પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Saturday, January 30, 2016

મારો નવતર પ્રયોગ : વાલીસભા : (આવો, એક ડગલું આગળ)

રવિ જે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન – ભારતીય પ્રબંધન સંસ્થાન – અમદાવાદ [RJMCEI - IIM], ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ [GEIC] અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ [GCERT] નો  સહિયારો પ્રયાસ
મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે
                                               

વિષય : વાલીસભા [ આવો, એક ડગલું આગળ ]
નવતર પ્રવૃત્તિનું નામ – વાલીસભા [ આવો, એક ડગલું આગળ...]
કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો ? મારા દ્વારા
નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નુ નામ – શ્રી રમેશચંદ્ર બી. પટેલ
નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નો ફોન નંબર – ૯૪૨૬૮ ૫૯૦૫૬
 નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નુ ઈ – મેલ - rameshchandra.patel1961@gmail.com
શાળાનું સરનામું – પ્રાથમિક શાળા, નવાતરીયા તા. અંકલેશ્વર જિ. ભરૂચ પીન – ૩૯૩૦૦૧
સમસ્યાનું વર્ણન કે જેણે આ નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યાં –
        મારી શાળામાં ૨૦૧૧ [Face – 2] માં પ્રજ્ઞાનો અમલ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞા પોતે જ એક નવતર પ્રયોગ બાળકો માટે, મારા માટે, શિક્ષકો માટે અને વાલીઓ માટે હતો. શું આ રીતે ભણવું, ભણાવવું શક્ય બને ખરું ? પરંતુ નવા પડકારો ઝીલી લેવા અને તેમાં પારંગતતા તરફ જવા હમેશાં કોશિષ કરતા રહેવાની મારી જિજીવિષા એ મને નવા વિચારો, નવા રસ્તાઓ શોધવા તક આપી. પ્રજ્ઞા અંતર્ગત બાળકો પુસ્તક વગર, સ્લેટ – પેન વગર, દફતર વગર, બ્લેકબોર્ડ વગર, નોટબુકસ કે ઈતર સાહિત્ય વગર ભણશે એ બાબત વાલીના મનમાં કેવી - કેવી શંકાઓ  પેદા કરશે ? આમ વાલીના પહેલા પ્રત્યાઘાતો કેવા હશે ? હું એક પ્રજ્ઞા શિક્ષક તરીકે બાળકના માતાપિતાનાં મનમાં ઉદભવતાં એવા પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકું એ મારી સમસ્યા હતી. બીજી તરફ હવે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ મારા તાલુકામાં ખાનગીકરણનો ઓછાયો  ઘેરો બનતો જાય છે. જેની સ્થિતિ કે ત્રેવડ નથી તેવા વાલીઓ ગાડરિયા પ્રવાહમાં તણાયને આર્થિક રીતે ઘસાતાં જાય છે. સરકારી શાળાઓની  તેઓ અવગણના કરતાં થયાં છે. મારા સ્વ માટે અને મારા શિક્ષક સમાજ માટે હું તેને આજનો પડકાર ગણું છું. બીજાની લીટી ટૂંકી કર્યા વગર મારી લીટી લાંબી કરવા હું શું કરી શકું ? મારા બાળકોનાં વાલીઓને હું કઈ રીતે વિશ્વાસ આપી શકું ? મોંઘવારીનાં આ સમયમાં મારો વાલી શા માટે વધારાનાં ખર્ચથી પિસાય ? દુનિયાનાં વિકસિત દેશોએ અપનાવેલ શિક્ષણ પદ્ધતિ હવે આપણા ગુજરાતનાં  ગામડાઓની શાળાઓ સુધી, વાલી પર કોઇપણ જાતનાં બોજ વગર સાવ જ મફતમાં પહોચી હોય તો પ્રજ્ઞાની વિશેષતાથી વાલીઓને માહિતગાર કરવા અને વર્ષાન્તે તેઓને પ્રજ્ઞાના પરિણામથી પણ રૂબરૂ કરાવવા. 

આપની નવતર  પ્રવૃત્તિનું શક્ય હોય તેટલું વિગતવાર વર્ણન –

        પ્રજ્ઞા અંતર્ગત એસ.એસ.એ. દ્વારા આપવામાં આવતી તાલીમ એપ્રિલ – ૧૧ માં ૬ દિવસ લીધી. તાલીમમાંથી આવ્યા બાદ હવે અમારી પાસે માત્ર પાંચ દિવસ સત્રના બચ્યા હતાં. કઈક નવીન ઉપાય શોધવાનાં મારા  ભારે મનોમંથન બાદ મને પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટને નક્કર રીતે મારી શાળામાં લાગુ પાડવા કેટલાક ઉપાયો સુઝ્યા.
        ૧. પ્રજ્ઞા શરૂ કરતાં પહેલા આ નવતર અભિગમનો શક્ય તેટલો બહોળો પ્રચાર – પ્રસાર કરવો.
        ૨. પ્રજ્ઞા પેમ્પલેટ બનાવી વાલીઓ તથા આમ જનતા સુધી પહોંચાડ્વું.
        ૩. વર્ષના આરંભે અને વર્ષનાં અંતે વાલીસભા બોલાવવી અને વધુમાં વધુ વાલીને એકત્ર કરવા 
           કોશીષ કરવી જેથી ગામલોકો માહિતગાર થાય.
મેં એક પેમ્પલેટ તેયાર  કરી ૧૦૦ જેટલી ઝેરોક્ષ કઢાવી. વાલીસભા માટે આમંત્રણ પત્રિકા બનાવી. પ્રત્યેક વાલી, ગામ આગેવાનોને પહોંચાડી વાલીસભામાં બિનચૂક આવવા વિનંતી કરી. સતત ત્રણ દિવસ સઘન પ્રચાર કર્યો.  શાળાનાં આચાર્ય તથા શિક્ષકોને વિશ્વાસમાં લીધા. અમારી મહેનત રંગ લાવી, વાલીઓ ઉત્સાહભેર હાજર રહ્યાં. આ શાળાનો કદાચ આ પહેલો પ્રસંગ હશે જયારે લગભગ ૮૦% વાલીઓ વાલીસભામાં એકઠા થયાં હશે. પ્રાર્થના, પ્રજ્ઞાગીત, અભિનયગીતથી શરૂઆત કરી. ઉપસ્થિત વાલી માતાપિતાને પ્રજ્ઞા અભિગમ વિશે ક્રમશઃ સમજ આપી. પ્રજ્ઞાની વિવિધ સામગ્રી, તેનો ઉપયોગ, ઉચ્ચ ક્વોલીટીની  વસ્તુઓ, બાળકો માટેની જોગવાઈઓ, શિક્ષણ પદ્ધત્તિ, વર્ગખંડ રચના જેવી  તમામ બાબતોની વર્ગમાં લઈ જઈ પ્રત્યક્ષ  ચર્ચા કરી. તેઓના બાળકો આ અભિગમ થકી વધુ હોંશિયાર બનશે તેવું આશ્વાસન આપ્યું. ભવિષ્યમાં કઈંક સારું થશે એવા આશાવાદ સાથે વાલીઓ વિદાય થયાં.
અમે વેકેશન દરમ્યાન ટી. એલ. એમ. બનાવવાથી માંડી વિવિધ તેયારી કરી. પ્રજ્ઞા માટે બે આદર્શ વર્ગો  [ગુજરાતી  - પર્યાવરણ વર્ગ અને ગણિત – રેઈનબો વર્ગ] બનાવ્યાં. પ્રજ્ઞાની તમામ ગતિવિધિઓને નજર સમક્ષ રાખી કામ કરતાં ગયાં. પાયાનાં ધોરણો હોવાથી કથન, વાચન, લેખન અને ગણનમાં સવિશેષ કાળજી લીધી. વાલીસભાને કારણે વાલીઓ બાળકો પ્રત્યે વધુ જાગૃત બન્યાં. ગેરહાજરીનું પ્રમાણ ઘટ્યું. કામ કરવાની ફાવટ આવી, કામ કરતાં ગયાં, પરિશ્રમ પરિપાકમાં પરિણમતો ગયો. મહિનાઓ વીત્યા સત્ર પૂર્ણ થવા તરફ હવે ગતિ હતી. પ્રજ્ઞા થકી મળેલી સફળતાને હવે લોકો સમક્ષ મુકવાનો અવસર હતો.                     
નવતર પ્રવૃત્તિનાં અમલીકરણનું મૂલ્યાંકન આપે કેવી રીતે કર્યું ?

            વર્ષની શરૂઆતમાં બોલાવેલ વાલીસભામાં વાલીઓએ આપેલો પ્રતિસાદ અમારા માટે આખા વર્ષની ઉર્જા હતી. પ્રજ્ઞા થકી મળેલી સફળતાથી  વાલીઓને માહિતગાર કરવા અને વર્ષાન્તે તેઓને પ્રજ્ઞાના પરિણામથી રૂબરૂ કરાવવા પહેલાં અમે આ પ્રજ્ઞાકાર્ય [પુનિતકાર્ય] એકથી વધુ વખત શાળાનાં આચાર્યને અને મુલાકાતીઓને બતાવતાં રહ્યાં. તે ઉપરાંત શાળાનાં ધોરણ – ૩ થી ૮ નાં બાળકોને બતાવવાની વ્યવસ્થા ગોઠવી. શાળાનાં બાગમાં ધોરણ – ૧ અને ર નાં બાળકોની સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયોનું નિદર્શન ગોઠવ્યું. ટેબલ ચાદર બિછાવી ઉપર બાળકોની સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયો ગોઠવ્યા પાછળની તરફ અમારા બાળકો ટેબલને અડીને પોતાનાં કાર્યની પ્રસ્તુતિ માટે ઉભા રહ્યા. એન્ટ્રી ગેટથી ધોરણ – ૩ થી ૮ નાં બાળકો આવતા જાય નિદર્શન કરતાં જાય નાનાં બાળકોને શાબાશી આપતાં જાય. નાનાનું કામ જોઈ આજે મોટા હરખાયા ! કેવો સંજોગ ! ઉપલા ધોરણના બાળકો ખરેખર પ્રભાવિત થયાં. કેવા મરોડદાર મોતીના દાણા જેવા અક્ષ્રરો ! પછી વારો આવ્યો શિક્ષકોનો – બધાએ ઝીણવટ પૂર્વક કામ જોયું, અને સરાહના કરી. બાળકોને શાબાશી મળી. શિક્ષકોને પોત્સાહન, ધન્ય ઘડી !
        એપ્રિલનાં અંતમાં આવું જ નિદર્શન અને વાલીસભાનું આયોજન કર્યું. વાલીઓને લેખિત આમંત્રણ પાઠવ્યું. શુભ દિવસે પ્રાર્થના, પ્રજ્ઞાગીત, અભિનયગીતની રજૂઆત બાદ ઉપસ્થિત વાલીઓને બાળકોની કામગીરીનો ખ્યાલ આપ્યો. વાલી માતાપિતાના પ્રતિભાવો મેળવ્યા. જે મારે માટે કોઈ એવોર્ડથી જરાય કમ નથી. અડધા કલાક બાદ તેમને નિદર્શન સ્થળે લઈ જવાયાં. વાલીઓએ ખુબજ રસ પૂર્વક પોતાના અને પછી બીજાના બાળકોની સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયોનું બારીકાઈથી અવલોકન કર્યું. આ દિવસનું દ્રશ્ય અદભૂત હતું. વાલીઓનો  અને મમ્મી – પપ્પાની રૂબરૂમાં બાળકોનો ઉત્સાહ અનેરો હતો. આજનું દ્રશ્ય કોઈ    ખાનગી શાળાઓનાં પરિસર કરતાં ક્યાંય ઉતરતું ન  હતું.

આપે કરેલા પ્રયત્નોનાં આધારે આપે કેવા પરિણામો પ્રાપ્ત કર્યા ?

        વાલીસભાના મારો પ્રયત્ન ખૂબ જ કારગર નીવડ્યો. વાલીઓ, ગામ આગેવાનો અને શેષ ગામલોકો બાળકોનાં કામથી પ્રભાવિત થયાં.
        = વાલીઓ પહેલાં કરતાં વધુ જાગૃત બન્યા.
        = બાળકોની ગેરહાજરી પર અંકુશ આવ્યો. [લગભગ નિર્મૂલન થયું.]
        = વાલીઓ શાળા સાથે જોડાવાથી વાલી – શિક્ષક વચ્ચે આત્મીયતા વધી.
        = બાળકોની સ્વચ્છતામાં ફેરફાર જોવા મળ્યો.
        = વાલી તરીકે બહેનોની ભાગીદારી નોધપાત્ર જોવા મળી.
        = રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં સામેલગીરી વધી.
        = શિક્ષણ પ્રત્યે ઉદાસીન જણાતો વર્ગ જાગૃત થયો.
        = બાળકની રજા  માટે માતાપિતા શિક્ષક્નો સંપર્ક કરતાં થયાં.
        = બાળકોની સંખ્યામાં વધારો થયો.    
  આપે હાથ ધરેલ નવતર પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે ?

મારી બદલી કલસ્ટરની બીજી શાળામાં થવાથી નવતર પ્રવૃત્તિની વર્તમાન પરિસ્થિતિ વિષે ખાસ જાણકારી નથી. 

તા. ૧૨/૦૭/૨૦૧૩ ને શુક્રવારના રોજ પ્રયોગ ઓનલાઈન રજુ કર્યો. ફોટોગ્રાફ્સ અપલોડ કરી મોકલેલ છે.
જય જય પ્રજ્ઞા

      હાર્ડકોપી બીઆરસી સેન્ટર અંકલેશ્વર માં જમા કરાવી.

No comments:

Post a Comment