પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Tuesday, September 20, 2022

શાળા અતીત

 

શાળા અતીત  (શાળાનો ઈતિહાસ)

          અંકલેશ્વર તાલુકા મથકેથી ૧૧ કિમી દૂર અંકલેશ્વર - હાંસોટ રોડ ઉપર વસેલું આ ગામ એટલે માટીએડ ! મા નર્મદાને કિનારે વસેલું આ પ્રગતિશીલ ગામ છે. ગામ વિશે વધુ ન કહીએ તો પણ ગામના નામ વિશે જાણવાની ઈચ્છા કોને ન હોય ? વર્ષો પહેલાં આ ગામ નર્મદા તટવર્તી ગામ હોવાથી આ ગામમાં માટીકામ એક મોટો વ્યવસાય હતો. ગામમાં વસેલો પ્રજાપતિ સમાજ માટીમાંથી બનતાં દેશી નળિયા અને માટીનાં અન્ય વાસણો બનાવવામાં મહારથ ધરાવતો હતો. અહીના માટીકામનાં વિવિધ ઉત્પાદનો પ્રખ્યાત હોવાથી તેની વહાણો દ્વારા નિકાસ પણ થતી હતી. આમ, આ ગામનું નામ માટીકામ નાં વ્યવસાયને કારણે ‘ માટીએડ પડ્યું એમ કહેવાય છે ! ગામના નદીકિનારે ઘણા વહાણો લાંગરવામાં આવતાં તેથી ગામમાં વહાણવટી સીકોતેર માતાનું ભવ્ય મંદિર પણ આવેલું છે. બીજું એવું જાણવા મળે છે કે ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામનાં રાજપૂત સમાજના લોકો વર્ષો પહેલાં અહી આવીને વસેલા તેઓ પોતાની અટક ‘ માટીએડા લખાવતા આમ ગામનું નામ એ રીતે પણ પ્રખ્યાત થયું.

          આ તો થઈ ગામની માહિતી. પરંતુ આજનાં શાળા સ્થાપના દિને આપણે શાળાનાં ઈતિહાસ થી માહિતગાર થઈએ. વર્ષો પહેલાં દેશમાં રાજાશાહી શાસન હોવાથી દેશી રજવાડાઓ હતાં. જેમાં ગુરુ – શિષ્ય પરમ્પરા હેઠળ બાળકોને તાલીમબદ્ધ કરવામાં આવતાં હતાં. ત્યારબાદ દેશમાં અંગ્રેજોનું  શાસન સ્થાપિત થવાથી વૈદિક પરમ્પરા ધીમે ધીમે નષ્ટ થતાં બ્રિટીશ શાસન હેઠળ ગામેગામ પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવામાં આવી. જેમાં તે શાસનને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી. આ જ ઉપક્રમમાં  શાળાની સ્થાપના ૧૮ / ૦૪ / ૧૮૮૩ નાં રોજ થઈ હતી. જે તે સમયે શાળાનું પોતાનું મકાન ન હોવાથી ગામનાં જ વડીલ સ્વ. શ્રી દયારામ લક્ષ્મીરામ પટેલ નામના સદગૃહસ્થનાં મકાનમાં શરુ કરવામાં આવી. ચાર ઓરડાનાં મકાનમાં ૪૫ બાળકો સાથે ધોરણ ૧ થી ૭ ની શાળા ચાલતી હતી. તે સમયે શાળામાં શ્રી  કેસરીસિંહ અમરસિંહ માટીએડા, શ્રી ગોવિંદભાઈ ચાવડા, શ્રી કરશનભાઈ તથા વિશ્રામભાઈ જેવાં શિક્ષકો ફરજ બજાવતા હતાં. આ સમયે આઝાદીની ચળવળ ચાલતી હતી. આ ગામના વડીલ અને ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની શ્રી નારસિહ ઈશ્વરસિંહ માટીએડા કે જેઓએ આઝાદીની લડતમાં ભાગ લઈ ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. તેઓશ્રી આ શાળાનાં વિદ્યાર્થી હતાં. પાછળથી તેઓશ્રી ગામના પ્રથમ સરપંચ પણ રહ્યાં હતાં.

સમય જતાં પરિવર્તનના ભાગ રૂપે આઝાદી બાદ શાળાનાં પોતાનાં મકાનની  જરૂરિયાત ઊભી થઈ. ત્યારે ગામલોકોના સહકારથી શ્રી કાશીરામ ભગવાનભાઈ પટેલ નામના સદગૃહસ્થે ગામમાં જ ઇંટો પડાવી આ પાંચ ઓરડાનું મકાન વિક્રમ સંવત - ૨૦૦૭ અને ઈ.સ. ૧૯૫૧માં બનાવેલું. ધોરણ ૧ થી ૭ ની શાળામાં તે સમયે પણ ૭ શિક્ષકો ફરજ બજાવતાં હતાં. જે તે સમયે શાળાનું કમ્પાઉન્ડ ન હોવાને કારણે લોકો શાળા પ્રાંગણમાંથી જ અવરજવર કરતાં હતા. સમય જતાં ઈ.સ. ૧૯૬૮માં શાળાનું સંચાલન સર્વોદય સંસ્થાને સોંપવામાં આવેલું. જેમાં શિક્ષણની સાથે કાંતણ વણાટ અને ખેતીવાડીની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી. તે સમયે શ્રી અંબુભાઈ નરોત્તમભાઈ પટેલ,  શ્રી રમણભાઈ પટેલ, શ્રી લક્ષ્મણભાઈ પટેલ, શ્રી મૂળજીભાઈ પ્રજાપતિ અને શ્રી શાંતાબેન જેવા શિક્ષકો ફરજ બજાવતા હતાં. આશરે ૧૯૮૧થી શાળાનું સંચાલન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,ભરૂચ હસ્તક થયા બાદ ગામના સરપંચ શ્રી હરેન્દ્રસિંહ વિજયસિંહ ચૌહાણનાં પ્રયત્નોથી શાળા કમ્પાઉન્ડ વોલ અને છઠ્ઠા ઓરડા તરીકે એક ઓરડો બનાવવામાં આવ્યો.

સમય પસાર થતો જાય છે... શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી બાલુભાઈ પટેલ અને શ્રી કાંતિભાઈ પટેલ નવા મુખ્યશિક્ષક તરીકે ક્રમશ : આવ્યાં.  શ્રી કાંતિભાઈનાં સમયગાળામાં બે વર્ગખંડો અને સેનિટેશન બનાવવામાં આવ્યાં. ત્યારબાદ શ્રી રમેશભાઈ પટેલ આ શાળામાંથી નિવૃત થતાં અગાઉ દોઢ વર્ષના ટૂંકા સમય માટે શાળાનાં મુખ્યશિક્ષક તરીકે રહ્યાં. તેમના સમયમાં આસ્થા ચોક, પતરાનો શેડ,પાણીની પરબ અને શાળા કમ્પાઉન્ડમાં બ્લોકની કામગીરી થઈ. તેમની નિવૃત્તિ બાદ શ્રી ઉષાબેન સોલંકી મુખ્યશિક્ષક તરીકે આવ્યાં. બે જર્જરિત ઓરડાની જગ્યાએ શ્યામાપ્રસાદ મુખર્જી રૂરલ મિશન અંતર્ગત સાયન્સ લેબ, કમ્પ્યુટર રૂમ, પુસ્તકાલય અને સેનિટેશન બ્લોક બનાવવામાં આવ્યાં છે. શાળાનાં હાલના મુખ્યશિક્ષક શ્રી સુરેશભાઈ વસાવા છે. શાળામાં ધોરણ ૧ થી ૮ માં કુમાર ૭૧ કન્યા ૫૧ મળી કૂલ ૧૨૨ બાળકો અભ્યાસ કરે છે. હાલમાં પાંચ શિક્ષકો ફરજ બજાવે છે.      

No comments:

Post a Comment