નવતર પ્રવૃત્તિનું નામ – ઈમાનદારીના
બીજ
૧. સમસ્યાનું વર્ણન કે જેણે આ નવતર
પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યાં ?
હાલની
શાળામાં હું વધની બદલીથી ૨૦૧૨માં આવ્યો. જુન - ૨૦૧૩ થી શાળામાં પ્રજ્ઞાનો અમલ થયો.
પ્રજ્ઞામાં બાળકોને દફતર વગેરે લાવવાનું
હોતું નથી. વર્ગખંડની તમામ સામગ્રી બાળકો પોતાની જાતે લઇ શકે અને પરત મૂકી શકે
તેવી વ્યવસ્થા કરવાની હોય છે. ખાસ કરીને પેન્સિલ, રબર,
સંચો, કલરબોક્ષ, અનેક પ્રકારની ટી. એલ. એમ. સામગ્રી અને ટી. એલ. એમ. વગેરે .....
શાળાના શિક્ષકો સાથે ચર્ચા કરી. તેમણે ચોરી થવાની ભીતિ વ્યકત કરી. અહી નોંધવું ઘટે
કે અહીંના બાળકો ફાટ્યા - તૂટ્યા કપડાં પહેરે છે જેને ખિસ્સા પણ હોતાં નથી !
પ્રજ્ઞા વર્ગખંડમાં દફતર પ્રથા ન હોવાથી બાળકોને પોતાની અંગત વસ્તુ સાચવવા પ્રશ્નો
ઊભા થાય છે. ઘણીવાર બાળકો રુપિયા - બે રુપિયાના સિક્કા ઘરેથી લાવે છે તે કમરમાં
ખાસ પદ્ધતિથી બાંધી (જકડી) રાખે છે. વારંવાર ઊભા થવાનું કે બેસવાનું થતું હોવાથી
પૈસા પડી જાય છે. બાળસહજ લાલચમાં ક્યારેક કોઈ બાળક લઈ લે પછી સુરક્ષાનાં અને
વાદવિવાદના પ્રશ્નો સર્જાય છે. અહીનું વાતાવરણ મારે માટે નવું હતું. મારી મથામણ
વધી. જો હું તમામ સાહિત્ય - સામગ્રી કબાટમાં બંધ રાખું તો પ્રજ્ઞાનો મૂળભૂત હેતુ ન
જળવાય અને બાળ અધિકારને પણ ક્ષતિ પહોચે ! મેં મારી કંઈક નવું કરવાની વિચારધારા અને
એક વર્ષ પૂર્વ શાળામાં પ્રજ્ઞામાં કરેલ કામના અનુભવ સાથે જ આગળ વધવાનું નક્કી
કર્યું.
૨. આપની નવતર પ્રવૃત્તિનું શક્ય હોય
તેટલું વિગતવાર વર્ણન :
આ નવતર પ્રયોગના મૂળમાં પ્રજ્ઞા છે. બાળકોમાં
રહેલી ઈમાનદારીને ઉજાગર કરવાનું કામ પ્રજ્ઞાની વ્યવસ્થા થકી જ થયું છે એવું
નોંધતાં હું ગર્વ અનુભવું છું. પ્રજ્ઞાના અમલના બીજા વર્ષે જે બાળકો મારી પાસે
આવ્યાં, એમાંના મોટા ભાગના બાળકો દૂરના ફળિયાનાં અને ગરીબવર્ગના બાળકો હતાં. આ એવા
બાળકો હતાં જેમણે સારી પેન્સિલ - રબર - સંચો ઇત્યાદિ જોયા કે વાપર્યાં પણ ન હોય !
પ્રજ્ઞાની વ્યવસ્થાની ચર્ચામાં કોઈએ શંકા કરી કે અહી (આ શાળામાં) ખુલ્લામાં કશું
રહેશે નહિ. મારે માટે આ શાળાનું વાતાવરણ તો સાવ નવું હતું. અલબત્ત, તેથી જ જો હું
ચીજવસ્તુ છુપાવીને રાખું તો પ્રજ્ઞાના સાંગોપાંગ અમલમાં નિશ્ચિત કચાશ રહે !
પ્રજ્ઞા અભિગમમાં વર્ગની તમામ શૈક્ષણિક સામગ્રી બાળકો માટે હાથવગી મૂકવાનું
પ્રાવધાન છે. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને સ્વતંત્રતા આપવાનો, ચોઈસ આપવાનો, અધિકાર
આપવાનો અને બાળ સહજ સન્માન આપવાનો પણ છે. બાળકને જે સમયે જે વસ્તુની જરૂરિયાત ઉભી
થાય તે વસ્તુ બાળક સરળતાથી, ડર - બીક કે રોકટોક વગર લઈ શકે અને ઉપયોગ પણ કરી શકે !
મારી તીવ્ર ઈચ્છા હતી કે પ્રજ્ઞાની આ બધી વ્યવસ્થાની બાળમાનસ પર કેવી અસર થાય છે
તે હું અનુભવી શકું ! આમ, તો પ્રજ્ઞાનો અમલ તાલુકામાં અને મારી પૂર્વ શાળામાં જુન -
૨૦૧૧થી થયો ત્યારથી જ પ્રજ્ઞા દ્વારા નિર્દેશ થયેલ તમામ નિર્દેશો મેં વર્ગખંડમાં
પૂર્ણતઃ અમલ કરવા પ્રયાસ કરેલ છે. આ ઉપરાંત મેં સ્થાનિક કક્ષાએ પણ કેટલાંક નવતર
પ્રયોગો જે તે શાળામાં અને વર્ગખંડમાં
કરેલ હતાં. તેથી પરિણામમાં મને રસ હતો.
શાળામાં પ્રજ્ઞાના અમલ પછીનાં અનુભવ
દરમ્યાન મને વિચાર આવ્યો કે બાળકોની સ્વઅધ્યયનપોથી ઘોડા (રેક) પર મૂકવાથી બાળકોને
લેવા - મૂકવામાં તકલીફ પડે છે. ઉપયોગી TLM (ટીચીંગ
લર્નિંગ મટીરીયલ્સ) પણ ખોખામાં રાખવા કરતાં બહાર રાખવાથી બાળકોને લેવા
મૂકવામાં સારી સુવિધા મળી શકે છે અને
શિક્ષક તરીકે મારું કામ પણ ઘટે છે. બસ, મેં વર્ગખંડની અંદરની દીવાલની ચોતરફ
આસનપટ્ટા પાથરવાની શરુઆત કરાવી. ઉપયોગી TLM તેનાં પર મૂકવાની
પહેલ કરી. પેન્સિલ, રબર, સંચો, કાતર, કલરબોક્ષ, નાની - મોટી માપપટ્ટી
ઇત્યાદિ સામગ્રી પણ ત્યાંજ મૂકવાની વ્યવસ્થા ગોઠવી. બાળકોએ બીજા જ દિવસથી આ
વ્યવસ્થાનું નખશીખ અનુકરણ કર્યુ. વચ્ચેની સ્પેશમાં એક આસનપટ્ટો પાથરી તેનાં પર
હાજર બાળકોની સ્વઅધ્યયનપોથી મૂકવાનું રાખ્યું. જેથી બાળકોને સાહિત્ય લેવા -
મૂકવામાં જરાય તકલીફ ન પડે ! મતલબ બધી જ વ્યવસ્થા ઉપભોક્તાઓને સમર્પિત કરી. ધીમે
ધીમે આ વ્યવસ્થાથી બાળકો ટેવાયા પણ ખરા અને ધીમે ધીમે કેળવાયા પણ ખરા ! કેટલાંક શિક્ષકો આવી વ્યવસ્થાનો દીઠો - અદીઠો
વિરોધ કરે છે. આ વસ્તુ અહીંજ શા માટે ? છાબડી આટલે જ ઊંચે કેમ ? ભણાવવું અગત્યનું છે
કે વ્યવસ્થા અગત્યની છે ? ખેર ! આવા તો કેટલાંય સવાલો હશે !
આ પ્રજ્ઞા વ્યવસ્થા અને બાળકો પર મેં
મૂકેલો ભરોસો બાળમાનસ પર કેવી સકારાત્મક અસર ઊભી કરી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ આ
સ્ટોરી (વર્ગખંડમાં બનેલી ઘટના) છે.
૩. નવતરપ્રવૃત્તિના અમલીકરણનું
મૂલ્યાંકન આપે કેવી રીતે કર્યું ?
મેં જે પ્રજ્ઞા વર્ગખંડ વ્યવસ્થાનો અમલ કર્યો. તેની અસર
બાળકો પર ધીમે ધીમે પડી. આ અસર કેવી હશે ? એનું જીવંત ઉદાહરણ સમો વર્ગખંડમાં બનેલો
આ કિસ્સો છે. ધોરણ - ૩ ની વિદ્યાર્થીની. સ્વભાવે શરમાળ અને ઓછાબોલી હતી. નામ એનું
કોમલ વસાવા. એક દિવસ પ્રાર્થનાસભા બાદ બધાં બાળકો વર્ગખંડમાં આવીને બેઠા. હાજરી
લીધા પછી સૌ કાર્ડ લઈ પોતપોતાની છાબડીમાં ગોઠવાયા અને કામ શરુ થયું. હાજરી લેતી
વખતે કોઈએ કહ્યું સાહેબ, કોમલ આવી છે પણ પાણી પીવા ગઈ છે. મેં થોડી રાહ જોઈ,
પાંચેક મિનિટ બાદ ઝડપથી તે વર્ગમાં પ્રવેશી. મારી નજર તેના તરફ ગઈ. તેના હાથમાં
કંઈક હતું. ક્ષણિક તે પણ વિચારમાં હોય એવું મને લાગ્યું. તેણે પલભરમાં પોતાનાં
હાથની વસ્તુ દીવાલની ચોતરફ બિછાવેલા પેલા આસન પર સહજતાથી મૂકી દીધી અને લેડર વાંચી પોતાનું કાર્ડ લઈ જે તે છાબડીમાં
બેસી ગઈ. મેં ધ્યાનથી જોવા પ્રયત્ન કર્યો
તેણે શું મૂક્યું હશે ? તેણે મૂકેલી ચીજ બાલાજીની ‘સેવનું પેકેટ’
હતું.
અહીં કોમલે સાવ સહજતાથી મૂકેલા પોતાનાં
નાસ્તાનાં પડીકાએ મારી દિલચશ્પી વધારી. હું સતત તે વસ્તુ અને વસ્તુ મૂકનાર કોમલબેનનું
નિરીક્ષણ કરતો રહ્યો. મોટી વિશ્રાંતિ સુધી એટલે કે બેથી અઢી કલાક સુધીના ગાળામાં એકપણ
વાર એણે પોતાની વસ્તુ તરફ જોવાની દરકાર કરી નહિ. મોટી રિશેષ થતાં તે એટલી જ
સહજતાથી પોતાની વસ્તુ લઈને વર્ગખંડની બહાર નીકળી ગઈ ! બસ, આ નાની શી ઘટનાએ મને
વિચારતો કરી મૂક્યો. બાળકોનો સ્વભાવ છે પોતાની અને પોતાને ગમતી વસ્તુ ક્યારેય તેઓ
રેઢી મૂકતા નથી. ઘણીવાર તો પોતાનાં માતાપિતાને પણ તે આપતાં નથી. અહીં તો ખાવાની
ચીજ હતી. છતાં તેણે સાહજીકતાથી પોતાની વસ્તુ ખુલ્લામાં મૂકી દીધી. મને લાગે છે આ
બાળકીએ પ્રજ્ઞા થકી ખુલ્લી મૂકાતી પદ્ધતિ પર અપાર વિશ્વાસ મૂક્યો ગણાય ! ખિસ્સા
વગરની આ છોકરીએ પોતાનો નાસ્તો આ રીતે ખુલ્લામાં મૂકી મને ખુબ જ મોટું પ્રોત્સાહન
પૂરું પાડ્યું છે. આ ઘટના મારા માટે એક સબક હતો. ઘણીવાર આપણે મોટેરાઓ એકબીજાની કહેલી – સાંભળેલી વાતો
પર ભરોસો મૂકી અમુક બાળકો પર અવિશ્વાસનું લેબલ જડી દેતાં હોઈએ છીએ, પરિસ્થિતિને
સમજ્યા વગર તેમને અન્યાય કરી દેતા હોઈએ છીએ. તેથી એવું કહી શકાય કે પૂરતા તથ્યો
જાણ્યા વગર કે સમજ્યા વગર કોઈના ઉપર કદી
અવિશ્વાસ ન કરવો જોઈએ ! વાત જયારે બાળકોને લગતી હોય ત્યારે દ્વેષભાવ રહિત વ્યવહાર
શિક્ષકે વર્ગખંડમાં કરવો જોઈએ.
૪. આપે કરેલા પ્રયત્નોને આધારે આપે
કેવા પરિણામો પ્રાપ્ત કર્યાં ?
આ ઘટનાથી પ્રોત્સાહિત થઈ મેં મારા વર્ગખંડમાં ઈમાનદારીનો
નવો પ્રયોગ કર્યો. જે બાળકો પૈસા લાવતાં તેમના સિક્કા - નોટ હું પેલા આસનપટ્ટા પર
મૂકવા સૂચવતો. હું પોતે પણ પાંચ દસ રુપિયા મૂકતો. બસ, આ ઈનોવેટીવ કાર્ય બાળકોએ બહુ
ઝડપથી ઉપાડી પણ લીધું ને અપનાવી પણ લીધું. રીશેષના સમયે જેને જરુર હોય તે પોતાનો
સિક્કો લઇ જાય ! ન જરુર હોય તેના પૈસા પાંચ વાગ્યા સુધી એમના એમ જ રહે ! આ વ્યવસ્થાથી
ક્યારેય રુપિયા બે રુપિયામાં તકરાર થઈ નથી કે પછી એક કલાકની રીશેષમાં પણ એમાંથી
પૈસા ગાયબ થયાં નથી. આમ જોવા જઈએ તો આ બાળકો જે પશ્ચાદભૂમિમાંથી – વાતાવરણમાંથી
આવે છે તે જોતાં તેમનામાં પાંગરેલી
ઈમાનદારી જોઈ ગદગદિત થઈ જવાય છે. મારા વર્ગમાંથી ક્યારેય શૈક્ષણિક
સામગ્રીની પણ ચોરી થઈ નથી. બાળકો પોતાને મળેલી ચીજવસ્તુ પ્રજ્ઞાવર્ગખંડના ખોયા
પાયા બોક્ષમાં મૂકી ઈમાનદારીના દર્શન કરાવે છે. પ્રજ્ઞા થકી વર્ગખંડમાં બાળકો
પોતાની વસ્તુ તો સહજ રીતે ખુલ્લામાં મૂકે છે પણ છે અને ખુલ્લામાં મુકવામાં આવેલી
ચીજવસ્તુઓનું હવે બાળકો પોતે જ સંવર્ધન પણ કરે છે. શું વાંચનાર આ ઘટનાને “ ઈમાનદારીનાં બીજ ” તરીકે સ્વીકારશો ખરા
? નાના ધોરણોમાં નાના બાળકો સાથે થતી આ પ્રવૃત્તિ માટે મને ખૂબ જ આનંદ છે.
૫. આપે હાથ
ધરેલ નવતર પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે ?
આ પ્રયોગ મારી ભૌતિક
વર્ગવ્યવસ્થાનો ભાગ બની ગયો છે. બાળકો આ બધી વ્યવસ્થા રોજે રોજ કરે છે ને સાંજે
પાછા સંકેલી લે છે. જે બાળકો પૈસા કે અગત્યની ચીજ લાવે છે તેઓ આ જ રીતે પોતાની
વસ્તુ સહજતાથી આસનપટ્ટા પર મૂકી દે છે ને
હળવાશથી પોતાનું કામ કરે છે. સંવેદનશીલ મુલાકાતીઓ આ પ્રવૃત્તિથી રાજી થાય છે અને
નોંધ લે છે. હાલમાં પણ આ પ્રવૃત્તિનો અમલ ચાલુ છે અને રહેશે !
આ પ્રયોગ પ્રજ્ઞાની
જોગવાઈઓને અનુસરે છે.
No comments:
Post a Comment