પ્રજ્ઞા અજવાળું અજવાળું

♣ પ્રજ્ઞા એટલે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે રમત દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે પુસ્તક વગરનું ભણતર. પ્રજ્ઞા એટલે જૂથ દ્વારા શિક્ષણ. પ્રજ્ઞા એટલે હસતાં - રમતાં શિક્ષણ. પ્રજ્ઞા એટલે ખરેખર ભાર વગરનું ભણતર.

પ્રજ્ઞાના નામથી આ બ્લોગ બનાવવાનો મૂળ હેતુ પ્રજ્ઞા અભિગમ પ્રોજેક્ટનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય અને શિક્ષકોને માર્ગદર્શન મળે તે છે. તેમાં રજૂ થતા મૌલિક લેખો એ માત્ર મારા પોતાના વિચારો, નીજી મંતવ્યો અને એક રીતે મારા શિક્ષક જીવનનું અનુભવભાથું પણ કહેવાય ! બધાંજ એ વિચારો સાથે સહમત ન પણ હોઈ શકે! ક્યાંક કોઈની લાગણી દુભાય તેવી બાબત જણાય અને મારા ધ્યાન પર લાવવામાં આવશે તો તેવી માહિતી દૂર કરવામાં આવશે. આભાર..

Saturday, January 30, 2016

મારો નવતર પ્રયોગ : મારી સ્નેહયાત્રા (મારો પડકાર)

ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ [GEIC], ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ [GCERT] અને રવિ જે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન ભારતીય પ્રબંધન સંસ્થાન અમદાવાદ [RJMCEI - IIM] નો  સહિયારો પ્રયાસ
મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે

વિષય મારી સ્નેહયાત્રા [મારો પડકાર]
નવતર પ્રવૃત્તિનું નામ – મારી સ્નેહયાત્રા  [મારો પડકાર]
કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો ?  મારા દ્વારા
નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નુ નામશ્રી રમેશચંદ્ર બી. પટેલ  
નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નો ફોન નંબર94268 59056
 નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષક્નુ ઈ મેલ rameshchandra.patel@gmail.com
શાળાનું સરનામુપ્રાથમિક શાળા નવાતરિયા તા. અંકલેશ્વર જી. ભરૂચ-
પીનકોડ નંબર૩૯૩૦૦૧   


સમસ્યાનું વર્ણન કે જેણે આ નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યાં
ધોરણ – ૧ નાં બાળકોનાં  સર્વે દરમ્યાન મળી આવેલ એક  વિશિષ્ટ બાળક ! શરૂઆતમાં તેને સંભાળવો મારા માટે એક પડકાર હતો. બાળકની શારીરિક, માનસિક મુશ્કેલી તો હતી જ પણ તેથી વધુ શાળાનાં અન્ય બાળકો તરફથી થવા સંભવ હેરાનગતિ પણ મારી સમસ્યા હતી. 
આપની નવતર  પ્રવૃત્તિનું શક્ય હોય તેટલું વિગતવાર વર્ણન     
મારી ફરજનાં કુલ સમયમાંથી બહોળો સમય આચાર્ય તરીકે  [લગભગ ૩૦ વર્ષમાંથી ૨૧ વર્ષ]  કામ કરવાનું થયું છે. પ્રાથમિક શાળાઓમાં આ સીનીયોરીટીના નિયમની બલિહારી હતી ને આજે પણ છે જ ! આપણે ઘણા બધાં સુધારા ને નાણાંકીય જોગવાઇઓ ઊભી કરી પણ પ્રાથમિક શાળામાં સક્ષમ – અનુભવી આચાર્યો માટે વિચારી શક્યા નથી. ડીગ્રી આવશ્યક હોય પણ અનુભવોની અનદેખી પણ કેમ કરી શકાય ! ખેર ! મારે તો વાત કરવી છે  શિક્ષક તરીકે બાળકો સાથે બેસી કામ કરવાની અલોકિક તકની. જે જે આ તક ગુમાવે છે તે શિક્ષક તરીકે ઘણુબધું ગુમાવે છે. પ્રાથમિક શાળાઓમાં નાનાં બાળકો જોડે કામ કરવાનો એક અલગ જ લ્હાવો છે. તેમાં પણ ધોરણ – ૧ થી ૪ માં કામ કરવાનો  અનુભવ તો જે કરે તે જ માણે ! પ્રવૃત આચાર્યોએ પોતાની જાતને ખરેખર આચાર્ય [આચરે તે આચાર્ય] તરીકે ઢાળવી ને  માણવી હોય તો એણે ગમે તે પરિસ્થિતિમાં પણ બાળકો સાથે જોડાયેલાં રહેવા તત્પર રહેવું જોઈએ. જયારે શિક્ષક વર્ગખંડમાં બાળકો સાથે કામ કરતો હોય છે ત્યારે તેને અનેક વિવિધતા ભરેલા અનુભવો થાય છે. બાળકો પાસેથી અપ્રતિમ પ્રેમ અવિરત મળે છે. શાળાએ મોડા  કે અનિયમિત આવતા, ગૃહકાર્ય ન લાવતાં, ઓછું બોલતાં... એવા કિસ્સામાં બાળક પાસે કોઈ વિશિષ્ટ કારણ પણ  હોય શકે છે. જે શિક્ષકે જાણવું અને તેનો ઉકેલ લાવવા કોઈને કોઈ  પ્રયોગ કરવો પણ જરૂરી હોય છે.  મારી તત્કાલીન શાળા છૂટી ને આચાર્ય પદ પણ છૂટ્યું. એપ્રિલમાં હું આ શાળામાં આવ્યો, નવું વાતાવરણ સર્જવાની શરૂઆત માત્ર થઈ ને  ગામમાં જીવંત મીડિયા [બાળકો] દ્વારા સંદેશો પહોંચ્યો. નવી શાળામાં મને પણ મારી ઈચ્છા મુજબનું પહેલું ધોરણ મળ્યું. એપ્રિલ  - મે માસમાં  મેં નવા ગામમાં રસપૂર્વક ઘરે ઘર ફરીને, લોકો સાથે આત્મિયતા પૂર્વક વર્તીને, શિક્ષણનું મહત્વ, વાલીઓની જાગરૂકતા બાબતે ચર્ચા કરતાં જઈ નવાં પ્રવેશપાત્ર બાળકોની ગણતરી [સર્વે] કરી. પ્રતિવર્ષ કરતાં મને અંદાજે આઠ – દસ  બાળકો વધુ મળ્યાં. આ બાળકો અહીનાં વાલીઓનાં સગાં – સબંધીઓનાં હતાં કે જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો.  આ પ્રક્રિયા દરમ્યાન એક બાળક છૂટી ગયું.  હકીકતમાં ફળિયાનાં ને અડોશી – પાડોશી તેને ભણવા લાયક ગણતાં જ ન્હોતાં. એટલે તેઓએ એનાં વિષે જણાવવાનું ટાળ્યું હશે. બાળક માનસિક વિકલાંગ તો હતો જ સાથે સામાન્ય શારીરિક વિકલાંગ પણ જણાતો હતો. હું રૂબરૂ તેના માતાપિતાને મળ્યો. બાળકને જોયો. શારીરિક રીતે જોતાં ચાલવાની ઢબ જરા જુદી લાગી. વધારે તકલીફ માનસિક જોવા મળી. હાથ – પગમાં અસર હતી, પણ પોતાનું કામ પોતાની જાતે કરી શકતો હતો. જન્મથી જ આ તકલીફ છે, એવું માતા પાસેથી જાણવા મળ્યું. પિતા યુવાન પણ પીવાની ખાસ આદત વાળા હતાં. મારી હાજરી અને પૂછપરછની તેમણે અવગણના કરી. બે દિવસ બાદ માતાને શાળામાં બોલાવી સમજાવ્યા. તેઓ બાળકનાં શાળાપ્રવેશ માટે ઉત્સુક તો જણાયાં પણ મુઝવણમાં હતાં. તેમને તેમના બાળકને સંપૂર્ણ રક્ષણ  આપવાનો વિશ્વાસ આપ્યો.
        મેં વાલીને કંઇપણ કહયા વગર એક ચેલેન્જ તરીકે એને પ્રવેશ આપ્યો. નામ હતું માર્ટિન ! પ્રથમ દિવસે શાળાનાં બીજા બાળકો કોઈ અજાયબી જોતાં હોય તેમ તેને ઘેરી વળ્યાં. માનસિક અસર હોવાથી આ બાળકે જે પ્રતિભાવ આપ્યો તે મારે માટે પહેલો પદાર્થ પાઠ હતો. મેં તેની સુક્ષ્મ વર્તણૂકની પણ નોધ લેવા માંડી. કોઈ વખત મૂંઝવણ થતી કેવી રીતે આગળ વધાશે ?  એક વિશિષ્ટ બાળક, બોલવામાં ઘણું બધું અચકાય છેશરૂઆતમાં તો હું એને સમજી જ નહોતો શકતો, ધીમે ધીમે મહાવરો વધાર્યો.  તે પેન પકડી નહોતો  શકતો ! થોડું - ક જુદા જ પ્રકારનું વર્તન પણ ખરું, બીજા બાળકો એની પ્રવૃત્તિમાં રસ લે અને મશ્કરી થશે તેવો અહેસાસ થતાં જ એ વધારે ને વધારે અટકચાળા કરવા લાગે. પછી તરત જ મારે બાજી સંભાળી લેવી પડે. ચાલવામાં પણ તકલીફ - જરા જુદાપણું ! સતત એને મારી સાથે રાખ્યો.  હમેશાં તેને પાસે બેસાડી હૂફ આપી. સૌથી વિશેષ, વર્ગનાં બીજા બાળકો એને કોઇપણ રીતે પરેશાન કરે એવી તક મેં કયારેય વર્ગમાં આવવા દીધી નથી. દિવસમાં કોઇપણ સમયે થોડી ક મિનિટો કાઢી હળવી કસરતો કરાવવી શરૂ કરી. સાંજના તમામ બાળકો સાથે દસ મિનિટ પ્રાણાયામ તો મારો નિત્યક્રમ. આઠેક માસ બાદ તેનામાં મને આંશિક પરિવર્તન જણાયું. મને આશા બંધાઈ. મને લાગ્યું કદાચ એનાં મા - બાપ જેટલો જ હું એને હવે સમજી શકતો હોઈશ. સમય જતાં શાળાનાં બાળકોએ પણ તેને સામાન્ય બાળકની જેમ અપનાવી લીધો. વર્ગનું કે શાળાનું કોઇ પણ બાળક એને લગભગ અલગ સમજતું જ નહતું,  મજાક – મશ્કરી તો બંધ થયાં. બલ્કે જરૂર જણાય તો બીજા એને સારી એવી મદદ કરવા લાગતાં. પ્રાર્થના સંમેલન, રમત – ગમતથી લઈ કોઇપણ પ્રવૃત્તિથી ક્યારેય મેં એને અલગ નથી કર્યો. ચાક લેવા જવું, રજીસ્ટર આપવા - લેવા જવું, કોઈ વર્ગશિક્ષક્ને બોલાવી લાવવાં, વર્ગનાં નાનાં મોટા કામમાં તેને મહત્વ આપવાથી તે વધુ ને વધુ જવાબદારી પૂર્વક વર્તવા લાગ્યો. બે વરસને અંતે તેનામાં મેં સવિશેષ પરિવર્તન જોયું.       
નવતર પ્રવૃત્તિનાં અમલીકરણનું મૂલ્યાંકન આપે કેવી રીતે કર્યું ?
        ૨૦૧૧માં પ્રજ્ઞા તાલીમ અંતર્ગત શાળા નિદર્શન માટે મારી શાળાની પસંદગી થઈ. આ દિવસે પ્રજ્ઞા તાલીમાર્થી શિક્ષકોને આ બાળક, તેની સ્થિતિ, તેની પ્રવૃત્તિ સઘળા પાસા બતાવ્યા. શિક્ષકો રાજી થયાં. બધાએ આ બાબતની ખાસ નોધ લીધી. કોઈએ લખાવી – વંચાવી જોઈ વાતને સમજવાની કોશિષ કરી. મને સમર્થન મળ્યું.   
આપે કરેલા પ્રયત્નોનાં આધારે આપે કેવા પરિણામો પ્રાપ્ત કર્યા ?
        પ્રજ્ઞાવર્ગમાં થતી બધી જ ગતિવિધિ અને પ્રવૃત્તિઓમાં તે સમૂહમાં તો ઠીક પણ સ્વતંત્ર રીતે પણ  કાબેલ બન્યો. ગમે તે ટ્રેમાંથી ગમે તે સિમ્બોલનું કાર્ડ મંગાવો તે લાવી દેશે અને લઇને યોગ્ય છાબડીમાં તે બેસી જશે. ધીમે ધીમે  તે તેની કક્ષા મુજબનું વાંચી શકે  છે, તે બાબત  એક વર્ગશિક્ષક તરીકે મારા માટે  અનહદ આનંદ અને ગર્વની વાત હતી. પેનની વ્યવસ્થિત પકડ ન હોવાથી હજી લખવામાં તકલીફ છે પરંતુ ....... શું કહું બસ...... હા .... તે લખી પણ શકે છે !
આપે હાથ ધરેલ નવતર પ્રવૃત્તિની વર્તમાનમાં શું સ્થિતિ છે ?  -
માર્ટિન સાથે હજી  બે – ત્રણ વર્ષ અવનવા સુક્ષ્મ પ્રયોગોની ખાસ જરૂર હતી, પણ મારી બદલી વધ – ઘટનાં કિસ્સામાં થવાથી માર્ટિન સાથેની મારી ભાવનાત્મક સ્નેહયાત્રા અચાનક તૂટી. મારું દિલ પણ તૂટ્યું પણ ઉપાય ન હતો. આમ, જોવા જઈએ તો પ્રજ્ઞા અંતર્ગત મારા ઘણા પ્રયોગો આ બદલીને કારણે છૂટ્યાં છે, કે જેને ઓછામાં ઓછા ધોરણ – ૪ સુધી લઈ જવાની જરૂર હતી, ને મારી દિલી તમન્ના પણ હતી !

મારી બાજુમાં [છાબડી – ૧ શિક્ષક સમર્થિત જૂથની નીચે] માર્ટિન એક ખાસ મુદ્રામાં
  
આ નવતર પ્રયોગ આજરોજ તા. ૩૦/૦૭/૨૦૧૩ ને મંગળવાર ઓનલાઇન સબમીટ કર્યો. ફોટોગ્રાફ્સ અપલોડ કરી મોકલેલ છે.



No comments:

Post a Comment