પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Sunday, February 4, 2018

નવતર પ્રયોગ ૧૫ શ્રદ્ધાનો દીપ - ઋત્વિક


નવતર પ્રયોગ – ૧
રવિ જે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન - ભારતીય પ્રબંધન સંસ્થાન - અમદાવાદ
(RJMCEI – IIM), ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ (GEIC)  અને ગુજરાત શૈક્ષણિક
સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) નો  સહિયારો પ્રયાસ
મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે
                                                     

વિષય – શ્રદ્ધાનો દીપ – ઋત્વિક
નવતર પ્રવૃત્તિનું નામ – શ્રદ્ધાનો દીપ, ઋત્વિક   
કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો ?  અમારા દ્વારા
નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકનું નામ : રમેશચંદ્ર બી. પટેલ  
નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નો ફોન નંબર : 94268 59056
 નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નુ ઈ મેલ : rameshchandra.patel1961@gmail.com
સહકાર્યકર્તાનું નામ : રંજનગૌરી કે. પટેલ
સહકાર્યકર્તા શિક્ષક્નો ફોન નંબર : 9429126823
સહકાર્યકર્તા શિક્ષકનું ઈ – મેલ આઈ ડી :        -
શાળાનું  સરનામું : પ્રાથમિક શાળા, માટીએડ તા. અંકલેશ્વર જી. ભરૂચ.

સમસ્યાનું વર્ણન કે જેણે આ નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યાં

ધોરણ – ૩ થી આ વિશિષ્ટ બાળક ઋત્વિક  મારી દેખરેખ હેઠળ શાળામાં પોતાનો દિવસ વિતાવી આનંદ કરે છે.  શરૂઆતમાં તેને સમજવો  મારા માટે એક પડકાર હતો. આ બાળકને શારીરિક, માનસિક મુશ્કેલી હતી છતાં તેની બીજી ઈન્દ્રિયો કદાચ સતેજ હતી. આમ તો એ પહેલા ધોરણથી જ આ શાળામાં હતો.  પણ જૂન ૨૦૧૬ થી તે મારા ધોરણમાં આવ્યો ત્યારથી તેના તરફ મારી રુચિ વધી. તે થોડું લડખડાતો ચાલતો હતો. જોવામાં વધુ તકલીફ હતી. આંખો સહેજ ત્રાંસી જેવી જણાતી હતી. નાની વસ્તુ ઝડપથી તેની નજરમાં જાણે બેસતી ન હતી. પોતાના હાથથી વસ્તુ પકડવામાં પણ મુશ્કેલી અનુભવતો હતો. બોલવામાં પણ તકલીફ હતી. આ બધાં જ કારણોસર તે લખી વાંચી શકતો ન હતો. મારી પાસે બે ધોરણ હોવાથી તેને ન્યાય કેમ આપવો તે પણ મારી સમસ્યા હતી. શાળાનાં અન્ય બાળકો તરફથી તેને હેરાનગતિ ન થાય તેમ તે બીજા બાળકોને હેરાન ન કરે એ હું ઈચ્છતો હતો. મને સતત એ દિલચસ્પી રહી છે કે તે ધીમે ધીમે મુખ્યધારામાં આવે !

આપની નવતર  પ્રવૃત્તિનું શક્ય હોય તેટલું વિગતવાર વર્ણન

ગામડાઓમાં અજ્ઞાનતાને વશ આવા દિવ્યાંગ બાળકોના વાલી, સગાં – સબંધીઓ તેને ભણવા લાયક ગણતાં જ નથી. તેથી તેનો ઉછેર પણ કદાચ એ જ રીતે થતો હશે ! અલબત્ત, અહી ઋત્વિકનાં માતાપિતા અપવાદ હતાં. શિક્ષકોની સતર્કતા અને તેમની ઈચ્છાશક્તિ થકી યોગ્ય સમયે ઋત્વિકને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવેલ હતો. મારી પાસે તે ધોરણ – ૩ માં આવ્યો. હું તેના માતાપિતાને શાળામાં મળ્યો. તેની હિસ્ટ્રી જાણવાની કોશિષ કરી. જન્મથી જ આ તકલીફ છે, એવું માતા પાસેથી જાણવા મળ્યું. જરૂરી વિગતો ડાયરીમાં નોંધી. ઋત્વિકને નિયમિત શાળામાં મોકલવા તથા અન્ય રીતે  સહકાર આપવા તેમને વિનંતી કરી. ઋત્વિકની ચાલવાની ઢબ જરા જુદી હતી. થોડી માનસિક તકલીફ હોવાનું પણ અનુભવ્યું. પગ કરતાં હાથમાં અસર વધુ હતી, છતાં તે પોતાનું કામ પોતાની જાતે કરી શકતો હતો. (કેટલાક કૌશલ્યો તેણે વિકસાવી લીધા હતાં.) ઋત્વિક બે વર્ષથી શાળામાં આવતો હોવાથી બીજા બાળકો સાથે એ ભળી ગયો હતો. કોઈ બાળકો તેને હેરાન કરતાં હોય કે તેને અલગ ગણતા હોય એવું મેં અનુભવ્યું ન હતું. આ બાબત હકારાત્મક હતી. જેનાથી રુત્વિક સાથે કામ કરવામાં મને ઝાઝી અડચણ નથી પડતી.
ઋત્વિકને પેન – પેન્સિલ પકડવાની તકલીફ મુખ્ય હતી. જે તાત્કાલિક દૂર થઈ શકે તેમ ન હોવાથી પ્રથમ બે વર્ષમાં ખાસ કશું (મૂળાક્ષર કે અંકો) શીખી નથી શક્યો. શાળામાં તે નિયમિત હતો. તેના મમ્મી અથવા દાદી તેને શાળાએ મૂકી જતાં. બે વર્ષમાં તે શાળાનાં વાતાવરણ, શાળાની વિવિધ પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ વગેરેથી માહિતગાર થઈ ચૂક્યો હતો. અગાઉના વર્ગશિક્ષક રંજનબેને  તેને યોગ્ય વાતાવરણ – સુવિધા પૂરી પાડી પોતાનો મહત્વનો રોલ અદા કર્યો હતો. મેં થોડો  વિશેષ રસ લીધો. ઋત્વિકની બાબતમાં સદા બાળ મનોવિજ્ઞાનનો જ સહારો લીધો. એને સતત મારી સાથે રાખ્યો.  હમેશાં  પાસે બેસાડી હૂફ આપી. ખાસ કરીને તેનો વિશ્વાસ જીતવાની કોશિષ કરી. મારે માટે તો તે મારી સાથે ભળી જાય તે વધુ અગત્યનું હતું. સૌથી વિશેષ, વર્ગનાં બીજા બાળકો એને કોઇપણ રીતે પરેશાન કરે એવી તક મેં કયારેય વર્ગમાં આવવા દીધી નથી. દિવસમાં કોઇપણ સમયે થોડી ક મિનિટો કાઢી હળવી કસરતો કરાવવી શરૂ કરી. સાંજના તમામ બાળકો સાથે પાંચથી દસ મિનિટ પ્રાણાયામ તો મારો નિત્યક્રમ. આઠેક માસ બાદ તેનામાં મને આંશિક પરિવર્તન જણાયું. મને આશા બંધાઈ. મને લાગ્યું કદાચ એનાં મા - બાપ જેટલો જ હું  હવે એને સમજી શકતો હોઈશ ! સમય જતાં વર્ગનાં બાળકોએ પણ તેને સામાન્ય બાળકની જેમ અપનાવી લીધો. વર્ગનું કે શાળાનું કોઇ પણ બાળક એને લગભગ અલગ સમજતું જ નહતું,  મજાક – મશ્કરી તો બંધ થયાં. બલ્કે જરૂર જણાય ત્યાં બીજા બાળકો એને સારી એવી મદદ કરવા લાગતાં. મેં સ્વયં ઘણાં કામમાં ઋત્વિકની મદદ લેવાનું, વિવિધ પ્રવૃત્તિઓમાં તેને ભાગીદારી આપવાનું શરુ કર્યું. પ્રાર્થના સંમેલન, રમત – ગમતથી લઈ કોઇપણ પ્રવૃત્તિથી ક્યારેય મેં એને અલગ નથી કર્યો. ચાક લેવા જવું, રજીસ્ટર આપવા - લેવા જવું, કોઈ વર્ગશિક્ષક્ને બોલાવી લાવવાં અને વર્ગનાં નાનાં મોટા કામમાં તેને મહત્વ આપવાથી તે વધુ ને વધુ જવાબદારી પૂર્વક વર્તવા લાગ્યો. ઋત્વિક એક જ વખત સંભાળીને તે કામને સફળતાપૂર્વક અનુસરે છે. તે તેનો વિશિષ્ટ ગુણ મેં વારંવાર અનુભવ્યો ! દિવ્યાંગ બાળક હોવાથી મોટેભાગે તેને પ્રર્થાનાસભામાં હરોળમાં પહેલો બેસાડવામા આવે છે તેમ છતાં આવી સુવિધા થકી પણ તેનામાં કોઈ લઘુતાગ્રંથી ન આવે તે હેતુથી એ પોતાના ધોરણની હરોળમાં ગમે ત્યાં બેસવા સક્ષમ છે તેથી તેમ કરવા પણ પ્રેરિત કરતો. પ્રાર્થનાસભામાં તે નિયમિત ખંજરી વગાડે તેવી વ્યવસ્થા કરી છે. અમારી થોડી જાગૃતિ પછી અમે ત્રણેક વર્ષનાં અંતે તેનામાં મેં સવિશેષ પરિવર્તન જોયું.
     
નવતર પ્રવૃત્તિનાં અમલીકરણનું મૂલ્યાંકન આપે કેવી રીતે કર્યું ?

            શાળામાં અને વર્ગમાં ઋત્વિક જે કંઈક કામ કરે છે જે મને બીજા સાથે શેર કરવા જેવું લાગે તે હું / અમે અવાર નવાર શિક્ષકો સાથે, મુલાકાતીઓ સાથે કરીએ છીએ. ઋત્વિક સાથેના વિસ્તૃત અનુભવ પછી મેં તારવ્યુ કે તે.....
Ø  તે સ્પષ્ટ સાંભળી શકે છે. મોટેભાગે સમજી શકે છે, અને સુચના મુજબ અનુસરી શકે છે.
Ø  તે સોંપેલું કામ કરવા હંમેશા તત્પર હોય છે. સૂચનામાં દ્વિઘા હોય ત્યારે પ્રતિ પ્રશ્ન પૂછી ખાતરી પણ કરે છે.
Ø  શારીરિક તકલીફને  કારણે જે કામ નથી કરી શકતો અથવા મુશ્કેલીઓ અનુભવે છે તે કામ કરવા સતત તે પ્રયત્ન કરતો રહે છે. દા. ત. પેન્સિલ છોલવી.
Ø  એકલો – અટૂલો બેસતો નથી. બધા બાળકો સાથે ટોળામાં જ રહેવા પ્રયત્ન કરે છે. ભરપૂર વાતો કરે છે.
Ø  હું જયારે શ્રુતલેખન કરાવું છું ત્યારે તે લખવાની પોઝીશન લે છે, મારું બોલેલું તે તેની ભાષામાં બોલે અને લખે છે. જે વંચાતું નથી. સામાન્ય બાળકની જેમ જ પરીક્ષા પણ આપે છે.
Ø  બોલેલી સૂચનાઓ સમજે છે. સોંપેલું કામ કરવા મથે છે.
Ø  ન સમજાય તેવું ગાય છે. લય મુજબ તાન અનુભવે છે. લય પ્રમાણે તાળી પણ પાડી શકે છે.
Ø  કુદરતી હાજતો માટે સંવેદના અનુભવી શકે છે. બહાર જવાની રજા સ્વૈચ્છિક રીતે લે છે.
            આ બાળક શાળા બહાર રહ્યું હોત તો આજે કઈ પરિસ્થિતિમાં હોત એ કાલ્પનિક તુલના જ એનું ખરું મૂલ્યાંકન ગણું છું.
 
આપે કરેલા પ્રયત્નોનાં આધારે આપે કેવા પરિણામો પ્રાપ્ત કર્યા ?

            પ્રજ્ઞાવર્ગમાં થતી બધી જ ગતિવિધિ અને પ્રવૃત્તિઓમાં તે સમૂહમાં તો ઠીક પણ સ્વતંત્ર રીતે પણ  આંશિક કાબેલ બન્યો છે. લખી વાંચી ન શકતો હોવાથી લેડર વાચન નથી કરી શકતો પણ ટ્રે માંથી જે તે સિમ્બોલનું કાર્ડ શોધે છે અને યોગ્ય છાબડીમાં બેસવા પ્રયત્ન કરે છે.  સતત સાથે બેસીએ તો ૧ થી ૧૦ અંકો જોઈને લખવા કોશિષ કરે છે. બાગકામ પ્રવૃત્તિમાં સારો રસ ધરાવે છે. બાળકો સાથે આદાન પ્રદાન ઘણું સારું છે. સૌથી મોટી વાત તો ઋત્વિક મુખ્યધારામાં ઓતપ્રોત થઈ ચૂક્યો છે. આ બદલાવથી તેની રોજીંદી પ્રવૃત્તિઓ નીખરી રહી છે. તમામ બાળકો અને શિક્ષકોનો તે પ્રીતિપાત્ર બન્યો છે.

આપે હાથ ધરેલ નવતર પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે ?  -
ઋત્વિક સાથેની આ સમજણ યાત્રા નિરંતર ચાલુ છે. તેની સાથે કામ કરતાં બાળકો સાથે શિક્ષકોએ કેળવવાના મનોવિજ્ઞાનને સમજવાની ‘ સમજ ‘ મને પ્રાપ્ત થઈ છે. ઋત્વિક એના માતાપિતા માટે  અને અમારે માટે પણ  “ શ્રદ્ધાનો દીપ ” છે. જે  હંમેશા જલતો રહેશે અને પ્રકાશ ફેલાવશે.












No comments:

Post a Comment