પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Monday, October 31, 2016

ઈમાનદારી : એક સકસેસ સ્ટોરી

ઈમાનદારી : એક સકસેસ સ્ટોરી

          પ્રાથમિક શાળાનાં ધોરણ – ૧ થી ૫ માં કામ કરતાં શિક્ષકો દેખીતી રીતે બે – ત્રણ – ચાર – કે પાંચ જ વિષયો શીખવે છે. ઓછા વિષયો અને નાના બાળકો સાથે કામ કરવાનું હોવાને કારણે તેમનું કામ ઘણાને સામાન્ય લાગે છે.  જોવામાં – કહેવામાં ઘણાને આ કાર્ય બહુ આસાન લાગે છે. દુઃખની વાત પણ એ જ કે આપણે પાયાનાં શિક્ષણને ઝાઝું મહત્વ જ આપતાં નથી. હકીકતમાં ધોરણ  ૧ થી ૪ કે પાંચમાં કામ કરતાં શિક્ષકો એક કરતાં અનેક વિષયો પર કામ કરે છે. એ કામ છે ઊગતાં બાળકોને કેળવણી આપવાનું, તેમને યોગ્ય દિશામાં વાળવાનું ! સુટેવોને કેળવવાનું અને કુટેવોને સુધારવાનું ! નાનપણથી જ બાળકોમાં મૂલ્યોનો સમુચિત વિકાસ થાય તે માટે શાળાકક્ષાએ શિક્ષકોએ બે ડગલાં આગળ વધીને આ દિશામાં કામ કરવું જોઈએ એવો મારો મત છે. અલબત્ત, નીતિવાન અને ફરજ પરસ્તીને વળેલાં શિક્ષકો આજે પણ પોતાની સુવિધા – અસુવિધાનો ખ્યાલ કર્યા વગર આવું નીજ કર્મ નિભાવી રહ્યાં છે. અભ્યાસક્રમ પૂર્ણ કરવો એ પરીક્ષા માટેની શરત કે જરૂરિયાત હોય શકે પણ અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી તેમાં નિર્દિષ્ટ કરેલા હેતુઓ, તથ્યો, વલણો બર આવ્યાં કે કેમ ? એ બાબત જે તે વર્ગશિક્ષકની અપેક્ષા હોવી જોઈએ. વર્તમાન પરીક્ષાલક્ષી – પરીક્ષાકેન્દ્રી  વિચારધારા કે નીતિમાં બદલાવ બેહદ જરૂરી છે. આજે શિક્ષણ અને નોકરી એકબીજાનાં પર્યાય બન્યા છે. પરિણામે બાળકોમાં સંસ્કારસિંચન થાય, ઘર – સમાજ – રાજ્ય અને દેશનું ઋણ અદા કરવાની ભાવના વિકસે તેવા ગુણોનો આર્વિભાવ થાય તેનાથી માતાપિતા પણ વિમુખ થતાં જાય છે. સમગ્ર સમાજમાં ઉભરી રહેલી આવી ટૂંકી વિચારધારા આજની ચિંતાનો વિષય છે. આજની નવી પેઢી મોટેભાગે ખાનગી શાળાઓ અને ખાનગી ટ્યુશન ક્લાસીસોને હવાલે છે. કેટલીક શાળાઓમાં પુસ્તકિયું જ્ઞાન અને પરીક્ષાલક્ષી શિક્ષણ પીરસવા પર જ ભાર અપાય છે.
          સપ્ટેમ્બર ૨૦૧૨માં હું આ શાળામાં આવ્યો. ૨૦૧૩ માં શાળામાં પ્રજ્ઞાનો અમલ થયો. આ ઉલ્લેખ એટલે કરવાનું મન થાય છે કે આ સકસેસ સ્ટોરીના મૂળમાં પ્રજ્ઞા છે. બાળકોમાં રહેલી ઈમાનદારીને ઉજાગર કરવાનું કામ પ્રજ્ઞાની વ્યવસ્થા થકી જ થયું છે એવું નોંધતાં હું ગર્વ અનુભવું છું. પ્રજ્ઞાના અમલના બીજા વર્ષે જે બાળકો મારી પાસે આવ્યાં, એમાંના મોટા ભાગના બાળકો દૂરના ફળિયાનાં અને ગરીબવર્ગના બાળકો હતાં. આ એવા બાળકો હતાં જેમણે સારી પેન્સિલ – રબર – સંચો ઇત્યાદિ જોયા કે વાપર્યાં પણ ન હોય ! પ્રજ્ઞાની વ્યવસ્થાની ચર્ચામાં કોઈએ શંકા કરી કે અહી (આ શાળામાં) ખુલ્લામાં કશું રહેશે નહિ. મારે માટે આ પ્લેટફોર્મ નવું હતું. અલબત્ત, તેથી જ જો હું ચીજવસ્તુ છુપાવીને રાખું તો પ્રજ્ઞાના સાંગોપાંગ અમલમાં નિશ્ચિત કચાશ રહે ! પ્રજ્ઞા અભિગમમાં વર્ગની તમામ શૈક્ષણિક સામગ્રી બાળકો માટે હાથવગી મૂકવાનું પ્રાવધાન છે. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને સ્વતંત્રતા આપવાનો, ચોઈસ આપવાનો, અધિકાર આપવાનો અને બાળ સહજ સન્માન આપવાનો પણ છે. બાળકને જે સમયે જે વસ્તુની જરૂરિયાત ઉભી થાય તે વસ્તુ બાળક સરળતાથી, ડર – બીક કે રોકટોક વગર લઈ શકે અને ઉપયોગ પણ કરી શકે ! મારી તીવ્ર ઈચ્છા હતી કે પ્રજ્ઞાની આ બધી વ્યવસ્થાની બાળમાનસ પર કેવી અસર થાય છે તે હું અનુભવી શકું ! આમ, તો પ્રજ્ઞાનો અમલ તાલુકામાં અને મારી પૂર્વ શાળામાં જુન – ૨૦૧૧થી થયો ત્યારથી જ પ્રજ્ઞા દ્વારા નિર્દેશ થયેલ તમામ નિર્દેશો મેં વર્ગખંડમાં પૂર્ણતઃ અમલ કરવા પ્રયાસ કરેલ છે. આ ઉપરાંત મેં સ્થાનિક કક્ષાએ પણ કેટલાંક નવતર પ્રયોગો  જે તે શાળામાં અને વર્ગખંડમાં કરેલ હતાં. તેથી પરિણામમાં મને રસ હતો.
          શાળામાં પ્રજ્ઞાના અમલ પછીનાં અનુભવ દરમ્યાન મને વિચાર આવ્યો કે બાળકોની સ્વઅધ્યયનપોથી ઘોડા (રેક) પર મૂકવાથી બાળકોને લેવા – મૂકવામાં તકલીફ પડે છે. ઉપયોગી TLM (ટીચીંગ લર્નિંગ મટીરીયલ્સ) પણ ખોખામાં રાખવા કરતાં બહાર રાખવાથી બાળકોને સારી સુવિધા મળી શકે છે અને શિક્ષક તરીકે મારું કામ પણ ઘટે છે. બસ, મેં વર્ગખંડની અંદરની દીવાલની ચોતરફ આસનપટ્ટા પાથરવાની શરુઆત કરાવી. ઉપયોગી  TLM તેનાં પર મૂકવાની પહેલ કરી. પેન્સિલ, રબર, સંચો, કાતર, કલરબોક્ષ, નાની મોટી માપપટ્ટી ઇત્યાદિ સામગ્રી પણ ત્યાંજ મૂકવાની વ્યવસ્થા ગોઠવી. બાળકોએ બીજા જ દિવસથી આ વ્યવસ્થાનું નખશીખ અનુકરણ કર્યુ. વચ્ચેની સ્પેશમાં એક આસનપટ્ટો પાથરી તેનાં પર હાજર બાળકોની સ્વઅધ્યયનપોથી મૂકવાનું રાખ્યું. જેથી બાળકોને સાહિત્ય લેવા – મૂકવામાં જરાય તકલીફ ન પડે ! મતલબ બધી જ વ્યવસ્થા ઉપભોક્તાઓને સમર્પિત કરી. ધીમે ધીમે આ વ્યવસ્થાથી બાળકો ટેવાયા પણ ખરા અને ધીમે ધીમે કેળવાયા પણ ખરા !  કેટલાંક શિક્ષકો આવી વ્યવસ્થાનો દીઠો – અદીઠો વિરોધ કરે છે. આ વસ્તુ અહીંજ શા માટે ? છાબડી આટલે જ ઊંચે કેમ ? ભણાવવું અગત્યનું કે વ્યવસ્થા અગત્યની છે ? ખેર ! આવા તો કેટલાંય સવાલો હશે ! પરંતુ મારું માનવું છે કે આ સકસેસ સ્ટોરી એનો જવાબ છે.
          હા મિત્રો, આ પ્રજ્ઞા વ્યવસ્થા બાળમાનસ પર કેવી અસર ઊભી કરી શકે છે એનું ઉદાહરણ આ સ્ટોરી (વર્ગખંડમાં બનેલી ઘટના) છે.
          ધોરણ – ૩ ની વિદ્યાર્થીની. સ્વભાવે શરમાળ અને ઓછાબોલી હતી. નામ એનું કોમલ વસાવા. એક દિવસ પ્રાર્થનાસભા બાદ બધાં બાળકો વર્ગખંડમાં આવીને બેઠા. હાજરી લીધા પછી સૌ કાર્ડ લઈ પોતપોતાની છાબડીમાં ગોઠવાયા અને કામ શરુ થયું. હાજરી લેતી વખતે કોઈએ કહ્યું સાહેબ, કોમલ આવી છે. પાણી પીવા ગઈ છે. મેં થોડી રાહ જોઈ, પાંચેક મિનિટ બાદ ઝડપથી તે વર્ગમાં પ્રવેશી. મારી નજર તેના તરફ ગઈ. તેના હાથમાં કંઈક હતું. ક્ષણિક તે વિચારમાં હોય એવું મને લાગ્યું. તેણે પલભરમાં પોતાનાં હાથની વસ્તુ દીવાલની ચોતરફ બિછાવેલા આસન પર સહજતાથી મૂકી દીધી અને  લેડર વાંચી પોતાનું કાર્ડ લઈ જે તે છાબડીમાં બેસી ગઈ. મેં ધ્યાનથી જોવા પ્રયત્ન કર્યો  તેણે શું મૂક્યું હશે ? તેણે મૂકેલી ચીજ ‘સેવનું પેકેટ’ હતું. અહી નોંધવું ઘટે કે અહીંના બાળકો ફાટ્યા – તૂટ્યા કપડાં પહેરે છે જેને ખિસ્સા પણ હોતાં નથી ! પ્રજ્ઞા વર્ગખંડમાં દફતર પ્રથા ન હોવાથી બાળકોને પોતાની અંગત વસ્તુ સાચવવા પ્રશ્નો ઊભા થાય છે. ઘણીવાર બાળકો રુપિયા – બે રુપિયાના સિક્કા ઘરેથી લાવે છે તે કમરમાં ખાસ પદ્ધતિથી બાંધી (જકડી) રાખે છે.  વારંવાર ઊભા થવાનું કે બેસવાનું થતું હોવાથી પૈસા પડી જાય છે. બાળસહજ લાલચમાં ક્યારેક કોઈ બાળક લઈ લે પછી સુરક્ષાનાં અને વાદવિવાદના પ્રશ્નો સર્જાય છે. 
          અહીં કોમલે મૂકેલા પોતાનાં નાસ્તાનાં પડીકાએ મારી દિલચશ્પી વધારી. હું સતત તે વસ્તુ અને વસ્તુ મૂકનાર કોમલનું નિરીક્ષણ કરતો રહ્યો. મોટી વિશ્રાંતિ સુધી એટલે કે બેથી અઢી કલાક સુધીમાં એકપણ વાર એણે પોતાની વસ્તુ તરફ જોવાની દરકાર કરી નહિ. મોટી રિશેષ થતાં તે એટલી જ સહજતાથી પોતાની વસ્તુ લઈને વર્ગખંડની બહાર નીકળી ગઈ ! બસ, આ નાની શી ઘટનાએ મને વિચારતો કરી મૂક્યો. બાળકોનો સ્વભાવ છે પોતાની અને પોતાને ગમતી વસ્તુ ક્યારેય તેઓ રેઢી મૂકતા નથી. ઘણીવાર તો પોતાનાં માતાપિતાને પણ તે આપતાં નથી. અહીં તો ખાવાની ચીજ હતી. છતાં તેણે સાહજીકતાથી પોતાની વસ્તુ ખુલ્લામાં મૂકી દીધી. મને લાગે છે આ બાળકીએ પ્રજ્ઞા થકી ખુલ્લી મૂકાતી પદ્ધતિ પર અપાર વિશ્વાસ મૂક્યો ગણાય ! ખિસ્સા વગરની આ છોકરીએ પોતાનો નાસ્તો આ રીતે ખુલ્લામાં મૂકી મને ખુબ જ મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ ઘટના મારા માટે એક સબક હતો. ઘણીવાર  આપણે મોટેરાઓ એકબીજાની કહેલી – સાંભળેલી વાતો પર ભરોસો મૂકી અમુક બાળકો પર અવિશ્વાસનું લેબલ જડી દેતાં હોઈએ છીએ, તેમને અન્યાય કરી દેતા હોઈએ છીએ. તેથી એવું કહી શકાય કે પૂરતા તથ્યો  સમજ્યા વગર કોઈના ઉપર કદી અવિશ્વાસ ન કરવો જોઈએ ! વાત જયારે બાળકોને લગતી હોય ત્યારે દ્વેષભાવ રહિત વ્યવહાર શિક્ષકે કરવો જોઈએ.  

          આ ઘટનાથી પ્રોત્સાહિત થઈ મેં મારા વર્ગખંડમાં ઈમાનદારીનો નવો પ્રયોગ કર્યો. જે બાળકો પૈસા લાવતાં તેમના સિક્કા – નોટ હું પેલા આસનપટ્ટા પર મૂકવા સૂચવતો. હું પોતે પણ પાંચ દસ રુપિયા મૂકતો. બસ, આ ઈનોવેટીવ કાર્ય બાળકોએ બહુ ઝડપથી ઉપાડી પણ લીધું ને અપનાવી પણ લીધું. રીશેષના સમયે જેને જરુર હોય તે પોતાનો સિક્કો લઇ જાય ! ન જરુર હોય તેના પૈસા પાંચ વાગ્યા સુધી એમના એમ જ રહે ! આ વ્યવસ્થાથી ક્યારેય રુપિયા બે રુપિયામાં તકરાર થઈ નથી કે પછી એક કલાકની રીશેષમાં પણ એમાંથી પૈસા ગાયબ થયાં નથી. આમ જોવા જઈએ તો આ બાળકો જે પશ્ચાદભૂમિમાંથી – વાતાવરણમાંથી આવે છે તે જોતાં તેમનામાં પાંગરેલી  ઈમાનદારી જોઈ ગદગદિત થઈ જવાય છે. મારા વર્ગમાંથી ક્યારેય શૈક્ષણિક સામગ્રીની પણ ચોરી થઈ નથી. બાળકો પોતાને મળેલી ચીજવસ્તુ પ્રજ્ઞાવર્ગખંડના ખોયા પાયા બોક્ષમાં મૂકી ઈમાનદારીના દર્શન કરાવે છે.


          પ્રજ્ઞા થકી વર્ગખંડમાં બાળકો પોતાની વસ્તુ તો સહજ રીતે ખુલ્લામાં મૂકે છે પણ છે અને ખુલ્લામાં મુકવામાં આવેલી ચીજવસ્તુઓનું હવે બાળકો પોતે જ સંવર્ધન પણ કરે છે. શું તમે આ ઘટનાને ઈમાનદારીનાં બીજ તરીકે સ્વીકારશો ખરા ? આપનાં પ્રતિભાવની અપેક્ષા છે.  

No comments:

Post a Comment