પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Tuesday, January 26, 2016

ધોરણ - ૪ ના પ્રજ્ઞાનાં બાળકોએ રજુ કરેલ નાટક : શિક્ષણનો ઉજાસ !

પ્રજ્ઞા નાટક : શિક્ષણનો ઉજાસ !

પ્રજ્ઞા શાળાની શિક્ષિકાઓ ગામમાંથી પસાર થાય છે. મંદિરના પ્રાંગણમાં ચાર – પાંચ છોકરાઓ રમતાં નજરે પડે છે. ખુશ્બુબેન તેમની નજીક જાય છે. આ છોકરાઓ સાથે ગામની એક આઠેક વર્ષની છોકરી પણ હતી. આ છોકરી શાળાએ નહોતી આવતી. ગામની પ્રજ્ઞા શિક્ષિકાઓ તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે.  
 નિશાબેન  -  એય, છોકરી (રમત રમતાં છોકરાઓ તરફ ફરીને જુએ છે અને બૂમ પાડે છે.)
      (અજાણી છોકરી આમતેમ જુએ છે પણ કોઈ દેખાતું નથી તે રીતે અભિનય કરે છે.)
         આ બાજુ છોકરી ! હું બૂમ પાડું છું.
 છોકરી – (સંકોચાઈને ઉભી રહે છે, અને પૂછે છે) હાં બેન તમે મને બોલાવી ?
 દિવ્યાબેન  – હાં, તને બોલાવી ! તું શું કરે છે ? તારું નામ શું ?
 કાજલ -    મારું નામ કાજલ. બેન, દુકાનમાં આવી હતી.
 રીન્કુબેન –  કેટલું ભણી તું ? નિશાળમાં આવતી હોય તો ?
 કાજલ –  પણ બેન મારા પપ્પા નહીં મોકલે ! ઘરનું કામ કરવાનું ને કામે પણ જવાનું. અમે
               બીજા ગામ રહેતાં હતાં, હું ત્યાં ભણતી હતી. પણ હવે નથી ભણવાની.
 નિશાબેન –  જો હું પણ તારા જેમ જ ઘરનું કામ કરતી હતી. પણ ભણીને આગળ આવી.
             આજે આ શાળાની પ્રજ્ઞા શિક્ષિકા બની ગઈ છું. તું ભણશે તો તારું જીવન પણ 
             ઊજળું બનશે.                                                               
 કાજલ –  પણ બેન, મારો દાખલો નથી ને હું હવે મોટી થઈ ગઈ છું. હવે ભણવાનો શું 
              ફાયદો ?
 દિવ્યાબેન – કેમ, એમાં શો વાંધો છે ? જો સાંભળ, ભણવા માટે ઉંમર જોવાની ન હોય !                   ગમે તે ઉંમરે ભણી શકાય. કાલથી તારે નિશાળમાં આવવાનું, હું તારા પપ્પાને                     સમજાવીશ.
              (ગામનાં પશાકાકા મંદિરને ઓટલે બેઠાં બધી વાત સાંભળતાં હતાં. તેમણે ખુશ્બુને                 બોલાવી)
 પશાકાકા – બેન અહીં આવ. તું ક્યારની આ છોકરાઓ સાથે શી માથાકૂટ કરે છે.
 નિશાબેન –હા, પશાકાકા. આ ભણવાની ઉંમરે છોકરાઓ રખડે અને ભણે નહી તો કેમ ચાલે                 ? આપણા
            ગામની શાળા તો હવે પ્રજ્ઞા શાળા બની ગઈ છે. હું પ્રજ્ઞા શિક્ષિકા છું. કાકા આજે                  સારો મોકો છે,
            તમે પણ મારી સાથે નિશાળમાં આવો. 
            (બંને શાળામાં આવે છે. બેન કાકાને બેસાડે  છે.)
 પશાકાકા - એ બેન, આ તું પદમાં પદમાં હું કરે છે ? કાંઇક હરખી હમજ પાડ !
 દિવ્યાબેન – દાદા, પદમાં નહીં પણ પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન !
 પશાકાકા – હા, હા, પરગના બસ, પણ જો તને એક વાત કઉ ?
 રીન્કુબેન –  હા, કાકા શું કહેવું છે તમારે બોલો ?
પશાકાકા – બેન, હું કેટલાંય દિવસથી જોઉં છું આપણી ગામની નિહાળના નાનાં નાનાં છોકરાં              નિહાળે તો જાય છે પણ રમતાં રમતાં જાય, નથી થેલી લઈ જતા કે નથી પાટીપેન !             તો પછી તું બેઠી બેઠી હું ભણાવતી હશે મને એ વિચાર આવે છે.
દિવ્યાબેન –  હા, કાકા તમારી વાત તો સાચી પણ .. ( અટકીને) એ જ તો મારે તમને                     કહેવું છે. જુઓ ! છોકરાઓ નિહાળમાં દફતર, પાટીપેન લીધા વગર જાય ને રમતાં –           રમતાં ભણે એનું નામ જ પ્રજ્ઞા છે ! હું પણ પ્રજ્ઞાશિક્ષક છું. એ છોકરાઓને હું અને આ            મારી સાથી શિક્ષિકા નિશાબેન અને  રિન્કુબેન બધા મળીને ભણાવીએ છીએ.
પશાકાકા – લે, રમતાં  રમતાં ભણવાનું ? એવું તે કાંઈ ભણાય ? ચોપડી વગર તે વળી                 ભણાતું હશે ?
નિશાબેન – અરે, દાદા ચોપડી વગર ને કાળાપાટિયા વગર જ હું ભણાવું છું. હા, મારે ત્યાં             છોકરાઓને ગમે તેવું ભણવાનું અને જ્યાંથી બાકી હોય ત્યાંથી ભણાવવાનુ શરુ                    કરવાનું !
પશાકાકા – પણ પાટીપેન વગર એને લખતાં હું આવડે ?
રીન્કુબેન – પાટી, પેન, પેન્સિલ, રબર, ચોપડી બધું જ નિશાળમાં હોય છે. વિદ્યાર્થીનાં મા –           બાપને તો ચિંતા જ કરવાની નથી.
પશાકાકા – તો, તો બેન આપણા ગામનાં બધાંય નાનાં છોકરાં ભણવા આવતાં હશે કેમ ?
દિવ્યાબેન –   હા, દાદા આવે છે ને ! પણ થોડા છોકરાઓ નથી આવતાં. અમારે નિશાળનું           કામ છોડી તેડવા નીકળવું પડે. છોકરાઓના માં – બાપને સમજાવીએ છીએ. પણ                લોકો ભણતરનું મહત્વ સમજતાં નથી. દાદા, તમે અમને કંઈક મદદ કરો. ઘણાં                  છોકરાઓના મા – બાપને હજી નિહાળે  આવવાનો સમય નથી મળતો. શાળામાં                મળતી સગવડ એ લોકોએ જોઈ નથી. તમે ગામને ચોરે બેસવા જાવ ત્યારે બધાને              આ પ્રજ્ઞા વિશે વાત કરો તો ઠીક રહે !
પશાકાકા – લે,  બેન હું તો મળવા આવ્યો ને તે તો મને દળવા બેહાડી દીધો ! 
           (ખડખડાટ હસે છે.)
દિવ્યાબેન – ના, ના કાકા એવું નથી. આ તો તમે ગામનાં વડીલ છો એટલે જરા.... !
રિન્કુબેન – નિશાબેન – અરે ! દિવ્યાબેન ગભરાવ શું કામ પશાકાકા આપણને જરૂર મદદ               કરશે.
પશાકાકા – ચાલો બેનો હું જાઉ કાલે પેલા મગનને લઈને જરૂર આવીશ.
 શિક્ષિકાઓ – હા, દાદા જરૂર આવજો.
                  (બીજો દિવસ પશાકાકા કાજલ અને એના પપ્પાને લઈને આવે છે.)
પશાકાકા – રામ રામ બેનો !
શિક્ષિકાઓ (દિવ્યા) – રામ રામ.  દાદા, આ કોણ છે. (મગનભાઈ તરફ આંગળી બતાવીને)
મગનભાઈ – બેન મારું નામ મગન. આ મારી દીકરી કાજલ. અમે હવે આ ગામમાં રહેવા            આવ્યા છીએ. પણ છોકરી મોટી થઈ ગઈ છે તો એની મા હવે ભણાવવાની ના પાડે છે.
નિશાબેન – અરે મગનભાઈ એવું ન વિચારો. હવે તો ગમે તે ઉમરે ભણી શકાય છે. સરકાર          કન્યા કેળવણી માટે નવી નવી યોજનાઓ લાવી છે. ભણેલી દીકરી બે કુળ ઉજાળશે.   
રિન્કુબેન – (કાજલને સંબોધીને) તારે ભણવું છે ને કાજલ ?
કાજલ –   હાં બેન તમે ભણાવશો તો ભણીશ.
દિવ્યાબેન –  હા, તો ચાલને તને તો હું પહેલાં શીખવીશ.  (બધા પ્રજ્ઞા વર્ગમાં પહોંચે છે.)
      જો, કાજલ, આ મારો પ્રજ્ઞા રૂમ છે એમાં આ બધું ગોઠવવાનું છે, તું ગોઠવવા             લાગીશ ને ?
પશાકાકા – કેમ નહિ તું કેતી હોય તો તનેય ખુરશી પર ગોઠવી દઉં.
નિશાબેન – દાદા, અમારા વર્ગમાં ખુરશી ના હોય, અમારે ખુરશી પર નહી, અહી નીચે                  પાથરણા પર જ બાળકો સાથે બેસવાનું અને બાળકોને ભણાવવાનું ને શીખવવાનું !
પશાકાકા – અરે, બેન આ ઘોડા જેવું શું છે ?
રીન્કુબેન – હા, દાદા તમારી વાત બરાબર છે, એ ઘોડો છે. ઘોડામાં કાર્ડ હોય, લેડરમાં                  જોવાનું ને પછી કાર્ડ લઈને છાબડીમાં બેસવાનું !
મગનભાઈ – બેન, છાબડીમાં તે વળી બેસાતું હશે ?
દિવ્યાબેન – અરે, મગનકાકા આ તો અમારી પ્રજ્ઞાની છાબડી !
              (દાદા છાબડી ફેરવીને જુએ છે)
           દાદા, મુંઝાશો નહીં. છાબડીમાં અંદર નથી બેસવાનું. કાર્ડ પરનું ચિત્ર પારખવાનું ને               તે જ ચિત્રવાળી છાબડીની સામે નીચે શેતરંજી પર બેસવાનું ને પછી ભણવાનું !
પશાકાકા –  બધાંજ બાળકોએ રોજ શેતરંજી પર જ બેસવાનું ?
નિશાબેન –  હા, દાદા બધાંજ બાળકોએ રોજ શેતરંજી પર જ બેસવાનું !
પશાકાકા –  અલ્યા, મગન આ તો હમજવા જેવું છે હોં !
મગનભાઈ – હાં, કાકા આપણે તો ગામની નિહાળમાં આવી બધી સગવડ છે તે તો જાણતા                  જ નથી.
રિન્કુબેન –  અરે, દાદા આ પેન્સિલ, રબર, સંચો, સ્લેટ, પેન, ચોપડી, કલરબોક્સ...
                 (બધા ડબ્બા બતાવીને)
પશાકાકા – મગન, આ જો તો ખરો....  કાતર ને ગુંદર ને ચાંદલા ને બટન.... અહાહા ખરું                  કહેવાય હોં.
મગનભાઈ – બેન, આ બધી વસ્તુનાં કેટલા રૂપિયા ભરવાનાં ?
દિવ્યાબેન – અરે, મગનભાઈ કેવા રૂપિયાને કેવી વાત ! જાતજાતની વસ્તુ વાપરવાની                      પણ સાવ
                 મફતમાં !
પશાકાકા – તે બેન આ બધી થેલીઓમાં શું છે ?
નિશાબેન – દાદા આ થેલી નથી (બતાવીને) એને પોર્ટફોલિયો કહેવાય. દરેક બાળકે પોતે                    બનાવેલી લખેલી, સાચવેલી બધી સામગ્રી એમાં ભેગી થાય.
પશાકાકા – તે બેન તમે આવું બધું અઘરું અઘરું પોફો...પોફો.. બોલો છો તે આ છોકરાઓને                  સમજાય ખરું ?
દિવ્યાબેન – હાં, કેમ નહીં બધાંય ને આવડે ! છોકરાઓ ચાલો પ્રજ્ઞા સાહિત્ય – સામગ્રીનાં                    નામ બોલો જો.
વર્ગનાં બાળકો – રેક, લેડર, છાબડી, કાર્ડ, ડિસ્પ્લે બોર્ડ, પોર્ટફોલિયો, ટી.એલ.એમ.બોક્ષ,                  પ્રોફાઈલ, પ્રગતિમાપન રજીસ્ટર, વિદ્યાર્થી સ્લેટ, શિક્ષક સ્લેટ...        
               (છોકરાઓ સમૂહમાં નામો બોલે છે. પશાકાકા ને મગનભાઈને નવાઈ લાગે છે.)
પશાકાકા – બેનો આ તમે મને નિહાળમાં લઈ આવ્યા તો બહુ જાણવા મળ્યું. ગામની                  નિશાળમાં આવી રીતે ભણાવાય છે તે જાણી નવાઈ લાગી. મને લાગે છે ગામનાં               બધાં જ લોકોએ પોતાનાં છોકરાઓને સરકારી નિહાળમાં જ ભણાવવા જોઈએ. ચાલો            ત્યારે બેનો અમે હવે જઈએ. તમે કાજલનું ધ્યાન રાખજો. આજે દિવસે પંચાયતની                મીટીંગમાં ને સાંજે મંદિરે જઈને ને બધાંયને ભેગાં કરી આ પદમાં વિશે હમજાવું છું             
રિન્કુબેન – (હસીને) પશાકાકા, ખૂબ સરસ પણ પદમાં નહીં. પ્રજ્ઞા બોલજો પ્રજ્ઞા !
પશાકાકા – હાં, ભાઈ હાં તું કહે તેજ પદમાં !  (બધાં ખડખડાટ હસી પડે છે.)
દિવ્યાબેન  – ચાલ, કાજલ હવે આપણે બધાં ભેગા મળી આ બધું ગોઠવી દઈએ.
વર્ગનાં બાળકો  – ચાલો, ચાલો બધું સરખું ગોઠવી દઈએ.
                (સૌ આમ – તેમ ગોઠવવાનો અભિનય કરે છે.)
નિશાબેન - જો કાજલ બધું બરાબર ગોઠવાઈ ગયું. આપણો રૂમ સરસ થઈ ગયો. જો                     ઘડિયાળમાં હવે પાંચ વાગી ગયાં. હવે ઘરે જવાનો સમય થયો છે. આપને ઘરે                  જઈએ. કાલે તું તારા ફળિયાનાં બધાંય છોકરાઓને લઈને આવજે.
                       (કાજલ જવા લાગે છે. બેન તરત રોકે છે.)
રીન્કુબેન  – કાજલ, હજી ઘંટ નથી વાગ્યો. આપણે પ્રજ્ઞાગીત ગાઈને બધાં સાથે છૂટા                       પડીશું ! 
                (બેનો અને બાળકો સમૂહમાં પ્રજ્ઞાગીત ગાય છે.)
પ્રજ્ઞાવાન બનીશું
અમે સૌ પ્રજ્ઞાવાન બનીશું
રોજ   સવારે   વહેલાં   ઊઠીનેનિત   નિશાળે  જાશું []
દફતરનો  તો  ભાર નથી  ને  [] રમતાં  રમતાં જાશું
અમે ઝગમગ ઝગમગ થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
સુખ  તણો સુરજ  ઊગશે  જો, નિત ગુરૂજી  સંગ રહીશું []
વર્ગ અમારો સ્વર્ગ જ બનશે [] ડર બીકથી પર રહીશું
અમે હસમુખ હસમુખ થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
ગામ  મધ્યે  તમે  ઢોલ  પીટાવો, ચાલો  નિશાળે  જાશું []
પ્રજ્ઞા  અભિગમ   સંગ  અમારો  [સેતુબંધ  રચીશું
અમે કલકલ કલકલ વહેતાં જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
છ  છાબડી  છ  જૂથ  અમારા, એક પછી એક તરી જાશું []
મમ્મી  ઓ  મમ્મી સાંભળ તું  [આગળ વધતાં રેશું
અમે ખિલખિલ થાતાં જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
અમે  બાળકો  બધાં  સરખાં, નાં કોઈ નાનું ના કોઈ મોટું []
ફરી  ફરી  શીખવાનો  અવસર [] નહીં  ખરું નહીં ખોટું
અમે હસતાં હસતાં જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
તિમિર  જશે  ને  જ્યોતિ  રેલાશેઅજવાળું  અજવાળું []
સ્વયં  પ્રકાશે  પ્રગટી  જાશું  [વિઘ્નો  પાર  કરીશું
અમે ઝળહળ ઝળહળ થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦

રજૂઆત – ધોરણ – ૪ નાં પ્રજ્ઞા બાળકો 
રચના : રમેશ પટેલ 

No comments:

Post a Comment