આજે તા. ૪ થી માર્ચ ૨૦૧૬ શુક્રવારનો
દિવસ છે. આજે રાત્રિ વાલીસભાનો નવતર પ્રયોગ અમલમાં મૂકવા અમે તત્પર હતાં. બાળકોની સાંસ્કૃતિક
કૃતિઓના મહાવરાની તૈયારી ચાલતી હતી. તેવામાં ડાયટ લેક્ચરર્સ અને લાયઝન અધિકારી
શ્રી માવાણી સાહેબનો ફોન આવ્યો. “ અમે ચાર ડાયટ લેક્ચરર્સ (શ્રી વાંસદિયા સાહેબ,
શ્રી પી.બી.પટેલ સાહેબ, શ્રી બલદાણીયા સાહેબ અને શ્રી માવાણી સાહેબ) અને ૧૯ જેટલા HTAT આચાર્યો પ્રજ્ઞાવર્ગની મુલાકાત
લેવા ઈચ્છીએ છીએ. ” મેં તરત આચાર્યશ્રી સાથે ચર્ચા કરી, તાત્કાલિક હા પાડી અને
સહર્ષ આમંત્રણ પણ પાઠવ્યું. “ આપ જરૂર આવો ” ! ૨૫ જેટલા મહેમાનો એક સાથે આવતા હોય
એકાદ કલાકમાં પ્રાથમિક તૈયારીઓ કરી લીધી.
૨-૪૫
કલાકે તેઓ પધાર્યા. શાળાના દરવાજે શાળા પરિવારે હાથ જોડી નમ્રભાવે સૌનું સ્વાગત કર્યું
અને અતિથિઓને શાળા સુધી દોરી લાવ્યા. પરંપરાગત આગતા સ્વાગતા બાદ સીધા
પ્રજ્ઞાવર્ગમાં દોરી જવાયાં. પ્રજ્ઞાના ત્રણે વર્ગમાં આચાર્યો વહેંચાયા. દીવાલ
ફરતે બાળકોને અડચણ ન થાય તે રીતે તેઓ ગોઠવાયા. પ્રજ્ઞાવર્ગ મોટી વિશ્રાંતિ બાદ
કાર્યરત જ હતો. મેં મારી પ્રજ્ઞા શિક્ષક તરીકેની ભૂમિકા લીધી. બાળકો પોતાની મસ્તીમાં
કોઈ પણ જાતના ભય વગર સહજ રીતે કામ કરતાં રહ્યા. બાળકોનું આ પાસુ મારા
પ્રજ્ઞાકાર્યની સાબિતી જેવું હતું. વર્ગની દરેક વસ્તુ યથાસ્થાને જોઈ, બાળકોને સહજ
રીતે કામ કરતાં જોઈ, ઝંડીના મૌન સંકેતનો ઉપયોગ જોઈ, ચકાસણી સિમ્બોલનો ઉપયોગ કરતાં
જોઈ, પ્રગતિમાપન રજીસ્ટરને અપડેટ જોઈ, બાળકોને કાર્ડ બદલતાં જોઈ, લેડર વાચન કરતાં
જોઈ અને આગવું વર્ગ વ્યવસ્થાપન જોઈ આચાર્યો રાજી પણ થયાં અને કેટલાંક નવાઈ પણ
પામ્યાં.
પ્રજ્ઞા
ડેમો જોયા બાદ તેમના મનમાં ઉદભવેલા પ્રશ્નોની ચર્ચા અને પ્રજ્ઞા વિશે વિસ્તૃત
માહિતી મેળવવા લોબીમાં સભાનાં રૂપમાં બેઠાં. એક પછી એક પ્રશ્નો પૂછાતા ગયા અને જવાબ
આપવાની જવાબદારી મારા પક્ષે હતી. મેં બધાને સમજાય તેવી શૈલીથી સંતોષકારક જવાબો આપવા
કોશિષ કરી. અંતમાં શ્રી માવાણી સાહેબે આભારવિધિ કરતા શાળા પરિવારનો આભાર વ્યક્ત કરી શાળામાંથી
પ્રસન્નભાવે વિદાય લીધી.
No comments:
Post a Comment