પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Tuesday, September 20, 2022

બમ - બમ ભોલે !

 

એક હતાં બકરીબાઇ.  માયાળુ અને વળી એટલાં જ દયાળુ પણ ! પરંતુ બિકણ પણ ખરાં ! તેમાંય વળી કૂતરાથી તો તેઓ ખૂબજ બીવે ! બાજુમાં એક બિલાડીબેન અને બળદભાઇ  રહે,  ત્રણે સારાં અને સાચાં મિત્રો ! બકરીબાઇ આમ સ્વભાવે  શરમાળ અને બળદભાઇ તો સાવ મૂંગા ! આખો દિવસ ખા ... ખા  કરે ને એય નિરાંતે  બેસીને વાગોળે ! ઝડપથી  ખાવું અને  નિરાંતે  પચાવવું ! આ જ એમનો ક્રમ ! આ બાજુ  બિલાડીબેન જેનું નામ... ભારે ખબરદાર ને વળી ખટપટિયાં ! ગમાણ ની બાજુમાં  એક મોટું  શિવાલય. શિવ ભક્તો ભેગાં થાય અને  રોજ સવાર - સાંજ આરતી થાય. મોટા ઘંટનો ઘંટારવ થતાંની સાથે બળદભાઈ તો જાણે  ડોલવા લાગે ! આજે તો શિવરાત્રિનો પ્રસંગ હતો  ! તેથી  શિવાલયમાં  આજે રોજ કરતા  ભાવિક ભક્તોની વિશેષ ભીડ ઉમડી પડી હોય તેવું લાગ્યું  ! બકરીબાઈ અને બળદભાઈ બેઉ ઉત્સુકતાથી માથું ઊંચું કરી તાકી તાકી ને જોવા લાગ્યાં. શું થાય છે તેની કોઈને કશી સમજણ નથી પડતી ! બેઉ ખીલે બાંધેલાં એટલે લાચાર ...! હશે કંઈ, એમ કરીને ફરી પાછા બેઉ વાગોળે ચડ્યાં. બિલાડીબેન તો જાણે બધું સમજી ગયાં ! આજે બાજુનાં મંદિરમાં ભારે ધમાચકડી ને ધામધૂમ જોઇ બિલાડીબેન તપાસે નીકળ્યાં. લોકોની  ભારે અવર - જવરને કારણે લપાતાં છૂપાતા બિલાડીબેન આગળ વધ્યાં. મંદિરનાં ભોજનગૃહમાંથી  આવતી મીઠી મીઠી સુગંધે  બિલાડીબેનનાં મોઢામાં પાણી  લાવી દીધું !  મંદિરમાં બુંદીનો પ્રસાદ જોઇ તેમનાથી ન રહેવાયું. બિલાડીબેન તો પ્રસાદ લેવા બાકોરામાંથી ઝડપથી અંદર સરકી ગયાં ને બાપુની નજર ચૂકવી આખો થેલો જ ખેંચી લાવ્યાં. આ બાજુ પ્રસાદની સુગંધ આવતાં બાજરીનાં રાડાં ચાવતા બળદભાઇનું મોઢું અટકી ગયું, તેનાં પણ મોમાં પાણી આવી ગયું. બકરીબાઇ તો બે ત્રણ દિવસથી બિમાર પડયાં હતાં, ખાવાનું ખાસ ભાવતું ન હતું. બિલાડીબેનને બકરીબાઇની બહુ દયા આવી : વિચાર્યું, બકરીબાઇ આ પ્રસાદ ખાશે તો એમનું મોં સુધરશે ! પણ અહીં બળદભાઇએ તો પોતાનાં મોટાં શીંગડાં હલાવી બિલાડીબેનને ડરાવી દીધાં અને થેલો પોતાની તરફ ખેંચી લીધો. બિલાડીબેન તો ડઘાયાં, અચકાયાં ને ખચકાયાં ! પણ બીકનાં માર્યાં કંઇ બોલ્યાં જ નહીં. બકરીબાઇ પથારીમાં સૂતાં સૂતાં બોલ્યાં : બળદભાઇ આ રીતે એકલાં ખાશો તો બિમાર પડશો ને વહેંચીને ખાશો તો બધાંયને વહાલાં લાગશો. બકરીબાઇની નરમાશભરી વાત બળદભાઇનાં ગળે ઊતરી. તે રાજી થયાં  ને શિંગડા હલાવી ડોલવા લાગ્યાં. પછી ત્રણે જણાએ હળીમળીને બુંદીનાં પ્રસાદની બરાબર લ્હાણી કરી. બાજુનાં મંદિરમાંથી ભકતોએ પ્રસાદી લઇને જયજયકાર કર્યો : બમ - બમ ભોલે ! અહીં ત્રણે જણ એકીસાથે બોલી ઊઠયાં : બમ - બમ ભોલે ! બમ - બમ ભોલે !

No comments:

Post a Comment