પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Thursday, July 28, 2016

વાલીસભા : અંતર્ગત મારો નવતર પ્રયોગ - રાત્રિ વાલીસભા

વાલીસભા અંતર્ગત મારો નવતર પ્રયોગ  - રાત્રિ વાલીસભા

        જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ અંતરિયાળ ગામડાઓમાં રહેતા અને આજે પણ વિકાસથી વંચિત એવા પછાતવર્ગનાં બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ શાળાઓમાં ભણતા ઘણા બધાં બાળકોના વાલીઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે હજી પણ ખૂબ જ પાછળ છે. બાળકોના શિક્ષણ, કેળવણી અને આરોગ્ય માટે તેઓ ભારે ઉદાસીન છે. પરિણામે આવા જૂથનાં બાળકોનું શાળામાં ન આવવું એ શિક્ષકો માટે સતત મૂંઝવતો, રોજીંદો અને કેટલીક જગ્યાએ તો શાળા અને શિક્ષકોના અસ્તિત્વ માટે સળગતો પ્રશ્ન પણ છે. લાભ હોય, લાભ અપાવનાર હોય, લાભાર્થી માટે પુરતી ભૌતિક સુવિધા હોય પણ જયારે લાભાર્થી જ ન હોય અથવા તેનામાં જાગૃતિ ન હોય ત્યારે કેવી પરિસ્થિતિ થાય ? તે સમજી શકાય તેવી બાબત છે.

        બીજી તરફ જે લોકો થોડા ઘણા સક્ષમ છે અથવા સક્ષમ નથી તો પણ દેખાદેખી ખાનગી શાળાઓ તરફ પોતાનાં બાળકોને ધકેલી રહ્યાં છે. ક્યાંક સ્પર્ધાનું વાતાવરણ છે તો ક્યાંક ગાડરિયો પ્રવાહ પણ અનુભવાય છે. તો વળી ક્યાંક બાળકને નર્સરીથી એડમીશન અપાવી  ‘ ધોરણ – ૧૨ સુધી શાંતિ ’ એવો પોચટ વાલી - ભાવ પણ ઉપસતો જોવા મળે છે ! મોટી શાળાનાં મોટા વમળમાં વીંટળાયેલો વાલી આજે ગુણવત્તાની સ્હેજે દરકાર કરતો નથી. વાલીઓની આ એકતરફી ઘેલછામાં બાળકની દશા તો ઘાણીના બળદ જેવી દયાજનક બની છે. વહેલી સવારે મીઠી નીંદર છોડી ઊઠેલું એ બાળક મોડી સાંજે અનેક કોઠાઓ પસાર કરી ઘરભેગું થાય ત્યારે ત્યાં વાલીઓએ પોતે જ સજાવીને તૈયાર રાખેલાં નિજ કોઠામાં બાળક તરત ફસાય છે. કોઈ ફળમાંથી જેમ રસ કાઢવા તેને વારંવાર નિચોવવામાં આવે તેમ મેનેજમેન્ટ, આચાર્યો, શિક્ષકો, ટ્યુશન સંચાલકો, વાહનચાલકો, વાલીઓ (સબંધીઓ) સૌ તેને પોતપોતાની રીતે નિચોવતાં રહે છે. છેલ્લે ચવાયેલા શેરડીનાં સાંઠાની જેમ હાર્યું – થાક્યું બાળક ઘરમાંથી, ફળિયામાંથી, સમાજમાંથી મળતાં અવનવા પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ અનુભવોથી વંચિત પથારીવશ થઈ જાય છે. બીજા દિવસે.....ફરી એની એ જ રફતાર... ! બાળકને હુકમ કરનારા, સલાહ આપનારા ઘરમાં એક કરતાં વધુ છે.  મિત્રો, બાળક માટે તો આ રોજનો ક્રમ છે. બાળકનાં વિચારોને ઊગવા જ ન દેવા અને પછી હંમેશા સારા જ ફળની અપેક્ષા રાખવી એ એક પ્રકારની અલગ પ્રકારની હિંસા જ છે !
        ખેર! એનાથી સાવ વિપરીત છતાં ગૌરવ લઈ શકાય તેવી બાબતો ગામડાઓની શાળાઓમાં બાળકોમાં જોવા મળે છે. તે છે બાલ્યકાળમાં તેણે સહજ રીતે મેળવેલા વિશિષ્ટ  અનુભવો ! આ બાળકો  ૦ થી ૫ વર્ષનું બાળપણ ભરપૂર અને મુક્ત રીતે માણ્યાનાં અનુભવનું પ્રમાણપત્ર લઈને શાળામાં આવે છે. કિન્તુ – પરંતુ આજે વિડંબના એ છે કે આવા સર્ટીફિકેટને સાચવવાની કોઈ ફાઈલ આપણી પાસે કે આપણા કબાટમાં હાથવગી નથી. પરિણામે આપણે આવા અનુભવસિદ્ધ બાળકો મેળવીને પણ કઠણ ગરીબાઈ વેઠીએ છીએ. બાળકે બાળપણમાં સંયુક્ત કુટુંબમાં રહી મેળવેલા અનુભવોને તાલીમ પામેલા અને બાળ મનોવિજ્ઞાન ભણેલા શિક્ષકો પણ એક યા બીજી રીતે નજરઅંદાજ કરે છે. એ આજનાં સમયની કરુણતા છે. આ એવા બાળકો છે જે આસપાસનાં વાતાવરણમાંથી અને કૌટુંબિક, સામાજિક, બાહ્ય પર્યાવરણમાંથી પુષ્કળ અનુભવો લઈને શાળામાં આવે છે. ગાંઠ મારવી ને ગાંઠ ઉકેલવી એ કળા તેને હસ્તગત છે. અરધી સદીની વાચનયાત્રા (લે. ગિજુભાઈ બધેકા, સંપાદક - મહેન્દ્ર મેઘાણી) માંથી ટૂંકાવીને લખેલા લખાણો ‘મોતીની ઢગલી’ નામની ખીસાપોથીમાં મૂક્યાં છે. એમાં ‘ બે છોકરા ’ ટાઇટલ હેઠળ આવેલી નાની વાર્તા (પ્રસંગ) સાભાર અહીં ટાંકવી સાર્થક સમજુ છું. આપ સૌ વાચકોને પણ તે ગમશે.
પુનો અરધે ઉઘાડે ડીલે તડકામાં આથડે છે ને ટાઢ ઉડાડે છે... ઉષાકાન્ત શરીરને ગરમ કપડાંથી લપેટીને સગડી પાસે બેઠો છે.
        પુનો પાસે આવેલા કુતરાને ઝટ કરતો હાથમાં પથરો લઈને હાંકી કાઢે છે... ઉષાકાન્ત કૂતરો જોઈ રડતો રડતો પાછો ભાગી બાને બોલાવે છે.
        પુનો ખોબો વાળી ઉપરથી રેડાતું પાણી ઘટક ઘટક પી જાય છે... ઉષાકાન્ત પાણી પીતાં પીતાં પ્યાલું ઢોળે છે ને લૂગડાં પલાળે છે.
        પુનો સવારે અડધો રોટલો ને છાશ શિરાવે છે, ને બપોર પહેલાં ભૂખ્યો થાય છે... ઉષાકંતને દૂધ ભાવતું નથી, ને ચહાનો એક પ્યાલો લીધા પછી બપોર સુધી ભૂખ્યો થતો નથી.
        પુનો દોડાદોડ સાત ટાપલીઓ દાવ રમે છે ને કેમેય કરી હાથમાં આવતો નથી... ઉષાકાન્ત રમવાની જ ના પડે છે, કહે છે : “ હું તો પડી જાઉં. ”
        પુનો કરોળિયા જાળાં ક્યાં બાંધે છે તે શોધવા જાય છે, તે કાબરનાં ઈંડાને શોધી જાણે છે. આંબે ચડીને કેરી ઉતારતાં એને આવડે છે; ભેંશે ચડીને ઢોરને પાણી પાવા જતાં આવડે છે; અંધારામાં તારાને અજવાળે ચાલતાં આવડે છે... ઉષાકાન્ત ઘરમાં બેઠો બેઠો કરોળિયાની ને કાબરનાં ઈંડાની વાતો વાંચે છે; આંબાના ને તારાના પાઠોની નકલ કરતાં તેને સારી આવડે છે; તેના અક્ષર સારાં છે.
મિત્રો, આપ સૌ ઉપરોક્ત વાત અને તેનો મર્મ સારી રીતે સમજી શકો છો. આપણે બધાંજ  આવા દસ, વીસ, ત્રીસ કે ચાળીસ ( ‘ પુના ’ ) અનુભવસિદ્ધ, ઘડાયેલાં ને કસાયેલાં બાળકો સાથે કામ કરીએ છીએ. આમ, છતાં આપણી પીછેહઠ થતી હોય તો એનાં એક કરતાં વધુ કારણો જરૂર હોઈ શકે ! તેમ છતાં શિક્ષક બાળકનાં આ અનુભવો સામે આંખમીંચામણા કરે છે તે અને શિક્ષકોને સજ્જડ રીતે બાંધી રાખતી શિક્ષણપ્રથા હવે ચિંતાનો વિષય છે. જે શિક્ષક એ અનુભવોનો ઉપયોગ કરતાં શીખી જાય અથવા તેવી સ્વયં આવડત ધરાવે છે તે પોતાનાં વર્ગમાં નવા વિચારો ઉગાડવામાં સફળતા પામે છે.
ખેર ! આજનો આ લેખ લખવાનો મૂળ સંદર્ભ છે, વાલીઓની અજ્ઞાનતા, આળસ, નિષ્ક્રિયતા, જાગૃતિનો અભાવ વગેરે વગેરે... ! બાળક શાળા સુધી આવે અને નિયમિતપણે આવે તો તે જરૂર કંઈક પામી શકે. પામવું જોઈએ જ એ બાળકનો હક્ક અને શિક્ષકોની ફરજ બને છે. વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો બાળકોની અનિયમિતતા અને ગેરહાજરીને કારણે એક નિષ્ઠાવાન શિક્ષકનાં કાર્ય, મથામણ, મહેનત, લગનને ભારે ધક્કો પહોંચે છે. સતત ગેરહાજર બાળક તો શાળામાં હોતું નથી પણ સાવ અનિયમિત બાળક શાળામાં હોય અને મુલાકાતીની નજરે ચડે ત્યારે પેલા શિક્ષકની મહેનત જોખમાય છે. જોનારનાં ચશ્મામાં મોટેભાગે એક જ કાચ હોય છે. તેથી તેમાંથી નજીકનું જ દેખાય છે, દૂરનું દેખાતું નથી ! આમ છતાં, વર્ગખંડમાં પ્રશ્નનો જવાબ ન આપી શકનાર એ જ બાળક સુંદર રીતે મેંદી કાપી શકે, ઔષધિ બાગ કે કિચનગાર્ડનમાં સુંદર મઝાનાં કયારા બનાવી શકે છે, પાણી પીવડાવી હરિયાળી ઊભી કરી શકે છે. અલબત્ત, જોનારને તે સમયે તે ધ્યાનમાં નથી આવતું. આમ છતાં અંતે, બધાંનો આગ્રહ તો એજ હોય કે શાળામાં બાગબાની હોય, ઔષધિ બાગ કે કિચનગાર્ડન હોય, મેંદીની સરસ લાઈનો હોય ને હરિયાળી પણ હોય....! અલબત્ત, પ્રશ્ન અહી એ થવો જ જોઈએ કે તો પછી એ બધું કોણ કરતું હશે ? આપણે એ ન ભૂલી જવું જોઈએ કે આવું સુંદર કાર્ય કરનારા બાળકોમાં આવા બાળકોનો પણ હિસ્સો છે.... કદાચ વધુ પણ !!!
અહીં શિક્ષકનો બચાવ કરવાનો કોઈ જ હેતુ નથી. બાળક સુંદર ક્યારા બનાવી શકે કે કલાત્મક મેંદી કાપી શકે છે એટલે તેની ચેતનામાં તો કોઈ ખામી જ નથી તે સિદ્ધ થાય છે ત્યારે શિક્ષકે પણ બાળકનાં આ કૌશલ્યોનો ને ચેતનાનો ઉપયોગ વર્ગખંડ બહાર અને પછી ધીમે ધીમે વર્ગખંડમાં પણ કરતાં શીખવું જ રહ્યું.
બાળકનાં સર્વાંગી વિકાસ માટે તેનાં માતાપિતા, વાલી, સમુદાય (સમાજ) સૌને શાળા સાથે જોડવા અતિ આવશ્યક છે. વાલીસભાનો આજનો પ્રયોગ એ શાળા કેમ્પસનો નથી. ગામમાં ત્રણ આદિવાસી બિરાદરીના ફળિયાઓ કે જેમાંથી વિશેષત: બાળકો અનિયમિત પણ અને ગેરહાજર પણ હતાં. સૌ પ્રથમ આવા બાળકોની ફળિયાવાર માહિતી તૈયાર કરી ! બાળકો શાળાએ નથી આવતાં તો તેના કારણો પર ચિંતન કર્યું. જે મુદ્દા મળ્યા તે આ છે.
--------------------------------------------------------------------------------------------
રાત્રિવાલીસભા
પ્રતિ,
શ્રી                                                                * ફળિયાનું નામ - માંડવા ટેકરા ફળિયું
 * વિદ્યાર્થીનું નામ –
        આપનું બાળક ગામની શાળામાં ભણે છે. તેનો અભ્યાસ બરાબર થાય અને તેનું ભવિષ્ય ઊજળું બને તે માટે શાળાનાં શિક્ષકો સદા પ્રયત્નશીલ છે. આવા જ પ્રયત્નનાં ભાગરૂપે તા. ૦૪/૦૩/૨૦૧૬ ને શુક્રવારનાં રોજ સાંજે  ૬ – ૩૦ કલાકે રાત્રિવાલીસભાનું આયોજન કરવામાં આવેલું છે. આ વાલીસભામાં શાળાનાં બાળકો નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે. જે નિહાળવા જરૂરથી પધારવા આમંત્રણ પાઠવીએ છીએ.

સ્થળ: ઘંટીની બાજુમાં (માંડવાટેકરાફળિયું)                               શાળા પરિવાર 
માટીએડ તા. અંકલેશ્વર જિ. ભરૂચ                                    પ્રાથમિક શાળા, માટીએડ

-------------------------------------------------------------------------------------------
૧. વાલીઓ પોતે નિરક્ષર હોવાથી શિક્ષણનું મહત્વ અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિનો અભાવ.
૨. નિશાળે જવાથી શું મળવાનું ? એવી ટૂંકી વિચારધારા હોવાથી રૂબરૂ મુલાકાતમાં પણ વાલીનો  પ્રતિભાવ – સહકાર મળતો નથી.
૩. રોજીરોટીનો પ્રશ્ન – ઘરનાં તમામ સભ્યો મજૂરીએ જતાં હોવાથી બાળક રખડતું થઈ જાય છે. કેટલાંક બાળકો પર નાનાં ભાઈબેન સાચવવા, ઘર સાચવવા, ઘરના કામો કરવા કે
   પશુ ચરાવવાની જવાબદારી હોય છે.
૪. ઘરથી શાળાનું અંતર પણ જવાબદાર હોવાનું અનુભવાય છે.
૫. પોતાના વ્યક્તિત્વ માટે હીન ભાવ પણ જવાબદાર છે. (ભણીને શું મળવાનું, અમારે તો મજૂરી જ કરવાની છે. ભણવાનો મતલબ નોકરી અને તે ન મળે ! એવું પણ પ્રસ્થાપિત થયેલું છે જે ભૂંસવાની પણ જરૂર છે.)
૬. કેટલાંક ખેતીકામો (દા.ત. શેરડી રોપવી) માં સમયના તકાજાને કારણે રોજીંદી મજૂરી કરતાં વધુ વળતર મળે છે જે સામૂહિક હોય છે. મજૂરોની અછતને કારણે  અને પોતાની જરૂરિયાત ને કારણે સ્થાપિત હિત ધરાવતાં જમીનદારો, ધંધાર્થીઓ વધુ પૈસા આપી કામ કરાવવા લલચાવે છે. બાળકો, વાલીઓ લલચાય છે યા તેમને પ્રલોભન મળે છે.
૭. ઘણા બધા પરિવારમાંથી વાલી માતાઓ ગામમાં (જમીનદાર અથવા સુખી પરિવારમાં) ઘરકામ કરે છે. ત્યાં આખો દિવસ રોકાય છે. બાળકોને ખાવાનું – કપડાં ત્યાંથી મળતું   હોવાથી મ. ભોજનની પણ પરવા હોતી નથી.
૮. વાલીઓને મજૂરી કે કામધંધે જવાનો સમય સવારે આઠ પહેલાનો છે, જયારે શાળાનો સમય ૧૦/૩૦ નો હોવાથી બાળકોને શાળાએ મોકલનાર કોઈ હોતું નથી.
૯. વાલીઓ પોતે અભણ હોવાથી અને શાળા દૂર હોવાથી તેમજ શાળાકીય પ્રવૃત્તિઓથી તેઓ પોતે પર હોવાથી શિક્ષણનું મહત્વ તેમને સમજાતું નથી.
૧૦. બની શકે કે શાળામાં કોઈ એવી પદ્ધતિ ભૂતકાળમાં ચલાવવામાં આવી હોય કે હાલ ચાલતી હોય કે જે વાલી કે બાળકોને પસંદ ન હોય ! (શિક્ષક સહિત)
ગામનો આ એવો વિસ્તાર છે કે ત્યાંના લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી, જીવનધોરણ સાવ નીચું. રોજીરોટીના અભાવને કારણે ખાવું પીવું કે કપડાં લત્તાની પણ મુશ્કેલી, શિક્ષણ પ્રત્યે તો સાવ ઉદાસીન વલણ. શાળામાં યોજાતી વાલીસભા કે જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રૂબરૂ આમંત્રણ આપવા છતાં તેમની ભાગીદારી ક્યારેય જોવા મળતી નથી. એવા આ વિસ્તારની વારંવારની મુલાકાત પછી મને એવું લાગ્યું કે સામાન્ય વાલીસંપર્ક પદ્ધતિનો પ્રયત્ન અહીં પર્યાપ્ત નથી. ઘણા મનોમંથન બાદ એક નવતર પ્રયોગ (પ્રયત્ન) કરવા વિચાર્યું. જે તે વિસ્તારનાં વાલીઓને નજીક પડે, વાલીઓને સમય અનુકૂળ હોય અને ખાસ કરીને તેમને શાળાકીય પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત પણ કરી શકાય ! તેવું કંઇક કરવા વિચાર્યું. આચાર્યશ્રી સહિત સૌને મારો આ વિચાર – પ્રસ્તાવ ગમ્યો.

આમ તો વાલીસભા મારો પોતાનો અનુભવેલો ને જુનો પુરાણો (ઈ.સ. ૧૯૮૨) વિચાર છે. તે અંતર્ગત બાલ સભાતથા બાળ સાહિત્ય નિદર્શન(ખાસ કરીને પ્રજ્ઞામાં સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયોનું નિદર્શન), ઉપરાંત વાલી વર્ગખંડ બેઠક ”  હું એક કરતાં વધુ વખત અને એક કરતાં વધુ શાળાઓમાં કરી ચુક્યો છું. હાલ તા. ૪ થી માર્ચ ૨૦૧૬ નાં રોજ જેનો અમલ કર્યો એ આ વિસ્તારનો પ્રથમ નવતર પ્રયોગ એટલે રાત્રિ વાલીસભા! ટૂંકમાં વિગત આપું તો વાલી માતાપિતાનાં નામ, ફળિયાનાં નામ, બાળકનાં નામ – ધોરણનાં ઉલ્લેખ સહિત આમંત્રણપત્રિકાઓ તૈયાર કરી, રૂબરૂ ઘરે ઘરે ફરી હાથો હાથ આપી. ગામનાં સરપંચ, એસ.એમ.સી અને અન્ય વડીલોને સાથે રાખી જ્યાં વધુ અસર છે તેવા વિસ્તારમાં જગ્યાની પસંદગી કરી. તા. ૪ થી માર્ચ ૨૦૧૬નો દિવસ અને સાંજના ૬ – ૩૦ નો સમય નક્કી થયો. પસંદગીનાં સ્થળે એકાદ કલાક પહેલા પહોંચી પૂર્વ તૈયારીઓ કરી. ૬ – ૩૦ બાદ વાલીઓ આવવા શરૂ થયાં. થોડીવાર બાદ સભા સ્થળે મેળા જેવું પણ ભારે ઉત્સુક્તાનું વાતાવરણ સર્જાયું. મનને ગમે તેવી લોકોની ચહલ પહલથી નવો જ માહોલ સર્જાયો. લગભગ ૭ કલાકે પ્રસ્તાવના અને પ્રાર્થનાથી સભાનો મંગલ પ્રારંભ કર્યો. આવકાર પ્રવચન અને વાલીસભાના હેતુઓ, શિક્ષકોની મુશ્કેલીઓ તથા શિક્ષણનાં મહત્વ, કન્યાકેળવણી, અક્ષરજ્ઞાન ત્રીજી આંખ જેવા વિષયો લઈ વાલીઓ સાથે ચર્ચા કરી. સીઆરસી કો.ઓ. શ્રી અને ગામનાં આગેવાન વડીલ તરફથી વાલીઓને સમજ આપવામાં આવી. જે તે કોમ્યુનીટીના બાળકો દ્વારા ત્રણ ચાર સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાવવામાં આવી. અંતે આભારવિધિ સાથે ૮ – ૩૦ કલાકે સભાની પૂર્ણાહુતિ કરી.

વણદીઠી ભોમકામાં આ અમારું પ્રથમ પગલું હતું. શાળા છોડી અસરગ્રસ્ત વિસ્તારમાં, સમજણ નથી તેવા લોકો વચ્ચે અને ખાસ કરીને શાળા સમય બાદ આવું કામ કરવાનો  પરમાત્માએ મને નવો વિચાર આપ્યો, શક્તિ આપી. આચાર્યશ્રી સહિત શાળા પરિવારે સહકાર આપ્યો એને હું અડધી સફળતા ગણું છું.

બીજા જ દિવસે માત્ર પરિણામમાં જ વધુ રસ ધરાવનાર મિત્રોએ પૂછી પણ નાંખ્યું. શું ફળ મળશે ? પ્રયોગ સફળ થશે કે અસફળ ? સુધારો થયો કે કેમ ?...... શું કહું ?..... ઠીક છે, હાલ તો બે ત્રણ દિવસની રજા છે. (મહાશિવરાત્રિ) તેમ છતાં આ પ્રયોગને હું જનજાગૃતિ માટેની એક પ્રારંભિક ચળવળ જ કહીશ. આ એક પહેલ માત્ર હતી. આવા જટિલ પ્રશ્નોમાં કદાચ ટકોરાબંધ ઈન્સટન્ટ સફળતા ન પણ મળે. (ન મળે !) છતાં હું (અમે) આશાવાદી છું. નવો ચીલો ચાતરનારે ધૈર્ય પણ રાખવું રહ્યું. નિષ્ફળતા મળશે તો નવા રસ્તાઓ શોધીશું પણ સફર ચાલુ રાખીશું. ભાથામાં હજી બીજા હથિયાર મોજુદ છે.......!  


તિખારો : “ માણસ હંમેશા તૈયાર રસ્તાઓ જ શોધે છે, નવા રસ્તાઓ બનાવવાની કોશિષ કરતો નથી. ” 

No comments:

Post a Comment