પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Tuesday, September 20, 2022

વર્તમાન પરિસ્થિતિનું નેતૃત્વ કેવી રીતે કરીશું ?

 

How to lead current situation ?

 

આજે સંપત્તિ ઘણી વધી હોવા છતાં વધુ સુખી થવાની વાત તો દુર પરંતુ લોકો વધુ બેબાકળા બનીને જીવતા દેખાય છે. દુનિયામાં ઘણા લોકો એક જુદી જ ધાર્મિકતા તરફ વળ્યા છે. મહદ અંશે આ ધાર્મિકતા તેમની ઓળખના કે રૂઢિના ભાગ રૂપે નથી, કે નથી તે શ્રધ્ધામાંથી જન્મી. પોતાને પડતી તકલીફો અને ચિંતાઓમાંથી કોઈ દૈવી શક્તિ - પછી ભલે તે ગમે તે ધર્મની હોય - ની અવિરત મદદ માંગતી આ ધાર્મિકતા છે. આંતકવાદ અને સામાજિક અરાજકતા બંને વકરી રહ્યા છે !  મોટા દેશોમાં ફાસીવાદી તત્વો જોરશોરથી સત્તા પર આવી રહ્યા છે અથવા આવી ગયા છે. એક લગભગ સરખો આક્રમક કહી શકાય તેવો વ્યક્તિવાદ પણ હવે ઝડપથી આપણી નજીકને નજીક આવી રહ્યો છે.

આજે આ વ્યક્તિવાદ એ આપણા મૂળભૂત સમાજવાદને મીઠી ફૂંકથી જાણે કોતરી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ પોતાને માટે જવાબદાર તો બની રહ્યો છે પણ બીજાના અથવા સમાજના પ્રશ્નોથી તે વધુને વધુ વેગળો થતો જાય છે. `સામાન્ય માણસ’ ને પોતાના જીવન નિર્વાહમાં થી  કે `હજી વધુ કમાવામાંથી ’  ફુરસદ નથી. કુટુંબોનું બંધારણ ધરમૂળથી બદલાયું છે. નવી પેઢીને લગ્ન કરવા નથી અથવા તો લગ્ન પછી બાળક જોઈતું નથી.  છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે, આપઘાતો વધ્યા છે. વિકસિત દેશો સહિતના સમાજોમાં પણ બાળકોના પ્રશ્નોમાં સતત અને ભયજનક વધારો થયો છે. એક જ વાક્યમાં કહીએ તો આજનો “સામાન્ય માણસ”, કે જે ગમે ત્યારે દરેક સમાજનો એક બહોળો ભાગ હોય છે, તે પીસાતો હોય તેવી લાગણી અનુભવે છે. આ જે કંઈ બની રહ્યું છે તે બનાવોની પીડા સાર્વત્રિક હોવા છતાં આક્રોશ છૂટો છવાયો અને વ્યક્તિગત ધોરણે જ વ્યક્ત થાય છે, જાણે કે લોકો એકલા અટુલા અને દિશાહીન બની ગયા છે. આવું કેમ બન્યું અને હજી બની રહ્યું છે તે અંગે થતી ચર્ચાઓ પણ સમજવા જેવી છે. અમુક લોકો આવકની વધેલી અને વધતી અસમાનતાને દોષિત ગણે છે  તો બીજા અમુક લોકો સંપન્ન મૂડીવાદીઓ, ગુંડાઓ, અને રાજકારણીઓ વચ્ચેના ગઠબંધન અને તેમના દ્વારા આચરાતા ભ્રષ્ટાચારને દોષ આપે છે. બીજા અમુક લોકો ટેકનોલોજીના વિકાસને પણ આવી સાંપ્રત પરિસ્થિતિ અને આવા બનાવો માટે કારણભૂત ગણે છે. અમુક લોકો ઉભરતી ધર્મ આધારિત કટ્ટરતાને અથવા ધાર્મિકતાને કારણભૂત ગણે છે. આમ અત્યારની પરિસ્થિતિ કઈ રીતે ઉદભવી તે અંગે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. મારા મતે હાલના બનાવોને એક ઉત્ક્રાન્તિની પ્રક્રિયા તરીકે જોવા જોઈએ. જુદા જુદા તબક્કે કયા પરિબળોએ તેમાં ભાગ ભજવ્યો છે તે અંગે સમજવું અથવા અધ્યયન કરવું રહ્યું ! આ રીતે પ્રાપ્ત થતાં કારણોની યોગ્ય સમજ જ આ પરિસ્થિતિનાં સમયે  શું  રાખવા જેવું, સંવર્ધન કરવા જેવું, અને બદલવા જેવું છે તે અંગેના યોગ્ય નિર્ણય સુધી આપણને લઇ જઈ શકે એમ છે !

તત્કાલીન પરિસ્થિતિ ‘ કોરોના મહામારી ’ ને લગતી પણ છે. ૨૦૨૦ ની સુપ્રભાતનાં આપણા નવલા સ્વપ્નાઓ જાણે રોળાય ગયા ! ક્યારેય ન જોયેલી, વિચારેલી, અનુભવેલી એવી વિકટ પરિસ્થિતિમાં કોઈ રાજ્ય કે દેશ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ ફસાયું છે. કોઈપણ બાબતને સકારાત્મક અને નકારાત્મક બંને રીતે જોઈ શકાય અથવા મૂલવી શકાય એ હકીકત છે ! આજની નવી પરીસ્થિતિએ માણસને વિચારતો પણ કર્યો છે અને મોટેભાગે અસમર્થ પણ સાબિત કર્યો છે. લાખો લોકોનાં અકાળે મૃત્યુ એજ આપણી અસમર્થતા ! છેલ્લા કેટલાંક મહિનાઓમાં આપણી જીવન જીવવાની પદ્ધતિ પણ બદલાઈ છે. જીવન પ્રત્યેનો આપણો અભિગમ જરૂર બદલાયો છે.  રોજીંદી મથામણમાં - દોડધામમાં આપણે પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે પહેલાં જેટલાં જાગૃત ન્હોતા હતા એના કરતાં અનેક રીતે જાગૃત થયાં છે. ઘરમાં રહેવા છતાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખી છે. વસ્તુ વિના, મોજશોખ વિના અને ઓછી સગવડથી ચલાવી લેતાં જરૂર શીખ્યા છીએ. આવા અનેક મુદ્દાઓ આપણે નોંધી શકીએ છીએ જે આપણને આ ચાર - છ મહિનામાં આપણને પ્રાપ્ત થયાં છે.  આવા સંજોગોમાં  એટલે કે નવી નિર્માણ પામેલી પરિસ્થિતિને પહોંચી વળવા સકારાત્મક સોચ જ મદદરૂપ થાય છે. સમાજની સતત બદલાતી જતી પરિસ્થિતિ આજની સતત વિકસતી જતી ટેકનોલોજી, પેદા થતાં નીતનવા આવિષ્કારો, ઘટતું જતું અંતર એ  વિકાસ તો છે જ પરંતુ એ જ વિકાસ કુદરત સામે જૈવિક પર્યાવરણ સામે ખતરો ન બને તે માટે જાગૃત રહેવું એ પણ એક પડકાર છે.

ઊભી થયેલી વિષમ પરિસ્થિતિને ગંભીરતાથી સમજવી અને સકારાત્મક સોચ સાથે નિવારવી આ બાબતો સાંપ્રત અને ભવિષ્યમાં આવનારી એવી સંભવિત સમસ્યાઓનો ઉકેલ હોય શકે !  આવો, આપણે એવાં જ પ્રયત્નો કરીએ !!!   

No comments:

Post a Comment