ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ [GEIC], ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ [GCERT] અને રવિ જે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન – ભારતીય પ્રબંધન
સંસ્થાન – અમદાવાદ [RJMCEI
- IIM] નો
સહિયારો પ્રયાસ
મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે
વિષય – પ્રજ્ઞા અનુભવ [પ્રજ્ઞા : અજવાળું અજવાળું]
નવતર
પ્રવૃત્તિનું નામ – પ્રજ્ઞા : અજવાળું અજવાળું
કોના
દ્વારા વિકાસ કરવામાં આવ્યો ? મારા
દ્વારા
નવતર
પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નુ નામ – શ્રી રમેશચંદ્ર બી. પટેલ
નવતર
પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નો ફોન નંબર –
૯૪૨૬૮૫૯૦૫૬
શાળાનું સરનામું – પ્રાથમિક શાળા
નવાતરિયા તા. અંકલેશ્વર જી. ભરૂચ
સમસ્યાનું વર્ણન કે જેણે આ નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યાં –
પ્રજ્ઞા શરૂ થતાં પહેલાં અવનવા વિચારો ને ભારે ઉત્કંઠા, ઉન્નત
વિચારોની હારમાળા ને નવું કામ કરવાનો ઉત્સાહ તો હતો જ ! આજ દિન સુધી ન સાંભળી કે ન
અનુભવી હોય તેવી પ્રજ્ઞા અભિગમની જોગવાઈઓ .... ઘડીક વિચારતાં રહી જવાય કે શું આવું
શક્ય છે ખરું? આટલી સુવિધા મળશે ખરી ? નવો અભિગમ, નવો પ્રોજેક્ટ અને નવી જ તરાહ !
બાળકો પાસે પેન્સિલ, રબર, સંચો વગેરે ન હોય ! બાળકો પાસે સ્લેટ પણ ન હોય ! બાળકો
શેતરંજી પર બેસશે, સાથે શિક્ષક પણ નીચે બેસશે ! વર્ગખંડમાં કોઇપણ જાતનું ફર્નીચર ન
હોય ! નહી પુસ્તક, નહી અભ્યાસક્રમ. નહી દેનિક કાર્યની નોંધપોથી ! નહી પરિક્ષા કે
નહી પરિક્ષા ફાઈલ ! નહી બ્લેકબોર્ડ કે નહી ગ્રીનબોર્ડ ! બાળકોએ ન દફતર લાવવાનું કે
ન અન્ય સાહિત્ય ! બસ, હસતાં રમતાં આવવાનું ને હસતાં રમતાં જવાનું ! અચરજ પમાડે
તેવી વાત ને છતાં વાસ્તવિકતા !
પ્રજ્ઞા અંતર્ગત સમસ્યા હોય શકે નહી પણ પ્રજ્ઞાને સફળતા પૂર્વક શાળામાં
કેવી રીતે લાગુ પાડી શકાય અને પ્રજ્ઞા સ્વયં એક નવતર પ્રયોગ છે ત્યારે તેના
અસરકારક અમલ માટે શિક્ષક શું શું કરી શકે ? એનાં અનુભવોનું આદાનપ્રદાન પણ એટલું જ
અગત્યનું છે. એક વ્યક્તિએ કરેલો અનુભવ બીજા માટે પ્રયોગ પણ સાબિત થાય એવા શુભ
આશયથી આ પ્રયોગ અહી રજુ કરું છું. વાલી જાગૃતિ થકી પ્રજ્ઞાનો સાંગોપાંગ અમલ કરવો અને તેનાથી થતી
અસરો તપાસવી. આ બાબતને મેં એક ચેલેન્જ તરીકે ઉપાડી. જેથી બીજી શાળાઓને પ્રેરણા
મળે.
આપની નવતર પ્રવૃત્તિનું શક્ય
હોય તેટલું વિગતવાર વર્ણન –
છ દિવસની તાલીમ મન પરોવીને, હકારાત્મક
વિચારસરણી સાથે અને કઈંક નવું કરવાની ભાવના સાથે લેવાની શરૂઆત થઈ. તજજ્ઞો દ્વારા
અનુભવેલું યા બિન અનુભવેલું જે કઈ પ્રાપ્ત થતું ગયું તે બસ, મનમાં ગૂંથાતું ગયું.
અંગત સ્વભાવ પહેલેથી જ એવો કે મળેલી તક ઝડપી લેવી અને પછી તે કાર્યમાં શ્રેષ્ઠતા
તરફ જવા હમેશાં પ્રયત્નો કરતાં રહેવું. છ દિવસની તાલીમ પૈકી ચાર દિવસની તાલીમનાં
અંતે આ અભિનવ પ્રોજેક્ટ વિશે મને જે કઈ સમજાયું, મારા મનમાં જે ઘુંટાયું તે ચાલુ
તાલીમનાં દિવસો દરમ્યાન રાત્રે ૯ કલાકે અકલ્પનીય રીતે એક ગીત સ્વરૂપે સર્જન
પામ્યું. મારી કલમે આ ગેય અને પ્રજ્ઞા અભિગમના બધાં પાસાને વર્ણવતું પ્રજ્ઞાગીત
આટલી સહજતાથી લખાયું અથવા કહું કે સ્ફુરિત
થયું તે કુદરતની સહાય વિના સંભવી જ ન શકે ! કોઇપણ વસ્તુ માટેની ચાહના, ઉત્કંઠા,
તીવ્ર ઈચ્છા જ આમ કરી – કરાવી શકે એવું જરૂર કહી શકું !
પ્રસ્તુત છે આ પ્રજ્ઞાગીત :
[રાગ : જીવન જ્યોત જગાવો...]
પ્રજ્ઞાવાન બનીશું.
અમે
સૌ પ્રજ્ઞાવાન બનીશું.
રોજ સવારે વહેલાં ઊઠીને, નિત નિશાળે જાશું,
દફતરનો તો ભાર નથીને [૨] રમતાં રમતાં જાશું
અમે ઝગમગ ઝગમગ થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
સુખ તનો સૂરજ ઊગશે જો, નિત
ગુરુજી સંગ રહીશું [૨]
વર્ગ અમારો સ્વર્ગ જ
બનશે [૨] ડર - બીકથી પર રહીશું
અમે હસમુખ હસમુખ થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન
ગામ મધ્યે તમે ઢોલ પીટાવો, ચાલો નિશાળે જાશું
[૨]
પ્રજ્ઞા અભિગમ સંગ અમારો [૨]
સેતુબંધ રચીશું
અમે કલકલ વહેતાં
જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
છ છાબડી છ જૂથ અમારાં, એક પછી એક તરી જાશું [૨]
મમ્મી ઓ મમ્મી સાંભળ તું [૨] આગળ વધતાં રે’શું
અમે ખિલખિલ થાતાં જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
અમે બાળકો બધાં સરખાં,
ના કોઈ નાનું ના કોઈ મોટું [૨]
ફરી ફરી શીખવાનો અવસર [૨]
નહીં ખરું નહીં ખોટું
અમે હસતાં હસતાં જાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
તિમિર જશે ને જ્યોતિ રેલાશે, અજવાળું અજવાળું
[૨]
સ્વયં પ્રકાશે પ્રગટી જાશું [૨] વિઘ્નો પાર
કરીશું
અમે ઝળહળ ઝળહળ
થાશું.... અમે સૌ પ્રજ્ઞાવાન ૦
તા : ૨૯ / ૦૪ / ૨૦૧૧
- રમેશ પટેલ
આ ગીત પાંચમા દિવસે તાલીમાર્થી શિક્ષકો
સમક્ષ ગવડાવ્યું. બધાને ગમ્યું ને ભાવ્યું એવું તત્ક્ષણે મેં અનુભવ્યું. દરેક
પ્રજ્ઞા શિક્ષક પોતાની શાળામાં તેનું અમલીકરણ કરાવે તેવી શુભ ભાવનાથી ગીતની નકલો
વહેંચી, આખરે તો એ વર્ગ સુધી પહોંચે એ જ અપેક્ષિત હતું. તાલીમ લઈને શાળામાં ગયાં
બાદ અમારી પાસે સત્ર પૂરું થવા પહેલાનાં હવે ચાર – પાંચ જ દિવસો બાકી હતા. મનમાં
અવનવા મનોરથ હતાં કે આવી તૈયારી કરીશું, આમ કરીશું, તેમ કરીશું. સાથી શિક્ષકો,
આચાર્યને આટલી માહિતી આપી આવી રીતે અવગત કરીશું. શાળા પર ગયાં પછી વાસ્તવિક રીતે
એવું કરવા ભરપુર પ્રયત્ન પણ કર્યો. તાલીમનો ઉત્સાહ ઓસરે તે પહેલા પ્રજ્ઞાની
વિશેષતા – ખૂબીઓને હાઈલાઈટ કરતું પેમ્પલેટ કમ્પ્યુટર પર તૈયાર કર્યું. ઉનાળુ
સત્રનાં છેલ્લા દિવસે વાલીમિટિંગનું આયોજન કર્યું. સતત બે થી ત્રણ દિવસ સુધી ધોરણ –
૧ તથા ૨ નાં વાલીઓને ઘરદીઠ રૂબરૂ મળી
પ્રજ્ઞા પ્રોજેક્ટ બાબતે અપેક્ષિત સમજ આપી અને વાલી સંમેલનમાં રૂબરૂ હાજરી આપવા
પેમ્પલેટ સહિત આમંત્રણપત્રિકા આપી. ઉઘડતી શાળાએ ધોરણ – ૧ /૨ માં અચાનક આવનારા
પરિવર્તનથી વાલીઓ દ્વિઘા ન અનુભવે, ખોટી ધારણા ન બાંધી બેસે તેની સાથે આ અભિગમ
પ્રત્યે તેઓ આશાવાદી બને તે અત્યંત જરૂરી હતું. વાલીઓને રૂબરૂ મળવા માટે ટૂંકા
સમયમાં કરેલી મહેનતનો સુંદર પ્રતિસાદ મને
છેલ્લા દિવસે જોવા અનુભવવા મળ્યો. લગભગ ૮૦% વાલી માતાપિતા સંમેલનમાં ઉત્સાહભેર હાજર
રહ્યાં. જેમાં બહેનોની હાજરી નોંધપાત્ર હતી. આ સંમેલનમાં વાલી ભાઈબહેનોને આ
પ્રોજેક્ટ વિશે પૂરતી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. આ નવતર અભિગમની વિશેષતાઓથી
સૌને માહિતગાર કર્યા. વેકેશન બાદ પ્રજ્ઞાવર્ગનું બાળક દફતર વગર શાળાએ આવે ત્યારે
પહેલી નજરે ગામડાનાં બહુધા અશિક્ષિત મા – બાપની શી પ્રતિક્રિયા હોય ? કદાચ શંકા –
કુશંકા પણ થાય ! દફતર, પુસ્તકો કે ઈતર સાહિત્ય વગર બાળક શું ભણશે ? એવો પ્રશ્ન પણ સ્વાભાવિક થાય. આ સમસ્યા નિવારવા
અને પ્રજ્ઞા અભિગમના પ્રચાર અને પ્રસાર માટે વાલી સંમેલન બોલાવવું મને અંગત રીતે
પણ વધુ યોગ્ય લાગ્યું. એ માટે ભરપુર ગરમીના દિવસોમાં ઘરે ઘરે ફરી વાલીઓને
અભિપ્રેત કરવાની જે કંઈ મહેનત કરી તેમાં મને ધારી સફળતા પણ મળી.
ઉનાળુ વેકેશન બાદ ઝડપથી અભિગમની શરૂઆત કરવા હું આતુર હોવા છતાં અક્ષમ્ય
રીતે વિલંબ થયો. બાળકોને પેન્સિલ, રબર, સંચો, નોટબુક, પોર્ટફોલિયો, ફાઈલ વગેરે ન
મળે તો કામ જ કેવી રીતે ચાલે ? કોઈ જગ્યાએથી કોઈની મદદ, સહારો કે આશ્વાસન ન મળ્યા ત્યારે સ્વખર્ચે બન્ને
વર્ગની બધી સુવિધા ઊભી કરી.
અનુભવે એવું સમજાયું છે કે પ્રજ્ઞા શાળાઓમાં શાળા કક્ષાએ વર્ગખંડ
બહારની રમત માટે શક્ય હોય તો પ્રજ્ઞા વર્ગની નજીકમાં આરસીસી ભોંયતળિયું તૈયાર કરાવવું. આરસીસી કરાવેલ હશે તો ચાકની મદદથી
જરૂરી રેખાંકન કરી કાર્ડ મુજબ અવનવી રમત રમાડી શકાશે. આ જગ્યા વર્ષભર બાળકો તેમજ
શિક્ષકોને ખૂબ જ ઉપયોગી નીવડશે. બાળકો વર્ગખંડની બહારની રમત માટે વર્ગની બહાર
મોકલવાનાં થાય ત્યારે શિસ્તનો કે તેઓને સાચવવાનો પ્રશ્ન સ્વાભાવિક જ મૂંઝવે, કેમકે
પ્રજ્ઞા વર્ગનાં બાળકો વર્ગખંડ બહારની રમત રમતાં હશે ત્યારે સંભવ છે બીજા બાળકો
તેમાં વિક્ષેપ ઉભો કરી શકે ! પરંતુ સમગ્ર શાળામાં આચાર્ય સહિત શિક્ષકોએ શિસ્ત
પ્રસ્થાપિત કરેલ હશે અને વર્ગ શિક્ષક સતર્ક હશે તો બાળકો તરફથી અપેક્ષિત મદદ જરૂર
મળશે. મને નોંધતા આનંદ થાય છે કે આખું વર્ષ મને આ બાબતે જરાય તકલીફ નથી પડી. મારાં
બાળકોએ શાળા બહારની રમતો ઉપરાંત અભિનયના કાર્ડ, ગીતનાં કાર્ડ વગેરે વર્ગખંડની બહાર
જઈ ખૂબ જ શાંતિથી કર્યા છે. મને ક્યાંય શિસ્તનો પ્રશ્ન આભડ્યો નથી.
સામાન્ય વર્ગ અને
પ્રજ્ઞાવર્ગ એકથી વિશેષ અનેક રીતે ભિન્ન છે. પ્રજ્ઞાની અસરકારકતાનો દાવો જો કરી
શકાતો હોય તો એ ભિન્નતા જ મુખ્ય બાબત છે. પ્રજ્ઞાનો જે અભ્યાસક્રમ ઘડાયેલો છે
[કાર્ડમાં વિભાજીત થયેલો] તેમાં આવતી ક્રમિકતા અને ફરજીયાતપણાને વળગી રહેવામાં આવે
તો ખચિત અપેક્ષિત પરિણામ મેળવી શકાય છે. કોઇપણ કાર્ડ વધારાનું કે ઓછું જણાતું
નથી મતલબ કે અભિનય કરતી સ્ત્રીનું કાર્ડ
હોય કે શિયાળનું ચીટકકામનું કાર્ડ હોય, બાળકનાં સર્વાંગી વિકાસને માટે તે જરૂરી
છે. સામાન્ય વર્ગમાં બધાં બાળકોને વ્યક્તિગત બધાં અનુભવો સમયને અભાવે કે કોઈ અન્ય
કારણોસર આપી શકાતાં નથી, જયારે પ્રજ્ઞા વર્ગમાં પ્રત્યેક બાળકને વ્યક્તિગત આ તક
અવશ્ય મળે જ છે, એવું ભારપૂર્વક કહી શકાય
! દા. ત. મારા વર્ગનાં બાળકોને શરૂઆતમાં કાતર પકડતાં કે કાતરકામ કરતાં
નહોતું આવડતું. આજે તેઓ કાતરકામ સરળતાથી અને ઉત્સાહપૂર્વક કરી શકે છે. વર્ગનાં
તમામ બાળકો સુધી પહોંચવાની, એની પ્રગતિની, એની કચાશની શિક્ષક્ને સુપેરે ખબર પડે
છે. બાળકો સાથે બેસી કામ કરવાની પદ્ધત્તિ હોવાથી નિકટતા વધવાથી શિક્ષક – બાળક
વચ્ચેનું અંતર [શિક્ષક્નો ભય] ઘટે છે. બાળકો પોતાની મુંઝવણ સાહજિક રીતે શિક્ષક
સમક્ષ રજુ કરી શકે છે. પ્રજ્ઞા વર્ગમાં બાળકને પોતાની વસ્તુઓ સાચવવાનો કે
ઊંચકવાનો કોઈ ભય કે ભાર રહેતો નથી, જેથી બાળક સંપૂર્ણ મુક્તતા અનુભવે છે. બાળકનું
સાહિત્ય શાળામાં જ રહેતું હોવાથી તે સચવાયને રહે છે. બાકી સામાન્ય વર્ગનાં
બાળકોનાં પુસ્તકો, નોટબુક ઈત્યાદી સાહિત્ય ઝડપથી ફાટી જાય, વાંકા વળી જાય કે ખોવાય
જવાનાં પ્રસંગો બનતાં હોય છે. પ્રજ્ઞા ભાર વગરનાં ભણતરની સ્થૂળ અને બૌધિક બંને
પ્રકારની વ્યાખ્યાને સાચા અર્થમાં સાર્થક કરે છે. દફતર વિના શાળાએ જવાનું હોવાથી
દફતરનું સ્થૂળ વજન તો રહેતું જ નથી, પરંતુ રમતાં રમતાં ભણવાનું હોવાથી બૌધિક વજન
પણ રહેતું નથી. બાળક હોંશે હોંશે ભણવા પ્રેરાય છે.
ગીત, વાર્તા, જોડકણા, ઉખાણાં, માટીકામ, કાગળકામ, ચીટકકામ, છાપકામ,
કાતરકામ, ચિત્રકામ, રંગકામ [પૂરણી], ગીત, અભિનયગીત, મુખરવાચન, અનુલેખન, શ્રુતલેખન,
સ્વતંત્રલેખન, અક્ષરલેખન જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોને વારંવાર કરવાનો
મહાવરો મળતો હોવાથી બાળકોમાં તેનાથી કેળવાતા કૌશલ્યો ખીલવવાની ઠીક ઠીક તક મળી.
ચાલુ વર્ષે બાલમેળામાં ભાષાશિક્ષણની પ્રવૃત્તિ અંતર્ગત ટુંકા ફકરાનું લેખન
કરાવ્યું. જેમાં મારા પ્રજ્ઞાવર્ગનાં ધોરણ બીજાનાં બાળકોનું પ્રદર્શન મૂલવવાલાયક
રહ્યું. સતત ડબલલીટીમાં અને પૂર્ણ મરોડ [જેને મારા બાળકો મીંડાવાળા અને પેટવાળા
અક્ષરથી ઓળખે છે. દા.ત. મ, ભ,
છ, બ તથા ય, ટ, ડ, ઢ વગેરે] થી લખાવવાની પદ્ધત્તિને કારણે લગભગ બાળકોનાં અક્ષરોનાં
મરોડમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાયો. શબ્દલેખન, વાક્ય્લેખન, ફ્કરાલેખન, પ્રશ્ન –
જ્વાબલેખન, ખાલીજગ્યા પૂરવી, જોડકાં જોડવા, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો,
શબ્દલેખન વગેરેનાં મહાવરા ક્રમશઃ અને તબક્કાવાર આપી શકાયા છે.
ભાષા એ અભિવ્યક્તિનું મહત્વનું અંગ છે. ભાષામાં વાચન – લેખન શીખવવાની
પ્રક્રિયા અત્યંત મહત્વની છે. ભાષા સમૃદ્ધિ હશે તો બીજા વિષયો શીખવામાં બાળકને
ક્યાંય મુશ્કેલી પડશે નહીં અને બાળક કંટાળો પણ અનુભવશે નહીં. વાંચતા કે લખતાં ન
આવડતું હોય તેવું બાળક બીજા બાળકોની તુલનામાં લઘુતાગ્રંથિ અનુભવતું થાય છે,
ક્યારેક શિક્ષકનાં તોછડા વર્તનનું ભોગ બનતાં તે શાળાએ આવવા જ આનાકાની કરતું થવા
સંભવ છે. જેથી બાળકોને શરૂઆતના તબક્કામાં અત્યંત ધીરજપૂર્વક, બાળકની શીખવાની ગતિને
પીછાણી કામ કરવા શિક્ષકોએ શીખ લેવી હિતાવહ છે. બાળક સૌ પ્રથમ પોતાની માતા પાસેથી
[દૂધની ભાષા] ભાષા શીખે છે. શીખેલી ભાષાને અલંકૃત કરવાનું, તેને બોલીને અને કાગળ –
કલમ દ્વારા અભિવ્યક્ત કરતાં શીખવવાનું જવાબદારી ભર્યું કામ માતા પછી તરત શિક્ષકનું
છે. માતા બોલતાં શીખવી દે છે, શિક્ષકે તેને માન્ય ઉચ્ચાર અને માન્ય શૈલીમાં
અભિવ્યક્ત કરતાં શીખવવાનું છે. બાળકનાં કાંડું અને જીભને [ઉચ્ચાર] શિક્ષકે અનેકો
મહાવરાથી, અનેકો પ્રયોગોથી સતત મથતાં રહી પાયાનાં ધોરણોમાં ક્રમશઃ ઘડવાના છે. મને
લાગે છે કે પ્રજ્ઞા અહીં ધૈર્યવાન શિક્ષક્ને ઉત્તમ મદદ પૂરી પાડે છે. શરત છે સહેજ પણ
ઉતાવળ કર્યા વગર નિષ્ઠાપૂર્વક મક્કમતાથી કામ કરતાં જવાની !
ભાષાશિક્ષણને વધુ
મજબૂત, સુદ્રઢ અને નમૂનેદાર બનાવવા મેં પ્રજ્ઞાશિક્ષક તરીકે મારા બાળકો પર પાયાથી
જ સવિશેષ ધ્યાન આપ્યું છે. જેમકે – શુદ્ધ ઉચ્ચાર, શુદ્ધ લેખન, પૂર્ણ મરોડવાળા
અક્ષર, અતૂટ વાચન પદ્ધતિ, ક્રમશઃ અભ્યાસક્રમ મુજબ આવતાં જતાં બધાં જ જુદા જુદા
ચિન્હોની કક્ષા મુજબ ઓળખ અને તેનો વાચન – લેખનમાં સમુચિત ઉપયોગ, હ્સ્વ ઇ, દીર્ઘ ઈ – હ્સ્વ ઉ, દીર્ઘ ઊ, એક માત્રા, બે માત્રા વગેરે યોગ્ય રીતે જ
કઢાવવાની વિશેષ ઝુબેશ તેમજ વાક્ય કે ફકરાલેખનની સમજ, પુસ્તક પકડવાની સાચી રીત
વગેરે વગેરે .. આ ઉપરાંત લેખનમાં લખતી વખતે મૂળાક્ષરને સાચી દિશામાં આપવાનાં મરોડ
તરફ મેં સવિશેષ લક્ષ આપવા કોશિષ કરી છે. તેમાં ખાસ કરીને – ક્ષ, જ્ઞ, ઝ, ઢ, ઠ, ધ,
શ્ર, દ્ર, ણ, તથા દ્ધ, શ્ચ, સ્ત્ર, ઋ, હ્ય, દૃ, રૂ સાથે ‘રકાર’ વાળા શબ્દો [સર્વ,
વૃતાંત, પ્રણામ, ટ્રેન, ચંદ્ર] તથા જોડાક્ષર [અડધા તેમજ આખા અક્ષરવાળા દા..ત.
બચ્ચું, નક્કર, પટ્ટો, મૂઠ્ઠી] નો સમાવેશ થાય છે. પ્રજ્ઞાવર્ગનાં બાળકોને શરૂઆતથી
જ એકમાત્ર ડબલલીટીમાં [ઉપર નીચે અડીને] લખવાની ટેવ પડી હોવાથી વર્ષાન્તે વર્ગનાં
બધાંજ બાળકોનાં હસ્તાક્ષરમાં નોંધપાત્ર સુધારો જણાયો છે. આ ઉપરાંત આગળના ધોરણમાં સીંગલલીટીનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે તે હેતુથી
લીટીને અડીને પરંતુ લીટીની નીચે લખવાની પદ્ધતિનો પણ મહાવરો કરાવેલ છે. જેને મારા
બાળકો લટકાવેલા અક્ષરની સંજ્ઞાથી ઓળખે છે. નાનાં બાળકોમાં પ્રારંભિક તબક્કે વાક્ય
અને ફકારા લેખન લખવાની સાચી ટેવ પાડવી એક
મહેનત, સતર્કતા અને ભારે ધીરજ માંગી લેતું કામ છે. બાળકો બે શબ્દો વચ્ચે યોગ્ય
અંતર રાખતાં નથી, લીટી બદલવામાં સાહજિક ભૂલ કરે છે; ક્યારેક અધૂરી લીટી નોટમાં
છોડી દે છે, તો કોઈ બાળકો પુસ્તકની લીટી જ અધૂરી છોડી દેતાં હોય છે. અહીં
શિક્ષક્ની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે. આ જગ્યા પર તેને વ્યક્તિગત માર્ગદર્શન
નથી મળતું ત્યારે એ બાળક સતત એ ભૂલ આગળ પણ કરતું રહે છે. પરિપક્વ થયેલી આ ભૂલને
પાછળથી સુધારવી અત્યંત કઠિન બને છે. વળી, આ ભૂલ કાળાપાટિયા પર સામુહિક રીતે
સમજાવવા કરતાં જૂથમાં વ્યક્તિગત રીતે સમજાવવાનાં મારા સ્વભાવનું [પ્રયત્નનું] મને
ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. [અભાર પ્રજ્ઞા !]
મેં આ ભૂલ અટકાવવા જૂથ
દીઠ અથવા બાળક દીઠ ખૂબ જ કાળજી લઈ મારી રીતનો એક અસરકારક પ્રયોગ કર્યો છે.
ખાસ કરીને વાક્ય લખતી વખતે બે શબ્દો વચ્ચે
અંતર રાખવામાં ભૂલ કરતાં શેષ બાળકોમાં એક શબ્દ લખાયા બાદ ડાબા હાથની ટચલી આંગળી
મૂકી ચોક્કસ અંતરે લખવાની ટેવનો પ્રયોગ અજમાવી જોયો, જેનું મને ઘણું સારું પરિણામ
મળ્યું છે. આ ઉપરાંત ફકરાની સમજ, ફકરાબંધ લખવાની પદ્ધતિ માટે વ્યક્તિગત સમજ આપવા
પણ ઠીક ઠીક પ્રયત્ન કર્યો છે.
પ્રજ્ઞામાં બંને ધોરણોના ૫૦ – ૫૦% બાળકો
ભેગાં હોય છે. કારણકે પ્રજ્ઞાનું મૂળ જ સહપાઠી શિક્ષણ છે. બાળક – બાળકની મદદથી
શીખે અને સહજતાથી શીખે. જયારે એક વર્ગમાં એકી સાથે છ જૂથ કામ કરતાં હોય ત્યારે
સહપાઠી [ઝડપથી આગળ ચાલતો બાળક] છાબડી ત્રણ અને ચારમાં એક શિક્ષક્ની ગરજ સારે છે.
સહપાઠી શિક્ષક્ની સૂચનાનુસાર મદદ કરી જુથકાર્યમાં કડીરૂપ બને છે. સહપાઠી પોતાનાથી
મોટો, પોતાનાં સમકક્ષ અને કયારેક પોતાનાથી નાનો પણ હોય શકે. પ્રજ્ઞા સૌને સમાન તક
આપે છે.
પ્રજ્ઞા અભિગમ અનુસાર
કામ કરતાં જે અનુભવો વિશેષ રીતે સ્પર્શી ગયાં તેમાં ભાષા પરની ઝડપી પકડ, ઇચ્છિત
શબ્દભંડોળ, શબ્દ પરથી વાક્ય બનાવવાનો મહાવરો, ચિત્રવર્ણન કરવાનો મહાવરો, સરખા
પ્રાસ વાળા શબ્દો લખવાનો ને બનાવવાનો મહાવરો [દા.ત. બચ્ચું –ક્ચ્ચું, પાણી – શાણી,
વડ – તડ, જળ – ફળ, નામ – ઉપનામ, હોંશભેર – હર્ષભેર, બનાવ – અણબનાવ] આમ, અનેકવિધ
તબક્કે બાળક જુદાજુદા અનુભવોમાંથી પસાર થતાં પાયાનાં આ ધોરણમાં અપેક્ષિત ક્ષમતાઓ
હાંસલ કરી લે છે તે બાબત નોંધપાત્ર લાગી. શાળામાં પ્રજ્ઞા શિક્ષકો પોતાની આવડત અને કુનેહનો ઉપયોગ
કરી આ પ્રોજેક્ટને સમગ્ર શાળા અને ગામ માટે સાર્વજનિક કરે ! ઘટતાં જતાં
મહેકમને અટકાવવા પ્રજ્ઞા કમિટમેન્ટ અને પ્રજ્ઞાના પ્રચાર – પ્રસારનો પ્રયોગ
અજમાવવા જેવો ખરો ! મને ગર્વ થાય છે કે મારી શાળામાં હું ઉત્સાહનો માહોલ સર્જવામાં
કઈક અંશે સફળ રહ્યો છું. સતત વાલીઓ સમક્ષ, સાથી શિક્ષકો સમક્ષ, મુલાકાતીઓ સમક્ષ
પ્રજ્ઞાની અસરકારકતાની વાતો વાગોળતાં મેં ભરપૂર આનંદ લીધો છે. શાળામાં
પ્રજ્ઞા ગીત નિયમિતપણે વાજિંત્રો સાથે લયબદ્ધ રીતે ગવાય છે. બાળકો પ્રાર્થનામાં
દરરોજ તાલી અને માથા પર બન્ને હાથનાં અભિનય દ્વારા ઝીલે ત્યારે સાચે જ મન ડોલી ઉઠે
છે. આખા દિવસની ઉર્જા જાણે આ ગીતમાંથી મળે છે.
નવતર પ્રવૃત્તિનાં અમલીકરણનું મૂલ્યાંકન આપે કેવી રીતે કર્યું ?
વર્ષની શરૂઆતમાં બોલાવેલ વાલીસભામાં વાલીઓએ આપેલો પ્રતિસાદ અમારા માટે
આખા વર્ષની ઉર્જા હતી. પ્રજ્ઞા થકી મળેલી સફળતાથી
વાલીઓને માહિતગાર
કરવા અને વર્ષાન્તે તેઓને પ્રજ્ઞાના પરિણામથી રૂબરૂ કરાવવા પહેલાં અમે આ
પ્રજ્ઞાકાર્ય [પુનિતકાર્ય] એકથી વધુ વખત શાળાનાં આચાર્યને અને મુલાકાતીઓને બતાવતાં
રહ્યાં. તે ઉપરાંત શાળાનાં ધોરણ – ૩ થી ૮ નાં બાળકોને બતાવવાની વ્યવસ્થા ગોઠવી.
શાળાનાં બાગમાં ધોરણ – ૧ અને ર નાં બાળકોની સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયોનું
નિદર્શન ગોઠવ્યું. ટેબલ પર ચાદર બિછાવી ઉપર બાળકોની સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયો
ગોઠવ્યા. પાછળની તરફ અમારા બાળકો ટેબલને અડીને પોતાનાં કાર્યની પ્રસ્તુતિ માટે ઉભા
રહ્યા. એન્ટ્રી ગેટથી ધોરણ – ૩ થી ૮ નાં બાળકો આવતા જાય નિદર્શન કરતાં જાય નાનાં
બાળકોને શાબાશી આપતાં જાય. નાનાનું કામ જોઈ આજે મોટા હરખાયા ! કેવો સંજોગ
! ઉપલા ધોરણના બાળકો ખરેખર પ્રભાવિત થયાં. કેવા મરોડદાર મોતીના દાણા જેવા અક્ષ્રરો ! પછી વારો આવ્યો શિક્ષકોનો –
બધાએ ઝીણવટ પૂર્વક કામ જોયું, ચકાસ્યું અને સરાહના કરી. બાળકોને શાબાશી મળી. પ્રજ્ઞા
શિક્ષકોને પોત્સાહન, ધન્ય ઘડી !
આપે કરેલા પ્રયત્નોનાં આધારે આપે કેવા પરિણામો પ્રાપ્ત કર્યા ?
એપ્રિલનાં અંતમાં આવું જ નિદર્શન અને વાલીસભાનું આયોજન કર્યું.
વાલીઓને લેખિત આમંત્રણ પાઠવ્યું. શુભ દિવસે પ્રાર્થના, પ્રજ્ઞાગીત, અભિનયગીતની
રજૂઆત બાદ ઉપસ્થિત વાલીઓને બાળકોની કામગીરીનો ખ્યાલ આપ્યો. આ દિવસે વાલી માતાપિતાના જે પ્રતિભાવો મળ્યાં તે મારે માટે કોઈ એવોર્ડથી જરાય કમ નથી. અડધા કલાક
બાદ તેમને નિદર્શન સ્થળે લઈ જવાયાં. વાલીઓએ ખુબજ રસ પૂર્વક પોતાના અને પછી બીજાના
બાળકોની સ્વઅધ્યયનપોથી અને પોર્ટફોલિયોનું બારીકાઈથી અવલોકન કર્યું. આ દિવસનું
દ્રશ્ય અદભૂત હતું. વાલીઓનો અને મમ્મી –
પપ્પાની રૂબરૂમાં બાળકોનો ઉત્સાહ અનેરો હતો. આજનું દ્રશ્ય કોઈ ખાનગી શાળાઓનાં પરિસર કરતાં ક્યાંય ઉતરતું
ન હતું. અંતમાં એટલું જરૂર કહી શકું કે આ પ્રોજેક્ટમાં વર્ષભર કામ કર્યા બાદ,
તેની પદ્ધતિને સાંગોપાંગ અપનાવવાના અને જાહેર રજાનાં દિવસો સિવાય સતત બાળકો સાથે
સંકળાયેલા રહેવાનાં મારા પ્રયત્ન થકી પ્રજ્ઞાવર્ગનાં બાળકોમાં સામાન્ય વર્ગનાં
બાળકો કરતાં સવિશેષ પરિવર્તન મેં અનુભવ્યું છે. પ્રજ્ઞા પ્રોજેક્ટ હાલના સમયમાં
વધુ સુસંગત અને કારગર ઉપાય તો છે જ પણ બાળકોનાં પાયાનાં કૌશલ્યો ખીલવવા જરૂરી અભિનવ માધ્યમ પણ છે. પાયાનાં
ધોરણોના બાળકોનાં પક્ષે તે ખૂબ જ ઉપયોગી બની શકે ! શરત છે શિક્ષક તેને અપનાવી
આત્મસાત કરે !
આપે હાથ ધરેલ નવતર પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે ?
હાલ આ
શાળામાં ધોરણ – ૧ થી ૪ નો અમલ ચાલુ છે અને બાળકો ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી રહ્યા
છે. પ્રજ્ઞા અભિગમમાં બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરશે એવો દ્રઢ વિશ્વાસ છે. પ્રજ્ઞા થકી બાળકોનાં
જીવનમાં સાચે જ “ અજવાળું અજવાળું” થશે !
જય જય પ્રજ્ઞા
આ પ્રયોગ તા. ૨૦ / ૦૭ / ૨૦૧૩ ને શનિવારનાં રોજ ઓનલાઇન સબમીટ કર્યો .
પ્રજ્ઞા પ્રવૃત્તિને લગતા ફોટા અપલોડ કરી મોકલ્યા છે.
હાર્ડકોપી બીઆરસી સેન્ટર અંકલેશ્વર માં જમા કરાવી.
No comments:
Post a Comment