પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Monday, January 30, 2017

નવતર પ્રયોગ : ઈમાનદારીના બીજ


નવતર પ્રવૃત્તિનું નામ – ઈમાનદારીના બીજ

૧. સમસ્યાનું વર્ણન કે જેણે આ નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યાં ?

          હાલની શાળામાં હું વધની બદલીથી ૨૦૧૨માં આવ્યો. જુન - ૨૦૧૩ થી શાળામાં પ્રજ્ઞાનો અમલ થયો. પ્રજ્ઞામાં બાળકોને  દફતર વગેરે લાવવાનું હોતું નથી. વર્ગખંડની તમામ સામગ્રી બાળકો પોતાની જાતે લઇ શકે અને પરત મૂકી શકે તેવી વ્યવસ્થા કરવાની હોય છે. ખાસ કરીને પેન્સિલ, રબર, સંચો, કલરબોક્ષ, અનેક પ્રકારની ટી. એલ. એમ. સામગ્રી અને ટી. એલ. એમ. વગેરે ..... શાળાના શિક્ષકો સાથે ચર્ચા કરી. તેમણે ચોરી થવાની ભીતિ વ્યકત કરી. અહી નોંધવું ઘટે કે અહીંના બાળકો ફાટ્યા - તૂટ્યા કપડાં પહેરે છે જેને ખિસ્સા પણ હોતાં નથી ! પ્રજ્ઞા વર્ગખંડમાં દફતર પ્રથા ન હોવાથી બાળકોને પોતાની અંગત વસ્તુ સાચવવા પ્રશ્નો ઊભા થાય છે. ઘણીવાર બાળકો રુપિયા - બે રુપિયાના સિક્કા ઘરેથી લાવે છે તે કમરમાં ખાસ પદ્ધતિથી બાંધી (જકડી) રાખે છે. વારંવાર ઊભા થવાનું કે બેસવાનું થતું હોવાથી પૈસા પડી જાય છે. બાળસહજ લાલચમાં ક્યારેક કોઈ બાળક લઈ લે પછી સુરક્ષાનાં અને વાદવિવાદના પ્રશ્નો સર્જાય છે. અહીનું વાતાવરણ મારે માટે નવું હતું. મારી મથામણ વધી. જો હું તમામ સાહિત્ય - સામગ્રી કબાટમાં બંધ રાખું તો પ્રજ્ઞાનો મૂળભૂત હેતુ ન જળવાય અને બાળ અધિકારને પણ ક્ષતિ પહોચે ! મેં મારી કંઈક નવું કરવાની વિચારધારા અને એક વર્ષ પૂર્વ શાળામાં પ્રજ્ઞામાં કરેલ કામના અનુભવ સાથે જ આગળ વધવાનું નક્કી કર્યું.      
         
૨. આપની નવતર પ્રવૃત્તિનું શક્ય હોય તેટલું વિગતવાર વર્ણન :

નવતર પ્રયોગના મૂળમાં પ્રજ્ઞા છે. બાળકોમાં રહેલી ઈમાનદારીને ઉજાગર કરવાનું કામ પ્રજ્ઞાની વ્યવસ્થા થકી જ થયું છે એવું નોંધતાં હું ગર્વ અનુભવું છું. પ્રજ્ઞાના અમલના બીજા વર્ષે જે બાળકો મારી પાસે આવ્યાં, એમાંના મોટા ભાગના બાળકો દૂરના ફળિયાનાં અને ગરીબવર્ગના બાળકો હતાં. આ એવા બાળકો હતાં જેમણે સારી પેન્સિલ - રબર - સંચો ઇત્યાદિ જોયા કે વાપર્યાં પણ ન હોય ! પ્રજ્ઞાની વ્યવસ્થાની ચર્ચામાં કોઈએ શંકા કરી કે અહી (આ શાળામાં) ખુલ્લામાં કશું રહેશે નહિ. મારે માટે આ શાળાનું વાતાવરણ તો સાવ નવું હતું. અલબત્ત, તેથી જ જો હું ચીજવસ્તુ છુપાવીને રાખું તો પ્રજ્ઞાના સાંગોપાંગ અમલમાં નિશ્ચિત કચાશ રહે ! પ્રજ્ઞા અભિગમમાં વર્ગની તમામ શૈક્ષણિક સામગ્રી બાળકો માટે હાથવગી મૂકવાનું પ્રાવધાન છે. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને સ્વતંત્રતા આપવાનો, ચોઈસ આપવાનો, અધિકાર આપવાનો અને બાળ સહજ સન્માન આપવાનો પણ છે. બાળકને જે સમયે જે વસ્તુની જરૂરિયાત ઉભી થાય તે વસ્તુ બાળક સરળતાથી, ડર - બીક કે રોકટોક વગર લઈ શકે અને ઉપયોગ પણ કરી શકે ! મારી તીવ્ર ઈચ્છા હતી કે પ્રજ્ઞાની આ બધી વ્યવસ્થાની બાળમાનસ પર કેવી અસર થાય છે તે હું અનુભવી શકું ! આમ, તો પ્રજ્ઞાનો અમલ તાલુકામાં અને મારી પૂર્વ શાળામાં જુન - ૨૦૧૧થી થયો ત્યારથી જ પ્રજ્ઞા દ્વારા નિર્દેશ થયેલ તમામ નિર્દેશો મેં વર્ગખંડમાં પૂર્ણતઃ અમલ કરવા પ્રયાસ કરેલ છે. આ ઉપરાંત મેં સ્થાનિક કક્ષાએ પણ કેટલાંક નવતર પ્રયોગો  જે તે શાળામાં અને વર્ગખંડમાં કરેલ હતાં. તેથી પરિણામમાં મને રસ હતો.
          શાળામાં પ્રજ્ઞાના અમલ પછીનાં અનુભવ દરમ્યાન મને વિચાર આવ્યો કે બાળકોની સ્વઅધ્યયનપોથી ઘોડા (રેક) પર મૂકવાથી બાળકોને લેવા - મૂકવામાં તકલીફ પડે છે. ઉપયોગી TLM (ટીચીંગ લર્નિંગ મટીરીયલ્સ) પણ ખોખામાં રાખવા કરતાં બહાર રાખવાથી બાળકોને લેવા મૂકવામાં  સારી સુવિધા મળી શકે છે અને શિક્ષક તરીકે મારું કામ પણ ઘટે છે. બસ, મેં વર્ગખંડની અંદરની દીવાલની ચોતરફ આસનપટ્ટા પાથરવાની શરુઆત કરાવી. ઉપયોગી  TLM તેનાં પર મૂકવાની પહેલ કરી. પેન્સિલ, રબર, સંચો, કાતર, કલરબોક્ષ, નાની - મોટી માપપટ્ટી ઇત્યાદિ સામગ્રી પણ ત્યાંજ મૂકવાની વ્યવસ્થા ગોઠવી. બાળકોએ બીજા જ દિવસથી આ વ્યવસ્થાનું નખશીખ અનુકરણ કર્યુ. વચ્ચેની સ્પેશમાં એક આસનપટ્ટો પાથરી તેનાં પર હાજર બાળકોની સ્વઅધ્યયનપોથી મૂકવાનું રાખ્યું. જેથી બાળકોને સાહિત્ય લેવા - મૂકવામાં જરાય તકલીફ ન પડે ! મતલબ બધી જ વ્યવસ્થા ઉપભોક્તાઓને સમર્પિત કરી. ધીમે ધીમે આ વ્યવસ્થાથી બાળકો ટેવાયા પણ ખરા અને ધીમે ધીમે કેળવાયા પણ ખરા !  કેટલાંક શિક્ષકો આવી વ્યવસ્થાનો દીઠો - અદીઠો વિરોધ કરે છે. આ વસ્તુ અહીંજ શા માટે ? છાબડી આટલે જ ઊંચે કેમ ? ભણાવવું અગત્યનું છે કે વ્યવસ્થા અગત્યની છે ? ખેર ! આવા તો કેટલાંય સવાલો હશે ! 
          આ પ્રજ્ઞા વ્યવસ્થા અને બાળકો પર મેં મૂકેલો ભરોસો બાળમાનસ પર કેવી સકારાત્મક અસર ઊભી કરી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ આ સ્ટોરી (વર્ગખંડમાં બનેલી ઘટના) છે.
         
૩. નવતરપ્રવૃત્તિના અમલીકરણનું મૂલ્યાંકન આપે કેવી રીતે કર્યું ?

મેં જે પ્રજ્ઞા વર્ગખંડ વ્યવસ્થાનો અમલ કર્યો. તેની અસર બાળકો પર ધીમે ધીમે પડી. આ અસર કેવી હશે ? એનું જીવંત ઉદાહરણ સમો વર્ગખંડમાં બનેલો આ કિસ્સો છે. ધોરણ - ૩ ની વિદ્યાર્થીની. સ્વભાવે શરમાળ અને ઓછાબોલી હતી. નામ એનું કોમલ વસાવા. એક દિવસ પ્રાર્થનાસભા બાદ બધાં બાળકો વર્ગખંડમાં આવીને બેઠા. હાજરી લીધા પછી સૌ કાર્ડ લઈ પોતપોતાની છાબડીમાં ગોઠવાયા અને કામ શરુ થયું. હાજરી લેતી વખતે કોઈએ કહ્યું સાહેબ, કોમલ આવી છે પણ પાણી પીવા ગઈ છે. મેં થોડી રાહ જોઈ, પાંચેક મિનિટ બાદ ઝડપથી તે વર્ગમાં પ્રવેશી. મારી નજર તેના તરફ ગઈ. તેના હાથમાં કંઈક હતું. ક્ષણિક તે પણ વિચારમાં હોય એવું મને લાગ્યું. તેણે પલભરમાં પોતાનાં હાથની વસ્તુ દીવાલની ચોતરફ બિછાવેલા પેલા આસન પર સહજતાથી મૂકી દીધી અને  લેડર વાંચી પોતાનું કાર્ડ લઈ જે તે છાબડીમાં બેસી ગઈ. મેં ધ્યાનથી જોવા પ્રયત્ન કર્યો  તેણે શું મૂક્યું હશે ? તેણે મૂકેલી ચીજ બાલાજીની ‘સેવનું પેકેટ’ હતું. 
          અહીં કોમલે સાવ સહજતાથી મૂકેલા પોતાનાં નાસ્તાનાં પડીકાએ મારી દિલચશ્પી વધારી. હું સતત તે વસ્તુ અને વસ્તુ મૂકનાર કોમલબેનનું નિરીક્ષણ કરતો રહ્યો. મોટી વિશ્રાંતિ સુધી એટલે કે બેથી અઢી કલાક સુધીના ગાળામાં એકપણ વાર એણે પોતાની વસ્તુ તરફ જોવાની દરકાર કરી નહિ. મોટી રિશેષ થતાં તે એટલી જ સહજતાથી પોતાની વસ્તુ લઈને વર્ગખંડની બહાર નીકળી ગઈ ! બસ, આ નાની શી ઘટનાએ મને વિચારતો કરી મૂક્યો. બાળકોનો સ્વભાવ છે પોતાની અને પોતાને ગમતી વસ્તુ ક્યારેય તેઓ રેઢી મૂકતા નથી. ઘણીવાર તો પોતાનાં માતાપિતાને પણ તે આપતાં નથી. અહીં તો ખાવાની ચીજ હતી. છતાં તેણે સાહજીકતાથી પોતાની વસ્તુ ખુલ્લામાં મૂકી દીધી. મને લાગે છે આ બાળકીએ પ્રજ્ઞા થકી ખુલ્લી મૂકાતી પદ્ધતિ પર અપાર વિશ્વાસ મૂક્યો ગણાય ! ખિસ્સા વગરની આ છોકરીએ પોતાનો નાસ્તો આ રીતે ખુલ્લામાં મૂકી મને ખુબ જ મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ ઘટના મારા માટે એક સબક હતો. ઘણીવાર  આપણે મોટેરાઓ એકબીજાની કહેલી – સાંભળેલી વાતો પર ભરોસો મૂકી અમુક બાળકો પર અવિશ્વાસનું લેબલ જડી દેતાં હોઈએ છીએ, પરિસ્થિતિને સમજ્યા વગર તેમને અન્યાય કરી દેતા હોઈએ છીએ. તેથી એવું કહી શકાય કે પૂરતા તથ્યો જાણ્યા વગર કે   સમજ્યા વગર કોઈના ઉપર કદી અવિશ્વાસ ન કરવો જોઈએ ! વાત જયારે બાળકોને લગતી હોય ત્યારે દ્વેષભાવ રહિત વ્યવહાર શિક્ષકે વર્ગખંડમાં કરવો જોઈએ. 
           
૪. આપે કરેલા પ્રયત્નોને આધારે આપે કેવા પરિણામો પ્રાપ્ત કર્યાં ?

આ ઘટનાથી પ્રોત્સાહિત થઈ મેં મારા વર્ગખંડમાં ઈમાનદારીનો નવો પ્રયોગ કર્યો. જે બાળકો પૈસા લાવતાં તેમના સિક્કા - નોટ હું પેલા આસનપટ્ટા પર મૂકવા સૂચવતો. હું પોતે પણ પાંચ દસ રુપિયા મૂકતો. બસ, આ ઈનોવેટીવ કાર્ય બાળકોએ બહુ ઝડપથી ઉપાડી પણ લીધું ને અપનાવી પણ લીધું. રીશેષના સમયે જેને જરુર હોય તે પોતાનો સિક્કો લઇ જાય ! ન જરુર હોય તેના પૈસા પાંચ વાગ્યા સુધી એમના એમ જ રહે ! આ વ્યવસ્થાથી ક્યારેય રુપિયા બે રુપિયામાં તકરાર થઈ નથી કે પછી એક કલાકની રીશેષમાં પણ એમાંથી પૈસા ગાયબ થયાં નથી. આમ જોવા જઈએ તો આ બાળકો જે પશ્ચાદભૂમિમાંથી – વાતાવરણમાંથી આવે છે તે જોતાં તેમનામાં પાંગરેલી  ઈમાનદારી જોઈ ગદગદિત થઈ જવાય છે. મારા વર્ગમાંથી ક્યારેય શૈક્ષણિક સામગ્રીની પણ ચોરી થઈ નથી. બાળકો પોતાને મળેલી ચીજવસ્તુ પ્રજ્ઞાવર્ગખંડના ખોયા પાયા બોક્ષમાં મૂકી ઈમાનદારીના દર્શન કરાવે છે. પ્રજ્ઞા થકી વર્ગખંડમાં બાળકો પોતાની વસ્તુ તો સહજ રીતે ખુલ્લામાં મૂકે છે પણ છે અને ખુલ્લામાં મુકવામાં આવેલી ચીજવસ્તુઓનું હવે બાળકો પોતે જ સંવર્ધન પણ કરે છે. શું વાંચનાર આ ઘટનાને         ઈમાનદારીનાં બીજ ” તરીકે સ્વીકારશો ખરા ? નાના ધોરણોમાં નાના બાળકો સાથે થતી આ પ્રવૃત્તિ માટે મને ખૂબ જ આનંદ છે.  

૫. આપે હાથ ધરેલ નવતર પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે ?
         
          આ પ્રયોગ મારી ભૌતિક વર્ગવ્યવસ્થાનો ભાગ બની ગયો છે. બાળકો આ બધી વ્યવસ્થા રોજે રોજ કરે છે ને સાંજે પાછા સંકેલી લે છે. જે બાળકો પૈસા કે અગત્યની ચીજ લાવે છે તેઓ આ જ રીતે પોતાની વસ્તુ સહજતાથી આસનપટ્ટા  પર મૂકી દે છે ને હળવાશથી પોતાનું કામ કરે છે. સંવેદનશીલ મુલાકાતીઓ આ પ્રવૃત્તિથી રાજી થાય છે અને નોંધ લે છે. હાલમાં પણ આ પ્રવૃત્તિનો અમલ ચાલુ છે અને રહેશે !
                                                                                               
આ પ્રયોગ પ્રજ્ઞાની  જોગવાઈઓને અનુસરે છે. 






Sunday, January 8, 2017

બાળકોની ચેતના

મારા રોજબરોજના અનુભવો

બાળકોની ચેતના

        શું તમે એવું માનો છો કે આજનું બાળપણ વધુ સ્માર્ટ બન્યું છે ? બાળકો વધુ ચપળ, નૈતિક હિંમત વાળા અને બોલકા બન્યા છે ? મને લાગે છે કે આજનું બાળપણ ચોક્કસપણે નિર્ભીક અને હોંશિયાર જોવા મળે છે. એક શિક્ષક તરીકેના અનુભવને આધારે એમ કહી શકાય કે અમુક વર્ષો પહેલા ધોરણ - ૧ માં દાખલ થતાં બાળકોમાં ઘણા બધા બાળકો શાળામાં આવતા ડરતા. વાલીઓને  બાળકોને મૂકવા આવવું પડતું.  બાળક રડે, ધમપછાડા કરે. શાળાના કેમ્પસમાં ભયનો માહોલ સર્જાય. વર્ગમાં બેઠેલા બાળકો પણ પારેવાની જેમ ફફડે ! કેટલાંક તો જાણે પેલા રડતા બાળકના સૂરમાં સૂર પૂરાવી પોતે રડવા લાગે ! વર્ગખંડ કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય. જાજરૂ - પેશાબના પ્રશ્નો તો વળી જુદા જ ! તે સમયે નાના ધોરણોમાં શક્ય હોય ત્યાં સુધી મહિલા શિક્ષકોને વધુ તક આપવામાં આવતી. બાળકને પ્રેમ - હૂંફ મળે, લાગણીભર્યો વ્યવહાર થાય તેથી બાળકની શાળાના વાતાવરણમાં સેટ થવાની પ્રક્રિયા ઝડપી બને તે ઉદ્દેશ હતો. બાળકો પ્રમાણમાં શારીરિક રીતે ગંદા પણ આવતાં. ગરીબીને કારણે કપડાં પણ ફાટેલા અને ગંદા જોવા મળતાં.
        આજની પરિસ્થિતિ વિપરીત છે. બે પાંચ બાળકો સિવાય બધા બાળકો શારીરિક રીતે ચોખ્ખા આવે છે. ખાસ કરીને મહિલા શિક્ષક કે પુરુષ શિક્ષકથી જરાય ડરતા નથી. નામાંકનના પ્રથમ દિવસથી જ શાળાના વાતાવરણ, પદ્ધતિ, શિસ્ત વગેરે સાથે અનુકૂલન સાધી લે છે. વાલીઓને મૂકવા આવવાની ખાસ જરૂર પડતી નથી. શિક્ષકો સાથે તેઓ નિર્ભયતાથી વાતચીત કરે છે. પ્રશ્નો કરે છે, પોતે ત્વરિત જવાબો આપે છે.
        મારી શાળામાં લગભગ બાળકો એસ.સી., એસ.ટી. ના  છે. આ પૈકી ઘણા બધા બાળકો એવા છે જેના વાલીની નબળી આર્થિક સ્થિતિ કે તેઓ પોતે અશિક્ષિત હોવાને કારણે ઘર, કુટુંબ કે સમાજમાંથી અપેક્ષિત પૂરતું શિક્ષણ કે કેળવણી મેળવવા સદભાગી નથી. તેમ છતાં આ બાળકો ક્યારેક એવું વર્તન કરે છે કે તેમની વર્તણુક જોઈ આશ્ચર્ય પણ થાય અને ગર્વ પણ ! શાળામાં પહેલા ધોરણમાં દાખલ થયેલા નિયમિત બાળકો બીજા ધોરણને અંતે સહજ વાંચતા - લખતાં થઇ જાય છે. ધોરણ - ૧ થી જ પ્રાર્થનાસભામાં કોઈપણ જાતના ડર કે ક્ષોભ વગર માઈક ઉપર બોલી શકે છે, ગાઈ શકે છે, અભિનય કરી શકે છે.
હાલમાં એક જ અઠવાડિયામાં ધોરણ - ૧ અને ૨ ના બાળકો થકી શાળામાં બે નાના પ્રસંગો અનુભવ્યા. સંવેદનાથી જુઓ તો આ બાળકોની ચેતના અને સમજણ આપણને વિચારતા કરી દે ! એવી હોય છે.

બાળકોની ચતુરાઈનો પહેલો પ્રસંગ :

        ૪/૦૧/૨૦૧૭ શાળામાં બાળકો બપોરે મધ્યાહ્ન ભોજન જમવા બેઠા છે. વાનગી પીરસાયા બાદ સમૂહપ્રાર્થના થાય અને પછી બાળકો જમે આ નિત્યક્રમ. બાળકોની વાનગી શિક્ષકો પહેલા ચાખે પછી જ બાળકો જમે એવી વહીવટી જોગવાઈ ! આજે શિક્ષકે ભૂલ કરી. બાળકોની સામે ઉભા રહી ખાવાનું શરુ કરી દીધું. નાના બાળકોની નજરમાં આ દ્રશ્ય પકડાયું. પળવારનો વિલંબ કર્યા વગર તેમની સામે જ બેઠેલા ધોરણ - ૧ ના બાળકે શિક્ષકને ટોક્યા : “ સાહેબ તમે તો પ્રાર્થના કર્યા વગર ખાવ છો ” ! નજીકના બાળકો બધા જ હસી પડ્યા. આ બાળકે  ‘ જમતાં પહેલા હાથ ધોવા જોઈએ, પ્રાર્થના કરીને જ ખાવું જોઈએ ’ જેવી શિક્ષકો દ્વારા જ અપાતી રોજની સૂચનાઓના ભંગ બદલ જાહેરમાં શિક્ષકની ખીલ્લી ઉડાવી. શક્ય છે કે તેણે આ વાત ઘરે જઇને  પોતાના મમ્મી - પપ્પાને કે ઘરના અન્ય સભ્યોને પણ કરી હોય ! પ્રસંગ જોવામાં નાનો લાગે પણ મિત્રો, વિચારપ્રેરક જરૂર છે. બાળક નામના અરીસામાં શિક્ષક તરીકે આપણું  પ્રતિબિંબ આબેહુબ ઝીલાય જ છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. એટલે પૂ. રાજગોપાલાચારીજીનું સૂત્ર યાદ આવે : શિક્ષણ એટલે ચેતનાની ખેતી ! આ સજીવ ખેતીના વ્યવસાયમાં શિક્ષકે વાવતા પહેલા, લણતા પહેલા, પાણી ખાતર આપતા પહેલા એમ પ્રત્યેક તબક્કે પોતે પણ ‘સજીવ’ જ રહેવું જોઈએ. એવો પદાર્થપાઠ શીખવા મળ્યો.

બાળકોની ચતુરાઈનો બીજો પ્રસંગ :
     
૫/૦૧/૨૦૧૭  બપોરની રિશેષ છે. બાળકો જમીને રમે છે. અમે શિક્ષકો પણ સમૂહભોજન જમીને બેઠા છીએ. એવામાં એક બાળક દોડતો આવ્યો. “મેડમ, જતીનને કંઈ થઈ ગયું.” હજી કંઈ વિચારીએ તે પહેલા બીજું બાળક દોડતું આવ્યું. “ મેડમ, જતીન આંખ જ નથી ખોલતો. કંઈ થયું. ”  શિક્ષક દોડ્યા. ત્યાં સામે ત્રીજી છોકરી ભીડને હટાવતી સામે દોડતી આવી. “મેડમ, જતીનને કંઈ થયું, આંખ નથી ખોલતો પણ શ્વાસ લેય છે.” શિક્ષકે  સ્થળ પર જઈ જોયું તો જતીન આંખ બંધ કરી રેતી પર ઊંધો સૂતો હતો. પૂછપરછ અને તપાસમાં જાણવા મળ્યું. જતીન અને સામેવાળા બાળકે એક બીજા પર રેતી ઉડાડી. રેતી આંખમાં પડવાથી ગુસ્સામાં જતીન આંખ બંધ કરી નીચે પડી ગયો ને જાણે અચેતન બની ગયો. મામલો તરત સુલઝી ગયો. અમે પેલી બાળકી નિરાલીના  ‘ વિરલ ’ તારણ પર ખૂબ હસ્યાં. “ આંખો નથી ખોલતો પણ શ્વાસ લેય છે.” આ વિધાનનો શું ડી એન એ ટેસ્ટ થાય !! ડી એન એ ટેસ્ટ કરીએ તો પરિણામ કેવું મળે ? મિત્રો, નાના બાળકોનું ઓબ્ઝર્વેશન કેટલું માઈક્રો અને ઘણીવાર કેટલું બધું આશ્ચર્ય પમાડે તેવું હોય છે. તેનો આ જીવંત પૂરાવો છે. આ પ્રસંગ જયારે જયારે યાદ આવે છે ત્યારે ત્યારે એકલાને પણ હસવું આવી જાય છે. “ આંખ નથી..................શ્વાસ લે છે.”


        તેથી જ છેલ્લે એવું નોંધવાનું મન થાય કે સરકારી શાળામાં આવતા બાળકો ઘરમાંથી અધૂરી કેળવણી લઈને આવે છે પણ આસપાસના પર્યાવરણમાંથી પુષ્કળ જીવંત અનુભવો મેળવીને આવતાં હોય છે. કાશ ! આપણી  શિક્ષણ પદ્ધતિ જ એવી હોય કે બાળકો છઠ્ઠા સાતમા ધોરણ બાદ પોતાના રસ રૂચી મુજબનું કૌશલ્ય આધારિત શિક્ષણ મેળવે અને પોતાના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધે. પ્રાથમિક કક્ષાએ બાળકોની  સમજણનો હું અને તમે ટીમવર્કથી જો ઉપયોગ કરી શકીએ તો શાળામાં ગુણવત્તાલક્ષી (Quality Education) શિક્ષણ લાવવું કઠિન ન હોય શકે ! પ્રાથમિક શાળામાં કામ કરતો દરેક શિક્ષક પોતાની લાયકાતની સાથે સંવેદનશીલ અને બાળ મનોવિજ્ઞાન સમજનાર હોય તે આવશ્યક છે. આવો, આપણે વ્યક્તિગત રીતે એ દિશામાં આગળ વધવાની આજથી જ કોશિષ કરીએ.