકાતી નથી ! વાલી નશો,
જુગાર કે વ્યભિચાર જેવી આદતોનો બંધાણી હોય ત્યારે વર્ષમાં બે ત્રણવાર આવા ટાળી ન
શકાય તેવા પ્રસંગો સહજ બને છે, જેની સીધી અસર બાળકની હાજરી પર પડે છે. વર્ગમાં ઊભા
થતાં આવા એક બે વખતના કિસ્સા બાળકનું આખું વર્ષ અને શિક્ષકની મહેનત રફેદફે કરે છે.
આ એવા પ્રશ્નો છે કે જેમાં આચાર્ય કે શિક્ષક શું કરી શકે તે વિચારવા જેવું છે. તેમ
છતાં ક્યારેક શિક્ષક પોતાની આબરૂ, હેસિયત કે સલામતીની પરવા કર્યા વિના બાળકની
હાજરીની આશાએ ક્યારેક બે ડગલાં આગળ પણ વધી જાય છે ! પતિ પત્નીના ઝઘડાનું નિવારણ
લાવવા કેટલાંય શિક્ષક ભાઈ બહેનો મધ્યસ્થી બનવાનાં અનુભવમાંથી ક્યારેક ને
ક્યારેક પસાર થાય છે એવો મારો જાત અનુભવ
છે ! બાળકો તેડવા જવા, શોધવા જવા વખતે લગભગ મોટાભાગના શિક્ષકો જાહેરમાં મશ્કરી,
તિરસ્કાર અને અપમાનનો ભોગ બને છે. છતાં શાળામાં હાજર બાળકોને છોડી ગેરહાજર બાળકને
પ્રવાહમાં ટકાવી રાખવા પોતાની ફરજ સમજી પ્રયાસ કરે છે. રોજ પોતાના અંગત ફોન દ્વારા
શાળાએથી, ઘરેથી વર્ગના અનિયમિત બાળકોના વાલીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરે છે.
આવો જ પ્રશ્ન રોજગારી માટે સ્થળાંતરિત થયેલા પરિવારોનો પણ
છે. વાલી રોજગારી મેળવવા સંયુક્ત કુટુંબ ત્યજી વિભક્ત કુટુંબના રૂપમાં અન્યત્ર
સ્થળાંતર કરે છે ત્યારે તેવા બાળકોને શાળામાં ટકાવી રાખવા શિક્ષકો માટે એક પડકાર
હોય છે ! માતાપિતા બંને સવારે કામધંધે
જતાં રહે પછી વિભક્ત કુટુંબ હોવાથી ૧૦ વાગ્યે બાળકોને શાળાએ મોકલવા ઘરે કોઈ હોતું
નથી. પરિણામે આવા પરિવારોના બાળકોની શાળામાં નિયમિતતા જળવાતી નથી. આવા સંજોગોમાં
બાળકની શિક્ષણ સિવાયની બાકીની બધી જ જવાબદારી પણ એક યા બીજી રીતે શિક્ષક પર આવે
છે. આવા કુટુંબો સામાજિક પ્રસંગે કે અન્ય કારણોસર વતનમાં જાય છે ત્યારે બાળકની
લાંબી ગેરહાજરીને કારણે વર્ગમાં સર્જાતી ‘ એરર ’ શિક્ષકોની મોટી મૂંઝવણ સાથે નીજી
કસોટી સમાન પીરીયડ હોય છે.
ગામની શાળા જાણે અજાણે ગામની
અપાર સેવા કરે છે. અનેક સરકારી કાર્યક્રમો શાળામાં જ યોજાય છે. એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,
વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય, સરકારી કે સ્વૈચ્છિક આરોગ્ય કેમ્પ હોય, સેવાસેતુ
કાર્યક્રમ હોય, BLO નો કેમ્પ હોય
કે બીજાં સરકારી મેળાવડાઓ હોય શાળાનાં શિક્ષકોના સહયોગ વિના તે ફિક્કા પડે છે !
જાહેર રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એ સૌ નાગરિકોની રાષ્ટ્રીય ફરજ છે છતાં જે તે ગામ
શહેરની શાળા તેને પોતાનો ઉત્સવ ગણી અપર્યાપ્ત સંસાધનો છતાં અથાગ મહેનતથી સફળ બનાવે
છે ! શાળા જેવી ગામની જાહેર મિલ્કતની શાળાનાં આચાર્ય અને શિક્ષકો હંમેશા તેને
પોતીકી મિલ્કત ગણી જીવની જેમ તેનું જતન કરે છે. સરકારી શાળાઓ સરકારશ્રીની ગ્રાન્ટ,
જુદી જુદી યોજનાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના યોગદાન અને ફરજનિષ્ઠ શિક્ષકોનાં સમર્પણને કારણે
જરૂર ઉન્નત બની છે. ભૂતકાળની જે તે ગામની શાળા અને આજની જે તે ગામની શાળામાં ઘણું મોટું અંતર આપણે જોતાં હોઈએ
તો એના મીઠાં ફળ સમાજને, ઉપભોક્તાને વધુને વધુ મળે તેની ચિંતા થવી જોઈએ.
આ સિવાય સરકારી શાળાઓ બીજી
અનેક સુવિધાઓ સાવ મફતમાં પૂરી પાડે છે.
·
શાંત, નિરવ અને
સુંદર વાતાવરણ,
બાગબાની તથા મેદાનની સુવિધા
·
ધો. ૧ થી ૫
માં અનુભવી પી.ટી.સી. શિક્ષકો અને ધો. ૬ થી ૮ માં ભાષા, ગણિત, સા. વિજ્ઞાન માટે
ડીગ્રી શિક્ષકો
·
ધો. ૧ થી ૪માં
બેસવા માટે નાની - મોટી શેતરંજી અને કલરફૂલ
લો ફ્લોર રાઈટીંગ ડેસ્કની સગવડ
·
ધોરણ ૧ અને ૨
માં પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત દરેક બાળક પર વ્યકિતગત ધ્યાન,
વ્વકિતગત સમજણ
·
ધોરણ ૩ થી ૮
માં બાળકને ઝડપથી સમજાય તેવી સરળ શિક્ષણ પદ્ઘતિ
·
દરેક રૂમમાં
બબ્બે ટ્યુબલાઈટ તથા ઓછામાં ઓછા બબ્બે પંખાની સુવિધા
·
૧૧ કમ્પ્યુટર +
એલસીડી સાથેની અલાયદી લેબની સુવિધા
·
અલગ કમ્પ્યુટર
લેબ, સાયન્સ લેબ, પુસ્તકાલય, આચાર્ય કાર્યાલય, સ્ટાફરૂમ વગેરેની સુવિધા
·
બાયસેગ
પ્રસારણ થકી ઈ કલાસમાં ભણવાની સુવિધા
·
વાલીઓ માટે સત્રાંત
- વાર્ષિક પરીક્ષા ઉત્તરવહીઓનું નિદર્શન
·
ડ્રેસની
સુવિધા સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
·
ભારતીય સંસ્કૃતિ
મુજબ દરેક તહેવારની આંશિક ઉજવણી સાથે તહેવારનો મહિમા
·
વખતોવખત પર્યટન,
મુલાકાત, વનભોજન તથા ઓછી ફી માં પ્રવાસમાં નું આયોજન
·
શિસ્ત સહિત
જીવન ઉપયોગી કેળવણી ઉપર વિશેષ ભાર
·
દર બુધવારે
આયર્નની ગોળીનું વિતરણ, આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રસીકરણ
·
ધોરણ ૧ થી ૫ બાળમેળો
અને ધોરણ ૬ થી ૮ લાઈફસ્કીલ મેળાઓ (કાગળ,
કલર, કાતર, રબર, પેન્સિલ આ ઉપરાંત તમામ સામગ્રી શાળા તરફથી)
·
શાળામાં ભણતાં
૧૦૦% બાળકોનાં આધારકાર્ડ તથા બેંક ખાતાની શાળા દ્વારા સગવડ
·
શિક્ષણની
જાગૃતિ અને પારદર્શક વહીવટ માટે શાળા કક્ષાએ વાલી માતાપિતાની ભાગીદારીવાળી SMC ની રચના
·
ધોરણ ૩ થી ૮
ના બાળકો માટે ‘ હોલ ઇન ધ વોલ ’ થીમ અંતર્ગત ઓપન જગ્યામાં dekstok કમ્પ્યુટર શીખવાની તક
·
ધોરણ ૬ થી ૮
નાં બાળકો માટે ટેબલેટની સુવિધા
·
આધુનિક ભૌતિક
સુવિધાઓ સાથે પૂરતી હવા ઉજાશવાળા વર્ગખંડો
·
ધોરણ ૫ થી ૮
માં બેન્ચીસની સુવિધા (એક બેન્ચ બે વિદ્યાર્થી)
·
મૂલ્યશિક્ષણ
ઉપર ભાર,
બાળકેળવણી વડે બાળ ઘડતર
·
આધુનિક
પ્રકારનાં કુમાર અને કન્યાનાં અલગ અલગ શૌચાલય. ધોરણ ૬ થી ૮ ની કન્યાઓ માટે ‘
વેન્ડીંગ મશીન ’ ની સુવિધા
·
ઈ લર્નિંગ
માટે અલગ સોફટવેર અને વિશાળ એલસીડી સહિત બાયસેગ પ્રસારણની સુવિધા
·
પહેલા ધોરણથી
જ દરેક બાળકને માઈક સાથે સ્ટેજ પર બોલવાનો મહાવરો
·
દરેક બાળકને
શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય બેંક ખાતામાં ઓનલાઈન જમા
·
આધુનિક
પ્રકારનું સ્ટોરરૂમ કમ કિચન. રોજ બપોરે મધ્યાહન ભોજનમાં તાજુ અને ગરમ જમવાની સગવડ
·
ઈન્સપાયર
એવોર્ડ માનાંક યોજના હેઠળ શાળાને બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીનાં ખાતામાં રૂ. ૧૦,૦૦૦/- નો પુરસ્કાર
·
દરેક રૂમમાં dust free ચોક અને ગ્રીનબોર્ડની સુવિધ
·
સરકારશ્રી
દ્વારા મફત પાઠયપુસ્તકો,સ્વાધ્યાયપોથી અને પરીક્ષા ઉત્તરવહીઓ પૂરતા પ્રમાણમાં
·
સ્વૈચ્છિક
સંસ્થા કે દાતાશ્રીઓ તરફથી મફત નોટબુક, ડાયરા માટે આગવી વ્યવસ્થા
·
શાળામાં તમામ
શિક્ષકો અને બાળકોની ઓનલાઈન હાજરી
·
શનિવારે માસ
પીટી,
રમત ગમત અને યોગાસનોનું આયોજન
·
શાળા બાગકામ
પ્રવૃતિ દ્વારા પ્રકૃતિ સાથે લગાવ વધે તેવી કોશિષ.
·
બાળ સંસદનું
અસરકારક અમલીકરણ તથા ટુકડી નેતા દ્વારા ટુકડી સભ્યોની મિટીંગનું આયોજન
·
શિક્ષકોનાં
સહકારથી પ્રવાસ - વનભોજનનું આયોજન
·
રાજ્યકક્ષાએથી
ગુણોત્સવ દ્વારા દરવર્ષે મૂલ્યાંકન અને શાળા પ્રવેશોત્સવ
·
બાળકોને મળતી
સુવિધાઓ અને મૂલ્યાંકન ડેટા હવે ઓનલાઈન
·
ભવિષ્યમાં
સરકારશ્રી તરફથી જ્ઞાન કુંજ પ્રોજેક્ટ, ઈ ક્લાસ અને સ્માર્ટ ક્લાસની સુવિધા
·
શાળામાં ભણતાં
તમામ બાળકો માટે અકસ્માતના કિસ્સામાં વિદ્યાદીપ યોજના હેઠળ અકસ્માત વીમાનું રક્ષણ
·
રામહાટ,
ચબૂતરો, ખોયા પાયા બોક્ષ, અક્ષયપાત્ર, આજનું ગુલાબ, આજનો દીપક, જેવી પ્રવૃત્તિઓ
થકી મૂલ્ય શિક્ષણ
·
પ્રાર્થનાસભા,
પ્રશ્નબેંક, બાળસંસદ, કિચન ગાર્ડન, ઔષધિબાગ, ઈકોકલબ થકી કૌશલ્યોનો વિકાસ
·
શાળા સ્વચ્છતા
કાર્યક્રમ અંતર્ગત અરીસા, કાંસકા, તેલ, નેઈલ કટર, હાથ ધોવા સાબુ, લીક્વીડ,
નેપકીનની સુવિધા
·
શાળા સ્વચ્છતા
કાર્યક્રમ હેઠળ ફીનાઈલ, પોતું, બ્રશ, કચરાપેટી, સાવરણી, સાવરણા, ટમલર, ડોલ વગેરેની
સુવિધા
·
ઇકોક્લબ હેઠળ
ખૂરપી, દાતરડા, કાતર, પંજેટી, તગારા, કોદાળી, પાવડો, ત્રિકમ, કોશ જેવા ઓજારોનો
ઉપયોગ
No comments:
Post a Comment